કેવું છે કેન્દ્રીય બજેટ ૨૦૧૮-૧૯? શું કહે છે નિષ્ણાતો ‘ચિત્રલેખા’ને…

બજેટ સરકારની નીતીઓ તથા વિકાસના પંથે ચાલવાના પ્રયાસને સહાયક ઠરશેઃ દિલીપ લાખાણી (ટેક્સ કન્સલ્ટન્ટ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ)
 
નાણા પ્રધાન અરુણ જેટલીએ બી.જે.પી. સરકાર હેઠળ પોતાનું ચોથું અને આખરી બજેટ રજૂ કર્યું. મોદી સરકાર દેશની પ્રજાને કોઈપણ કારણસર નારાજ કરી શકવાની પરિસ્થિતિમાં નથી. નાણા પ્રધાન સમક્ષ જનતાને ફાયદા થાય તે માટે પૈસાની લહાણી કરવી કે રાજકોષીય ખાધને જાળવી રાખવી એ પ્રશ્ન હતો. પરંતુ નાણા પ્રધાને એગ્રીકલ્ચર ક્ષેત્ર તથા ગ્રામ્ય વિસ્તારોના લાભ માટેની ઘણી યોજનાઓ રજૂ કરી, જેથી આ ક્ષેત્રના લોકો બી.જે.પી. સરકારને વોટ આપવા તૈયાર થઈ શકે.

સરકારની તીજોરીમાંથી ઓછી થતી રકમની સામે આવક વેરા ધારાની કલમોમાં સુધારા કરીને આવક વધારવાની કોશીષ કરાઈ છે અને રાજકોષીય ખાદ્ય 3.3 ટકા સુધી રાખવાનો પ્રયાસ થયો છે.

આવક વેરા ધારા હેઠળ કરમાફીની રકમમાં અથવા કરવેરાના દરોમાં કોઈપણ ફેરફાર કર્યો નથી. નોકરીયાત વર્ગને 40,000 સુધીનું સ્ટાન્ડર્ડ ડીડકશન આપ્યું પરંતુ કન્વેયન્સ અલાઉન્સના 19,200 અને મેડીકલ રીલીફના 15,000ની રાહત પાછી ખેંચી લીધી. આ સુધારાથી કોઈપણ ખાસ લાભ નોકરીયાત વર્ગને થશે નહીં.

ભારતમાં શેરબજારમાં મોટા પાયે તેજી ચાલી રહી છે. શેરબજારમાં રોકાણ કરનાર પોતાની ડીવીડન્ડ આવક તથા લાંબા ગાળાના નફા પર કોઈ વેરો ભરતો નથી. આકારણી વર્ષ 2019-20થી હવે લોંગ ટર્મ કેપીટલ ગેઈન પર 10 ટકાનો વેરો ભરવો પડશે. શેરોની ખરીદી કીમત કેવી રીતે ગણવી તે માટેના નવા નિયમો ઘડયા છે. 31 જાન્યુઆરી, 2018ના રોજની શેરોની કીમત અથવા તો મૂળ ખરીદ કીમત જે વધુ હોય તેને ખરીદ કીમત તરીકે ગણવામાં આવશે. સરકારના મત પ્રમાણે લગભગ 20,000 કરોડની આવક સરકારને થશે.

સરકારે હાલનો જે 3 ટકાની એજ્યુકેશન સેસ હતી તેને વધારીને 4 ટકા કરી દીધી છે. આ સુધારાથી સરકારને 11,000 કરોડની વધુ આવક થશે.

નોન રેસીડન્ટ ઈન્ડિયનો જે શરબજારમાં રોકાણ કરે છે તેમને પણ લાંબા ગાળાના નફા પર વેરો ભરવો પડશે અને તેમની કર જવાબદારી વધી જશે. નોન રેસીડન્ટને કરન્સી ફ્લક્ચ્યુએશનનો લાભ પણ નહીં મળે.
એફઆઈઆઈને પણ શેરબજારમાં જે મોટા પાયે કમાણી થતી હોય છે તેના પર આજ સુધી કોઈપણ વેરો ભરવો પડતો ન હતો. પરંતુ હવે તેમના પર પણ કરવેરાનો બોજો આવશે.