કેવું છે કેન્દ્રીય બજેટ ૨૦૧૮-૧૯? શું કહે છે નિષ્ણાતો ‘ચિત્રલેખા’ને…

અંદાજપત્ર અન્વયે અમુક મહત્વના, આવશ્યક સુધારાની સૌની અપેક્ષા ફળિભૂત થઈ નથીઃ શૈલેષ શેઠ (પરોક્ષ કરવેરાના નિષ્ણાત, એડવોકેટ)

નાણાપ્રધાન અરુણ જેટલીએ રજૂ કરેલ નાણાકીય વર્ષ 2018-19 માટેનું કેન્દ્રિય અંદાજપત્ર એ જીએસટીના અમલ પછીનું પ્રથમ અને લોકસભાની આગામી ચૂંટણી પહેલાનું અંતિમ અંદાજપત્ર છે. જ્યાં સુધી આડકતરા કરવેરાની દરખાસ્તોને સંબંધ છે ત્યાં સુધી અંદાજપત્રની મહત્તમ દરખાસ્તો કેવળ કસ્ટમ્સના કાયદા અને ડ્યૂટીના કરમાળખાને આવરી લે છે. પાછલાં 7 મહિનાથી દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં રહેલા `જીએસટી’ સંબંધિત કાયદાકીય જોગવાઈઓમાં નાણાપ્રધાન અંદાજપત્ર અન્વયે અમુક મહત્ત્વના અને આવશ્યક સુધારા કરશે એવી સૌની અપેક્ષા ફળિભૂત થઈ નથી.

નાણાપ્રધાનને પોતાના અંદાજપત્ર પરના વક્તવ્યમાં કહ્યું છે કે જીએસટીના અમલ પછીનું આ પ્રથમ અંદાજપત્ર છે અને એક્સાઈઝ ડ્યૂટી તથા સર્વિસ ટેક્સને `જીએસટી’માં સમાવી લેવામાં આવ્યા હોવાથી અંદાજપત્રની દરખાસ્તો મુખ્યત્વે કસ્ટમ્સ સંબંધી છે.

આંશિકપણે તિલાંજલી

આયાતી માલ પર કસ્ટમ્સ ડ્યૂટી ક્રમશઃ ઘટાડવાની જે નીતિ પાછલાં બે દાયકાથી અમલમાં રહી છે એને નાણાપ્રધાને આંશિકપણે તિલાંજલી આપવાની વાત કરી છે. નાણાપ્રધાનના મંતત્વ મુજબ ફૂડ પ્રોસેસિંગ, ઈલેક્ટ્રોનિક્સ, ઓટો કોમ્પોનન્ટ્સ, ફૂટવેર તથા ફર્નિચર જેવા ક્ષેત્રોમાં ઘરઆંગણે ધરખમ `મૂલ્યવૃદ્ધિ’ની સંભાવનાઓ રહેલી છે. આ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તથા આ પ્રકારના અમુક ક્ષેત્રોમાં ઘરઆંગણે ઉત્પાદન – `મેઈક ઈન ઈન્ડિયા’ને ઉત્તેજન આપવાના હેતુથી નાણાપ્રધાને અમુક પ્રોડક્ટ્સની આયાત પરની કસ્ટમ્સ ડ્યૂટીમાં વધારો કર્યો છે. જોકે, અત્રે એની વિગતે ચર્ચા અસ્થાને છે.

કસ્ટમ્સ સંબંધ અંદાજપત્રની એક મહત્ત્વની દરખાસ્ત `એજ્યુકેશન સેસ’ તથા `સેકન્ડરી અને હાયર એજ્યુકેશન સેસ’ સંબંધી છે. નાણાપ્રધાને આ બંને પ્રકારની સેસને રદબાતલ કરી છે. પરંતું એનાથી આયાતકારોએ `હાશકારો’ અનુભવવાની જરૂર નથી! પ્રસ્તુત સેસને સ્થાને નાણાપ્રધાને `સોશિયલ વેલફેર સરચાર્જ’ના નામે એક નવો બોજ ઝીંક્યો છે. આયાતી માલ પર લાગૂ પડતી કુલ કસ્ટમ્સ ડ્યૂટીના 10 ટકાના દરે આ સરચાર્જ વસૂલ કરવામાં આવશે, જેને વિનિયોગ સરકાર હસ્તક વિવિધ સામાજિક સુખાકારી યોજના માટે નાણાંની ફાળવણી માટે થશે. નાણાં ખરડો, 2018ની કલમ 108 અંતર્ગત પ્રસ્તાવિક આ સરચાર્જ 2 ફેબ્રુઆરી, 2018થી જ અમલમાં આવે છે.

સરચાર્જના બોજમાંથી અંશત! રાહત

પરંતુ નાણાપ્રધાને આ સરચાર્જના બોજમાંથી અંશત! રાહત પણ આપી છે. આ અગાઉ જે નિર્દિષ્ટ પ્રોડક્ટ્સની આયાતને પ્રવર્તમાન કસ્ટમ્સ નોટિફિકેશન નં.69/2004 કસ્ટમ્સ તથા 28/2007 કસ્ટમ્સ અન્વયે એજ્યુકેશન સેસ અને સેકન્ડરી એન્ડ હાયર એજ્યુકેશન સેસની ચૂકવણીમાંથી માફી આપવામાં આવી હતી એ પ્રોડક્ટ્સને આ સૂચિત `સોશિયલ વેલફેર સરચાર્જ’માંથી પણ માફી આપવામાં આવી છે. આ એક્ઝમ્પ્શન કસ્ટમ્સ નોટિફિકેશન નં.11/2018 કસ્ટમ્સ અન્વયે આપવામાં આવેલ છે.

પ્રવર્તમાન બંને સેસને રદબાતલ કરતી અંદાજપત્રીય જોગવાઈ નાણાં ખરડાની કલમ 106માં સમાવિષ્ટ છે, જે નાણા ખરડો વિધીવત્ કાયદાનું સ્વરૂપ ધારણ કરે ત્યારે અમલમાં આવશે. આ સંજોગોમાં અંદાજપત્ર નોટિફિકેશન નં.7/2018 કસ્ટમ્સ અને 8/2018 કસ્ટમ્સ અન્વયે આયાતી માલને શિક્ષણ સંબંધી આ બંને સેસ ચૂકવણીમાંથી સંપૂર્ણ એક્ઝમ્પ્શન આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત, અંદાજપત્રીય નોટિફિકેશન નં.13/2018 કસ્ટમ્સ અન્વયે આયાતી માલ પર હાલ લાગુ પડતા ઈન્ટિગ્રેટેડ જીએસટી અને કોમ્પનસેશન સેસને પણ સૂચિત નવા સરચાર્જની ચૂકવણીમાંથી માફી આપવામાં આવી છે. પરિણામે, આયાતી માલ પર ચૂકવવાપાત્ર આ સરચાર્જની ગણતરી કરતી વખતે ઈન્ટિગ્રેટેડ જીએસટી અને જીએસટી કોમ્પેનસેશન સેસને ધ્યાનમાં લેવાના નહીં રહે.

અન્યત્ર, નાણાં ખરડાની કલમ 108ની જોગવાઈ મુજબ સૂચિત સરચાર્જની ગણતરી કરતી વખતે આયાતી માલ પર ભરવાપાત્ર થતી કસ્ટમ્સ ડ્યૂટીને જ ધ્યાનમાં લેવાની રહેશે. કસ્ટમ્સ ટેરિફ એક્ટ 1975ના સેક્શન 8બી અને 8સી હેઠળ સૂચિત સેફગાર્ડ ડ્યૂટી, સેક્શન 9 હેઠળ સૂચિત કાઉન્ટવેઈલિંગ ડ્યૂટી, સેક્શન 9એ હેઠળ નિર્દિષ્ટ એન્ટિ-ડમ્પિંગ અને નાણાં ખરડા, 2018ની કલમ 108ની વેરા કલમ (1) હેઠળ નિર્દિષ્ટ સોશિયલ વેલફેર સરચાર્જને બાકાત રાખવાના રહેશે.

સરચાર્જમાંથી પેટ્રોલ, ડીઝલ, ચાંદી અને સોનાની આયાત પર આંશિક માફી

અન્યત્ર, અંદાજપત્રીય નોટિફિકેશન 12/2018 કસ્ટમ્સ દ્વારા નાણાંપ્રધાને આ સરચાર્જમાંથી પેટ્રોલ, ડીઝલ, ચાંદી અને સોના જેવી કિંમતી ધાતુની આયાત પર આંશિક માફી આપી છે અને આ પ્રોડક્ટ્સની આયાત સંબંધી સરચાર્જને દર કુલ કસ્ટમ્સ ડ્યૂટીના `3 ટકા’ જેટલો સૂચિત કર્યો છે.

નાણાંપ્રધાને પોતના અંદાજપત્ર અન્વયે કસ્ટમ્સ એક્ટ, 1962ની કાયદાકીય જોગવાઈઓમાં પણ વ્યાપક સુધારા કરતી દરખાસ્તો રજૂ કરી છે. આ પ્રસ્તાવિક સુધારા મુખ્યત્વે ડિમાન્ડ નોટિસ ઈસ્યુ કરતાં પહેલા સલાહમસલતની પ્રક્રિયા, એડજ્યુફિકેશન માટેની ફરજિયાત સમયમર્યાદા અને એનું પાલન ન થાય તો કોસની `ડીમ્ડ સમાપ્તિ’ એડવાન્સ ઓથોરિટી સંબંધિત જોગવાઈઓના વ્યાપમાં વિસ્તાર સંબંધી છે.

કસ્ટમ્સ એક્ટ, 1962ના સેક્શન 28ની જોગવાઈ કસ્ટમ્સ ડ્યૂટીની ડિમાન્ડ સંબંધી નોટિસ ઈસ્યૂ કરવા સંબંધી છે. સામાન્ય સંજોગોમાં આ ડિમાન્ડ નોટિસ કાયદાકીય રીતે નિર્દિષ્ટ સંબંધિત તારિખ છે.

`બે વર્ષ’ની અંદર ઈસ્યૂ કરવી આવશ્યક છે. પરંતુ જો જાણીબૂઝીને હકીકત છુપાવીને કે ખોટી હકીકત રજૂ કરીને કે છેતરપીંડી આચરીને કસ્ટમ્સ ડ્યૂટીની ચોરી કરવામાં આવી હોય તો આ પ્રકારે ડિમાન્ડ નોટિસ ઈસ્યૂ કરવાની સમયમર્યાદા `5 વર્ષ’ની નિર્ધારિત કરવામાં આવી છે.

અંદાજપત્રની સૂચિત દરખાસ્ત મુજબ હવે કસ્ટમ્સ ડ્યૂટીની જાણીબૂઝીને ચોરી કરવામાં ન આવી હોય પરંતુ કોઈપણ કારણસર આ ડ્યૂટીની ચૂકવણી ન થઈ હોય અથવા ઓછી થઈ હોય તો એ સંબંધી ડિમાન્ડ નોટિસ ઈસ્યૂ કરતાં પહેલાં સંબંધિત એસેસી સાથે એક `પ્રિ-કન્સલટેશન મિટીંગ’ કરવામાં આવશે આ જોગવાઈનો દેખીતો હેતુ નોટિસ ઈસ્યૂ કરવાની આવશ્યક્તાની ચકાસણી કરવાનો અને સંભવતઃ એને ટાળવાનો હોઈ શકે છે.

સેક્શન 28માં નિર્દિષ્ટ સમયમર્યાદામાં સંબંધિત કસ્ટમ્સ અધિકારી અમુક ચોક્કસ સંજોગોમાં `સપ્લિમેન્ટરી નોટિસ’ ઈસ્યૂ કરી શકે એવી જોગવાઈ દાખલ કરવાની પણ નાણાંપ્રધાને દરખાસ્ત મૂકી છે. આ પ્રકારે `સપ્લિમેન્ટરી નોટિસ’ કયા સંજોગોમાં અને કઈ રીતે ઈસ્યૂ કરી શકાય એ સંબંધિત સ્વતંત્ર નિયમો સૂચિત કરવામાં આવશે. આ એક અતિ ગંભીર દરખાસ્ત છે અને આ અંગેના માર્ગદર્શક નિયમો શું છે એ જાણવું રસપ્રદ બની રહેશે.

સેક્શન 28માં જ સૂચિત અન્ય એક મહત્ત્વનો સુધારો ડિમાન્ડ નોટિસના એડજ્યુફિકેશનના ચોક્કસ સમયમર્યાદા નિર્ધારિત કરવા સંબંધી છે. નાણાંપ્રધાને એક મહત્ત્વનું પગલું લઈને ડિમાન્ડ નોટિસ પરના નિર્ણય માટે સ્પષ્ટ સમયમર્યાદા સૂચવી છે. સૂચિત દરખાસ્ત

મુજબ જો સામાન્ય સંજોગોમાં ડિમાન્ડ નોટિસ ઈસ્યૂ કરવામાં આવી હોય એટલે કે જાણીબૂઝીને કરચોરી કરવાનો આરોપ આ નોટિસ અન્વયે કરવામાં ન આવ્યો હોય તો એના પર સંબંધિત અધિકારીએ નોટિસની તારિખથી 6 મહિનાની અંદર જ નિર્ણય લઈને એનો નિકાલ કરવાનો રહેશે. પરંતુ જો કરચોરીના આરોપ સાથે ડિમાન્ડ નોટિસ ઈસ્યૂ કરવામાં આવી હોય તો આ સમયમર્યાદા `1 વર્ષ’ની સૂચવવામાં આવી છે. આ 6 મહિના કે 1 વર્ષની એડજ્યુફિકેશન માટેની સૂચિત સમયમર્યાદા ઉપરી અધિકારી અમુક સંજોગોમાં `6 મહિના’ કે `1 વર્ષ’ માટે વધારી શકશે.

`ડિમાન્ડ નોટિસ’

સૌથી નોંધપાત્ર બાબત એ છે કે જો ડિમાન્ડ નોટિસને સૂચિત સમયમર્યાદા કે વધારાની સમયમર્યાદામાં નિકાલ કરવામાં નહીં આવે તો એમ ગૃહિત કરવામાં આવશે કે એસેસીને `ડિમાન્ડ નોટિસ’ ઈસ્યૂ જ કરવામાં આવી ન હતી અને કેસનો આપોઆપ નિકાસ થયેલો ગણાશે. નાણાંપ્રધાનની આ દરખાસ્ત ક્રાંતિકારી અને અભૂતપૂર્વ અતિમહત્ત્વની છે અને એની દૂરગામી અસરો પડી શકે છે. વરસો અને ક્યારેક દાયકાઓ સુધી અનિર્ણિત રહેતી ડિમાન્ડ નોટિસોનો આ પ્રસ્તાવિક જોગવાઈને કારણે એક વાજબી સમયમર્યાદમાં નિકાલ આવશે. પરંતુ એનાથી એસેસી અને કરવેરાના સલાહકારો પર માનસિક દબાણ વધશે. વળી આ જોગવાઈનો બંને પક્ષો તરફથી દુરુપયોગ થાય એવી પણ શક્યતા છે.

સૂચિત સમયમર્યાદા

ડિમાન્ડ નોટિસના નિકાલ માટેની આ સૂચિત સમયમર્યાદા અમુક સંજોગોમાં બિનઅમલી રહેશે. જો ડિમાન્ડ નોટિસમાં સમાવિષ્ટ બાબત અંગે સંબંધિત એસેસી કે અન્ય કોઈ વ્યક્તિની અપીલ ટ્રિબ્યુનલ કે હાઈ કોર્ટ કે સુપ્રિમ કોર્ટમાં પેન્ડિંગ હોય અથવા ટ્રિબ્યુનલે કે હાઈકોર્ટે કે સુપ્રિમ કોર્ટે આ પ્રકારની બાબત અંગે વચગાળાનો મનાઈહુકમ આપ્યો હોય અથવા બોર્ડે વિવાદાસ્પદ મુદ્દા અંગે કોઈ ઓર્ડર પસાર ન કરવાની સૂચના આપી હોય અથવા એસેસીની સંબંધિત વિવાદ અંગે સેટલમેન્ટ કમિશનમાં અરજી અનિર્ણિત હોય તો પ્રસ્તાવિક `6 મહિના’ કે `1 વર્ષ’ની સમયમર્યાદા લાગૂ નહીં પડે. આ પ્રસ્તાવિક સંજોગોનું નિવારણ આવી જાય પછી જ સૂચિત સમયમર્યાદાની ગણતરીનો પ્રારંભ થશે.

સેક્શન 28માં જ સૂચિત અન્ય સુધારો રિફન્ડ સંબંધી છે. જો એસેસીને કોઈ વિવાદ પરના નિર્ણય આધારે રિફંડ આપવાનો હુકમ થયો હોય પરંતુ ડિપાર્ટમેન્ટ આ ઓર્ડર સામેની અપીલમાં સફળ થાય અને ચૂકવાયેલ રીફંડ પાછું મેળવવા હકદાર બને તો એ રીફંડની રકમની ઉઘરાણી માટે સ્વતંત્ર ડિમાન્ડ નોટિસ ઈસ્યૂ કરવાની આવશ્યકતા ન રહે પરંતુ એને `સરકારને ચૂકવવાપાત્ર રકમ’ તરીકે ગણીને એ રકમની વ્યાજસહિત વસૂલત કરી શકાય એવી દરખાસ્ત નાણાંપ્રધાને રજૂ કરી છે.

રક્ષણાત્મક જોગવાઈ

આ સિવાય, અન્ય એક સુધારો પણ સેક્શન 28માં સૂચવવામાં આવ્યો છે, જો એસેસીને જાણીબૂઝીને હકીકત છુપાવીને કરચોરી કરવાના આરોપ સાથે 5 વર્ષની વિસ્તૃત સમયમર્યાદા અંતર્ગત ડિમાન્ડ નોટિસ ઈસ્યૂ કરવામાં આવી હોય પરંતુ આ નોટિસ પરની એડજ્યુફિકેશન કે અપીલની પ્રક્રિયા દરમ્યાન 5 વર્ષની આ સમયમર્યાદાને માન્ય રાખવામાં ન આવે એટલે કે નોટિસને `ટાઈમ બેરર્ડ’ ઠેરવવામાં આવે તો ડિમાન્ડનો જેટલો ભાગ `2 વર્ષ’ની સામાન્ય સમયમર્યાદાની અંદર છે એટલા પૂરતી એ ડિમાન્ડ કાયદેસર ગણાય એવી એક રક્ષણાત્મક જોગવાઈ સેક્શન 28માં દાખલ કરવાની દરખાસ્ત છે.

અંતમાં સેક્શન 28માં સૂચિત ઉપરોક્ત સઘળાં સુધારા નાણાં ખરડાની કલમ 61માં સમાવિષ્ટ છે જે આ ખરડો કાયદાનું વિધીવાર સ્વરૂપ ધારણ કરે એ તારિખથી અમલમાં આવશે. આ સંજોગોમાં એ પણ સૂચિત કરવામાં આવ્યું છે કે 14 મે, 2015થી નાણાં ખરડો, 2018 જે તારિખે `કાયદો’ બને એ તારિખ વચ્ચેના સમયગાળા દરમ્યાન ઈસ્યૂ કરવામાં આવેલી ડિમાન્ડ નોટિસ સંબંધી સેક્શન 28ની પ્રવર્તમાન જોગવાઈઓ 4 લાગૂ પડશે.

કસ્ટમ્સ એક્ટ, 1962માં સુધારા સૂચવતી નાણાંપ્રધાનની અન્ય દરખાસ્તોનો ભવિષ્યમાં અભ્યાસ કરીશું. જીએસટીના કાયદા સંબંધી કોઈ જ સુધારા સૂચવવામાં આવ્યા ન હોવાથી કરદાતાઓ અને કરસલાહકારો કદાચિત્ નિરાશ થઈ શકે છે. પરંતુ અહીં નાણાંપ્રધાનને કાનૂની મર્યાદા અથવા વ્યવહારિક મુશ્કેલીઓ આડે આવી હોય એ શક્ય છે. જીએસેટીના કાયદામાં સુધારા કેવળ જીએસટી કાઉન્સિલની ભલામણોને આધારે જ થઈ શકે છે. કદાચ કાઉન્સિલે કોઈ ભલામણો કરી હોય તો પણ એ અંગેની દરખાસ્તોને કાયદા મંત્ર્યાલય તરફથી `લીલી ઝંડી’ મળે એ પણ આવશ્યક છે. શક્યતા આ માટે આવશ્યક સમય ઉપલબ્ધ ન હતો. પરિમાણે, જીએસટી કાયદામાં સુધારા સૂચવતી કોઈ દરખાસ્ત અંદાજપત્રમાં ન હોય એ સ્વાભાવિક છે. હવે કેવળ એ જ જોવું રસપ્રદ રહેશે કે શું અંદાજપત્ર પરની ચર્ચા દરમ્યાન નાણાં ખરડામાં સુધારા સૂચવતા એક `સુધારો ખરડો’ રજૂ કરીને નાણાંપ્રધાન જીએસટી કાયદામાં સુધારાની દરખાસ્તો રજૂ કરશે? શક્યતા નકારી શકાય નહીં…