પ્રિયંકા ગાંધી માટે ઉત્તરપ્રદેશના પૂર્વાંચલની પસંદગી આ માટે…

ત્તર પ્રદેશનો પૂર્વ વિસ્તાર પૂર્વાંચલ તરીકે આઓળખાય છે. આ ઉપરાંત પૂર્વમાં બીજા બે વિસ્તારો પણ છે, જેનો સમાવેશ પૂર્વીય ઉત્તર પ્રદેશમાં થાય છે. અવધ અને નિમ્ન દોઆબ. પૂર્વાંચલના 24 જિલ્લા છે, 29 લોકસભા બેઠકો છે. અવધ સહિત સમગ્ર પૂર્વ વિસ્તારમાં 42 જિલ્લા ગણવામાં આવે છે. તેની 43 બેઠકો છે, જેની જવાબદારી પ્રિયંકા ગાંધી વાડરાને કોંગ્રેસના મહામંત્રી તરીકે સોંપવામાં આવી છે.
પશ્ચિમી ઉત્તર પ્રદેશની બાકીની 37 બેઠકોની જવાબદારી અન્ય મહામંત્રી જ્યોદિરાદિત્ય સિંધિયાને સોંપવામાં આવી છે. સિંધિયાનો વિસ્તાર મધ્ય પ્રદેશનો ગ્વાલિયર ગણાય છે, તેની ઉપરની તરફ પશ્ચિમ ઉત્તર પ્રદેશનો વિસ્તાર આવેલો છે, જેની જવાબદારી તેમને સોંપાઇ છે.આ રીતે ઉત્તર પ્રદેશનો હવાલો બે મહામંત્રીઓને સોંપીને રાહુલ ગાંધી રાષ્ટ્રીય સ્તરે લોકસભાની ચૂંટણીનો હવાલો સંભાળશે. જ્યોતિરાદિત્ય વિશે ભાગ્યે જ કોઈ ચર્ચા થઈ રહી છે, પણ યાદ રાખવું જોઈએ કે તેમને મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી વખતે પ્રચારની જવાબદારી સોંપાઈ હતી. સચીન પાઇલોટની જેમ તેઓ ડેપ્યુટી સીએમ બની શક્યા નથી, પણ હવે સંગઠનમાં તેમને વધારે જવાબદારી આપવામાં આવી છે.
વધારે ચર્ચા ઇસ્ટર્ન યુપી એટલે કે પૂર્વાંચલની થઈ રહી છે, કેમ કે પ્રિયંકા ગાંધી વાડરા ત્યાં સુધી ચમત્કાર કરી બતાવશે તેની ચર્ચા ચાલી નીકળી છે. તેના કેટલાક કારણો પણ છે. રાયબરેલીથી શરૂ કરીને પૂર્વ તરફ અમેઠી સુધીના આ વિસ્તારમાં વારાણસી પણ આવેલું છે. લોકસભાની આ ત્રણેય બેઠકો હાઇ પ્રોફાઇલ બેઠકો છે. રાયબરેલી અને અમેઠીમાં કોંગ્રેસવતી અને માતા તથા ભાઈ વતી પ્રિયંકા પ્રચાર કરતા રહ્યા છે, પણ હવે વારો કદાચ વારાણસીનો છે, જ્યાં મોદી વિરોધ પ્રચારની આંધી જગાવી શકે છે.પણ માત્ર પ્રચાર માટે નહિ, વધુ નક્કર ગણતરી સાથે પ્રિયંકાને પૂર્વાંચલની જવાબદારી સોંપાઈ છે. તેની પાછળ મતોની અને બેઠકોની કેટલીક ગણતરી પણ છે. પૂર્વ કરતાં પશ્ચિમ યુપીમાં એસપી-બીએસપી વધુ મજબૂત છે, જ્યારે પૂર્વમાં યોગી આદિત્યનાથનો ગોરખપુર વિસ્તાર પણ પડે છે. તેથી અહીં ભાજપ સામે કોંગ્રેસ ટક્કર આપે તો તો નુકસાન એસપી અને બીએસપીને ઓછું થાય.
બીજું 2014માં કોંગ્રેસનું ધોવાણ થયું ત્યારે યુપીમાં પણ ભારે ધોવાણ થઈ ગયું હતું. 7.5  ટકા મતો જ મળ્યા હતા અને માત્ર રાયબરેલી અને અમેઠીને બે બેઠકો જ મળી. આ વિસ્તારમાં એસપીને પણ માત્ર એક જ બેઠક મળી હતી. પરંતુ 2009ની ચૂંટણી વખતે સ્થિતિ જુદી હતી. 2009માં કોંગ્રેસની સ્થિતિ અચાનક સુધરી હતી. 2004માં પણ યુપીમાં ખાસ ફાયદો થયો નહોતો, પણ 2009માં બધા પક્ષો અલગ અલગ લડ્યા ત્યારે કોંગ્રેસને 18.5 મતો જ મળ્યા હતા, પણ વધારે મતો ઇસ્ટર્ન યુપીમાં જ મળ્યા હતા. કોંગ્રેસને કુલ 21 બેઠકો ઉત્તર પ્રદેશમાંથી મળી હતી, તેમાંથી 18 બેઠકો આ પટ્ટામાં હતી. તેનો અર્થ એ કે 2009માં બેસાડાયું હતું તેવું ગણિત બેસાડવામાં આવે તો પૂર્વાંચલમાં કોંગ્રેસને બેઠકોનો પણ ફાયદો થાય.
જોકે એવું ગણિત બેસાડવું મુશ્કેલ છે, કેમ કે એસપી અને બીએસપી કોંગ્રેસને ગઠબંધનમાં સાથે રાખવા માગતા નથી. બંનેએ પોતાની રીતે ગઠબંધન કરી લીધું છે, ત્યારે ખાનગીમાં સમજૂતિના ભાગરૂપે ભાજપની મજબૂત બેઠક સામે કોંગ્રેસને મદદ થાય તે રીતે ઉમેદવારોની પસંદગી કરવી પડે. પોતાની નબળી બેઠકો પર એસપી-બીએસપીએ એવી રીતે ઉમેદવાર મૂકવો પડે કે તે ભાજપના મતો કાપે, કોંગ્રેસના મતો ના કાપે. ભાજપ અને કોંગ્રેસની વોટબેન્ક લગભગ સરખી છે, અપર કાસ્ટ વોટ માટે બંનેએ લડવાનું છે. એસપી અને બીએસપી પણ અહીં બ્રાહ્મણ કે ઠાકુરોને ટિકિટો આપે તો દલિતો તથા મુસ્લિમોના મતો કોંગ્રેસ તરફ જાય.
બીજી તરફ એસપી અને બીએસપીની ગણતરી પોતાની રીતે વધુમાં વધુ બેઠકો મેળવી લેવાની છે. કોંગ્રેસની બેઠકો વધે તેમાં ખાસ કરીને માયાવતીને રસ નથી. ભાજપના હરિફ પક્ષોમાં સૌથી વધુ બેઠકો કોની હશે તેની સ્પર્ધા થશે. કોંગ્રેસ પછી સૌથી વધુ બેઠકો (અંદાજે 38) તામિલનાડુમાં જે પક્ષ ફાવે તેની હશે. તે પછીના નંબરે 34થી વધુ બેઠકો માટે મમતા અને માયાવતી વચ્ચે સ્પર્ધા રહેશે. મમતા બેનરજી પાસે 34 બેઠકો છે તે તેમણે જાળવવી જરૂરી છે, પણ તેમની સામે ભાજપનો પડકાર વધ્યો છે. તે સંજોગોમાં માયાવતી કે અખિલેષને લોટરી લાગે અને 35થી વધુ બેઠકો મળે તો તેમનો દાવો રાષ્ટ્રીય રાજકારણમાં વધવાનો છે. તેથી જ પ્રિયંકા ભલે પ્રચારમાં ભાજપને હંફાવે, પણ કોંગ્રેસને વધારે બેઠકો મળે તેવી ઇચ્છા એસપી-બીએસપીની નહીં હોય.
2009માં માયાવતીની રાજ્ય સરકાર હતી. તેમને સૌથી વધુ 27.4 ટકા મતો મળ્યા હતા, પણ બેઠકો માત્ર 18 મળી હતી. વધારે મતો એટલા માટે મળ્યા કે સમગ્ર રાજ્યમાં દરેક બેઠક પર તેમને મતો મળ્યા, પણ જીત મળી નહોતી. એસપીનો દેખાવ સૌથી સારો રહ્યો હતો, કેમ કે તેને 23.3 ટકા મતો સાથે 23 બેઠકો મળી ગઈ હતી, જ્યારે ભાજપને કોંગ્રેસ કરતાં એક ટકો જ ઓછા 17.5 ટકા મતો મળ્યા હતા, પણ બેઠકો માત્ર 10 મળી હતી.
2009ની જેમ જ 2014માં બધા પક્ષો જુદા જુદા લડ્યા, પણ ચિત્ર બદલાઇ ગયું. ભાજપની લહેર ચાલી અને 42.2 ટકા મતો મળી ગયા. તેના કારણે 71 બેઠકો કબજે થઈ ગઈ. ભાજપના સાથી પક્ષ અપના દળને પણ બે બેઠકો મળી. આ લહેર આગળ વધી અને 2017માં વિધાનસભાની ચૂંટણી વખતે 43.5 ટકા મતો થઈ ગયા અને 403માંથી 312 બેઠકો ભાજપને મળી ગઈ.
આ મોટો ઝટકો હતો. ખાસ કરીને એસપી અને બીએસપી માટે, કેમ કે તેઓ પોતાનો ટેકેદાર વર્ગ ઠીક ઠીક અંશે જાળવી શક્યા હતા, પણ બંને અલગ લડ્યા હતા તેથી બેઠકો ના મળી. બંનેના મતોની ટકાવારી 40 ટકાથી વધારે થતી હતી, પણ બીએસપીને અંદાજે 19 ટકા સાથે ઝીરો બેઠક મળી, જ્યારે એસપીને અંદાજે 21 ટકા સાથે માંડ પાંચ બેઠકો મળી હતી. કોંગ્રેસના મતો અડધા થઈ ગયા અને બેઠકો 21માંથી સીધી 2.
આ સંજોગોમાં કોંગ્રેસે યુપીમાં ખાસ કંઈ ગુમાવાનું નથી. એસપી અને બીએસપીએ કોંગ્રેસે સાથે રાખીને કશું મેળવવાનું નથી. તેથી બંનેએ સમજૂતિ કરી લેવાનું નક્કી કર્યું તે પછી કોંગ્રેસ પાસે હુકમનું પત્તું હતું તે કાઢવામાં આવ્યું છે. પ્રિયંકા ગાંધી પૂર્વાંચલમાં મહેનત કરે અને ચમત્કાર કરીને બેઠકો વધારી લાવે તેવું કોંગ્રેસીઓ માનવા લાગ્યા છે. વાસ્તવિકતા એ છે કે બેઠકો વધે તેવી શક્યતા ઓછી છે, પરંતુ દેશના સૌથી અગત્યના રાજ્યમાં કોંગ્રેસને ચેતનવંતો કરવા સાથે ભાજપને પ્રિયંકા પર કેવી રીતે પ્રહારો કરવા તે માટે ગૂંચમાં પણ નાખવાની સ્ટ્રેટેજી પણ છે.

પરિવારવાદ અને વાડરાની ટીકાથી કોંગ્રેસ ટેવાઈ ગયો છે, પણ ધાર્યા પ્રમાણે સફળતા ના મળે ત્યારે પ્રિયંકાનું હુકમનું પત્તું એક જ ચૂંટણીમાં નક્કામું ના થઈ જાય તેની પણ કાળજી લેવાની છે. તેથી માત્ર ઇસ્ટર્ન યુપીની જ જવાબદાર સોંપાઈ છે અને હેતુ રખાયો છે કે આગામી વિધાનસભા સુધીમાં પક્ષને મજબૂત કરીને સરકાર બનાવવા માટે કોશિશ કરવી. એ રીતે પ્રિયંકાને અપજશ ઓછો મળે તેની કાળજી રખાઈ છે, સાથે જ યોગી આદિત્યનાથની સ્થિતિ નબળી પડી છે ત્યારે ત્યાં જ તેમને ચેલેન્જ આપવા ખાતર પ્રિયંકા માટે પૂર્વાંચલની પસંદગી થઈ છે.