Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

– દેવદત્ત પટનાયક

ઓગણીસમી સદીમાં હિન્દુને નવી દૃષ્ટિએ જોવાનું શરૂ થયું હતું. તેની પાછળ બે પરિબળો હતા. એક હતી મિશનરી પ્રવૃત્તિ, જેમનો ઈરાદો વટાળખોરીનો હતો. મિશનરીઓ દ્વારા હિન્દુત્વના એવા પાસાને સમજાવવાની કોશિશ થઈ, જે ભદ્ર વર્ગ દ્વારા સંકોચના કારણે ટાળવામાં આવતા હતા. ભદ્ર વર્ગ કેટલીક બાબતોને યોગ્ય રીતે સમજાવી શકે તેમ નહોતો તેથી તેનાથી સંકોચ અનુભવતો હતો.

બીજું પરિબળ હતું યુરોપના એન્લાઇન્મેન્ટના માનવીય મૂલ્યોના પરિચયને કારણે અભિગમમાં આવેલું પરિવર્તન. આ પરિવર્તનોને ઘણી વાર હિન્દુ રેનેસાં, હિન્દુ સુધારણા કે નવજાગૃતિ કહેવામાં આવે છે. રેનેસાં શબ્દની પસંદગી યુરોપના આ જ શબ્દ પરથી કરવામાં આવી હતી. 15મી સદીમાં યુરોપમાં ધર્મ સામે તર્કની હવા ફેલાઈ તેને રેનેસાં યુગ કહેવામાં આવે છે.

એકસમાન રીતે હિન્દુત્વને નવી દૃષ્ટિ તૈયાર થઈ નહોતી. જુદા જુદા જૂથો દ્વારા અલગ અલગ દિશામાં તે માટેના પ્રયત્નો થતા રહ્યા હતા. ઘણા દ્વારા લોકોમાં પ્રચલિત રિતરિવાજોનો નકાર કરવામાં આવ્યો હતો, જેમ કે મૂર્તિપૂજા, વૃક્ષો તથા ગાયની પૂજા વગેરે. અન્ય લોકો વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની વાત કરતા હતા, જે ઘણી વાર સૂડો-સાયન્ટિફિક જેવું જ રહેતું હતું. રિવાજોને વૈજ્ઞાનિક રીતે અથવા તો તર્કની દૃષ્ટિ સમજાવવાની કોશિશ આમાં થતી હતી. કેટલાકને લાગતું હતું કે વિધિઓ અને રિવાજોમાં સડો પેસી ગયો છે અને તેમાં સુધારાની જરૂર છે. કેટલાકને લાગતું કે આ બધી પરંપરાઓ એકદમ પરફેક્ટ છે અને તેમાં કોઈ સુધારા કરવાની જરૂર નથી. ફક્ત આપણે તેને બરાબર સમજી શક્યા નથી એમ તેમનું કહેવું થતું હતું. તે યુગના બે ધુરંધર ધાર્મિક આગેવાનો – સ્વામી દયાનંદ સરસ્વતી અને સ્વામી વિવેકાનંદનો અભ્યાસ કરીએ ત્યારે વિચારોનું આ વૈવિધ્ય સ્પષ્ટ થઈ જાય છે.

દયાનંદ ગુજરાતમાં જન્મ્યા હતા, જ્યારે વિવેકાનંદ બંગાળમાં જન્મ્યા હતા. બંને સમૃદ્ધ પરિવારોમાં જન્મ્યા હતા. બંનેને સારું શિક્ષણ પણ મળ્યું હતું. બંનેએ સંન્યાસ લેવાનું નક્કી કર્યું હતું. બંને માનવો વચ્ચે સમાનતા, ન્યાય અને વૈશ્વિક ભાતૃભાવમાં માનતા હતા. બંને રાષ્ટ્રવાદી પણ હતા અને બ્રિટીશરો પાસેથી આઝાદી ઇચ્છતા હતા. દયાનંદ સંસ્કૃત્તના પંડિત હતા અને તેમને શાસ્ત્રાર્થ કરવો પસંદ હતો. જોકે ધીમે ધીમે તેમણે હિન્દીમાં જ વધારે વક્તવ્ય આપવાનું શરૂ કર્યું હતું, જેથી લોકો સમજી શકે. વિવેકાનંદ અંગ્રેજીમાં ફ્લુઅન્ટ હતા અને વક્તા તરીકે બહુ જાણીતા હતા. તેમણે પશ્ચિમમાં જઈને હિન્દુત્વ વિશે પ્રચાર કર્યો હતો. બંનેએ પોતપોતાના વિચારોના પ્રસાર માટે સંસ્થાઓ સ્થાપી હતી. દયાનંદ દ્વારા આર્ય સમાજ અને વિવેકાનંદ દ્વારા રામકૃષ્ણ મઠ. બંને જ્ઞાતિવાદના વિરોધી હતા અને તેમની સંસ્થાઓમાં મહિલાને સ્થાન મળતું હતું. બંને લોકપ્રિય બન્યા હતા અને હજારોની સંખ્યામાં લોકો તેમના અનુયાયીઓ બન્યા હતા. દયાનંદ ઉત્તર ભારતમાં વધારે લોકપ્રિય થયા, જ્યારે વિવેકાનંદ પૂર્વ અને દક્ષિણ ભારતમાં વધારે ખ્યાતી પામ્યા હતા.

જોકે આ બંને મહાનુભાવોના વેદ વિશેના વિચારો બહુ ભિન્ન હતા. દયાનંદ માનતા હતા કે સંહિતા એટલે કે વેદ ઇશ્વરીય સંદેશ ધરાવે છે. તેની સામે વિવેકાનંદ ઉપનિષદોને વધારે પસંદ કરતા હતા, કેમ કે તેમાં ફિલોસોફી હતી, જે વેદાંત તરીકે ઓળખાય છે. દયાનંદ બધા જ પ્રકારના પુરાણોને નકારી કાઢતા હતા, મૂર્તિપૂજાનો વિરોધ કરતા હતા અને મંદિરોની વિધિઓને અર્થહિન ગણતા હતા. જોકે તેઓ યજ્ઞને મહત્ત્વ આપતા હતા. વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા, તેથી દેવીની પૂજાનું માહાત્મ્ય સ્વીકારતા હતા. રામકૃષ્ણ પોતે કાળી માતાના ભક્ત હતા.

દયાનંદ અને વિવેકાનંદની બંનેની અનેક લોકોએ ટીકા પણ કરી છે. તેમાં કેટલી ટીકાઓ વાજબી પણ છે અને તેમના દ્વારા થયેલા અર્થઘટનોને સ્વીકાર્યા નથી. કેટલાક ટીકાકારો બંનેની લોકપ્રિયતાથી ઇર્ષા અનુભવતા હતા અને કેટલાક માત્ર વાંકદેખા જ હતા. વેદના સૂક્તોનું દયાનંદ દ્વારા થયેલું ક્રિએટિવ અર્થઘટન નકારીને ઘણાએ તેમની ટીકા કરી હતી. તેઓ અન્ય ધર્મોની ટીકા કરતા હતા અને વટલાયેલા હિન્દુઓને ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિની વાત કરતા હતા તેની પણ ટીકા કરતા હતા. વિવેકાનંદે દરિયાપાર પ્રવાસ કર્યો તેના કારણે પણ નિંદા થઈ હતી, કેમ કે તે વખતે આવા પ્રવાસની મનાઈ હતી અને તેના કારણે વ્યક્તિને નાત બહાર મૂકાતી હતી. તેમને નોન-વેજ આહાર સામે કોઈ સૂગ નહોતી અને હિન્દુ ધર્મને તેઓ રાષ્ટ્રવાદના સંદર્ભમાં જોતા હતા તેની સામે પણ ઘણાને વાંધો હતો.

એકવીસમી સદીમાં આપણે ઘણી વાર એવું માનીને ચાલીએ છીએ કે ભૂતકાળમાં હિન્દુ અગ્રણીઓ એકસમાન દૃષ્ટિએ વિચારતા હતા. તેમની કોઈએ ટીકા કરી હશે તેવી કલ્પના પણ આપણને ના હોય. હકીકતમાં એવું નહોતું. ભારતીયપણામાં જે વક્રતા અને અસ્તવ્યસ્તતા જોવા મળતી હોય છે, તે હિન્દુ રેનેસાં એટલે કે હિન્દુ સુધારણામાં પણ જોવા મળી હતી. તે પણ બહુ સંકુલ બની હતી, જાતજાતના અભિપ્રાયો ઊભા થયા હતા, ટીકાઓ થઈ હતી અને વિવાદો પણ થયા હતા. ટૂંકમાં અદ્દલ ભારતમાં થાય તેવું જ થયું હતું.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS