Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

આવતા શુક્રવારે ગુરગાંવમાં દબદબાપૂર્વક યોજાનારા છઠ્ઠા વોચ વર્લ્ડ એવોર્ડ્સનું એક ટ્રેલર.


Chitralekha Watch World Awards 2015

રીડર બિરાદર… જરા તમારા દિલની ધડકનને જાળવજો… એક એવા એવૉર્ડ્સ આવી રહ્યા છે, જેની દર વર્ષે સમયસૃષ્ટિ આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરે છે. નામ એનું: વૉચ વર્લ્ડ એવૉર્ડ્સ-૨૦૧૫, જે યોજાશે ૯ ઑક્ટોબરના વેસ્ટિન હોટેલ, ગુરગાંવમા. ‘ચિત્રલેખા’ ગ્રુપ દ્વારા યોજાતા વૉચ વર્લ્ડ એવૉર્ડ્સ એટલે સમયસર્જન અથવા વૉચમેકિંગ તથા એની પાછળનાં સાયન્સ-ટેક્નોલૉજીને પોંખવાનો અનેરો અવસર અને વૉચ વર્લ્ડ એવૉર્ડ્સનું આ છઠ્ઠું વર્ષ છે.

‘ચિત્રલેખા’ અને વિશેષ તો આ જ ગ્રુપ દ્વારા પ્રકાશિત થતા ‘વૉચ વર્લ્ડ’ સામયિક માટે હરખાવા જેવી વાત એ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વિત્ઝરલૅન્ડની કેટલીક શ્રેષ્ઠ બ્રાન્ડ્સ એવી કાર્તિયે, આઈડબ્લ્યુસી, હુબ્લો, ઝેનિથ, ગ્રૂબલ ફોર્સે, યુલિસ નાર્દેં તથા જપાનની સીકો, સિટિઝન તેમ જ ભારતની ટાઈટન, વગેરેએ વૉચ વર્લ્ડ એવૉર્ડ્સમાં ઉમળકાભેર ભાગ લીધો છે.

દર વર્ષે ઘડિયાળની આ બેસ્ટંબેસ્ટ બ્રાન્ડ્સ વિવિધ કૅટેગરીમાં સમ્માન મેળવવા એકમેક સાથે તંદુરસ્ત સ્પર્ધા કરે છે. એવૉર્ડ્સની કૅટેગરી પણ કેવી રસપ્રદ? જેમ કે કઈ કંપનીએ સૌથી કૉમ્પ્લિકેટેડ ઘડિયાળ બનાવી? બેસ્ટ સ્પોર્ટ્સ વૉચ કઈ બ્રાન્ડની? અચ્છા, સૌથી સરસ ફૅશન વૉચ કઈ? બેસ્ટ ડિઝાઈન, બેસ્ટ લિમિટેડ એડિશન વૉચ, વગેરે.

આ તો થયા પ્રોડક્ટ કૅટેગરીના એવૉર્ડ્સ. આ સિવાય માર્કેટિંગ અને મર્ચન્ડાઈઝિંગ એવૉર્ડ્સ પણ ખરા, જેમ કે પ્રચાર કરવામાં કઈ બ્રાન્ડ મેદાન મારી ગઈ… એમાં પણ પાછી બે કૅટેગરી: છાપાં-મૅગેઝિન્સ જેવાં પ્રિન્ટ મિડિયા તથા ટેલિવિઝન પર કઈ બ્રાન્ડે સરસમજાની જાહેરખબર બનાવી, કઈ બ્રાન્ડે નવું બુતિક બનાવ્યું કે કોણે તરત ધ્યાન ખેંચે એવાં વિરાટ હૉર્ડિંગ્સ બનાવ્યાં, વગેરે.

એક રસપ્રદ વાત એ છે કે આ વખતે એક નવી કૅટેગરી ઉમેરવામાં આવી છે: સોશિયલ મિડિયા અર્થાત્ ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, વગેરે જેવાં માધ્યમનો જેણે બેસ્ટ ઉપયોગ કર્યો હશે એને પણ એવૉર્ડ આપવામાં આવશે.

‘ચિત્રલેખા’ગ્રુપના પ્રેસિડન્ટ- પબ્લિશર મિત્રજિત ભટ્ટાચાર્ય કહે છે કે આજે દુનિયાભરની લક્ઝરી બ્રાન્ડ્સ પોતાના ગ્રાહકો સુધી પહોંચવા સોશિયલ માધ્યમોનો ઉપયોગ કરે છે એટલે એની નોંધ લેવી જ પડે. સાથે સાથે આયોજક તરીકે અમે પણ ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, સ્નૅપચૅટ જેવાં માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છીએ.

વૉચ વર્લ્ડ એવૉર્ડ્સનું ટ્વિટર હૅન્ડલ છે @WatchWorldIndia, પણ એવૉર્ડ્સ વિશેની ગતિવિધિ જાણતી વેળાએ કે એ વિશે કંઈ કમેન્ટ કરતી વેળાએ જો વાચકો #WatchWorldAwards ટાઈપ કરશે તો એની ત્વરિત નોંધ લેવામાં આવશે. વાચકો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવી સાઈટ્સની વિઝિટ લઈને આ એવૉર્ડ્સમાં શું શું નવું બની રહ્યું છે એ જાણી શકશે.

આ ઉપરાંત, એવૉર્ડ ફંક્શનના દિવસે સ્નૅપચૅટ પર તત્કાળ અવનવી વાતો જાણવા મળશે, જેમ કે તમારી માનીતી સેલિબ્રિટી ફંક્શનમાં પધારી ચૂકી છે, કઈ બ્રાન્ડને કઈ કૅટેગરીમાં એવૉર્ડ મળ્યો, બોલીવૂડની કઈ હસ્તી આવી ને એણે કેવી વસ્ત્રસજ્જા કરી છે, વગેરે.

સમયસૃષ્ટિને લગતા આ એવૉર્ડ્સ કઈ કઈ બ્રાન્ડને મળશે એ નક્કી કરવા માટે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની બનેલી એક જ્યુરી રચવામાં આવી છે. એમાં સામેલ છે:

ઘડિયાળસર્જનમાં પાંચ દાયકાનો અનુભવ ધરાવતા સ્વિસ વૉચ ઈન્ડસ્ટ્રીમાં માસ્ટર વૉચમેકર તરીકે પ્રસિદ્ધ એવા એન્તોઈન સિમોનિન, અર્જુન એવૉર્ડ વિજેતા પોલો ચૅમ્પિયન અધિરાજસિંહ, ફૅશન ડિઝાઈનર રાઘવેન્દ્રસિંહ રાઠોડ તથા જાણીતા ફિલ્મદિગ્દર્શક અપૂર્વ લાખિયા.

તો માર્કેટિંગ-મર્ચન્ડાઈઝિંગના એવૉર્ડ્સ નક્કી કરશે સિનિયર માર્કેટિંગ તથા બિઝનેસ ટ્રાન્સ્ફોર્મેશન સ્પેશિયાલિસ્ટ (ઑટોમોટિવ તથા રિટેલ) નીતિશ ટિપણીસ.

આવતા શુક્રવાર, ૯ ઑક્ટોબરે ગુરગાંવમાં આવેલી વેસ્ટિન હોટેલમાં સમયસૃષ્ટિની નામી હસ્તી ઉપરાંત ભારતસ્થિત વિદેશી એમ્બેસેડર્સ, ઉદ્યોગપતિઓ, બોલીવૂડ ઍક્ટર્સ-ડિરેક્ટર્સ, કૉર્પોરેટજગતના મહારથીઓ એક મંચ પર ભેગા થશે.

એવૉર્ડ એનાયત સમારોહમાં કેટલાક દિલધડક પરફોર્મન્સીસ પણ યોજાશે. આ બધાને લીધે આ સમારોહ યાદગાર બની રહેશે.

કોઈ શક?!


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS