સીબ અને કર્મ બંને ચડિયાતાં છે, નસીબ ચડે કે કર્મ તે બાબતે ઘણીવાર ચર્ચા થાય છે. પરંતુ આ બંનેથી એટલે કે નસીબ અને કર્મથી પણ ઉપરવટ સમય છે. સમય સમય બળવાન છે. જ્યોતિષ સમય અને નસીબને ઓળખવાની સોનેરી ચાવી છે. નસીબને પણ જરાય ઓછું ના આંકતા, આપણાંમાં કહેવત છે કે ભાગ્યશાળીને ભૂત રળે.

ઘણીવાર જન્મકુંડળીમાં ગ્રહ યોગો સુંદર હોય છે, પરંતુ જાતકના મનમાં એક મોટો પ્રશ્ન હોય છે કે, નસીબ ક્યારે જાગશે? ફળ ક્યારે મળશે? કુતુહલવશ જાતકો પંડિતને પૂછતાં હોય છે કે લગ્નનો યોગ છે, પણ લગ્ન ક્યારે થશે? કોઈ અંદાજ કે કોઈ આશરો ખરો? આજે આપણે આ ગ્રહોની અંદાજિત ઉમર એટલે કે તેમના ફળ ક્યારે પાકે, ગ્રહો દ્વારા નિર્દેશિત સુખ કે દુઃખ જાતકને ક્યારે મળે તેના વિષે જોઈશું.

ભારતીય જ્યોતિષમાં પ્રથમ જન્મકુંડળીમાં યોગ છે કે નહીં તે જોવાય છે, જો યોગ હોય અને ફળપ્રાપ્તિ થઇ શકે તેમ હોય તો યોગ જોયા બાદ, દશાઓ જોવાય છે. વિશોત્તરી, અષ્ટોત્તરી અને યોગિની દશાઓની મદદ વડે ગ્રહયોગોનો ફળપ્રાપ્તિ કાળ જોવાય છે. યોગજ ગ્રહોની દશા અંતરદશામાં તેમના દ્વારા સૂચિત-નિર્દેશિત ફળ મળે છે. આગળ ત્રીજા પગથિયે, ગ્રહોનું ગોચર જોવાય છે, ગુરુ, સૂર્ય, શનિના ગોચર મહત્વના છે. દશા અને અંતરદશાના સ્વામીઓના ગોચર પણ ખૂબ જ મહત્વના છે. આ તો થઇ આધારભૂત પદ્ધતિ પણ આજથી લગભગ પચાસ વર્ષ પહેલાંના પંડિત કે જ્યોતિષના જાણકારો વિષે તો આપણે એવું સાંભળ્યું છે કે તેઓ તો માત્ર એક દ્રષ્ટિએ જન્મકુંડળી જોઈને ગ્રહોનું ફળ ક્યારે મળશે તેની  અંદાજિત ઉમર કહી દેતાં હતાં.મારી જેમ ઘણાએ આ ચોક્કસ સાંભળ્યું હશે અથવા અનુભવ પણ કાર્ય હશે.

નીચે ગ્રહો અનુસાર તેમના થકી નિર્દેશિત ફળ ક્યારે પ્રાપ્ત થાય? તેની માહિતી આપેલ છે. આ માહિતી સુજ્ઞ વાચકોને ચોક્કસ મદદરૂપ થશે.

  • ગુરુનો ફળપ્રાપ્તિ સમય: ૧૬ વર્ષે, અંદાજિત ઉમર ૧૫થી ૧૮માં વર્ષ સુધી લઇ શકાય
  • સૂર્યનો ફળપ્રાપ્તિ સમય: ૨૨ વર્ષે, અંદાજિત ઉમર ૨૧થી ૨૩માં વર્ષ સુધી લઇ શકાય
  • ચંદ્રનો ફળપ્રાપ્તિ સમય: ૨૪ વર્ષે, અંદાજિત ઉમર ૨૩થી ૨૫માં વર્ષ સુધી લઇ શકાય
  • શુક્રનો ફળપ્રાપ્તિ સમય: ૨૫ વર્ષે, અંદાજિત ઉમર ૨૪થી ૨૬માં વર્ષ સુધી લઇ શકાય
  • મંગળનો ફળપ્રાપ્તિ સમય: ૨૮ વર્ષે, અંદાજિત ઉમર ૨૭થી ૨૯માં વર્ષ સુધી લઇ શકાય
  • બુધનો ફળપ્રાપ્તિ સમય: ૩૨ વર્ષે, અંદાજિત ઉમર ૩૧થી ૩૩માં વર્ષ સુધી લઇ શકાય
  • શનિનો ફળપ્રાપ્તિ સમય: ૩૬ વર્ષે, અંદાજિત ઉમર ૩૪થી ૩૭માં વર્ષ સુધી લઇ શકાય
  • રાહુનો ફળપ્રાપ્તિ સમય: ૪૨ વર્ષે, અંદાજિત ઉમર ૪૦થી ૪૪માં વર્ષ સુધી લઇ શકાય
  • કેતુનો ફળપ્રાપ્તિ સમય: ૪૮ વર્ષે, અંદાજિત ઉમર ૪૬થી ૫૦માં વર્ષ સુધી લઇ શકાય

ઉદાહરણ તરીકે મને એક વાચકમિત્રે તેમના પુત્રના ભાગ્યોદય વિષે પ્રશ્ન કર્યો હતો,વૃષભ લગ્નની જન્મકુંડળી છે, તેમાં ભાગ્યસ્થાનમાં મકર રાશિ આવતી હોવાથી, ભાગ્યસ્થાનનો સ્વામી શનિ ગ્રહ થયો. દસમાં સ્થાને કુંભ રાશિ આવે છે એટલે કે દશમ સ્થાન એટલે કે કર્મ સ્થાનનો સ્વામી પણ શનિ ગ્રહ થયો. શનિની અંદાજિત ફળપ્રાપ્તિ ૩૬માં વર્ષે થાય, માટે વૃષભ લગ્નના જાતકને ભાગ્યોદય અને કારકિર્દીમાં પ્રગતિ ૩૬માં વર્ષ પછી વિશેષ થાય છે. ૩૬માં વર્ષ પહેલાના વર્ષોમાં વધુ પ્રયત્ને સફળતા મળે છે, પણ ગ્રહોના અંદાજિત આયુષ્યના નિયમ મુજબ ૩૬માં વર્ષ પછી આ જાતકને વિશેષ પ્રગતિ થશે.

જે સ્થાનના ફળનો વિચાર કરવાનો હોય તેનો સ્વામી ગ્રહ, તથા તે સ્થાને દ્રષ્ટિ કરતા ગ્રહોને પણ ધ્યાનમાં લેવા જોઈએ. જેમ કે શનિગ્રહના યોગ થકી જે ફળપ્રાપ્તિ મોડી થવાની હોય ત્યાં સ્થાન પર જો ગુરુ અને સૂર્ય જેવા ઓછી અવધિએ ફળ આપતા ગ્રહોની દ્રષ્ટિ હોય તો, એક પ્રકારે યોગમાં પરિવર્તન થઇ ફળપ્રાપ્તિ જલદી થાય છે. કારણ કે, સૂર્ય અને ગુરુગ્રહ થકી મળતા ફળની અવધિ ત્વરિત છે એટલે કે ૧૬ અને ૨૨ વર્ષ છે.

જે સ્થાનનો પ્રશ્ન હોય તે સ્થાને રહેલ રાશિનો સ્વામી, તે સ્થાનમાં રહેલ ગ્રહ અને તેને દ્રષ્ટિ કરતા ગ્રહોની નોંધ લઇ તેમની અંદાજિત ફળપ્રાપ્તિની ઉમર જોઈ સરળતાથી ભવિષ્યકથન થઇ શકે છે. અનુભવ મુજબ જે સ્થાને શનિગ્રહ દ્રષ્ટિ કરતો હોય તે સ્થાન નિર્દેશિત ફળપ્રાપ્તિમાં વિલંબ થાય છે. જે સ્થાને ગુરુ દ્રષ્ટિ કરે છે કે જે સ્થાનનો ગુરુ ગ્રહ માલિક હોય તે સ્થાન નિર્દેશિત ફળ જલદી પ્રાપ્ત થાય છે. સપ્તમ સ્થાન પર શનિની દ્રષ્ટિ હોય અને લગ્નમાં અકારણ વિલંબ થયો હોય તેવા અનેક દાખલા છે. આ પદ્ધતિની સાથે દેશ-કાળ પણ અગત્યના છે, તે ભૂલવું ના જોઈએ. ફળાદેશ કરવાની આ જૂની અને અનુભવસિદ્ધ પદ્ધતિ રહી છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS