Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

લખનૌ- ઉત્તરપ્રદેશની આગામી વિધાન સભા ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ અને અખિલેશ વચ્ચે ગઠબંધનની શક્યતા જોર પકડતી જઈ રહી છે. આ અંગે ભલે હજુ સુધી બંને પક્ષ તરફથી કોઈ સત્તાવાર ઘોષણા સામે આવી ન હોય પરંતુ મંગળવારે બંને પક્ષોએ સંકેત આપ્યા હતા કે આ સપ્તાહના અંત સુધીમાં બંને પક્ષો સંયુક્ત ચૂંટણી પ્રચાર શરૂ કરી શકે છે. જેમાં સ્ટાર પ્રચારક તરિકે રાહુલ અને પ્રિયંકા તથા અખિલેશ-ડિંપલ સામેલ થઈ શકે છે.

બંને પક્ષો વચ્ચે ગઠબંધનની જાહેરાતમાં પ્રિયંકાના મહત્વને જોતા એ બાબત તો નક્કી જ છે કે આ ચૂંટણીમાં પ્રિયંકા મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. આ સમાચારની પુષ્ટી કરતા સૂત્રોએ જણાવ્યું કે સમાજવાદીમાં ચાલતી વર્ચસ્વની લડાઈના કારણે ગઠબંધનની ઘોષણામાં વિલંબ થઈ રહ્યો છે. અખિલેશ ઇચ્છે છે કે ચૂંટણી ચિન્હ અને પક્ષ પર તેનો અધિકાર નક્કી થાય ત્યાર બાદ જ તેઓ આગળ વધવા માગે છે. આ મામલો ચૂંટણી પંચ સમક્ષ છે. જો અખિલેશ તરફી ચુકાદો આવશે તો તે દિવસે જ ગઠબંધનની જાહેરાત કરી દેવામાં આવશે.

તાજેતરમાં જ કોંગ્રેસના મહાસચિવ ગુલામ નબી આઝાદે ઉત્તરપ્રદેશ ચૂંટણી માટે સેક્યુલર પક્ષોએ એકત્રીત થવું જોઈએ તેવું આહ્વાહન કર્યું હતું. તેમના આ નિવેદનને કોંગ્રેસ-એસપીના સંભવિત ગઠબંધન તરીકે જોવામાં આવી રહ્યું છે. તેમજ કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ સીએમ પદના ઉમેદવાર શિલા દિક્ષીતે પણ યુવા અખિલેશ અને રાહુલ માટે તેઓ પાછળ હટવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.

ત્યારે આ જુદી જુદી તૈયારીઓ એ બાબત દર્શાવે છે કે બંને પક્ષો ગઠબંધન માટે તૈયાર છે. તેમજ પિતા મુલાયમ સાથે વિવાદ સર્જાતા જ અખિલેશે કોંગ્રેસ સાથે ગઠબંધનની તૈયારી કરી લીધી હોવાની ચર્ચા પણ જોર પકડતી જઈ રહી છે.

અહેવાલ પ્રમાણે 403 વિધાનસભા બેઠકોવાળા ઉત્તરપ્રદેશમાં ગઠબંધન માટે કોંગ્રેસે 105 બેઠકો પર દાવદારી દર્શાવી છે. જ્યારે કોંગ્રેસ સાથે ગઠબંધન મામલે અખિલેશ અને મુલાયમ એકમત નથી. અખિલેશનું માનવું છે કે જો કોંગ્રેસ સાથે ગઠબંધન કરવામાં આવશે તો 300 બેઠકો પર કબજો મેળવી શકાશે. જ્યારે મુલાયમ આ બાબતે વિપરીત મત ધરાવે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS