Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

રાજકોટ – ગુજરાતમાં મેઘરાજાએ આ વર્ષના ચોમાસામાં બીજી ઈનિંગ્ઝમાં રમઝટ બોલાવી દીધી છે. રાજકોટમાં ગઈ કાલથી આજે સવાર સુધીમાં 24 કલાકમાં 14.25 ઈંચ વરસાદ ઝીંકાયો છે. આજે સવારે આ લખાય છે ત્યારે પણ વરસાદ ચાલુ હતો.

રાજકોટ મધ્યમાં 12 ઈંચ, પશ્ચિમ રાજકોટમાં 11 ઈંચ, પૂર્વ રાજકોટમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે.

વરસાદને કારણે આજે પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગઈ રાતથી આજે સવાર સુધીમાં 1 ઈંચ વરસાદ થયો છે. મોસમનો કુલ વરસાદ 188 mm નોંધાયો છે.

રાજકોટમાં ધોધમાર વરસાદ છતાં સદ્દભાગ્યે ક્યાંય કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.

રાજકોટમાં 150-ફૂટ રિંગ રોડ, માધાપર ચોક, સાધુ વાસવાની રોડ જેવા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. (જુઓ નીચે તસવીરો)

ગઈ કાલે રાતે, મોરબી જિલ્લામાં મેઘરાજાએ તોફાની વરસાદ વરસાવ્યો હતો. ટંકારામાં ગઈ કાલે બપોરથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને બે જ કલાકમાં આકાશમાંથી 9 ઈંચ પાણી ખાબક્યું હતું અને બીજા એક કલાકમાં વધુ અઢી ઈંચ વરસાદ ઝીંકાયો હતો.

ટંકારામાં સાંબેલા ધારે ધોધમાર વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારો ડૂબાણ હેઠળ આવી ગયા હતા. લોકોને સુરક્ષિત જગ્યાઓએ ખસેડવા માટે રાજકોટથી NDRF, ફાયર બ્રિગેડની ટૂકડીઓને ટંકારા મોકલવામાં આવી હતી.

પડધરીમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદના અહેવાલો છે. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં 5 ઈંચ વરસાદને પગલે ગીરા ધોધમાં પાણીની ભારે આવક થઈ હતી. સાવચેતીના પગલાં તરીકે આ ધોધ હાલ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

વલસાડમાં પણ ભારે વરસાદનો અહેવાલ હતો અને મધુડેમમાં છલકાયો છે.

(રાજકોટના 150-ફૂટ રીંગ રોડ પર પાણી ભરાયાં)


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS