Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ધ હેગ (નેધરલેન્ડ્સ) – ભારતને મળેલી મોટી રાહતમાં, ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે આજે પાકિસ્તાનને આદેશ આપ્યો છે કે અંતિમ નિર્ણય લેવાય નહીં ત્યાં સુધી કથિત ભારતીય જાસૂસ કુલભૂષણ જાધવને ફાંસી આપવી નહીં.

આઈસીજેના પ્રેસિડન્ટ, ન્યાયમૂર્તિ રોની અબ્રાહમે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને પાકિસ્તાની અદાલતે ફરમાવેલી ફાંસીની સજાના મામલે પોતાનો ચુકાદો વાંચી સંભળાવ્યો હતો અને કહ્યું કે વધુ આદેશ ન અપાય ત્યાં સુધી જાધવને ફાંસી આપવી નહીં. આઈસીજેના આ ચુકાદાને ભારત માટે મોટી રાજદ્વારી, નૈતિક અને કાનૂની જીત તરીકે ગણવામાં આવ્યો છે.

યૂનાઈટેડ નેશન્સની સર્વોચ્ચ અદાલત આઈસીજેના પ્રમુખ જજ રોની અબ્રાહમે પબ્લિક સિટીંગમાં ચુકાદો વાંચી સંભળાવ્યો હતો.


જાધવના કેસમાં વચગાળાની રાહત મળે એ માટે ભારત સરકાર આઈસીજેનાં આશરે ગઈ છે.

જજ અબ્રાહમે કહ્યું કે, કુલભૂષણ જાધવની ધરપકડના સંજોગો હજી પણ વિવાદાસ્પદ છે. પાકિસ્તાને જાધવ સાથે ન્યાય કર્યો નથી.

જજે એમ પણ કહ્યું કે વિએના સમજૂતિ અંતર્ગત ભારતને કુલભૂષણ જાધવને મળવા માટે પાકિસ્તાને કોન્સ્યૂલર એક્સેસ આપવો જોઈતો હતો.

જજ રોની અબ્રાહમે જણાવ્યું છે કે, ભારત અને પાકિસ્તાન બંને એટલું તો કબૂલ કરે છે કે કુલભૂષણ જાધવ ભારતીય નાગરિક છે.

આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનને આદેશ આપ્યો છે કે પોતે અંતિમ ચુકાદો ન આપે ત્યાં સુધી એણે જાધવને ફાંસી આપવી નહીં તેમજ કોર્ટના ચુકાદાના અમલ માટે લેવાયેલા પગલાંની આઈસીજેને જાણ કરવી.

જજ રોની અબ્રાહમે ખુલ્લી અદાલતમાં લગભગ 30 મિનિટ સુધી વાંચી સંભળાવેલા ચુકાદામાં જણાવ્યું હતું કે, આ કોર્ટે સર્વાનુમતે નક્કી કર્યું છે કે પાકિસ્તાને એ માટેના તમામ પગલાં લેવા કે આ કોર્ટ અંતિમ નિર્ણય ન લે ત્યાં સુધી કુલભૂષણ જાધવની ફાંસીની સજાના અમલને પેન્ડિંગ રાખવો.

જજે બંને પક્ષકારોને ઓર્ડરની જાણ કરવાનો રજિસ્ટ્રારને આદેશ આપ્યો ત્યારે બંને દેશના અધિકારીઓ હાજર હતા.

ભારતે જાહેર સુનાવણીમાં ગયા સોમવારે પાકિસ્તાન પર એવો આરોપ મૂક્યો હતો કે ભારતીય રાજદૂતોને જાધવને મળવાની પરવાનગી ન આપીને પાકિસ્તાને વિએના સમજૂતિનું ઉલ્લંઘન કર્યું હતું અને હાસ્યાસ્પદ મુકદ્દમો ચલાવીને જાધવને જાસૂસી માટેના ગુનેગાર જાહેર કરી દીધા હતા.

વિદેશ મંત્રાલયમાં પાકિસ્તાન ડિવિઝનના વડા તરીકે કામગીરી બજાવતા દીપક મિત્તલની આગેવાની હેઠળની ભારતીય લીગલ ટીમે એવી માગણી કરી હતી કે આઈસીજે કોર્ટ જાધવની ફાંસીને તત્કાળ રદ કરે, કારણ કે ભારતને ડર છે કે આઈસીજે ચુકાદો આપશે એની પહેલાં જ પાકિસ્તાન જાધવને ફાંસીએ લટકાવી દેશે.

બીજી બાજુ, પાકિસ્તાને એમ કહીને ભારતની દલીલને નકારી કાઢી હતી કે ભારત સરકારને આઈસીજે પાસે જવાનો કોઈ અધિકાર નહોતો અને વિયેના સમજૂતિમાં જાસૂસી, ત્રાસવાદીઓ સંબંધિત બાબતોને સામેલ કરવામાં આવી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં જાસૂસી કરવાનો આરોપ મૂકીને ધરપકડ કર્યાના એક વર્ષ બાદ પાકિસ્તાનની એક લશ્કરી અદાલતે ગયા એપ્રિલમાં જાધવને ફાંસીની સજા ફરમાવી હતી.

આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાને પગલે ભારતમાં આનંદની લહેર ફરી વળી છે. મુંબઈમાં જાધવના નિવાસસ્થાનની બહાર લોકોએ ફટાકડા ફોડ્યા હતા અને એકબીજાને મીઠાઈ ખવડાવી હતી.

ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે જાધવની ફાંસી સામે સ્ટે ઓર્ડર આપ્યા બાદ વિદેશપ્રધાન સુષમા સ્વરાજનાં ટ્વીટ્સ…

કુલભૂષણ જાધવની ફાંસી રોકતા ICJના ચુકાદાને માનવાનો પાકિસ્તાને ઈનકાર કર્યો

હેગ/ઈસ્લામાબાદ – યૂનાઈટેડ નેશન્સની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની ફાંસીના અમલને અટકાવતો આજે ચુકાદો આપ્યા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે અમે આંતરરાષ્ટ્રીય કોર્ટનો ચુકાદો માનતા નથી. આ કોર્ટને પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષાને લગતી બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીસ ઝકરીયાએ ભારતની ઝાટકણી કાઢતા કહ્યું કે, ભારત જાધવના કેસને ICJમાં લઈ જઈને તેનો અસલી ચહેરો છુપાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

46 વર્ષીય જાધવને પાકિસ્તાનની એક લશ્કરી અદાલતે ગયા માર્ચમાં ફાંસીની સજા ફરમાવી હતી. ભારતે ત્યારબાદ જાધવની ફાંસીને અટકાવવા માટે યૂએનની કોર્ટમાં કેસ નોંધાવ્યો હતો.

નેધરલેન્ડ્સના હેગ સ્થિત ICJ કોર્ટે ગયા સોમવારે બંને પક્ષની દલીલો સાંભળી હતી, પણ ત્યારે પણ પાકિસ્તાને કોર્ટના અધિકારક્ષેત્રને પડકાર્યો હતો.

ઝકરીયાએ કહ્યું કે આજે દુનિયા સમક્ષ ભારતનો અસલી ચહેરો ઉઘાડો પડી ગયો છે. પાકિસ્તાનમાં ભાંગફોડ, ત્રાસવાદના ગુનાઓ કર્યા વિશે જાધવ એક વાર નહીં, પણ બે વાર એકરાર કરી ચૂક્યો છે.

પાકિસ્તાને ICJને જાણ કરી જ હતી કે તે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત બાબતોમાં ICJના અધિકારક્ષેત્રનો સ્વીકાર કરતું નથી, એમ ઝકરીયાએ કહ્યું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS