Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વિમ્બલ્ડન (લંડન) – આ વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમ સ્પર્ધા – વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપમાં આજે સ્પેનની ગાર્બિન મુગુરુઝા વિજેતા બની છે.

વેનેઝુએલામાં જન્મેલી પણ સ્પેનમાં સ્થાયી થયેલી મુગુરુઝાએ વિમ્બલ્ડન ટ્રોફી એની કારકિર્દીમાં પહેલી જ વાર જીતી છે.

એણે 77 મિનિટ સુધી ચાલેલી ફાઈનલમાં અમેરિકાની અનુભવી ખેલાડી અને અગાઉ પાંચ વખત વિમ્બલ્ડન ચેમ્પિયન બનેલી વીનસ વિલિયમ્સને 7-5, 6-0થી પરાજય આપ્યો હતો.

આજની ફાઈનલ જીતવા માટે 37 વર્ષીય વીનસ ફેવરિટ હતી, કારણ કે એ વર્ષની પહેલી ગ્રાન્ડસ્લેમ સ્પર્ધા ઓસ્ટ્રેલિયન ઓપનમાં રનર-અપ રહી હતી. એ ફાઈનલમાં તે એની નાની બહેન સેરેના વિલિયમ્સ સામે હારી ગઈ હતી. સેરેના હાલ ગર્ભવતી હોવાથી આ વખતની વિમ્બલ્ડનમાં રમી શકી નથી.

મુગુરુઝા આ બીજી વખત વિમ્બલ્ડનમાં મહિલાઓની સિંગલ્સની ફાઈનલમાં પહોંચી છે. બે વર્ષ પહેલાંની ફાઈનલમાં મુગુરુઝાનો વીનસની બહેન સેરેના સામે પરાજય થયો હતો. આ વખતે સ્પેનીશ ખેલાડીએ મોટી બહેનને હરાવીને સેરેનાનાં હાથે થયેલાં પરાજયનું સાટું વાળી લીધું છે.

મુગુરુઝાની કોચ છે કોન્ચિતા માર્ટિનેઝ. કોન્ચિતાએ 1994માં માર્ટિના નાવરાતિલોવાને ફાઈનલમાં હરાવીને વિમ્બલ્ડન ટ્રોફી જીતી હતી. એ વખતે આ સિદ્ધિ હાંસલ કરનાર એ પહેલી સ્પેનીશ ખેલાડી હતી.

મુગુરુઝાનું આ બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. આ પહેલાં એ ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીતી ચૂકી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS