Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાને હોમ પ્રોડક્શનવાળી આગામી નવી હિન્દી ફિલ્મ ‘સીક્રેટ સુપરસ્ટાર’નું ટ્રેલર આજે અહીં મીડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કર્યું છે. આ ફિલ્મમાં આમિર ‘શક્તિ’ નામના એક સંગીત દિગ્દર્શકની ભૂમિકામાં છે.

52 વર્ષીય આમિરે આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, મારી ‘દંગલ’ ફિલ્મની જેમ ‘સીક્રેટ સુપરસ્ટાર’ પણ એ જ વિષય પર આધારિત છે કે કન્યાઓને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. આપણા દેશના ઘણા ભાગોમાં દીકરા અને દીકરીને સમાન રીતે ગણવામાં આવતા નથી. ‘સીક્રેટ સુપરસ્ટાર’ ફિલ્મ કન્યા સશક્તિકરણ વિષય પર આધારિત છે.

ફિલ્મની વિગતો જણાવતાં આમિરે કહ્યું હતું કે ‘સીક્રેટ સુપરસ્ટાર’ વાસ્તવમાં એક છોકરીને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી એક મ્યુઝિકલ ફિલ્મ છે, જેમાં અત્યંત પ્રતિભાશાળી એક ગાયિકા છોકરી અને એક સંગીતકાર વિશેની વાર્તા છે. આ ફિલ્મ સગીરવયનાં લોકો તેમજ પુખ્ત વયનાં લોકો, એમ બંને પ્રકારનાં લોકોને ગમશે એવો દાવો આમિરે કર્યો છે.

સંગીતકાર બનેલો આમિર ફિલ્મનો નાયક છે અને એની સાથે ગાયિકા છોકરીની ભૂમિકા ઝાયરા વસીમે ભગવી છે, જે અગાઉ ‘દંગલ’ ફિલ્મમાં પણ એની સાથે કામ કરી ચૂકી છે.

ઝાયરાએ પત્રકારોના સવાલના જવાબમાં કહ્યું કે અમારી ‘દંગલ’ ફિલ્મ સુપર હિટ થયા બાદ મને આમિર ખાન સાથે ફિલ્મમાં કામ કરવાનું ગમ્યું છે.

‘સીક્રેટ સુપરસ્ટાર’ના દિગ્દર્શક અદવિત ચૌહાણ છે. ફિલ્મમાં એક એવી છોકરીની વાર્તા છે જે ગાયિકા તરીકે ફેમસ બનવા માગે છે, પણ એનાં પિતા એની ઈચ્છાની વિરુદ્ધમાં છે. છોકરી એનાં પિતાની ખુલ્લેઆમ અવગણના કર્યાં વિના કેવી રીતે નામના હાંસલ કરે છે એની વાર્તા છે.

આ ફિલ્મ દિવાળીના તહેવારમાં, આવતી 20 ઓક્ટોબરે રિલીઝ થશે એવું નિર્ધારિત છે.

(જુઓ સીક્રેટ સુપરસ્ટાર ફિલ્મનું ટ્રેલર)


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS