પરીક્ષામાં કૌશલ્ય બતાવવા માટે સજ્જ થઈ જાવ

પરીક્ષાની મોસમ નજીક આવે એટલે ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ મારી પાસે માર્ગદર્શન લેવા આવે છે.

આજના લેખમાં હું પરીક્ષાઓ સંબંધિત ચિંતા અને વ્યગ્રતાને દૂર કરવા અને આત્મવિશ્વાસ વધારવા વિશેની મારી અંગત બાબતોને શેર કરવા માગું છું.

પરીક્ષામાં કેવી રીતે પાવરધા બનવું એની ઉપયોગી ટિપ્સ વિશે જાણો.

કઠિન સંજોગોને જાણોઃ તમારી પરીક્ષા આવતીકાલે સવારે હોય કે એક વર્ષ પછી હોય, તમારે એ જાણવું જરૂરી છે કે તમારે શેની તૈયારી કરવાની છે. આમાં રહેલા કાર્યના વ્યાપને જાણો. એનાથી તમને વિષયને જાણવામાં તથા એના તમામ  પ્રકરણોનો અભ્યાસ કરવામાં મદદ મળશે. કન્ટેન્ટ્સના પાનાં પર એક ઝડપી નજર કરવાથી તમને આગળ જતાં જે વિસ્તૃત કાર્ય કરવાનું આવનાર છે એની જાણકારી મળશે. અહીં જ તમને લાગશે કે તમારું કામ ઘણું ઓછું થઈ ગયું છે.

 ગેમ પ્લાન બનાવોઃ અનેક સવાલોનાં જવાબવાળી પરીક્ષા અને પાંચ નિબંધ ટાઈપના સવાલો પૂરા કરવા માટે 3 કલાકના સમયવાળી પરીક્ષા, એમ દરેક પરીક્ષા માટેની વ્યૂહરચના પણ અલગ અલગ પ્રકારની હોય. અગાઉના પ્રશ્નપત્રો અને પરીક્ષાની ફોર્મેટ પર એક નજર કરી જવી. એના આધારે તમે સિલેબસના કેટલાક ભાગોને દૂર કરી શકશો. નિબંધ ટાઈપના સવાલોની પરીક્ષામાં ટેમ્પ્લેટ્સ અને માળખું તૈયાર કરવું જેથી વિષય ગમે તે હોય, તમે એનો ઉપયોગ કરી શકો. દાખલા તરીકે, આરંભિક અને આખરના રીમાર્ક્સ તૈયાર રાખવા.

ડિવાઈડ એન્ડ રૂલઃ પરીક્ષાની તૈયારીને જુદા જુદા ભાગોમાં વહેંચી નાખો. તમે જો તમારા વર્ગો દરમિયાન જ નોંધ બનાવતા રહેશો તો પરીક્ષા વખતે ઘણી કામમાં આવશે. પરંતુ જો તમે એ ન કર્યું હોય તો ચિંતા કરવા જેવું નથી. હાઈલાઈટર પેન લો અને ટેક્સ્ટના સંબંધિત ભાગોને અન્ડરલાઈન કરવાનું શરૂ કરો. આખા પ્રકરણને જોઈ જાવ. આખી ટેક્સ્ટ બુકને ફેંદવાની જરૂર નથી.

રીહર્સલ કરોઃ ખરી પરીક્ષાની પરિસ્થિતિની નકલ કરો, જાણે કે પરીક્ષાનો દિવસ આવી ગયો છે અને તમે પરીક્ષા આપી રહ્યા છો. આનાથી તમને માલૂમ પડશે કે તમે કેટલા સજ્જ છો અને કઈ બાબતોમાં તમારે સજ્જ થવાની જરૂર છે. મારી જ વાત કરું તો, મેં જ્યારે મારી માસ્ટર્સ ડિગ્રી ફાઈનલની પરીક્ષાની નકલી પરીક્ષા લીધી હતી ત્યારે મને ઘણું આંચકાજનક જાણવા મળ્યું હતું. હું મારી ત્રણ કલાકની પરીક્ષા પૂરી કરી શકી નહોતી, કારણ કે મારામાં શક્તિ અને ઝડપનો અભાવ રહ્યો હતો. મારા હાથમાં તાણ આવી ગઈ હતી અને મારા અક્ષર એકદમ અસ્પષ્ટ થઈ ગયા હતા.પરંતુ મેં મારા આ આઘાતને મારા લાભમાં બદલી નાખ્યો હતો. મેં વધારે લખવાનું રાખ્યું હતું અને તરત જ હું મારી મૂળ પરીક્ષા માટે એ બધી ખામીઓને દૂર કરી શકી હતી.

સકારાત્મક અભિગમ રાખોઃ મનને સકારાત્મક સ્થિતિમાં રાખવું. એવી વ્યક્તિઓ અને વસ્તુઓની આસપાસમાં રહેવું જેમાંથી તમને પ્રેરણા મળે. ઈન્ટરનેટ સર્ફિંગ અને સોશિયલ મિડિયા જેવી બધી ખલેલ પહોંચાડનારી ચીજોથી દૂર કરો. નકારાત્મક હોય એવી પરિસ્થિતિ અને વ્યક્તિઓથી દૂર રહો. દરરોજ થોડીક કસરત કરવી. હું તો દરરોજ સાંજે અમારા પડોશના વિસ્તારની આજુબાજુ થોડીક સાઈકલની સફર કરીને મનને પ્રફૂલ્લિત કરતી હતી. મેં જોયું હતું કે વહેલી સવારના સમયમાં હું વધારે કામ કરી શકતી હતી. એટલે કંઈક નવું શીખવું હોય તો હું વહેલી સવારે એ જ કામ કરતી હતી. તમારા શરીરના ઘડતરને ધ્યાનમાં રાખીને તમારા અભ્યાસના સમયને સાંકળવો, જેથી વધારે કામ થઈ શકે. સ્વયંની કાળજી લેવી. આરોગ્યપ્રદ ખાવું અને પૂરતો આરામ કરવો. દિવસ દરમિયાન પૂરતાં શોર્ટ બ્રેક પણ લેતા રહેવા જેથી નવી શક્તિનો સંચાર થાય અને અભ્યાસમાં મન ફરી પરોવાય. સંગીત, યોગ, મેડિટેશન અને ચાલવા જેથી પ્રવૃત્તિઓ તમને તાણમુક્ત રાખશે. તમારા સ્વભાવને ઉત્તમ હોય એ કામ પસંદ કરો.

અભ્યાસુ સાથીઃ એવા મિત્ર કે તેજસ્વી વિદ્યાર્થીઓનાં ગ્રુપ સાથે મળવું જે તમને તમારા માર્ગથી વિચલિત થવા ન દે અને તમારું ધ્યાન તમારા લક્ષ્ય પર કેન્દ્રિત કરવામાં તમને મદદરૂપ થાય. જો તમે કોઈ ખૂબ મોટા સ્તરે કઠિન પરીક્ષા આપી રહ્યા હો તો તમારે વિભાજન કરી શકો અને ચર્ચા કરી શકો છો. એમ કરવાથી તમારો સમય અને તમારી મહેનત બચશે. જો કે આમાં ધ્યાન એ રાખવું કે મિત્રો આસાનીથી તમારી મુંઝવણ બની જતા હોય છે.

સમય જ સૌથી મહત્ત્વનો હોય છેઃ જો તમારે નિબંધ ટાઈપની પરીક્ષા આપવાની હોય તો તમારે ચેક કરવાનું તમારે કેટલા સવાલોના જવાબ આપવાના હશે અને એ દરેક માટે કેટલો સમય આપવો પડશે એનું થોડુંક ગણિત પણ કરી લેવું. તમે સામાન્ય રીતે દરેક સવાલનો જવાબ આપવાનું ઈચ્છશો, એટલે નક્કી કરવાનું કે દરેક પ્રકાર માટે કેટલો સમય આપવો પડશે. સમીક્ષા કરવા માટે પણ થોડોક સમય રાખવો.

દીવાલોનો ઉપયોગ કરોઃ મહત્ત્વની નોંધ કે કાગળોને દીવાલ પર ટેપ સાથે ચિટકાડવાનું મને બહુ જ ગમે. ભણવાનો સમય ન હોય ત્યારે પણ હું અમુક નકશા અને ડાયાગ્રામ્સ દોરતી હતી અને એવી માહિતી મારા ધ્યાનમાં આવતી હતી જેમાં હું મારા પ્રેરણા આપે એવા શબ્દો ઉમેરતી અને પછી એને હું મારા ઘરમાં દીવાલો પર ચિટકાવી દેતી. હું પરીક્ષાની કિટ પણ તૈયાર કરતી હતી. એમાં હું મારા પરીક્ષાનું એડમિટ કાર્ડ તથા મારે લઈ જવાની જરૂર હોય એવી બધી ચીજવસ્તુઓની યાદી મૂકતી. એમાં મારા સનગ્લાસીસથી લઈને પાણીની બોટલ અને સ્ટેશનરીની ચીજવસ્તુઓનો સમાવેશ કરતી.

પરીક્ષા માટેની સામગ્રીઓઃ

અણીવાળી પેન્સિલો

આઈડેન્ટિટી કાર્ડ

ઈરેઝર (રબર)

જિઓમેટ્રી બોક્સ

સાયન્ટિફીક કેલક્યૂલેટર્સ

કાંડા ઘડિયાળ

પેનઃ વજનમાં હલકી હોવી જોઈએ અને ગ્રિપ સારી હોવી જોઈએ

રંગનું ગળતર ન કરે એવા માર્કર્સ

શક્તિવર્ધક નાસ્તો

પાણી ભરેલી સ્પ્રે બોટલ – પાણી ચહેરા પર છાંટવાથી ઊંઘને અટકાવી શકાય (જરૂર હોય તો)

ખાસ કરીને લાંબા સમયવાળી પરીક્ષાઓ માટે થોડોક બ્રેક લઈને તાજગી મેળવવા માટે આ મને બહુ જ જરૂરી લાગે છે


માનસચિત્રઃ
અત્યંત અઘરી પરીક્ષાઓમાં મને સફળ બનવામાં મદદરૂપ થાય એ માટે હું આ પદ્ધતિ અપનાવતી હતી. આની પ્રેક્ટિસ કરવા માટેઃ આરામદાયક સ્થિતિમાં સીધા સૂઈ જાવ. તમારી આંખોને બંધ કરી દો. આખા શરીરને ઢીલું મૂકી દો અને નિરાંતે શ્વાસ લેતા રહો. પરીક્ષાનો સામનો કરવાની તમારી સમર્થતા વધી જશે. દરેક નાની વિગતને યાદ કરો અને સફળ બનવાનો દ્રઢનિશ્ચય કરો.

પૂરતી નિંદર લોઃ પરીક્ષા પૂર્વેની રાતે પૂરતી ઊંઘ મળે એવું આયોજન કરો.

સર્વોત્તમ પરફોર્મન્સ માટે આ ખૂબ મહત્ત્વનું છે.

પરીક્ષાના દિવસેઃ તમારી એક્ઝામ કિટ લેવાનું યાદ રાખવાનું. પરીક્ષાના હોલમાં થોડાક વહેલા પહોંચી જવાનું. છેલ્લી વાર તમારી ટેસ્ક્ટ અથવા મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી જવાની. ત્યારબાદ શાંતિ રાખવાની. તમે શક્ય એટલું બધું કરી જ લીધું છે.

ચાલીને જગ્યાએ જવાનું અને તમારી સીટ ક્યાં છે એ જોઈ લેવાનું. સાથોસાથ રેસ્ટરૂમ્સ ક્યાં આવેલા છે એ જગ્યા પણ જોઈ લેવાની. થોડુંક ચાલીને, ગરદનને આમ-તેમ હલાવીને અને ખભાને ગોળ-ગોળ ફેરવીને શરીરને થોડુંક હલનચલન કરાવવાનું. એનાથી તમને નિરાંતનો અનુભવ થશે અને છેલ્લી ઘડીની ગભરામણને તમે દૂર રાખી શકશો.

પરીક્ષા આપવાનું શરૂ કરો એ પહેલાંઃ પ્રશ્નપત્ર મળવાની રાહ જોતાં હો ત્યારે તમારી આંખોને બંધ રાખવી અને થોડાક ઊંડા શ્વાસ લેવા. શુદ્ધ સકારાત્મક ઊર્જાવાળા શ્વાસ લેવા અને શ્વાસ છોડવા. આમ કરવાથી તમારી ચિંતા કે માનસિક તાણ દૂર રહેશે. એ પછી આંખો ખોલવી. ચહેરા પર સ્મિત રાખું અને તમારો ઉત્તમ દેખાવ કરવા માટે સજ્જ થઈ જવાનું.

સવાલો વાંચી જવાઃ તમે મુંઝાઈ ન જાવ અને ખોટો જવાબ લખાઈ ન જાય એટલા માટે એકેય મહત્ત્વનો શબ્દ વાંચવાનું ચૂકી ન જવું. સવાલો વાંચી ગયા બાદ હું તો મારે જે સવાલના જવાબ આપવા હોય એને પસંદ કરી લેતી અને એની પર રાઉન્ડ કરી લેતી. મારા પ્રશ્નપત્ર પર સંબંધિત સવાલની બાજુમાં હું અમુક પોઈન્ટ્સ લખી લેતી જેથી મને જવાબ માટેના તમામ મહત્ત્વના મુદ્દા યાદ રાખવામાં મદદરૂપ થાય.

તો શરૂઆત કરોઃ લખવાની શરૂઆત કરો. ઝડપ રાખવાની અને સમય પર ધ્યાન રાખવાનું. જો કોઈ જવાબ લખવામાં વધારે પડતો લાંબો સમય લાગે તો એની જગ્યા છોડી દેવાની બાદમાં એની પર પાછું આવવાનું. તમને ચોક્કસ ઈચ્છા થશે કે આખું પેપર પૂરેપૂરું લખી દઉં. હું તો એક જવાબ લખાઈ જાય પછી મારી જાતને શાબાશી આપવા રૂપે અમુક સેકંડનો બ્રેક લેતી. એનાથી હું નવેસરથી સજ્જ થઈ જતી અને રિચાર્જ થઈ જતી. આવું અંત સુધી ચાલુ રાખવું.

છેલ્લી અમુક મિનિટો વખતેઃ તમારા સમયનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરો. દરેક જવાબનું અવલોકન કરી જાવ, અન્ડરલાઈન કરો અને હાઈલાઈટ કરો. સુઘડ, સ્વચ્છ અને રંગબેરંગી ડાયાગ્રામ્સ માટે પરીક્ષકો અમુક અતિરિક્ત પોઈન્ટ્સ આપતા હોય છે. ઉત્તરપત્રિકાને સુઘડ અને સરસ સ્થિતિમાં રાખવાથી સારી છાપ ઊભી થાય છે.

કોમ્પ્યુટર પરીક્ષાઓ વખતેઃ દરેક સવાલના જવાબ અપાય અને પરીક્ષા પૂરેપૂરી અપાય એની એની તકેદારી રાખવી. અઘરા પ્રશ્નો પર ફરીથી ધ્યાન આપવાનું. જો તમારી પાસે એકથી વધારે સવાલોનો વિકલ્પ હોય તો સવાલોને છોડી દેવાને બદલે એની પર પૂરો વિચાર કરવાનો. તમારું કાર્ય સેવ કરવાનું અને તમારા જવાબોને રજિસ્ટર કરવા માટે ‘સબમિટ’ પર ક્લિક કરવાનું.

જો તમે આ બધું બરાબર વાંચ્યું હોય તો સમજી લો કે તમે સ્ટાર વિદ્યાર્થી છો. એટલે પરીક્ષામાં ચમકવા માટે એક ટૂંકો મંત્ર આપું છું: READ, REMEMBER, REPRODUCE & REVISE.

બેસ્ટ ઓફ લક!

(સુજાતા કૌલગી)