કોલેજનો એ આખરી દિવસ…

આલાપ,

એક પગલું કોઈ ગમતા માર્ગ પર માંડ્યા પછી,
એક ડગલું પણ હજી આગળ વધાયું છે જ નહીં.

કવિ બાબુલાલ ચાવડાનો આ શે’ર ખબર નહીં કેમ આજે સવારથી જ હોઠે ચડી ગયો. આખુંય આયખું કિસ્મતમાં લખ્યું હતું એમ જીવાઈ ગયું છતાં લાગે છે કે હજીય ત્યાંના ત્યાં જ છીએ. જીવનમાં ચાલતાં ચાલતાં અચાનક કોઈ સંબંધની કેડી મનને ગમવા લાગે, અને ત્યાં જ અટકી જવાનું મન થઇ જાય. દરેક કેડી ધોરી માર્ગ નથી બની શકતી, પણ કોઈ મનગમતી કેડીએ આખું આયખું બેસી જવાય છે. એ કેડી છોડ્યા પછીની યાત્રા તો ટ્રેડમિલ પરના વૉકિંગ જેવી હોય છે. ગમે તેટલું ચાલ્યા પછી પણ અટકો ત્યારે ત્યાંના ત્યાં જ.

આલાપ, ધારો કે ઈશ્વર એક તક આપે મનગમતા સમયમાં જવાની તો ??

તો, હું તો આપણાં કોલેજકાળમાં જવાનું-જીવવાનું પસંદ કરું. હું જાણું છું કે તને પણ એ જ સવાલ થશે કે લોકો તો બાળપણમાં જવા ઈચ્છે અને તું કોલેજકાળમાં? હા, આલાપ. બાળપણ તો એવો સમય છે કે જ્યારે જ્યારે યાદ કરીએ કે જ્યારે જ્યારે બાળપણના મિત્રોને મળીએ ત્યારે એ ફરી જીવી શકાય. બાળપણ તો આપણાં મનની નાની નાની ગલીઓમાં સદાય જીવતું હોય છે, પણ આપણાં સંબંધનો જે સોનેરી યુગ આથમી ચૂક્યો છે એ ફરી જીવવાની ઈશ્વર મને તક આપે તો હું એ સમય જીવવા અવશ્ય માગું. બસ, આ વિચાર માત્ર જ મને એ ભવ્ય ભૂતકાળમાં ઘસડી જાય છે.

કોલેજનો એ આખરી દિવસ. એકમેકને સ્મિત વેર્યા કર્યાને ત્રણ વર્ષ પૂરા થયાનો દિવસ. ક્યારેક એવું લાગે આલાપ, કે આપણે ત્રણ વર્ષમાં તો વગર બોલ્યે એકબીજાને સમજી ગયેલા-ઓળખી ગયેલા. આવું પણ બનતું હશે? ક્યારેક આખી જિંદગી સાથે રહીને બોલતા રહ્યા પછી પણ કોઈ પાત્ર નથી ઓળખાતું હોતું અને ક્યારેક આંખોના ઈશારે માણસનું મન વંચાઇ જતું હોય છે. સૌથી શ્રેષ્ઠ સંબંધ જ એ છે કે જેમાં શબ્દો દ્વારા ઓછું કહેવાય અને મૌન દ્વારા વધુ. જેમાં પત્ર ઓછા વંચાય અને આંખો વધારે. આપણે પણ આવો જ સંબંધ જીવ્યા અને ભરપૂર જીવ્યા. પરંતુ પછી અચાનક એ સંગાથના દિવસો જેમ તાજા લીલાછમ પર્ણને અચાનક જ કોઈ ભયંકર રોગ લાગી ગયો હોય અને પીળા થઈને ખરી પડે એમ ખરી ગયા. પ્રેમનો સૂરજ મધ્યાહ્નને પહોંચે એ પહેલાં જ એને ગ્રહણ લાગ્યું. આમ તો આપણો સાથ એ જીવનનો બહુ જ ટૂંકો સમય કહેવાય છતાં એ જીવનનો શ્રેષ્ઠ સમય તો હતો જ હતો.

આજે પણ એ દિવસોની યાદ કોઈ મીઠા ઘા જેવી લાગે છે. વારંવાર એને ખણવાનું મન થાય. સતત એ ખંજવાળની મીઠાશને માણ્યા કરવાનું મન થાય, પણ આલાપ, એ પછીની વેદના અસહ્ય છે અને એને સમયના થર નીચે દબાવી નથી શકાતી. તારી કેડી પર અનાયાસે થઈ ગયેલો પગરવ મારો વિસામો અને હવે મારી મંઝિલ બની ચૂક્યા છે. જવું છે ત્યાં જ પરંતુ એ શક્ય પણ નથી.

આલાપ, મનને, સપનાંઓને ક્યાં કદી કોઈ સીમા નડી છે? આજે પણ મન એ જ માર્ગ પર ભ્રમણ કર્યા કરે છે. જાત આગળ વધી છે અને હજુ વધે છે પણ મન તો એ જ ગલીમાં પડાવ નાખીને બેસી રહ્યું છે.

એક ગમતીલો શે’ર ભવ્ય ભૂતકાળમાં લઈ જાય એથી વિશેષ નસીબદારી બીજી તો શું હોય? હેં ને આલાપ?

– સારંગી.