આ મહિલાઓ પાસેથી પણ કાંઇક શીખવા જેવું છે…

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ 2020: “ભારતીય વહીવટી સેવામાં જોડાયેલો પ્રત્યેક વ્યક્તિ કોઈપણ પ્રાંતનો હોય, છેવટે તો તે સમગ્ર ભારતની એકતાનું પ્રતીક છે.”

આવા ઉમદા વિચાર વ્યક્ત  કરનાર છે, ૨૦૦૭ ની બેચના સનદી અધિકારી અને સંવેદનશીલ મહિલા અધિકારી એવા રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન.

પુરાતનકાળથી આપણે સ્ત્રી શક્તિની ગાથા ગાતા- સાંભળતા આવ્યા છીએ. ઈતિહાસ તરફ દ્રષ્ટિ કરીએ તો “મેં અપની ઝાંસી કિસી કો નહીં દૂંગી” સાંભળતાની સાથે જ સશસ્ત્ર ઘોડેસવાર વીરાંગના એવી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ આપણા મન:ચક્ષુ સમક્ષ દ્રશ્યમાન થાય છે. ઈતિહાસની અટારીએ ઉભેલી ઝાંસીની રાણી હોય કે પછી પૃથ્વીથી પર જઈ અવકાશની સફર ખેડનાર કલ્પના ચાવલા હોય, ભલભલા કેદીના હાંજા ગગડાવી નાખનાર કિરણ બેદી હોય કે ભારતના અર્થતંત્રને ધબકતું રાખનાર નિર્મલા સીતારામન હોય. મહિલાઓએ હંમેશા દરેક ક્ષેત્રમાં મહારથ હાંસલ કરી છે. આજની મહિલાઓ હવે ઘરની ચાર દીવાલને ઓળંગી અનેકવિધ ક્ષેત્રોમાં સફળતાના ઉન્નત શિખરો સર કરી રહી છે.

આવા જ એક મહિલા અધિકારી એટલે રાજકોટના જિલ્લા કલેકટર રેમ્યા મોહન. એ કહે છે, ‘વહીવટી તંત્રમાં સરળતા અને સચોટતા લાવવા માટે તમામ વિભાગોમાં કાર્યરત બધા જ લોકોની ભૂમિકા ખૂબ મહત્વની છે.’

સર્વને સમાન તક આપવામાં માનતા કલેક્ટર નિમ્નથી લઈ ઉચ્ચકક્ષાના કર્મચારીઓના સૂચન અને સલાહને પણ આવકાર્ય ગણે છે. અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક થયેલા રેમ્યા મોહન વાંચનમાં સવિશેષ રૂચિ ધરાવે છે અને જો તક મળે તો ભવિષ્યમાં વધુ અભ્યાસ કરવાની તેમની ઈચ્છા પણ છે. તેઓ ખૂબ નિષ્ઠાપૂર્વક માને છે કે વ્યક્તિએ જીવનભર સતત નવું શીખતા રહેવું જોઈએ.

પોતાના રાજ્યની બહાર નીકળીને, પોતાની માતૃભાષા તેમજ સામાજિક અને ભૌગોલિક પરિચિત વાતાવરણથી દૂર અન્ય રાજ્યમાં નવા સમાજનો ભાગ બની લોકકલ્યાણનું કાર્ય કરવું તે આ ક્ષેત્રનો રોમાંચ છે. આત્મવિશ્વાસથી ભરપૂર બનવા માટે મહિલાઓને સંદેશો પાઠવતા એ કહે છે કે, “જીવનના દરેક દિવસને નવી ચુનૌતી અને પડકાર સમજીને સહર્ષ આગળ વધતા રહો.”

આવા જ એક બીજા મહિલા છે, રાજકોટ મેડીકલ કોલેજના મહિલા ડીન ડો. ગૌરવીબેન ધ્રુવ. લોકોને સીધા સ્પર્શતા એવા આરોગ્યના ક્ષેત્રમાં વર્ષોથી કાર્ય કરી રહેલા ડીન ડો. ગૌરવીબેન ધ્રુવ એ “ સબસે બડા રોગ, ક્યાં કહેંગે લોગ ” ના સૂત્રનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આજના સમયમાં લોકો શું કહે છે તેની ચિંતા કર્યા વગર મહિલાઓએ તેમની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખીને આગળ વધવાની જરૂર છે.

વર્ષ ૧૯૯૭ માં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પોતાની સફળ કારકિર્દીનો પ્રારંભ કરનારા ડો. ગૌરવીબેન છેલ્લા સવા વર્ષથી પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજના ડીન તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. મેડિકલ કોલેજમાં સર્વોચ્ચસ્થાન દીપાવતા ડો. ધ્રુવે પોતાના ડોક્ટર પિતાની પ્રામાણિક અને કર્તવ્યનિષ્ઠ કામગીરીથી પ્રેરાઈને નાનપણથી જ ડૉકટર બનવાનો નિર્ધાર કરી લીધો હતો. સરળ અને સહજ સ્વભાવના ગૌરવીબેને એમ.બી.બી.એસ. પૂર્ણ કર્યા બાદ પેથોલોજીમાં એમ. ડી. ની ડીગ્રી પણ મેળવીને શિક્ષણ ક્ષેત્રે મેડિકલ ક્ષેત્રના સાંપ્રત પ્રવાહો સાથે સંકળાઈ રહેવાનો માર્ગ પસંદ કર્યો. પારિવારિક જવાબદારી પણ સુપેરે નિભાવતા ડો. ધ્રુવ કાર્યની વ્યસ્તતા વચ્ચે પણ દરરોજ સાંજે રસોઈ બનાવવાનું પસંદ કરે છે. તેમનું માનવું છે કે, “રસોઈ એ નિજાનંદ માટેનું ટોનિક છે.” ડો. ગૌરવીબેન પોતાના બાળપણના સંસ્મરણો વાગોળતા જણાવે છે કે, ડોકટર બનવાની લગન એટલી તીવ્ર હતી કે નાનપણમાં હું રમત રમતમાં પપ્પાની માફક પ્રિસ્ક્રીપ્શન પણ લખતી.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા “ફીમેલ આઈકન એવોર્ડ” વિજેતા ડો. ગૌરવીબેન હાલ પેથોલોજીસ્ટ એસોસીએશનના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે. તદ્ઉપરાંત તેઓ મહિલા સશક્તિકરણની તેમજ સમાજ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા છે.

મહિલાઓના સ્વાસ્થ્ય અંગે ટકોર કરતાં ડો. ગૌરવીબેન ખાસ કહે છે કે, “મહિલાઓ આજે પણ પોતાના સ્વાસ્થ્ય કરતાં પોતાના પરિવારની ચિંતા વિશેષ કરે છે. જો મહિલા તંદુરસ્ત હશે તો જ સમાજ તંદુરસ્ત બનશે, અને તેથી જ સમયાંતરે મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહીને તબીબી સલાહ અને તપાસ કરાવવી જોઈએ. ”

(પ્રિયંકા પરમાર, રાધિકા વ્યાસ)