વિશ્વ મહિલા દિન.. સાચી ઉજવણી: ૩૦૦ મહિલાઓને ઘરઆંગણે રોજગારી

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ 2020: ૮ મી માર્ચ, વિશ્વ મહિલા દિવસ…

એક સમયે ઘરનો ઉંબરો ઓળંગતા અચકાતી મહિલાઓ આજે વિશ્વ ખુંદવા સમર્થ બની છે. આમ તો મહિલાઓનું યોગદાન જોતા કોઈ ચોક્કસ દિવસે જ તેમનું મહત્વ આંકવું એ તેમને અન્યાય બરાબર છે… સમાજમાં કદાચ મહિલાઓ ના હોય તો સમાજ હોય કે કેમ…? એ જ સૌથી મોટો પ્રશ્ન છે… વિશ્વ આખુ “મહિલા દિન” ની ઉજવણી ૮મી માર્ચે કરે છે પણ સાણંદ સ્થિત માનવ સેવા ટ્રસ્ટે અનોખી રીતે ઉજવણી કરી છે એટલું જ નહી પરંતુ સાચા અર્થમાં કરી છે.

વિશ્વ મહિલા દિવસની ઉજવણી નોખા ચિલે કરવામાં આવી. ગામડા ગામની બહેનો જે ક્યારેય એક-બે પ્રસંગને બાદ કરતાં બહાર નીકળેલ નથી તેવી બહેનોને વિશ્વ મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ પ્રવાસનો આનંદ આપવામાં આવ્યો. આ પ્રસંગે બૉસ ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા લીલાપુર અને હઠિપુરા ગામની બહેનોને  સ્વનિર્ભર બનાવવાના હેતુથી સિલાઈ તાલીમ ત્રણ મહિના સુધી આપ્યા બાદ આ તાલીમ બધ્ધ બહેનોને અરવિંદ કંપનીમાં નોકરીની ઑફર કરવામાં આવી .

માનવ સેવા ટ્રસ્ટના શ્રી મનુભાઈ બારોટ કએ છે કે, “વિશ્વ મહિલા દિવસના પ્રસંગે તાલીમાર્થીઓને રોજગારી થકી આર્થિક સહયોગ થાય તેનાથી મોટી બીજી કઈ ભેટ હોઈ શકે?  સાણંદ આસપાસના ગામડા ગામની બહેનો આજે પગભર બની છે તેનાથી મોટી ઉજવણી શું હોય…? અમે એવો ધ્યેય રાખ્યો છે કે આ બહેનો ઘરનો ઉંબરો ઓળંગી વિશ્વ ખુંદે… “ એમ તેઓ ઉમેરે છે.

આ પ્રસંગે વન રક્ષક નીલમબેન અને અરવિદ કંપનીના દર્શનાબેન દ્વારા યોગ્ય માર્ગદર્શન આપેલ . પ્રવાસનો આનંદ માણતા તમામ બહેનોએ નળ સરોવરમાં નૌકા વિહારનો આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે સમાજ માં બહેનોની સ્થિતિ મજબૂત થાય અને આર્થિક રીતે ઘરમાં મદદરૂપ થઈ શકે . જો મહિલાઓ સ્વનિર્ભર બનશે તો પોતાના કુટુંબનો વિકાસ વધુ બજબૂતાઈથી કરી શકશે. આ સિલાઈ વર્ગ થકી અત્યાર સુધી જુદા-જુદા પાંચ ગામની આશરે 300 થી વધારે બહેનોને રોજગારી અપાવવામાં સફળતા હાસિલ કરી છે.