પાસપોર્ટ લઇ લેજો, એ પાછા ન આવવા જોઇએ…

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ 2020: કુદરતે નર અને નારી બંનેને અલગ અલગ બનાવ્યા છે. એ બનાવવા પાછળનું કારણ પણ બધા જાણે છે. પણ તો પણ બંને એકબીજાના કાર્ય કરી સતત પોતે એકબીજાથી વધારે સક્ષમ છે એવું સાબિત કરવા મથે છે. સ્ત્રીનું શ્રેષ્ઠ રૂપ એટલે તેનું માતા તરીકેનું સ્વરૂપ.

બસ, એવી ચાર માતાઓવાળું ઘર એટલે ગઢપરનું રાજા મેન્સન. મીનાદેવી જયારે આ ઘરમાં લગ્ન કરીને આવી ત્યારે તેની ઉંમર માત્ર તેર વરસની હતી. અને પતિદેવ બાવીસના. રમવા કૂદવાની ઉમરે તેઆ ઘરની સર્વેસર્વા બની ગઈ. દસ રૂમની હવેલી અને રહેવાવાળા માત્ર બે જણા. સોળમાં વરસે તો ઘરમાં દીકરો આવી ગયો અને પછી બે વરસમાં એ વિધવા પણ થઇ ગઈ. ચોત્રીસમાં વરસે લીલાવતીના આવવાથી બેમાંથી ત્રણ થયા અને પાત્રીસમાં વરસે એ દાદીમાં બની ગઈ. કોણ જાણે આ ઘરને કોની નજર લાગી હતી? બે વરસમાં દીકરો પણ સિધાવી ગયો. મીનાદેવીની કોઠાસૂઝ સારી એટલે કારોબાર અને ખેતી સચવાયેલા રહ્યા.

સમયને જતા ક્યાં વાર લાગે છે? વીસ વરસમાં તો લીલાવતી પણ સાસુ બની ગઈ અને મધુમતીનું આગમન થયું. મધુમતીએ દીકરીને જન્મ આપ્યો. હવે સવાલ હતો કે જો પરંપરા સચવાયેલી રહી તો વંશ આગળ નહિ વધે. રુદ્રવતી પાંચ વરસની થઇ ગઈ પણ ઘરમાં દીકરાનો જન્મ ન થયો. દરરોજમધુમતીને પોતાના સૌભાગ્યની ચિંતા રહેતી. અને એક દિવસ એ ચિંતા સાચી પડી. બાર વરસની રુદ્રવતી હવે આ ઘરમાં માત્ર સ્ત્રીઓ સાથે રહેતી હતી.

દીકરી જુવાન થાય એ ઘરના કરતા બહારના લોકોને જલ્દી ખબર પડે છે. અત્યંત સુંદર અને વિચક્ષણ બુદ્ધિ ધરાવતી રુદ્ર્વતીનીહાજરી માત્ર લોકોનું મન ઠારતી. જો કે તેની અલ્લડતા આગળની ત્રણ પેઢીની નારીઓને ચિંતા પણ કરાવતી. મીનાદેવી ઘણીવાર કહેતી પણ ખરી કે, આનો ઉછેર છોકરા જેવો કર્યો છે પણ છે તો છોકરી જ ને? પણ અંતે દીકરીના પ્રેમ સામે બધું ભુલાઈ જતું. રુદ્ર્વતીનો સત્યનીષ્ઠ સ્વભાવ અને નીડર વ્યક્તિત્વ તેને યુવતીઓમાં પ્રિય થવા માટે સક્ષમ હતું. ગામમાં કોલેજ ન હતી. તેથી બારમાં ધોરણ પછી વીસ કિલોમીટર દુર કોલેજમાં ભણવા જવું પડતું. રુદ્રવતી એ દિવસે બસમાં ચડતી હતીને એનું ધ્યાન આગળ જતી છોકરીના હાથ પર ગયું. તેની આગળનો છોકરો એ હાથ પકડવા પ્રયત્ન કરતો હતો. રુદ્રવાતીનું મુખ લાલ થઇ ગયું અને પેલા છોકરાનો ગાલ પણ લાલ થઇ ગયો.” બેશરમ, ગામની દીકરીને રંજાડે છે?એક વાત સમજી લેજે, અમે પણ કઈ બંગડીઓ નથી પહેરી.” કેટલાક લોકોએ એક બીજા સામે જોઈ લીધું અને અંતે માફી માગવાના કાર્યક્રમ સાથે સમાપ્તિ થઇ ગઈ.

એ સાંજે થોડું મોડું થઇ ગયું. હવે માત્ર એકજ બસ બાકી હતી. રાત્રે નવ વાગ્યા વાળી. રુદ્ર્વતી એકલી હતી. પણડર શબ્દ એના શબ્દકોશમાં ક્યાં હતો? એ આછા અજવાળામાં પોતાની ચોપડી વાંચતી હતી. કોણ જાણે કેમ આજે બસ પણ મોડી હતી. વાતાવરણમાં તમરાનો અવાજ ઉમેરાઈ રહ્યો હતો. એની પાસેની બોટલનું પાણી પણ ખલાસ થઇ ગયું હતું. એણે આસપાસ નજર કરી. બધીજ દુકાનો બંધ હતી. દુર ક્યાંક કૂતરાનો ભસવાનો અવાજ આવતો હતો. અચાનક એના મોબાઈલની રીંગ વાગી. “ હા, દાદી. અરે, ચિંતા ન કરો, હું પહોચી જઈશ. હમણા બસ આવશે. ઓહો, હું તમારો ભડ દીકરો છુ, પહોંચી જઈશ. મુકું છુ. કદાચ બસ આવતી લાગે છે.” બસમાં માત્ર એક જ પેસેન્જર અને બે કર્મચારીઓ હતા. વળી, એ બંને જાણીતા હતા. બરાબર સાડા દસે એ પોતાના ગામમાં હતી.

“ બાર વાગશે. આ છોકરી ફોન પણ નથી ઉપાડતી. મેં તો પહેલાજ કહ્યું હતું કે ગાડી મોકલું પણ માને તોને?” મધુમતીબસ સ્ટેન્ડની આસપાસ માણસો લઈને રઘવાટમાં ફરતી હતી ત્યાં કોઈના કણસવાનો અવાજ આવ્યો.એક ખેતરના શેઢા પાસે લોહીલુહાણ રુદ્રવતી પડી હતી. મધુમતીની રાડ ફાટી ગઈ. એનેઘરે લાવવામાં આવી. મીના દેવી બધાને સ્વસ્થ રહેવા સમજાવતી હતી. “ જો મધુ કોઈના ઘરે ચોરી થાય તો આપણે ચોરને દોષી માનીએ કે જેના ઘરે ચોરી થઇ છે એને? બે ને તો આણે પતાવી દીધા છે. સારું જ કર્યું. બાકી બાળી મુકત, મારી ફૂલ જેવી દીકરીને. બીજા બે ભાગી ગયા છે. એ થોડાજ પોતાના કર્મોનો ઢંઢેરો પીટવાના છે?” રુદ્ર્વતીનો પગ ભાંગી ગયો હતો. જ્યાં ત્યા કાંટા ઘુસી ગયા હતા. અને કપડા પેલા બેના લોહીથી લથબદ હતા. સવારે ગામ શાંત હતું. ગામના ચાર માથાભારે છોકરાવ ક્યાંક ભાગી ગયા હતા. એના માબાપને પણ ચિંતા ન હતી. કારણકે આ પહેલા એ લોકો ઘણી વાર ગાયબ થઈને પાછા આવી ગયા હતા. કોલેજમાં રુદ્ર્વતીને મેલેરિયા થયાનો રીપોર્ટ અપાઈ ગયો હતો.

“મિનામા, હું કદાચ…” રુદ્રવતીએ મીનાદેવીનો હાથ પકડી લીધો.

“ જો દીકરા, તારી ઈચ્છા શું છે? એ નરાધમોનું લોહી રાખવું છે કે પછી?” આ બંને જાણે બહેનપણીઓ હતી. થોડા સમય પછી પેલા બે પાછા આવ્યા. મધુમતીનો ડર સાતમાં આસમાન પર હતો. રુદ્ર્વતીનું ભણવાનું પતિ ગયું હતું, પણ બાળકને હજુ પાંચ મહિના બાકી હતા. “પેલા લોકો કહી દેશે તો? કોઈ તોફાન કરશે તો? મારી દીકરીના બાળક પર હક જમાવશે તો?” ઘણાસવાલો હતા. મીનાદેવી પેલા બંનેના માબાપને મળવા ગઈ.

“ જો, રઘલા. તારા બંને દીકરા છે સાચા હીરા જેવા. હું પૈસા આપું. દુબઈમાં એક માણસને હું ઓળખું છુ. વારેવારે ભાગી જાય એના કરતા બે પૈસા કમાશે તો તારું ઘડપણ પણ સુધારશે.” રઘલો માની ગયો. એના બંને દીકરા મનમાં હસતા હતા કે, આ ડોશીને કઈ ખબર નથી લાગતી.” હવે પેલી વાત કોઈને કહેવા કરતા નવી જગ્યાએ જવાની હોંશ વધારે હતી. અંતે બંને દુબઈ પહોંચી ગયા.

“જો દીકરા. સાંભળ્યું છે કે ત્યાં પાસપોર્ટ લઇ લે છે. તમ તમારે લઇ લેજો. એ હવે પાછા ન આવવા જોઈએ.” મીનાદેવીએ એજન્ટ સાથે વાત કરી લીધી. ગામમાં હવે શાંતિ હતી. આઠમી માર્ચે રુદ્ર્વતી એ દીકરીને જન્મ આપ્યો.

કેલેન્ડરમાં લખ્યું હતુંઃ ”નારી દિવસ”

(વિશ્વા રાવલ)