મહિલા દિન: જરૂર છે સમન્વયની…

સ્ત્રી સશક્તિકરણ માટે ચાલતી વિવિધ યોજનાઓ અને જાગૃતિ માટેના પ્રયત્નો, સ્ત્રીઓ વિશેના અનહદ જુસ્સો પૂરો પાડનારા ભાષણો અને એને લગતા કાયદાઓ – આ બધાથી છેલ્લા કેટલાક સમયમાં મહિલાઓ અગાઉની સરખામણીએ વધારે સશક્ત બની છે, બનતી જાય છે. સ્ત્રી સાક્ષરતાની ટકાવારીમાં છેલ્લા 10 વર્ષમાં 26% જેટલો વધારો થયો છે જેથી રોજગારમાં પણ સ્ત્રીઓની ટકાવારી વધી છે. બિઝનેસ સહિત અનેક ક્ષેત્રોમાં સ્ત્રીઓનું પ્રભુત્વ વધ્યું છે. પાનનાં ગલ્લાથી માંડીને ગેરેજ સુધી જ્યાં પુરુષનું આધિપત્ય હતું ત્યાં સ્ત્રીઓએ મક્કમ ઘૂસ મારી છે. “Man is to earn the bread and women is to serve the bread” વાળો સામાજિક ખ્યાલ બદલાઈ રહ્યો છે.

આજની સ્ત્રીઓ સ્વતંત્ર સપનાં ધરાવે છે. એકબીજાની ઉપર નિર્ભર રહેતા સંબંધોએ હવે એક નવું રૂપ ધારણ કર્યું છે. આજની યુવતીનાં અરમાનો, અપેક્ષાઓ મોટી છે. લગ્નેતર સંબંધો, લીવ ઈન રિલેશનનું કલ્ચર હવે સ્ટેટસ સિમ્બોલ છે. એક અભ્યાસ પરથી તારણ નીકળ્યું કે યુવતીઓ પણ કામના કારણે વધુ પડતી બહાર રહેતી હોવાથી એમની બીજી બધી લાગણીને લગતી જરૂરિયાતો પણ એ બહારથી જ સંતોષી લે છે. ક્ષણિક ખુશી, ક્ષણિક આવેગોને હવે સ્ત્રીઓ પણ માણતી થઇ છે અને બેવફાઈ એ ખાલી પુરુષોનો ઈજારો ન રહેતા, સ્ત્રીઓ પણ બિન્દાસ રીતે આવા સંબધોને ટેકલ કરતી થઇ ગઈ છે. વર્જિનિટી તેમના માટે બહુ ઓર્થોડોક્સ થીંકીંગ છે. સફળતાનાં રસ્તામાં સડસડાટ ભાગતી તેમની ગાડીમાં કોઈ સ્પીડ બ્રેકર આવે તો આવા અંતરાયોને બાયપાસ કરવામાં પણ તેમને હવે કોઈ વાંધો આવતો નથી. લગ્નનાં નામે તેમને સમાધાન નથી જોઈતું. પોતાની પ્રાઇવસીમાં દખલઅંદાજી તેમને નથી ફાવતી. લગ્નસંસ્થામાંથી જાણે તેમનો ભરોસો ઊઠતો જાય છે.

દક્ષિણ ગુજરાતમાં વાપીસ્થિત એક કોર્પોરેટ કંપનીમાં હ્યુમન રિસોર્સિસ વિભાગની હેડ તરીકે કામ કરતી એક યુવતી નામ ન જણાવાની શરતે કહે છે, પ્રમોશન્સ અને અમુક લેવલની પોઝિશન મેળવવા માટે થોડુંઘણું કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો એમાં કાંઇ ખોટું નથી. દરેક સંબંધ ગિવ એન્ડ ટેક પર જ ટકે છે. બન્નેને ખબર હોય છે કે આ સંબંધ કયા મિશનના ભાગ રૂપે બંધાયો છે અને પોતાનું કામ નીકળી જતા તેઓ છૂટા પણ પડી જાય છે.

સોશિયલ મિડીયાના વધુ પડતા પ્રભાવે નવી પેઢીને ગુમરાહ કરી છે. દંભી બનાવી છે. પોતાના વારસાગત-પારંપરિક મૂલ્યોને વિસરાવી દેવાની પહેલને આ પેઢી આધુનિકતાના નામે તદ્દન બેજવાબદાર ટેગ લગાડીને છટકી રહ્યા છે. વિભક્ત થઇ રહેલા કુટુંબો, વિસરાઈ રહેલી પ્રથાઓ, ઊંચા સપના જોવાનું શીખવતા અવાસ્તવિક વ્યાખ્યાનો અને પછી એ સપનાં સાકાર ન થતાં લાગુ પડતી ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓ, નાની નાની વાત પર તૂટી રહેલા લગ્નો, વધી રહેલા લગ્નેતર સંબંધો આધુનિક પેઢીની નબળી સહનશીલતાનો બહુ મોટો પુરાવો છે. આજનો યુવક અને યુવતી બન્ને એનો સમાન ભોગ બન્યા છે.

અને એટલે જ, આજે મહિલા દિવસને લઇને સ્ત્રી સશક્તિકરણની રૂપાળી અને ડાહી ડાહી વાતો થાય તો પણ, થોડો સમય સ્ત્રી સશક્તિકરણનું આ પીપુડું બાજુ પર મૂકીને વિચારવાનો ય આ સમય છે.

યાદ રહે, પ્રેમથી બગડેલી બાજી બનાવવાનું હુન્નર જે સ્ત્રીમાં છે તે પુરુષ પાસે નથી. પુરાણોમાં આવતી ભસ્માસુરની વાત આપણને ખ્યાલ જ છે. તેને જીતવા માટે ખુદ વિષ્ણુએ મોહિની બનવું પડ્યું હતું. પરંતુ આ જ સ્ત્રી હું જ શુ કામ સહન કરું, હું જ શુ કામ જતું કરું? ની દલીલ કરીને એને ઇગો ઇસ્યુ બનાવવા માંડી છે. જવાબદારી વિનાના હક અને બાંધછોડ કર્યા વિનાના સંબંધોની અપેક્ષા બહુ તીવ્ર બની છે. આ સ્ત્રીઓ વાસ્તવમાં આવનારા સમાજનું હતપ્રભ કરી મૂકનારું ટ્રેલર દેખાડી રહી છે.

હકીકતમાં કઈ ચડસાચડસી ચાલી રહી છે એ જ સમજાતું નથી. કોના સમોવડી થવાનો પ્રયાસ કરી રહી છે સ્ત્રીઓ? કોની સામે લડી રહી છો તમે? ઘરનો બધો વહીવટ તમને સોંપી તમારી સત્તા વધારીએની સામે? કે પછી જેણે તમને તેમનો વારસદાર અને એની જિંદગી સોંપી દીધી એની સામે? શેની લડાઈ છે અને કયા મેદાનમાં લડો છો? આ પ્રશ્ન પોતાની જાતને પુછવાનો સમય આવી ગયો છે.

શત્રુને ઓળખવામાંજ મોટી થાપ ખાઈએ છીએ આપણે! અને તેથી જ ફરજો વિનાના હક માટે આટઆટલી સ્ત્રી-શક્તિકરણની વાતો કર્યા કરીએ છીએ. સતી અનસૂયા, અહલ્યાદેવી, દેવકી, યશોદા આ બધા એવા વ્યક્તિત્વ છે, જેમણે ઈશ્વરને પણ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવા મજબુર કર્યા. આ દેશની દીકરી આ વ્યક્તિત્વોની વારસ છે.

અહીં પુરુષોના અત્યાચાર સહન કરવાની કે એમનો પડ્યો બોલ મૂંગા મોંએ ઝીલવાની વાત નથી. વાત પરસ્પર પ્રેમ અને સમન્વય બનાવી રાખવાની છે. જમાનો બદલાયો છે. સમાજે સ્ત્રીના આ નવા રૂપને સ્વીકાર્યું છે ત્યારે સ્ત્રીઓ પણ એ સ્વરૂપનો ગેરલાભ ન ઉઠાવે એ પણ એટલું જ જરૂરી છે. સાસરીમાં કોઈ કાંઇક કહે એટલે કાયદાનો સહારો લઇ તેમની આંખે અંધારા લાવી દેવા એ ક્યાંની સભ્યતા કે ક્યાંનું સ્ત્રીત્વ છે? દહેજપ્રથાનું દૂષણ નાબૂદ થવું જ જોઇએ, પણ એની આડમાં સામેવાળાની હેરાનગતિ વધારવા માટે આ કાયદાની કલમનો દુરુપયોગ કેટલી હદે વધ્યો છે તેની નોંધ લેવી પણ જરૂરી છે . થોડા જ સમય પહેલાં સોશિયલ મિડીયા પર વાઇરલ થયેલી હીનાને MI નો ફોન કેમ આપ્યો? એ ફક્ત હસવાનું નહીં, વિચારવાનું પણ ઉદાહરણ છે. કેટલાય એવા પુરુષો છે જે રીતસરના પોતાની પત્નિઓથી શોષિત છે, પરંતુ એમની તરફેણ કરે એવો કોઇ કાયદો નથી એટલે કે પછી સામાજિક દબાણનાં કારણે તેઓ ચુપચાપ સહન કર્યા રાખે છે.

ના, આ આપણી સંસ્કૃતિ નથી. સ્ત્રીત્વ તો લોપમુદ્રા, રાણી જોધાબાઈ, રાણી પદ્માવતી જેવા વ્યક્તિત્વોએ નિભાવ્યું કહેવાય. નીડર, સાહસિક અને સાચા અર્થમાં બ્યૂટી વીથ બ્રેઈન. આપણે ડ્રગ્સ લેતી, સિગરેટનાં ધૂમાડા કાઢતી, હાથમાં દારૂનો ગ્લાસ પકડી પોતાના ઉપરીઓ સાથે પ્રમોશન કે બીજા કોઈ લાભને અંજામ આપવા પોતાની જાત સોંપી દેતી સ્ત્રીને બિન્દાસનું બિરુદ આપીએ છીએ. એને મુક્ત ક્લચરનો ભાગ ગણીએ છીએ એ રીતસરનો સ્વબચાવ જ છે. બહારની દુનિયા માટે બનાવેલા મ્હોરાં આપણે ઘરમાં આવીને કાઢવાનું ભૂલી જઈએ છીએ. લગ્નદિવસની વર્ષગાંઠ ઉજવવા મોટી હોટેલમાં જઈએ છીએ. ઘરે આવીને સોશિયલ મિડીયામાં એ તસવીરે અપલોડ કરીને સંતોષ માની લઇએ છીએ. સોશિયલ મિડીયામાં મળતી લાઇક્સ અને કમેન્ટ્સ જ જાણે આપણા જીવનનું મોટિવેશન બની ગઈ છે. સોશિયલ મિડીયા તો જાણે સૌંદર્યસ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયાર કરવા પડતા પોર્ટફોલિયો જેવું બની ગયું છે!

બહુ થયું. હવે ખરેખર શાંતિથી વિચારવાનો સમય આવ્યો છે. પુરુષોએ સ્ત્રીઓને ક્યારેય નથી કહ્યું કે તમે “પુરૂષ સમોવડી” બનો. સ્ત્રીઓએ સામે ચાલીને આ લડાઇ અપનાવી છે, બીનજરૂરી લડાઇ. રોજ સાંજ પડ્યે થાકી-હારીને આવતી દરેક સ્ત્રી આ લડાઈ કોઈને કોઈ જગ્યાએ લડી રહી છે. કોઈ તાબે થઇ જાય છે તો કોઈ રણ છોડીને પોતાની જાતને ધિક્કારતી પાછી ફરે છે. સમોવડા બનવાનું તો ઘણું શીખી લીધું. હવે સમન્વીત થવાનો સમય છે.

હુંકારો :

સંબંધો મારાં તારા માંથી, મારાં થઇ ગયા ને “હું” ખાલી સ્ટેટ્સ બદલતો રહ્યો!

કેટકેટલા ઉપનામો હતા આપણા, અને “હું”ખાલી ફોર્માલિટી પુરી કરતો રહ્યો!

ઘણા અવકાશો હતા આપણા જીવનમાંય, ને હું ચાંદ પર આશિયાના સજાવાના ફાંકામાં જીવતો રહ્યો!

(દેવલ દવે-જોશી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]