નવી દિલ્હીઃ ઈન્ડિગો દ્વારા સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી હોવાને મામલે સુપ્રીમ કોર્ટે દખલ કરવાની માગ કરતી અરજી પર તરત સુનાવણી કરવા તૈયાર નથી. કોર્ટે કહ્યું હતું કે અમે એરલાઇન નથી ચલાવી શકતા. ભારત સરકાર આ મુદ્દાથી પહેલેથી જ માહિતગાર છે અને સમયસર કાર્યવાહી કરી છે. ત્યાર બાદ આ મામલો બુધવાર માટે લિસ્ટ કરવામાં આવ્યો હતો.
ઈન્ડિગો ફ્લાઇટ્સમાં સતત સાતમા દિવસે પણ અવરોધ ચાલુ છે. એરલાઇન કંપનીએ સોમવારે દિલ્હી-બેંગલુરુ એરપોર્ટ પરથી 250થી વધુ ઉડાનો રદ કરી દીધી હતી.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે સ્વીકાર્યું હતું કે ફ્લાઇટ રદ થવાથી અનેક મુસાફરોને ગંભીર આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. અરજદાર વકીલ નરેન્દ્ર મિશ્રાએ અરજી કરીને ટોચની કોર્ટને કેસની વહેલી સુનાવણી કરવાની માગ કરી હતી. તેમની દલીલ હતી કે 2500થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે અને દેશભરનાં મોટા ભાગનાં એરપોર્ટ્સ અસરગ્રસ્ત છે, તેથી સુપ્રીમ કોર્ટે જરૂરી હસ્તક્ષેપ કરવો જોઈએ.
બીજી ડિસેમ્બરથી ચાલુ ઈન્ડિગો સંકટ
ઈન્ડિગોએ બીજી ડિસેમ્બરથી અત્યાર સુધી સેંકડો ફ્લાઇટ્સ રદ કરી છે, જેને કારણે એરલાઇનને હજારોથી વધુ મુસાફરોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીએ આ રદ થવા માટે પાઈલોટ્સની નવી ફ્લાઇટ ડ્યૂટી અને નિયમોમાં બદલાવને જવાબદાર ઠેરવ્યા છે, જેને કારણે દેશભરમાં લાખો મુસાફરો એરપોર્ટ્સ પર અડવાયા હતા.
શરૂઆતના ત્રણ દિવસ સુધી રાહુલ ભાટિયાની આંશિક હિસ્સેદારી ધરાવતી આ એરલાઇન ભારે પ્રમાણમાં થઈ રહેલી રદ ફ્સાઇટ્સને સ્વીકારવામાં નિષ્ફળ રહી હતી. માત્ર એક જ દિવસે (શુક્રવારે) એરલાઇને 1600 ફ્લાઇટ્સ રદ કરી હતી — જે ભારતીય ઉડ્ડયનના ઇતિહાસમાં એક રેકોર્ડ છે. ત્યાર બાદ CEO પીટર એલ્બર્સે મુસાફરોને થઈ રહેલી અસુવિધા બદલ માફી માગતો એક વિડિયો જાહેર કર્યો હતો.




