સોશિયલ મીડિયાના વધતા જતાં ક્રેઝ અને રીચ જોઈને કોઈપણ દુકાનદાર કે વેપારીના મનમાં એક જ વિચાર આવે છે કે લાખો રૂપિયા ખર્ચીને મારી પ્રોડક્ટની જાહેરાત કરવાના બદલે સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅનસરને બોલાવી માત્ર હજારો રૂપિયામાં એડ કરી લઉં. બીજી તરફ યંગસ્ટર્સને પણ આંગળીના ટેરવે બધી જ વસ્તુ સર્ચ કરવાની કે મેળવવાની આદત પડી ગઈ છે. સોશિયલ મીડિયા પર જઈને બસ જરૂરિયાત પ્રમાણેના કી-વર્ડ નાખીને સર્ચ કરો અને જરૂરિયાત પૂરી કરી લો.
સોશિયલ મીડિયા પર સૌથી વધુ સર્ચ થતી કોઈ રિલ હોય તો એ છે ફૂડ કે રેસ્ટોરન્ટની. કારણ કે મોટાથી લઈને નાના શહેરોમાં ફૂડ બ્લોગર્સનો રાફડો ફાટી નીકળ્યો છે. આ જૂથમાં ફૂડ બ્લોગિંગ કરીને પોતાની જગ્યા બનાવવી તે કોઈ નાની વાત નથી.એમાં પણ જો ફૂડ બ્લોગર એર દિવ્યાંગજન હોય તો! જી હા, તમે બરાબર વાંચ્યું છે. આજે અમે અમારા દીવાદાંડી વિભાગમાં દેશના પ્રથમ દિવ્યાંગ ફૂડ બ્લોગર અંકિત બરનવાલ વિશે વાત કરવાના છીએ. અંકિત સોશિયલ મીડિયા પર ચટોરા અંકિત તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. અંકિતભાઈ વિશે વાત શરૂ કરીએ તે પહેલાં તેમનો આ વીડિયો જોઈ લો.
View this post on Instagram
અંકિતને જન્મથી સ્પાઈનલ કોડમાં ટ્યૂમર હતું. જે દૂર કરવામાં ન આવે તો તે ફાટી જવાની સંભાવના હતી. જેના કારણે તેમનું મૃત્યુ પણ થઈ શકતું હતું. આથી માતા-પિતાએ ત્રણ મહિનાના અંકિતનું ઓપરેશન કરાવ્યું હતું. અંકિત એક વર્ષના થયા ત્યાં સુધી કોઈ મુવમેન્ટ કરતા ન હતા આ વાતની નોંધ માતાએ લીધી. ત્યારબાદ ડોક્ટરને બતાવતા તેમણે કહ્યું કે ઓપરેશન દરમિયાન જ અંકિતના પગની કોઈ નસ દબાઈ ગઈ કે કટ થઈ ગઈ હશે. જેના કારણે તેઓ સામાન્ય વ્યક્તિની જેમ હરી-ફરી શકતા નથી.અંકિતભાઈએ હિંમત ન હારી અને કોમર્સમાં ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો. અભ્યાસ બાદ નોકરી પણ કરી. જો કે કોરોનાકાળમાં તેમની નોકરી છૂટી ગઈ અને ત્યારબાદ અનેક પ્રયત્નો પછી પણ બીજી નોકરી મળી નહીં. એ દરમિયાન મિત્રોએ સૂચન કર્યું કે અંકિતભાઈએ ફૂડ બ્લોગિંગ કરવું જોઈએ. કારણ કે મિત્રો તેમના ફૂડ પ્રત્યેના વિશેષ પ્રેમથી સારી રીતે પરિચિત હતા. અંકિતભાઈને ખાવાનો એટલો બધો શોખ કે ઘરમાંથી કપડાં કે બીજી કોઈ વસ્તુ માટે પોકેટ મની મળે તો એ પણ તેઓ ખાવા પાછળ જ ખર્ચી નાખતા હતા. આ સાથે વીડિયોગ્રાફિનો પણ શોખ હતો. મિત્રો સાથે મળીને શોર્ટ ફિલ્મસ પણ બનાવી હતી. આથી તેમના જીવનના અને ફૂડ બ્લોગિંગની સફરના ચાર પિલર સમાન ચાર મિત્રોની સવિશેષ મદદથી ઓગષ્ટ 2021માં શરૂ થઈ ચટોરા અંકિતની સફર.અંકિતભાઈના ચાર મિત્રોની જો વાત કરીએ તો તેમાં પહેલાં છે કૃણાલભાઈ. જેમણે અંકિતભાઈના 100 ફોલોવર્સ પણ ન હતા, ત્યારથી ઘણા બધા કેફે કે રેસ્ટોરન્ટની લીડ લાવીને આપી હતી. બીજા મિત્ર એટલે ચિરાગભાઈ કે જેમણે ફૂડ બ્લોગિંગ શૂટ કરવામાં ખૂબ જ મદદ કરી હતી. ત્રીજા વ્યક્તિ પણ ચિરાગભાઈ છે. જેમણે અંકિતને આર્થિક રીતે ઘણી મદદ કરી હતી. ચોથા ભક્તિભાઈ એટલે કે વિવેકભાઈ. જેમણે ફૂડ બ્લોગિંગનો પાયો નાખવામાં અંકિતભાઈને ખૂબ જ મદદ કરી હતી.
ચટોરા અંકિતનું પેશન અને શોખ બંન્ને ફૂડ છે. જેને ફોલો કરવામાં મિત્રોની સાથે-સાથે પરિવારનો પણ એટલો જ સપોર્ટ મળ્યો છે. પરિવારમાં માતા-પિતા અને એક મોટાભાઈ છે. અંકિતભાઈનું કહેવું છે કે, મેં જ્યારે ફૂડ બ્લોગિંગની શરૂઆત કરી ત્યારે પરિવારમાંથી એટલો સપોર્ટ નહોતો મળ્યો પણ સાથે જ માતા-પિતાએ ના પણ ન પાડી. તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે પોતાનું ધ્યાન રાખજે અને કેરિયર પર ફોક્સ કરજે.
શરૂઆતમાં તેમણે સ્ટ્રીટ ફૂડ વિશે વધારે ફૂડ બ્લોગિંગ કર્યું. શરૂ કર્યાના છ મહિના સુધી અંકિતભાઈને ધીમો રિસપોન્સ મળ્યો હતો. લોકો અંકિતભાઈને કહેતાં કે, તારાથી કંઈ નહીં થાય, તારું કોઈ ભવિષ્ય નથી, તારા માટે આ ઈન્ડસ્ટ્રીમાં કોઈ સ્કૉપ નથી. તેમ છતાં તેમણે હિંમત હાર્યા વગર પોતાનું કામ ચાલુ રાખ્યું. શરૂઆતમાં તો લોકો અંકિતભાઈને એમ પણ કહેતા હતા કે તેઓ માત્ર ખાવા માટે જ જાય છે. જે રેસ્ટોરન્ટમાં જતા હતા ત્યાં સારો રિસપોન્સ પણ ન હતો મળતો. ખિસ્સામાંથી પૈસા કાઢીને શૂટ કરતા હતા. આજે તેઓ યુટ્યુબ અને પ્રમોશન દ્વારા ખુબ જ સારી કમાણી કરી રહ્યા છે. ફંડ અને મેન પાવરની કમીના કારણે અત્યારે અંકિતભાઈ માત્ર સુરતમાં જ ફૂડ બ્લોગિંગ કરે છે.
View this post on Instagram
શારીરિક મર્યાદાઓને કારણે અંકિતભાઈને આ ફિલ્ડમાં અનેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. જેમ કે દરેક રેસ્ટોરન્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર ન હોય, વ્હીલચેર ફ્રેન્ડલી ન હોય. ગરમી હોય, વરસાદના કારણે કાદવ હોય, ઠંડી હોય તો પણ એ દરેક મુશ્કેલીઓને પાર કરીને પહોંચી જતા ફૂડ બ્લોગિંગ કરવા માટે. આજે પરિસ્થિતિ એ છે કે લગભગ બધી જ હોટલ કે કેફેના માલિકો અંકિતભાઈ જ્યારે તેમના ત્યાં શૂટ માટે જાય ત્યારે તેમને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે વાતનું ખાસ ધ્યાન રાખે છે.અંકિતભાઈના હાલ ઈન્સ્ટાગ્રામ પર 15 હજાર ફોલોઅર્સ છે. જ્યારે યુટ્યૂબ પર અત્યારે 97 હજાર ફોલોઅર્સ છે. જેને ટૂંક સમયમાં જ એક લાખ સુધી પહોંચાડવાનો ધ્યેય હાલ અંકિતભાઈ રાખી રહ્યા છે. અંકિતભાઈને જે પ્રકારનો પ્રેમ અને પ્રોત્સાહન મળી રહ્યા છે તે જોતા તેમને પોતાના ધ્યેય સુધી પહોંચવાથી કોઈ રોકી શકશે નહીં. ફૂડ અને રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં અંકિતભાઈ જેવા ફૂડ બ્લોગર અને ત્યાં જમવા આવતા દિવ્યાંગજનોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન તૈયાર કરવાની જરૂરિયાત છે. જેથી કરીને દરેક વ્યક્તિ પોતાના ભાવતા ભોજન સુધી સરળતાથી પહોંચી શકે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)