અર્થાત એક બાજુ તે અહીંથી ગયેલા ભારતીય છોકરાઓની જેમ પોતાના પગ પર ઊભા રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે તેનો સંતોષ હતો. આથી તેણે પોતાની કમાણીમાંથી લીધેલી આ કાર અમારા માટે પણ અભિમાનની બાબત હતી…
ક્યાંક પ્રવાસે જઈએ એટલે પહેલા બે બાબતની ખાતરી કરી લેવાની આદત પડી છે અને તે છે, વેનમાં ટેબલ અને હોટેલના રૂમમાં વર્ક ડેસ્ક. અમારો મોટા ભાગનો પ્રવાસ પંદર-પંદર દિવસનો હોય છે. એક વાર જઈએ એટલે તે પટ્ટો આખો જોઈ લેવાનો. એટલે કે, પોલેન્ડના વાર્સાથી ક્રોએશિયાના ડુબ્રોન્વિક સુધી, ન્યૂ ઝીલેન્ડમાં નોર્થ આઈલેન્ડથી સાઉથ આઈલેન્ડમાં ઈનવરકારગીલ સુધી, પોર્ટુગલ સ્પેનના પોર્તો ડુરો વેલીથી સાઉથના આલગાર્વ સેવિયા મલાગા બર્સિલોના મોંટસેરાટ સુધી, ગ્રીસના સિરોસ મિકોનોસ સેન્ટોરિની, રહોડ્સ, ક્રીટ જેવા આઈલેન્ડ્સથી સોલોનિકી અથેન્સ સુધી, વિયેતનામના નોર્થમાં હનોઈ હેલોંગ બેથી સાઉથમાં સાયગાવ હો ચિ મિન્ન સુધી… એટલો પ્રવાસ ચાલુ હોય છે કે આવી સો ટકા હોલીડે ક્યારેય થતી જ નથી. ઓફિસનાં કામો કરવાં જ પડે છે. યુ જસ્ટ કાન્ટ એસ્કેપ.
આથી જ દરેક વખતે વેનમાં એક નાનું ઈનબિલ્ટ ફોલ્ડિંગ ટેબલ જેનો વર્ક ડેસ્કની જેમ ઉપયોગ કરી શકાય તે હોવું એ જરૂરી બની ચૂકી છે. આ જ રીતે વેનમાં સીટ રિવર્સિબલ હોવી પણ મહત્ત્વનું માનું છું. સુધીરનું અને મારું જ્યારે સારું ચાલતું હોય ત્યારે સીટ્સ સામ-સામે કરીને તે વેનને જાણે ઓફિસમાંની કેબિન બનાવી દેવાની અને જે દિવસે બંનેને એકબીજાનો કંટાળો આવે ત્યારે સીટ્સ સીધી કરીને તારો તું, મારી હું, એવી પ્રાઈવસીનું જતન કરવાનું. હા, ગમે તેટલા નજીક હોઈએ છતાં આપણે કાયમ એકબીજાને ચોંટીને નહીં રહી શકીએ ને. ઈટ્સ નેચરલ. તો વેન આવી જ ગોરી સુંદર ઠીંગણી હોવી જોઈએ તેની પર અમારો ભાર. બીજી બાબત એ કે જ્યાં પણ રહીએ ત્યાં રૂમમાં એક્ઝિક્યુટિવ ડેસ્ક હોવું જોઈએ, બારીની સામે હોય તો સોનામાં સુગંધ. રૂમમાં એન્ટ્રી કર્યા પછી હું પહેલી બાબત જો કોઈ કરતી હોઉં તો તે છે પહેલાં મારું વર્ક ડેસ્ક બરોબર ગોઠવી લેવું. ચાર્જર્સ, આઈપેડ, ફોન, એકાદ વાંચતી હોઉં તે પુસ્તક, આર્ટિકલ લખવાના ફુલસ્કેપ્સ, પેન સ્ટેન્ડ આ બધું હાથવગું રાખવામાં આવે તો એકદમ સૂકુન મળે છે ને. ઈન ડેપ્થ ડેસ્ટિનેશન એક્સપ્લોરેશન અને ઓફિસ વર્ક આ બંને કામો એટલે ડબલ ડ્યુટી કરતી હોવાથી વીણા વર્લ્ડનો અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ પણ અમારા આ નખરા પર ક્યારેય ઓબ્જેક્શન લેતો નથી.
ગયા વર્ષે અમે દસ દિવસ માટે સાન ફ્રાન્સિસ્કોમાં અમારા મોટા દીકરા રાજને મળવા ગયાં હતાં. હું, સુનિલા અને સુધીર. નીકળવાના બે દિવસ પૂર્વે સુનિલાએ કહ્યું, `મેડમ, આ વખતે આપણી વેન ભૂલી જા, રાજ આપણને તેની કારમાં ફેરવવાનો છે. ડેસ્ક વગેરે મળશે નહીં, સો બી રેડી.’ આમ પણ દસ દિવસ ઓફિસનું કામ વચ્ચે લાવવાનું નથી. ફક્ત અઠવાડિયાના આર્ટિકલ્સ લખવા પડશે. તે હોટેલ રૂમમાં સવારે-સવારે લખીશ એવો વિચાર મેં કર્યો જ હતો. હા, નહિતર રાજે કહ્યું હોત, `તમે અહીં આવીને જો કામ જ કરવાનાં હોય તો આવ્યાં જ શા માટે?’ આ ખતરાનો સંકેત ધ્યાનમાં લઈને મેં એક સારી માતાની જેમ વર્તવાનું નક્કી કર્યું હતું. તે આઠ દસ દિવસ અમે રાજની કારમાં ભટક્યાં. ફોક્સવેગનની નાની, એકદમ બેઝિક, મેન્યુઅલી ઓપરેટેડ કાર. `આ નાની કારમાં બહુ પ્રવાસ કર્યો, પરંતુ કશી ખબર નહીં પડી.’ છેલ્લા દિવસે નીકળતી વખતે હોટેલ લોબીમાં અમે એરપોર્ટ ઉબર કારની વાટ જોતાં ગપ્પાં મારતાં બેઠાં હતાં ત્યારે સુનિલાએ કહ્યું, `જુઓ ને, અન્ય વખતે આપણે કેટલા પર્ટિક્યુલર હોઈએ છીએ કાર અથવા વેનની બાબતમાં, પણ આ વખતે આપણે આમ જોવા જોઈએ તો ખાસ્સો પ્રવાસ કર્યો છતાં નાની કાર છે કે કારમાં આ નથી, તે નથી તેનો વિચાર પણ મનમાં આવ્યો નહીં.’`સુનિલા, આ વખતે આપણો હેતુ જ અલગ હતો અને તેથી એક્ચ્યુઅલી નથિંગ મેટર્સ.’ મેં બોલી નાખ્યું અને મારી આંખો ચમકી.
રાજની કાર તેણે જોબમાં જોડાતાં જ પોતાની કમાણીમાંથી લીધી હતી. રાજ તારા જન્મદિવસે અમારે તને કાર ભેટ આપવાની છે. તારું માસ્ટર ગ્રેજ્યુએશન થઈ ગયું, નોકરીમાં જોડાયો, તેની ભેટ તરીકે અમારે તને કાંઈક આપવાનું છે’ એમ અમે તેને કહ્યું હતું ખરું પણ આ માગણી તેણે ઠુકરાવી દીધી. આપણને પછીથી કોઈકે કશું આપ્યું નહીં તો માઠું લાગે છે, પણ આપણે આપીએ અને કોઈ લે નહીં તો તેનું દુઃખ થાય છે. આ જ રીતે અમારું થયું. અર્થાત એક બાજુ તો અહીંથી ગયેલા અન્ય ભારતીય છોકરાઓની જેમ પોતાના પગ પર ઊભો રહેવાનો તે પ્રયાસ કરી રહ્યો છે તેનો સંતોષ હતો. આથી તેણે પોતાની કમાણીમાંથી લીધેલી આ કાર અમારા અભિમાનનો મુદ્દો હતો. અમારી ભત્રીજી મુગ્ધા ઠાકુર ત્યાં જ નજીકમાં રહે છે. તેના પતિ આશિષને લઈને રાજ શોરૂમમાં ગયો હતો. તેણે આટલી સાદી કાર લીધી તે જોઈને મુગ્ધાએ મને પૂછ્યું, અરે વીણા તું રાજને પૈસા-બૈસા મોકલે છે કે નહીં? તે એકદમ જ શૂ સ્ટ્રિંગ બજેટ પર છે? મુગ્ધાને કહ્યું, અરે તે પહેલાથી મિનિમલિસ્ટ છે, તેનું કહેવું એમ છે કે, હાઉ ડઝ ઈટ મેટર? મને સિટી કમ્યુટ માટે કાર જોઈએ, કોઈ શો-ઓફફ કરવા માટે નહીં. ‘હવે આપણને જ તે શીખવે છે તો અમે પણ તેને કશું ઈન્સિસ્ટ કરતાં નથી. લેટ હિમ બી! ‘હાઉ ડઝ ઈટ મેટર્સ? અથવા નથિંગ મેટર્સ! આ વાત મને એકદમ મહત્ત્વની લાગવા માંડી અને મેં જીવન તરફ વળીને જોયું.
ઉંમરના વીસમા વર્ષે હું પિતા સાથે પર્યટન વ્યવસાયમાં આવી. બાવીસમા વર્ષે પહેલી સહેલગાહ હિમાચલ પ્રદેશમાં કરી. આ પછી સતત દસ વર્ષ હું હિમાચલની ટુર્સ કરતી હતી ટુર મેનેજર તરીકે. નવો વ્યવસાય, પૈસાની ખેંચ, મુંબઈમાં નવા-સવા આવ્યાં હતાં, રહેવા માટે પોતાનું ઘર નહોતું. આવા સમયે પૈસા બચાવવા બહુ મહત્ત્વનું હતું. તેના જ એક ભાગરૂપે અમે ટુર પર જે બસ રહેતી તેમાં પાંત્રીસ સીટ્સ રહેતી તે બધી સીટ્સ પર્યટકોથી ભરી દેતાં હતાં. હું અને મારી સાથે મારી માતા રહેતી. અમે ડ્રાઈવરની કેબિનમાં બેસીને પ્રવાસ કરતાં. આવું અમે કન્ટિન્યુઅસ્લી દસ વર્ષ સુધી કર્યું. આજે તે પ્રવાસ યાદ આવે ત્યારે રૂવાડાં ઊભાં થઈ જાય છે, કારણ કે ડ્રાઈવરની કેબિનમાં સીટ કે ખુરશી નહોતી રહેતી, તે એક બેન્ચ રહેતી. તે સમયે અમે રાત્રે બસ પ્રવાસ પણ કરતાં અને રાતભર ક્યારેય તું થોડી વાર આડી પડ, ક્યારેક હું એમ કરીને પ્રવાસ થતો. બહુ કષ્ટદાયક હતું. ક્યારેક જો આખી બસ પર્યટકોથી નહીં ભરાય તો અમારી લક્ઝરી રહેતી. અમને બેસવા આગળની અથવા પાછળની સીટ મળતી. હવે તે ગમે તેટલું યાતનાદાયી કે કષ્ટદાયી લાગે તો પણ તે સમયે તે બિલકુલ તેવું લાગતું નહોતું. ઊલટું તેમાં ખુશી મળતી. રાતનો પ્રવાસ કરવા છતાં અમે બીજા દિવસે સવારે ઉત્સાહભેર હસતાં-હસતાં પર્યટકોની સામે જતાં. આ મુંબઈમાં પોતાનું ઘર લેવાનું, જે કાંઈ નાની ટ્રાવેલ કંપની પિતાએ શરૂ કરી છે તેને ઉપર લાવવા પોતાનું યોગદાન આપવાનું એ લક્ષ્ય એટલું મજબૂત હતું કે તેની સામે તે ડ્રાઈવર કેબિનમાંનો કલાકો ને કલાકો અને રાતભર કરેલો પ્રવાસ મામૂલી લાગતો હતો. અમારા લક્ષ્ય અથવા ધ્યેય સુધી પહોંચવા માટેનું તે એક એક પગથિયું હતું. ધ્યાન લક્ષ્ય પર હોય તો નથિંગ મેટર્સ તે આ રીતે. આ પરથી યાદ આવી આપણી સ્વાતંત્ર્યની લડતની.
આપણે કૃતજ્ઞ છીએ અને હોવા જોઈએ આપણા પૂર્વજો પ્રત્યે, ખાસ કરીને બધા સ્વાતંત્ર્ય સૈનિકો પ્રત્યે, જેમના બલિદાનને કારણે આજે આપણે આપણા સ્વતંત્ર ભારતમાં સન્માનથી રહી શકીએ છીએ. ફક્ત ડ્રાઈવર કેબિનમાંનો બસ પ્રવાસ અને તે પણ પોતાના વ્યવસાય માટે કરે લો, આજે મને અરે બાપ રે! કેટલું કષ્ટ, એવું કહેવડાવે છે અથવા તેમાં થોડો અભિમાની એટિટ્યુડ આવ્યો હોવાનો મને આભાસ થાય છે. જો કે આ બધા સ્વાતંત્ર્ય સૈનિકોની માનસિકતા શું હશે? જે સ્વાતંત્ર્ય માટે આપણે લડી રહ્યા છીએ, પ્રાણની બાજુ લગાવી રહ્યા છીએ, તે સ્વાતંત્ર્ય મળ્યા પછી તેનો ઉપભોગ લેવા કદાચ આપણે જીવંત નહીં રહીએ તે દરેકને ખબર હતી. છતાં તેઓ લડતા હતા. ભારતને સ્વતંત્ર કરવાનો એકમેવ ધ્યેય તેમની સામે હતો અને તેની શક્તિ જ એટલી મજબૂત હતી કે તેમને માટે તે સમયે નથિંગ મેટર્સ એવી જ મનઃ સ્થિતિ હશે. ત્રેવીસમા વર્ષે હસતાં-હસતાં ફાંસે ચઢનારા અને યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાવનારા ભગતસિંહ, ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વિરોધમાં બળવો પોકારનારા નાનાસાહેબ પેશવા, ભારતીયોના મનમાં સ્વાતંત્ર્યની તીવ્ર ભાવના જાગૃત કરનારા અને ધોળે દહાડે બ્રિટિશો પર ગોળીઓ છોડીને ફાંસીએ ચઢનારા મંગલ પાંડે, બ્રિટિશ કોલોનાઈઝેશનનો વિરોધ કરનારા અને તે માટે ફાંસીએ લટકનારા રામપ્રસાદ બિસ્મિલ, ક્રાંતિકારીઓની સ્ફૂર્તિ દેવતા, ભારતીય સ્વાતંત્ર્ય ચળવળની નાયિકા અને સ્ત્રીઓના મનમાં સાહસની ઊર્જા પેદા કરનારી અને બળવાન બ્રિટિશો સામે લડતાં-લડતાં વીરગતી પ્રાપ્ત કરનારા રાણી લક્ષ્મીબાઈ, આ બધાંનું વ્યક્તિત્વ કેવું હશે. એક ધ્યેયનો પીછો કરતાં, `એનિથિંગ એલ્સ ડઝન્ટ મેટર’ કહીને તે ધ્યેયનો પીછો કરનાર આ હસ્તીઓ આપણા મનના એક ખૂણામાં સતત વસવાટ કરતાં હોવાં જોઈએ. એક તો તેને લીધે આપણે આપણો ઈતિહાસ ભૂલીશું નહીં. બીજું, જ્યારે આપણા જીવનની લડાઈ આપણને ફાવે નહીં ત્યારે તે હસ્તી આપણને પ્રેરણા આપી શકશે, મનમાં ઊભરો લાવી શકશે.
આવા સમયે સ્વાતંત્ર્યવીર સાવરકરની યાદ તીવ્રતાથી થાય છે. જ્યારે-જ્યારે આંદામાનની તે નાની ખોલીની આપણે મુલાકાત લઈએ ત્યારે-ત્યારે દરેક સમયે બ્રિટિશોનો જુલમ, તેમણે તેમના પર કરેલી સતામણી સામે આવે છે અને આંખોમાંથી પાણી આવી જાય છે. આપણે એક દિવસ પણ ન રહી શક્યા હોત એવા ઠેકાણે તેમણે જન્મટીપની સજા ભોગવી પણ તેમની અંદરનો સ્વાતંત્ર્ય સૈનિક, સમાજકારણી, હિંદુત્વવાદી, લેખક, કવિ, ભાષાપ્રેમી તેમણે જીવંત રાખ્યો. એક ધ્યેયનો પ્રવાસ તે કાળા પાણી પરના બધા પ્રકારના જુલમને પહોંચી વળ્યો. આજે આપણું જીવન ખાસ્સું સુખમય બની ગયું છું. સુખ-સુવિધાઓ અને ટેકનોલોજી આપણા હાથોમાં આવી ગઈ છે, છતાં આપણને કશાનો સંતોષ નથી. કશું પણ હોય અને ગમે તેટલું હોય તો પણ તેમાં અસંતુષ્ટ રહીને આપણે આપણી શક્તિ વેડફી નાખીએ છીએ. તેનું કારણ આપણી સામેનો ધ્યેય તેટલો મજબૂત નથી. દરેક ધ્યેય મીલના પથ્થર જેવો હોવો જોઈએ. એકની આપૂર્તિ થઈ એટલે તેનાથી થોડો વધુ મુશ્કેલ ધ્યેય આગળ હોવો જોઈએ. તે સાધ્ય કરતાં વધુ મુશ્કેલ ત્રીજો… એક વાર આ માર્ગ ક્રમણ શરૂ થાય એટલે બાકી આજુબાજુની બાબતો ખટકશે નહીં. આપણે શાંત થઈશું પણ વધુ શક્તિશાળી બન્યા હોવાનું આપણને જ મહેસૂસ થશે અને પછી ખરેખર અન્ય બાબતોમાં આપણે કહીશું, `નથિંગ મેટર્સ!’
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)
