નિસર્ગક્ષેત્ર… ભવ્ય.. દિવ્ય.. અતિભવ્ય..

‘એન્ટાર્કટિકા ઈઝ એલ્ટિમેટ!’ ગયા વર્ષની ગ્રીનલેન્ડ ટુરમાં અમારા પર્યટક સતીશ કુમાર સિંહાએ ઓપિનિયન નોંધાવ્યું. તેની પર મુંબઈના કાલાથી સિવાપ્રકાસમે કહ્યું, ‘તમે જ્યારે ટ્રાવેલ કરો છો ત્યારે આવી તુલના નહીં કરો. દરેક માણસ અલગ છે તેમ દરેક પર્યટન સ્થળ. જે સમયે જ્યાં છો ત્યાંની મજા લો.’ આ અમારા બંને માનવંતા પર્યટક આ વર્ષે તેમણે જોયેલા દેશોની સદી પાર કરવાના છે. હમણાં સુધી તેમણે સાતેય ખંડ જોઈ લીધા છે અને જ્યાં જ્યાં અમે ટુર્સ લઈને જઈએ ત્યાં સર્વ ટુર્સ તેમણે કરી છે. આવા `પર્યટન થકી સો દેશોની મુલાકાત લેનારા’ અમારા અનેક પર્યટકો માટે અમે નવા નવા દેશોની ટુર્સ અમારા ટ્રાવેલ પોર્ટફોલિયોમાં વધારીએ છીએ, કારણ કે પર્યટકોને `સો દેશ પૂર્ણ કરો’ એવું કહેતી વખતે તે સો દેશ અમારી ટુર્સમાં હોવા જોઈએ ને.

વારુ, તે આજનો વિષય નથી, પરંતુ જનરલી પર્યટકોને પ્રથમ પેટાગોનિયા, પછી ગ્રીનલેન્ડ અને તે પછી એન્ટાર્કટિકા કરવું એવી એક સલાહ મને ઉપરોક્ત સંવાદમાંથી મળી છે. ગ્રીનલેન્ડ, પેટાગોનિયા, ફિયોર્ડસ અને ત્યાંના અતિભવ્ય ગ્લેશિયર્સ જોઈને મંત્રમુગ્ધ થઈ જવાય છે તે નિશ્ચિત છે. અલાસ્કાના ગ્લેશિયર્સની બાબતમાં પણ તે જ સ્થિતિ છે. જ્યારે જ્યારે ત્યાં ગયાં ત્યારે નિસર્ગનું તે અતિસુંદર, અતિભવ્ય અને પ્રિસ્ટીન, પવિત્ર રૂપ જોઈને આંખો અંજાઈ અને થાકી પણ ગઈ હતી. તે સમયે જણાયું કે આ પૃથ્વી સામે આપણે કેટલા નાના અને આપણી ચિંતા કેટલી નજીવી છે.

ટુર મેનેજર તરીકે બહુ અગાઉ હું હિમાચલ પ્રદેશ, એટલે કે, કુલુ મનાલીની ટુર્સ કરતી હતી. તે સમયથી આજ સુધી એક આદત પડી તે એ કે જ્યારે સમય મળે ત્યારે બરફાચ્છાદિત પહાડો તરફ ટીકીને જોતાં રહેવાનું. નિસર્ગની તે મહાકાય નિર્મિતી આંખોમાં સંગ્રહવાની, મનમાં ઉતારવાની અને વિચારોમાં સમાવી લેવાની. ટુર પર હોઈએ ત્યારે પર્યટકો સાથે બહુ ગપ્પાં થાય છે. આજકાલ ઘણી વાર ટુર પર જવાનો અમારો તે પણ હેતુ હોય છે. આવી જ એક ટુરમાં એક પર્યટક મળ્યા. તેમને પ્રવાસ બહુ ગમે છે. તે સમય સુધી તેમણે માનસરોવરની ત્રણ ફેરી કરી હતી. અમે હજુ એક વાર પણ જઈ શક્યાં નથી. આથી ત્રણ વાર માનસરોવર કરેલા તે પર્યટકોને સાક્ષાત દંડવત કરવાનું મન થયું અને મને ખાતરી છે કે હમણાં સુધી તેમણે પાંચ- છ વાર કૈલાસ માનસરોવરની યાત્રા કરી હશે. તેમને પૂછ્યું, “આટલું શું તમને આકર્ષિક કરે છે? ભક્તિભાવ, શંકર ભગવાન પ્રત્યે પ્રેમ, પોતાની ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ કે વધુ કશું?’ તેનો ઉત્તર મને હજુ પણ યાદ છે. `પહેલી વાર જ્યારે હું કૈલાસ માનસરોવરમાં એક મિશન તરીકે ગયો હતો. મુશ્કેલ દુર્ગમ દેવસ્થાનોની મુલાકાત લેવી તે મારું મિશન. આથી પહેલી યાત્રા થઈ. ત્યાં જવાનું એટલે મનની અને શરીરની પૂર્ણ તૈયારી હોવી જોઈએ.

ક્યાંય પણ કોઈ પણ સ્થિતિમાં રહેવું પડી શકે, ટોઈલેટ ફેસિલિટીઝનો અભાવ. ક્યારેક રસ્તા બંધ તો ક્યારેક રિસ્ટ્રિક્ટે્રડ મુવમેન્ટ, બધી બાબતો માટે તૈયાર રહેવાનું. જોકે એક વાર તે મુશ્કેલ પ્રવાસ પાર પડે એટલે જે અનુભૂતિ મળે છે તે માનસરોવરમાં પહોંચ્યા પછી અને કૈલાસની પ્રદક્ષિણા પૂરી કર્યા પછી, સર્વ મહેનત ચુટકી વગાડતાં ભુલાઈ જવાય છે. `આ માટે જ તો કર્યું હતું સાહસ’ શબ્દ આપોઆપ મોઢામાંથી નીકળી આવે છે અને નિસર્ગની તે આંખો આંજી દેતી અતિભવ્યતા તરફ જોઈને આપણો અહંકાર ક્યાંયનો ક્યાંય પલાયન થઈ જાય છે. હિમાલયનું તે રૂપ આપણને પરિપૂર્ણતાનું ભાન કરાવે છે. આપણે કેટલા સૂક્ષ્મ અને નગણ્ય છીએ તે આપણને કહેતો હોય છે. અને મારો અભિમાન, ગર્વ, હઠ, ઘમંડ, જીદ બધું જ નહિવત બની જાય છે. અને આ નહિવત થવા માટે મને જમીન પર લાવવા હું પાંચ વર્ષથી એક વાર કૈલાસની યાત્રા કરું છું.’ સાચું જ છે, નિસર્ગ આપણા `હું’પણાને એકાદ ચપરાક મારે તે રીતે તેની જગ્યા બતાવી દે છે. તેનો અનુભવ મેં એન્ટાર્કટિકામાં જતી વખતે લીધો. `મને જીવનમાં બોટમાં ક્યારેય તકલીફ થઈ નથી તે જ રીતે હમણાં પણ નહીં થશે’ એવું એન્ટાર્કટિકાની ક્રુઝ પરના ડોક્ટરને કહ્યું અને મેં ડ્રેક પેસેજ સાથે ચેલેન્જ લીધી. તેમની સલાહ અવગણીને સી સિકનેસ ટેબ્લેટ લીધી નહીં. મારો આ અભિમાન ડેક પેસેજના આરંભમાં જ તૂટી ગયો. એટલે કે, તેનો રીતસર ધબડકો બોલાઈ ગયો. હું એકદમ નાસીપાસ થઈ ગઈ. જાણે તે ડ્રેક પેસેજ મને કહેતો હતો, `મારી સાથે- નિસર્ગ સાથે પંગો લેવાનો નહીં, મારી સામે રુઆબ કરવાનો નહીં, સમજ્યાં?’ તે પછી આજ સુધી કોઈ પણ ક્રુઝ પર, બોટ પર જાઉં ત્યારે ત્યાંના ડોક્ટરોને ધ્યાનથી સાંભળું છું, કારણ કે તે ડ્રેક પેસેજ મારી પાસે આંખો મોટી કરીને જોતો હોય છે ને!

નિસર્ગને ચેલેન્જ આપતી વખતે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે પૃથ્વી પર ત્રણચતુર્થાંશ પાણી અને એક ચતુર્થાંશ જમીન છે. આથી આપણી પહોંચ ઝાંપા સુધી જ. એકલા એન્ટાર્કટિકાનો બરફ પીગળે તો પણ આપણા પૃથ્વી પરના પાણીનો સ્તર અઠ્ઠાવન મીટર્સ સુધી વધી શકે છે. આ એકદમ હાલમાં જ બનવાનું નથી, પરંતુ આપણે નિસર્ગ પર આઘાત ચાલુ જ રાખ્યો તો તે પ્રકોપ સેંકડો વર્ષ પછી સર્જાઈ શકે છે એવું વૈજ્ઞાનિકોએ અગાઉથી કહી રાખ્યું છે અને તેથી જ નિસર્ગ પ્રત્યે નમ્ર થવાની જરૂર છે. ભગવાનને આપણે જોયા નથી પરંતુ નિસર્ગ કરતાં ભગવાન અલગ હશે એવું લાગતું નથી. ભગવાનની જેમ જ સ્થિતપ્રજ્ઞની જેમ તે બિલકુલ અવાજ નહીં કરતાં આપણને નિહાળતો હોય છે. સમય આવે ત્યારે તે ચપરાક મારે છે, ક્યારેક પ્રકોપ બતાવે છે, ક્યારેક ફટકારે છે, પરંતુ માર્ગ બતાવે છે. આગળ ચાલતા રહો, હું છું તમારી પડખે એવું કહેતો હોય છે.

હમણાં સુધી મેં અનેક ઠેકાણે ગ્લેશિયર્સ જોયાં છે. એન્ડીઝ પર્વતોમાં પેટાગોનિયા રીજનમાંનું પેરિતો મોરેનો, આઈસલેન્ડમાંનું વાતનાયોકુત્લ, ન્યૂ ઝીલેન્ડમાંનું ફોક્સ ગ્લેશિયર, અલાસ્કામાં હબ્બર્ડ ગ્લેશિયર, એન્ટાર્કટિકામાં અનેક ગ્લેશિયર્સમાંથી એક પેયટો ગ્લેશિયર, કેનેડા અલબર્ટામાંનું આથાબસ્કા અથવા પેયટો ગ્લેશિયર તેમ જ કેનેડા બ્રિટિશ કોલંબિયામાંનું ઈલેસિલવટ ગ્લેશિયર, ચાયના હલુઓગૉવ અથવા મિંગયોંગ (આ બંને મારે હજુ પણ જોવાના બાકી છે) અને ખુદ આપણા ભારતના ઉત્તરાખંડમાંનું ગંગોત્રી ગ્લેશિયર, લાહૌલ સ્પિતી હિમાચલ પ્રદેશમાં બારા શિગ્રી ગ્લેશિયરમાંથી દરેક ગ્લેશિયરની પહેલી મુલાકાત અથવા પહેલાં દર્શન સુંદર, અપ્રતિમ લાગે છે, થોડું શાંત થઈને તેની તરફ જોતા રહીએ તો તેની ભવ્યતા જણાય છે અને વધુ થોડો સમય જોતા રહીએ તો તેની અતિભવ્યતા આગળ નતમસ્તક થઈ જઈએ. મન શાંત થાય છે. ક્યારેક ક્યારેક મનમાંના વિચારોની ગિરદી ઓછી થવા લાગે છે અને ક્યાંક હવે પોતાનો અવાજ સંભળાય છે. એકાંત અને એકાગ્રતા આ બંનેનો અનુભવ આપણે લઈએ છીએ. નિસર્ગના સાંનિધ્યમાં મને ધીમે ધીમે આ બાબતો જ્ઞાત થતી ગઈ અને પછી મેં નિસર્ગના આવા ચમત્કારની સામે સમય કાઢીને પગની ઘડી કરીને આંખો આખી ખુલ્લી રાખીને બેસવા લાગી, પ્રાર્થના કરવા લાગી, પોતાને જાણી લેવા લાગી અને તેનું હકારાત્મક પરિણામ મને દેખાવા લાગ્યું. મારા વિચારોમાં, આચારોમાં અને દ્રષ્ટિકોણમાં મને ફરક જણાવા લાગ્યો. મારું વિશ્વ વ્યાપક બન્યું, કારણ કે આ ઠેકાણાં ફક્ત પર્યટન સ્થળો નથી, પરંતુ તે જાણે આત્મશાંતિની પ્રયોગશાળા છે.

આપણી સંસ્કૃતિ કહે છે, વર્ષોમાં એક વાર તીર્થયાત્રા કરવી. તીર્થક્ષેત્ર એટલે ભગવાન સાથે મુલાકાત. જોકે આજે ભગવાન પણ થોડો ડિજિટલ થયો હોય તેવું લાગે છે. દિવસભર કોઈક ને કોઈક સ્ક્રીન સામે આપણે એકદમ નતમસ્તક થઈએ છીએ અને તે પછી વ્યાધીઓને આપણે આમંત્રિત કરીએ છીએ. આથી હવે જરૂર છે એક નવા પ્રકારની યાત્રાની. નિસર્ગયાત્રાની, નિસર્ગ ક્ષેત્રની, જ્યાં દોડધામ નહીં હોય, જ્યાં અવાજ નહીં હોય, જ્યાં ઘોંઘાટ, શોરબકોર નહીં હોય. નો નેટવર્ક, નો અપડેટ્સ. ગપ્પા ફક્ત પવન સાથે, પાણી સાથે, ઝાડ સાથે, બરફ સાથે… પવન કહેશે, `વચ્ચે વચ્ચે થોભ, પણ થાકતો નહીં.’ પાણી સૂચવશે, `થોભ્યા વિના સતત વહેતો રહે, પણ અવાજ નહીં કર.’ ઝાડ કહેશે, `વચ્ચે વચ્ચે પાન ખરશે, પણ ગભરાશો નહીં, વસંત પરત આવશે, તું ફરી ખીલશે.’ બરફનું ભવ્ય ગ્લેશિયર સ્થિરતાનું અને શાંતિનું પ્રતીક બનીને આપણને સંદેશ આપશે, `શાંત રહો, શાંત દેખાઓ પણ ભીતરનો પ્રવાહ જીવંત રાખો, ભીતરનું તેજ ટકાવી રાખો.’

તીર્થક્ષેત્ર આપણને ભગવાન સાથે જોડે છે. નિસર્ગક્ષેત્ર આપણને પોતાની નવી ઓળખ કરાવી આપે છે. ઋષિમુનિઓએ આ જ આપણને બતાવી દીધું છે. વાલ્મિકીએ વનમાં રામાયણ લખ્યું. વ્યાસને પર્વતમાળાઓમાં મહાભારત સૂઝ્યું. ગૌતમ બુદ્ધે બોધિવૃક્ષ નીચે મૌનમાં જ્ઞાન મેળવ્યું… આવા એકદમ હાલના પણ અનેક દાખલા છે. બિલ ગેટ્સ `થિંક વીક’નું પાલન કરે છે. પોતાને દુનિયાથી તોડે છે. નો મિટિંગ્સ, નો ઈમેઈલ્સ, જંગલની કેબિનમાં આઠ દિવસ. ફક્ત પુસ્તકો, વિચાર અને નિસર્ગ. તે શાંતિમાંથી જ કદાચ અનેક નવી નવી કલ્પનાઓ જન્મી હશે. સ્ટીવ જોબ્ઝે `ઝેન સાયલેન્સ’ જાપાની પદ્ધતિ અંગીકાર કરી, સાદગીનો પ્રણ લીધો, શોરબકોરથી મુક્તિ મેળવીને પોતાની અંદર શાંતિ પ્રસ્થાપિત કરી અને આયફોન જન્મ્યો. આપણે ત્યાં વિપશ્ચના ઈન્ટરનેશનલ મેડિટેશન સેન્ટર્સ પણ દસ દિવસનું મૌન શીખવે છે. ફોન નહીં, પુસ્તકો નહીં, સંવાદ નહીં, ફક્ત વાસ, નિસર્ગ અને પોતાનું નિરીક્ષણ, પરીક્ષણ, આત્મચિંતન. ભૂતાન, જાપાન જેવા દેશ અગાઉથી જ નિસર્ગક્ષેત્રનું મહત્ત્વ જાણે છે. શાંતિ અથવા `સાઉન્ડ ઓફ સાઈલેન્સ’ તેમની જીવનશૈલીનો ભાગ છે. હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધન અનુસાર `શાંત વાતાવરણમાં ક્રિયેટિવિટી 60% અને એકાગ્રતા 45% વધે છે.’ તેમના મતે `શાંતિ’ એક અતિ ઉપયોગી ઔષધ છે.

થોડા મહિના પૂર્વ કરેલા સાઉથ અમેરિકા પેટાગોનિયા ફિયોર્ડસના પ્રવાસમાં મેં નક્કી કર્યું કે મારા દર વર્ષના પ્રવાસમાં એક નિસર્ગક્ષેત્ર ચોક્કસ પૂરું કરીશ. એકાદ માઉન્ટન, એકાદ શાંત સમુદ્રકિનારો, એકાદ ગ્લેશિયર, રણ, એકાદ નદી અથવા એક જંગલ શાંત થવા માટે પૂરતું છે. જોકે ત્યાં થોભવાનું, વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું. આપણને લાગશે કે તે થોભવું એટલે પાછળ પડવું, પરંતુ તે તેવું નથી હોતું. તે હોય છે ઝડપથી આગળ જવાની તૈયારી. નિસર્ગમાં ગયા પછી સમજાય છે, ઘોંઘાટ, શોરબકોર ધરાવતી દુનિયાનો ઉત્તર છે નિસર્ગ તરફથી મળેલી અવિચલ શાંતિ! આથી જ તમે અમે બધાએ જ વર્ષોમાં એક વાર તો પોતાને માટે સમય કાઢવો જોઈએ. એવા ઠેકાણે જઈએ જ્યાં નેટવર્ક નહીં હોય, પરંતુ પોતાની સાથે કનેક્ટ થઈ શકાય, જ્યાં અવાજ નહીં હોય પણ સંવાદ ઘડાશે, જ્યાં ભગવાન નહીં હોય પણ નિસર્ગના રૂપમાં દિવ્યત્વનું ભાન થશે. ભવ્યતામાં નમ્રતા, દિવ્યતામાં શાંતિ અને અતિભવ્યતામાં આપણું સૂક્ષ્મ અસ્તિત્વ ફરી શોધવા માટે લેટ્સ ગો બેક ટુ ધ નેચર.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)