આજના ભાગદોડભર્યા યુગમાં જ્યાં માનસિક સ્વાસ્થ્ય અને વિશેષ જરૂરિયાતો પ્રત્યે હજુ પણ સમાજમાં જાગૃતિનો અભાવ છે ત્યાં અમદાવાદની ‘કી ટુ હેપીનેસ ફાઉન્ડેશન’ એ વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો અને વ્યક્તિઓ માટે એક નવી આશા બનીને ઊભરી આવ્યું છે.

‘કી’ (Qi) એટલે કે બ્રહ્માંડની એ મૂળભૂત જીવન ઊર્જા, જે દરેક જીવમાં વસેલી છે. આ સંસ્થાનું નામ જ એની ફિલોસોફી સ્પષ્ટ કરે છે વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો અને વ્યક્તિઓની અંદર સુષુપ્ત પડેલી એ જીવન શક્તિને ફરીથી જાગૃત કરી એમને સાચી ખુશીઓ તરફ દોરી જવી.
સંસ્થાની સફર અને ઉદ્દેશ્ય

વર્ષ 2020માં જ્યારે વિશ્વ એક મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ સંસ્થાનો પાયો નાખવામાં આવ્યો હતો. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા બાળકો સુધી પહોંચવાનો છે જેમને આધુનિક સારવારની સૌથી વધુ જરૂર છે, પરંતુ આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ એનાથી વંચિત રહી જાય છે. આજે આ ફાઉન્ડેશન અનેક પરિવારો માટે વિશ્વાસનું પ્રતીક બન્યું છે, જ્યાં દિવ્યાંગતાને મર્યાદા નહીં પણ એક પડકાર તરીકે જોવામાં આવે છે.

ESI પ્રોગ્રામ અને વૈજ્ઞાનિક અભિગમ
સંસ્થામાં મનોવૈજ્ઞાનિકો અને નિષ્ણાતોની એક સમર્પિત ટીમ કાર્યરત છે. અહીં દરેક બાળકને એક વ્યક્તિગત અભિગમ સાથે સારવાર આપવામાં આવે છે. સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલ ‘એસેન્શિયલ સપોર્ટિવ ઇન્ટરવેન્શન’ (ESI) પ્રોગ્રામ સંપૂર્ણપણે ડેટા-આધારિત અને વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત છે. આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન આરોગ્ય તંત્રમાં રહી જતી ખામીઓને દૂર કરવાનો છે. ESI અંતર્ગત બાળકોને આર્ટ્સ બેઝ્ડ થેરાપી, મ્યુઝિક થેરાપી, રમત-ગમત અને લાઈફ સ્કિલ્સની ટ્રેનિંગ આપીને એમને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

એનિમલ આસિસ્ટેડ થેરાપી-એક અનોખી પહેલ
આ સંસ્થાની સૌથી વિશિષ્ટ ઓળખ એની ‘એનિમલ આસિસ્ટેડ થેરાપી’ છે. હાલમાં ફાઉન્ડેશન ‘વૂફર્સ સ્નો એન્ડ સ્કાય’ (Woofers Snow and Sky) ના અત્યંત તાલીમબદ્ધ થેરાપી ડોગ્સ સાથે મળીને કામ કરી રહ્યું છે, જે આત્મવિશ્વાસ કે સામાજિક કૌશલ્ય ઘણીવાર પરંપરાગત પદ્ધતિઓથી નથી શીખવી શકાતું એ આ અબોલ જીવો એમની હાજરી અને નિઃસ્વાર્થ સ્નેહથી શીખવી દે છે.

પરિવર્તનકારી પ્રભાવ
સંસ્થામાં ખાસ કરીને બૌદ્ધિક અક્ષમતા, ડાઉન સિન્ડ્રોમ અને સેરેબ્રલ પાલ્સી જેવી વિવિધ દિવ્યાંગતાઓ ધરાવતા અનેક બાળકોને થેરાપી આપવામાં આવે છે. આ આધુનિક હસ્તક્ષેપના પરિણામે બાળકોમાં અદ્ભુત ફંક્શનલ ઇમ્પ્રૂવમેન્ટ જોવા મળ્યો છે. આ સારવારથી બાળકોના રોજિંદા જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થયો છે અને તેઓ વધુ સક્ષમ બન્યા છે.

સૌથી પ્રશંસનીય બાબત એ છે કે ‘કી ટુ હેપીનેસ ફાઉન્ડેશન ‘ ગરીબ અને વંચિત પરિવારોના બાળકોને આ તમામ આધુનિક થેરાપીઓ, ક્લિનિકલ એસેસમેન્ટ અને પૌષ્ટિક ભોજન તદ્દન મફત પુરુ પાડે છે. આર્થિક તંગી ક્યારેય કોઈના ગરિમાપૂર્ણ જીવનમાં બાધક ન બનવી જોઈએ એ આ સંસ્થાનો મુખ્ય મંત્ર છે. આ ઉપરાંત, સંસ્થા હવે અન્ય સંગઠનો સાથે જોડાણ કરીને સમાજના વિવિધ વર્ગો માટે વ્યાપક માનસિક સ્વાસ્થ્ય સેવાઓ પણ પ્રદાન કરી રહી છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સંસ્થાના ટ્રસ્ટી અને ઈએસઆઈ (ESI) પ્રોગ્રામના ડાયરેક્ટર ડો. રૂવાબ ખેમચંદાણી કહે છે, ” ‘એનિમેલ આસિસ્ટેડ થેરાપી'(AAT) એટલે માત્ર પ્રાણીઓ સાથે રમવું એવું નથી. એ એક ચોક્કસ પ્રક્રિયા છે. બાળકની જરૂરિયાત મુજબ એની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. જેમ કે, જો કોઈ બાળકની આંગળીઓના સ્નાયુઓ નબળા હોય, તો એને શ્વાનને બ્રશ કરવાનું કે નાની ટ્રીટ આપવાનું કાર્ય સોંપવામાં આવે છે. પ્રાણીઓ પાસે જે બિનશરતી પ્રેમ અને જજમેન્ટ વગરનો સ્વીકાર છે, એ બાળકના મગજમાં સકારાત્મક ફેરફારો લાવે છે અને એમનો આત્મવિશ્વાસ વધારે છે.”

ભૂતકાળમાં અનેક બાળકો અને વડીલો પર આ થેરાપીઓની જાદુઈ અસર જોવા મળી છે. સેરેબ્રલ પાલ્સી અને લર્નિંગ ડિફિકલ્ટીઝ જેવી ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા ઘણા બાળકો, જેઓ અગાઉ અજાણ્યા લોકો સાથે વાત કરવામાં સંકોચ અનુભવતા હતા, તેઓ આ તાલીમબદ્ધ શ્વાનોના સંપર્કમાં આવ્યા બાદ કલાકો સુધી તેમની સાથે વિતાવે છે અને પોતાની રીતે સંવાદ કરતા શીખ્યા છે. આ અબોલ જીવોનો સાથ મળવાથી બાળકો શારીરિક હલનચલન કરવા માટે પણ વધુ પ્રોત્સાહિત થાય છે, જેનાથી તેમના આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ સુધારો નોંધાયો છે.

માત્ર બાળકો જ નહીં, પરંતુ એકલતા અને ગંભીર માનસિક તણાવ કે ડિપ્રેશનનો સામનો કરી રહેલા અનેક વડીલો માટે પણ આ પ્રાણીઓ તારણહાર સાબિત થયા છે. અનેક નિવૃત્ત વ્યક્તિઓના કિસ્સાઓ સાક્ષી પૂરે છે કે જ્યારે કોઈ વ્યક્તિ માનસિક આઘાત કે એકલતામાં હોય, ત્યારે આ અબોલ જીવોનો ભીનો સ્પર્શ અને વહાલભરી આંખો એવું કામ કરી જાય છે જે મોંઘી દવાઓ પણ નથી કરી શકતી.

આ પ્રભાવને વધુ મજબૂત બનાવવા માટે સંસ્થાના ESI પ્રોગ્રામ હેઠળ માત્ર એનિમલ થેરાપી જ નહીં, પણ સર્વાંગી વિકાસ માટે અન્ય આધુનિક પદ્ધતિઓનો પણ સમન્વય કરવામાં આવ્યો છે. આર્ટ્સ અને મ્યુઝિક થેરાપી દ્વારા બાળકોની સર્જનાત્મકતા ખીલવી તેમને માનસિક શાંતિ પ્રદાન કરવામાં આવે છે, જ્યારે સ્પોર્ટ્સ અને મૂવમેન્ટ દ્વારા તેમની શારીરિક ચપળતા અને સ્વાસ્થ્ય સુધારવા પર ભાર મુકાય છે. આ ઉપરાંત, વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો અને પુખ્ત વયના લોકોને સ્વાવલંબી બનાવવા માટે લાઇફ સ્કિલ્સ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે, જેથી તેઓ રોજિંદા જીવનના કૌશલ્યો શીખીને સમાજમાં આત્મસન્માન સાથે જીવી શકે.

આ નિઃસ્વાર્થ પ્રયાસ સાબિત કરે છે કે જો વિજ્ઞાનને કરુણા સાથે જોડવામાં આવે, તો દિવ્યાંગતા ક્યારેય વ્યક્તિની ઓળખ બની શકતી નથી. ‘કી ટુ હેપીનેસ ફાઉન્ડેશન’ આજે અમદાવાદ અને સમગ્ર દેશ માટે માનવતાની એક સાચી મિસાલ બની ગયું છે.
View this post on Instagram
(હેતલ રાવ)




