`ડર કે આગે જીત હૈ’ આ એક સુંદર ટેગલાઈન કોઈક સોફ્ટ ડ્રિંકની જાહેરાતની છે. આજકાલ આપણે આરોગ્ય માટે હેલ્ધી ફૂડની પાછળ હોવાથી સોફ્ટ ડ્રિંક્સ અથવા પેકેજ્ડ ફૂડ ટાળીએ છીએ અને તે સારી જ વાત છે. આરોગ્ય ઉત્તમ રાખવું તે મોટે ભાગે આપણા હાથોમાં છે એ વાત બહુ મોડેથી સમજાઈ.
જો કે તે સમજાતાં જ અમે અમારી અંદર બદલાવ લાવવાનું શરૂ કર્યું, શરીરથી અને મનથી. એટલે કે, વિચારોથી હેલ્ધી રહેવાનું એવું નક્કી કરી નાખ્યું અને આજ અમારી વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ ટુર્સનો પણ પાયો છે. કાળજી, ચિંતા, વિવંચના તો છે જ પણ તેમનો સામનો કરવાનો હોય તો મન પ્રસન્ન હોવું જોઈએ. મનમાં આનંદની લહેર ફરવી જોઈએ અને સંતોષના તરંગ ઊમટવા જોઈએ. જો ઘરની મહિલાનું મન પ્રસન્ન નહીં હોય, જો તેના ચહેરા પર સ્મિત નહીં ઊમટતું હોય તો તે ઘર પ્રસન્ન, સંતુષ્ટ કઈ રીતે હશે? અર્થાત નહીં જ હોય. આથી જ તેને આ આનંદનાં બહાનાં, હસવાનું નિમિત્ત મેળવી આપતી સહેલગાહ એટલે આપણી વુમન્સ સ્પેશિયલ. હસીએ, નાચીએ, ગાઈએ, ફરીએ, સજીએ, ધજીએ, ઘરની ગામની શહેરની રાજ્યની દેશની સીમા પાર કરીએ, આત્મવિશ્વાસથી એક-એક પગલું આગળ મૂકીને, જીવન આનંદિત બનાવીએ. ઘેર ઘેર ઉત્સાહના ફુવારા લાવીએ.
અગાઉ ઘણી વાર વુમન્સ સ્પેશિયલ ટુર્સ પર મહિલાઓને મળવા લેહ લદ્દાખથી લંડન સુધી, શિમલાથી સાન ફ્રાન્સિસ્કો સુધી, ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધી, ક્યાંય પણ જ્યાં વુમન્સ સ્પેશિયલ શરૂ હોય ત્યાં હું જતી. પ્રચંડ પ્રવાસ કર્યો પણ ક્યારેય થાકી નહીં, કારણ કે આ દરેક ટુર પર મહિલા જે રીતે એન્જોય કરતી, સહેલગાહ પર જે ધગધગતો ઉત્સાહ દેખાતો તે જોઈને મને શક્તિ મળતી. નવવારીથી પાંચવારી, પાંચવારીમાંથી પ્લાઝો, ચુડીદારમાંથી જીન્સ, જીન્સમાંથી સ્કર્ટ અને રીતસર સ્વિમિંગ કોશ્ચ્યુમ પહેરીને પૂલમાં મન મૂકીને પલળતી મહિલાઓનું ટ્રાન્સફોર્મેશન્સ જોઈને મને મળતા આનંદનો કોઈ પાર નથી.
આજે ખરેખર તો મને આ બધી મહિલાઓનો આભાર માનવાનું મન થાય છે, કારણ કે તેમણે મને ઊર્જા આપી. મારા જીવનને અને વ્યવસાયને અર્થ આપ્યો. કમર્શિયલી વ્યવસાય થતો હોય છે, પરંતુ તે કરતી વખતે જે એક પ્રકારનો સંતોષ મળવો જોઈએ તે આ વુમન્સ સ્પેશિયલે આપ્યો. આટલાં વર્ષોમાં મહિલાઓએ ચોકટની બહાર આવીને મુક્ત આનંદ લીધો તે જોઈને અમે સમાજની એક જરૂર પૂરી કરવામાં નાનું પણ યોગદાન આપ્યાનો સંતોષ મળ્યો. ‘હું એકલી કઈ રીતે બહાર ફરવા જાઉં? લોકો શું કહેશે? છોકરાઓને અને પતિને મૂકીને એકલી મજા કઈ રીતે કરું?’ આ ટેબુમાંથી બહાર આવવામાં ઘણાં વર્ષો વીતી ગયાં. અચાનક આ રીતે કોઈક કહેવા લાગ્યું કે ચાલો, મજા કરો, ધમાલ કરો, છતાં આપણે એકલીએ જ કઈ રીતે ધમાલ કરવાની? આ પ્રશ્ન અનેકોના મનમાં આવતો. ટુર પર પહેલા જ દિવસે કુટુંબીઓની, બાળકોની યાદોથી વ્યાકુળ થયેલી બધી જણી આગામી ચાર-પાંચ દિવસમાં આટલું મોકળું થવાનું અને ટુર પર મળેલી નવી બહેનપણીઓ વચ્ચે ખૂલવાનું કે તેમને લાવવા એરપોર્ટ પર આવેલા તેના પતિઓના ચહેરા પર આપણી ટુર પર ગયેલી પત્ની આ જ હતી કે?એવો પ્રશ્ન પડેલો જોવા મળ્યો છે.
આ બધી કરામત વુમન્સ સ્પેશિયલના જાદુઈ વાતાવરણની છે. કાયમ કોઈક જવાબદારી માથે લેનારી, કોઈક ને કોઈકની કાળજી કરનારી, કોઈકને માટે પાછળ રહેતી મહિલા જ્યારે એટલી જ દુનિયાનો અનુભવ લેવા બહાર નીકળે ત્યારે તેની પર કોઈ જવાબદારી નથી હોતી. સવારે નાસ્તો શું બનાવવાનો કે ઓફિસમાં પ્રોજેક્ટની ડેડલાઈન મિસ તો નહીં થાય ને? તેમાંથી કોઈ પણ પ્રશ્ન મનમાં નહીં રાખતાં જ્યારે તે જેસલમેરના રણમાં અથવા કેરળના બેકવોટરમાં નહિતર મોરિશિયસના સમુદ્રકિનારા પર અથવા પેરિસના સીન ક્રુઝ પર અન્ય મહિલાઓ સાથે હોય છે ત્યારે ખરા અર્થમાં તે બધી જણી પોતાની લાઈફ એન્જોય કરતી હોય છે.
દરેક ટુર પર મારા અને મહિલાઓના સંવાદમાં મારું એક જ કહેવાનું હોય છે. ‘છોકરી શીખી એટલે પ્રગતિ થઈ’ એ આપણને ખબર છે પરંતુ ‘છોકરી આનંદિત થાય તો ઘર પણ સર્વ અર્થમાં આનંદિત થાય છે’ એ ધ્યાનમાં લઈએ. આથી જ આ છોકરીઓને પર્યટનના માધ્યમથી આનંદ આપવાનો અમારો આ પ્રયાસ છે. આથી પોતાને ગિલ્ટમાં નહીં નાખો. તમે ઘરની બહાર આવી રહ્યાં છો, ધમ્માલ કરી રહ્યાં છો તે તમારી જરૂરિયાત છે. પર્યટન આપણું ચાર્જર છે. આથી ફાવે ત્યારે ત્રણ મહિને, છ મહિને અથવા વર્ષમાં કમ સે કમ એક વાર પોતાને ચાર્જ કરવાનું અને પછી હસતાં હસતાં જીવનનો સામનો કરવાનો. અમુક વર્ષે મહિલા ધીમે ધીમે તે અપરાધી મહેસૂસ કરવાની માનસિકતામાંથી બહાર આવી. આ પછીનું અમારું લક્ષ્ય હતું તે ઘરનાઓને મહિલાઓના આ પર્યટન તરફ હકારાત્મક નજરિયાથી જોવા માટે પ્રવૃત્ત કરવાનું, કારણ કે અહીં દબંગશાહી નહોતી. જે કાંઈ કરવાનું છે તે પ્રેમથી. ‘પર્યટન કરવાથી ચતુરાઈ આવે છે’ એ ઉક્તિ પ્રમાણે મહિલા એકલી પર્યટન કરવા લાગી. તેમની અંદર આવકાર્ય પરિવર્તનના પડઘા ઘરમાં પડવા લાગ્યા. ઘરમાં આનંદ વધવા લાગ્યો અને પછી ‘તું એકલી જશે?,’ ‘તું અમને છોડીને કઈ રીતે જઈ શકે?’, ‘અમે આ રીતે બાળકો અને પતિને છોડીને ભટકવા જતાં નથી,’ ‘ભેજામાં ભટકવાનું ભૂત ભરાયું છે,’ ‘આ રીતે પૈસાનો વેડફાટ કરવાની શરમ નથી આવતી?’… આવા અને તેનાથી પણ અંતિમ કમેન્ટ્સ ઓછી થવા લાગી. ટોણા મારનારી પાડોશણો અથવા સંબંધી મહિલાઓ પણ ધીમે ધીમે વુમન્સ સ્પેશિયલમાં આવવા લાગી. ઘરના લોકોને વુમન્સ સ્પેશિયલના ટોનિકનું મહત્ત્વ સમજાયું. ઘરમાં ચીડચીડ વધે એટલે ‘અરે તારે હવે વુમન્સ સ્પેશિયલમાં જવાની જરૂર છે’ એવું ઘરનાઓ કહેવા લાગ્યા અને અમને સંતોષ થયો. હવે તો ઘરનાઓ તેને વુમન્સ સ્પેશિયલ ટુર ગિફ્ટ આપી રહ્યા છે.
2006માં પહેલી વાર વુમન્સ સ્પેશિયલની સંકલ્પનાનો મેં અમલ કર્યો, સફળ કર્યું અને વીણા વર્લ્ડ થયા પછી તો હવે દર અઠવાડિયે અથવા દરરોજ વુમન્સ સ્પેશિયલ દ્વારા મહિલાઓ દેશના અથવા દુનિયાના ખૂણેખાંચરે મુક્ત વિહાર કરતી હોય છે, ધમ્માલ કરતી હોય છે, મનમાંની સુપ્ત ઈચ્છાઓ પૂર્ણ કરી લે છે. હવે મસ્ત મસ્ત કપડાં પહેરે છે, સિનેસ્ટાર્સ પ્રમાણે મોટ્ટા ગોગલ્સ પહેરે છે, અસંખ્ય ફોટોઝ ખેંચે છે, પોતાની પર પ્રેમ કરે છે, આય એમ બ્યુટિફુલ, આય એમ બોલ્ડ, આય એમ ધ ક્વીન એન્ડ આય લવ માયસેલ્ફ એવી અમારી વુમન્સ સ્પેશિયલની ક્નસેપ્ટ છે. હું મારું જીવન ખુશીથી જીવી રહી છું, તું તારું જીવન ખુશીથી જીવ અને તે માટે બંને એકબીજીને મદદ કરીએ અને જીવનની આનંદિત સફરે નીકળીએ એ સીધોસાદો ફંડા છે, જે વુમન્સ સ્પેશિયલમાં જીવવામાં આવી રહ્યો છે, પરંતુ આગળ તે જીવનભર કામ આવે છે. જીવન નાનું છે, તે બધાના માટે જેટલું આસાન છે તેટલું મુશ્કેલ પણ છે,તે ઝીલવાનું છે. જો કે તે હસતાં હસતાં ઝીલવા માટેની હકારાત્મક મનોવૃત્તિ જાગૃત કરવાનું બળ આ વુમન્સ સ્પેશિયલમાં એકબીજા પાસેથી એકબીજાને મળતું રહે છે.નિર્ધાસ્ત-બિન્ધાસ્ત-બોલ્ડ આ નારો અમે લગાવીએ છીએ છતાં આટલાં વર્ષમાં વુમન્સ સ્પેશિયલ ક્યારેય ‘ચીપ’ બની નથી તેમજ ડિસન્સી અને એલીગન્સનો સ્તર ક્યારેય પાર કર્યો નથી. આથી જ વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલની આટલી બધી સહેલગાહ ભારતમાં અને દુનિયામાં સતત ચાલી રહી છે.
આઠ માર્ચ આવી રહી છે. આપણો વુમન્સ ડે! ખરેખર તો દરેક દિવસ આપણો જ હોય છે, પરંતુ પર્યટને નીકળવા કોઈક બહાનું જોઈએ ને. પછી અમે ‘વુમન્સ ડે’ નિમિત્તે વધુમાં વધુ મહિલાઓને આ આનંદના નવા રંગમાં નાહી નીકળવા કહીએ છીએ. આ માટે અથાક તૈયારી કરીએ છીએ. અમારી ઓફિસ ટીમ્સ અને ટુર મેનેજર્સ સુસજ્જ હોય છે ‘દે ધમ્માલ’ કરાવવા. આજે મહિલાઓ તેમના યુરોપ અમેરિકા જવાના જીવનભરનાં સપનાં સાકાર કરી શકે છે, ઓસ્ટ્રેલિયાના મહાખંડની સફર કરી શકે છે, જાપાન કોરિયાની અદ્વિતીય દુનિયા જોઈ શકે છે અથવા આપણા ઈન્ક્રેડિબલ ઈન્ડિયામાંનાં અનેક રાજ્ય જોઈ શકે છે.
ત્રણ વર્ષ પૂર્વેથી વુમન્સ સ્પેશિયલની ટુર્સમાં અમે અમુક સારા ફેરફાર કરવાનું શરૂ કર્યું. શક્ય હોય ત્યાં રાફ્ટિંગ, કાયાકિંગ, હાયકિંગ, ટ્રેકિંગ, ડેઝર્ટ સફારી, વાઈલ્ડ લાઈફ સફારી, જેટબોટ રાઈડ, સનસેટ ક્રુઝ, સાયન્ટિફિક મસાજ જેવાં આકર્ષણોનો સમાવેશ કર્યો છે. ભારતીય ભોજન સાથે લોકલ ફૂડનો પણ આસ્વાદ આપવાનું શરૂ કર્યું છે. અગાઉ અમે ભારતીય ભોજન સર્વત્ર આપવાનો આગ્રહ કરતા. જો કે હવે આપણા ભારતમાં જ દુનિયાભરના ક્યુઝિન ઉપલબ્ધ થવાથી આપણી ટેસ્ટ ડેવલપ થઈ છે. આથી ‘જે તે ઠેકાણાંના લોકલ ફૂડ પણ અમને આપો’ એવી ડિમાંડ વધવા લાગી છે અને અમે તે ફેરફાર પણ કર્યો છે. અલગ અલગ એક્સપીરિયન્સીસ, એડવેન્ચર એક્ટિવિટીઝ, ફેશન શો, રેમ્પ વોક જેવી એક્ટિવિટિઝથી વુમન્સ સ્પેશિયલ ટુર્સ વધુ હેપનિંગ બની છે. ટુર પર આવતી બહેનપણીઓ બહેનપણીઓ અને ફેમિલી ગર્લફ્રેન્ડ ગ્રુપ્સ વધવા લાગ્યા છે અને વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ લક્ઝરી નહીં રહેતાં મહિલાઓની જરૂર બની ચૂકી છે. વુમન્સ સ્પેશિયલ સહેલગાહના સાત-આઠ દિવસ એટલે આ બધી છોકરીઓ માટે(હા! વુમન્સ સ્પેશિયલ પર બધી છોકરીઓજ હોય છે વારુ!!) એક અનોખો બ્રેક નીવડે છે. અલગ અલગ શહેરની, અલગ અલગ ક્ષેત્રની અને અલગ અલગ વયજૂથની મહિલાઓમાં થતા સંવાદની અને સંસ્કૃતિની લેણદેણ મજેદાર હોય છે. આ જ અમારા વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલનો ફંડા છે, ખુશીનો,ઉત્સાહનો, પ્રેરણાનો, આત્મવિશ્વાસનો, સહયોગનો અને હકારાત્મકતાનો.
સો, ચાલો ગર્લ્ડ, આ વુમન્સ ડે પર અથવા આગળ વર્ષભરમાં ગમે ત્યારે બધી મળીને દેશવિદેશમાં ભટકીએ, દ્રષ્ટિકોણ વ્યાપક બનાવીએ, ધમ્માલ કરીએ, ભવિષ્ય માટે અણમોલ યાદોનો સંગ્રહ કરીએ અને જીવન હસતાં રમતાં જીવીએ… ક્યારેક મોરિશિયસના ભૂરા સમુદ્ર પર તો ક્યારેક લેહ લદ્દાખની હિમાલયી પર્વતમાળા સંગાથે, ક્યારેક અમેરિકાના ફ્રીડમ લેન્ડમાં તો ક્યારેક ઈન્ગ્લેન્ડની રાણીના રુઆબમાં, ક્યારેક યુરોપના અદ્વિતીય સૌંદર્ય સંગાથે તો ક્યારેક થાઈલેન્ડના ખળખળ વહેતા સમુદ્ર પર… ચાલો, બિન્ધાસ્ત! લેટ્સ બ્રેક બેરિયર્સ એન્ડ રોક ધ વર્લ્ડ! વી આર અનસ્ટોપેબલ!
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)




