ઑર્ડિનરી કે ઈટર્નલ?

બે મહિના પૂર્વે આર્જેન્ટિનાની રાજધાનીમાં, બુએનોસ આઈરેસમાં ભટકતાં હતાં. ગાઈડ જોડે હતી, તેને ઘણું બધું બતાવવું હતું. પરંતુ અમારી પાસે સમય નહોતો. આમ જોવા જઈએ તો અમે બંને બીજી વાર અહીં આવવાને કારણે ખાસ્સું શહેર યાદ હતું. ફાસ્ટ ફોર્વર્ડ રીતે તે અમને નાના નાના સ્ટોપ્સ આપતી હતી. તેને કહ્યું, `ઈવા પેરોને જે ભાષણ કર્યું હતું, જે ગેલેરીમાંથી તે બોલી હતી ત્યાં અમને લઈને ચાલ. ‘ફૂટબોલ અને ઈવા પેરોન આર્જેન્ટિનાના જાણે ભગવાન જ બની ગયાં છે. ત્રણ વાર રાષ્ટ્રાધ્યક્ષ રહેલા હુઆન પેરોનની તે પત્ની. `ફર્સ્ટ લેડી ઓફ આર્જેન્ટિના. તેણે ફર્સ્ટ લેડી હોવાનો રુઆબ છાંટવા સાથોસાથ તે માટે ઘણું બધું કામ પણ કર્યું. ગરીબોનો વિચાર કરનારી, તેમને તેમના હક મેળવી આપવા મનઃપૂર્વક પ્રયાસ કરનારી, મહિલાઓને ચૂંટણીમાં મતદાનનો હક મેળવી આપનારી ઈવા પેરોન ભગવાન બની નહીં હોત તો જ નવાઈ. તેની પર એક ફિલ્મ પણ આવી હતી, `એવિટા’ જેમાં મેડોનાએ કામ કર્યું હતું અને તેમાંનું `ડોન્ટ ક્રાય ફોર મી આર્જેન્ટિના’ ગીત બહુ ગાજ્યું હતું. અર્થાત ઈવા પેરોન અને મેડોના આ બે પર્સનાલિટીઝમાં વિરોધાભાસનો આર્જેન્ટિનિયન લોકોએ વિરોધ કર્યો. તેમણે તે ફિલ્મને, એટલે કે, મેડોનાનો પ્રચંડ વિરોધ કરીને આ ફિલ્મ લગભગ ફ્લોપ કરી દીધી હતી. તેમના મતે `અમારી ઈવા પેરોન ક્યાં અને મેડોના ક્યાં. વારુ, તો આવી આ ઈવા પેરોનની તે જગપ્રસિદ્ધ બારી જોવા માટે અમે પહોંચ્યાં

`કાસા રોસાદા’ નામે ગુલાબી રજવાડા નજીક. અત્યંત સુંદર, આર્જેન્ટિનાની સ્વાતંત્ર્યની લડાઈ, રાજકારણ, ક્રાંતિ અને સંઘર્ષનું સાક્ષીદાર આ રજવાડું જોયા પછી એક ફોટો તો બનતા હૈ. ગાઈડે તેની પાર્શ્વભૂમાં અમારો ફોટો કાઢ્યો અને અમે નીકળ્યાં અમારા વાહન તરફ. તે `પ્લાઝા દે માયો’માં જ્યાં આ રજવાડું છે તેની સામે જ એક મોટ્ટું સ્ટેચ્યુ છે આર્જેન્ટિનાના ફાઉન્ડર્સમાંથી મેન્યુઅલ બેલગ્રાનોનું. તેના વિશે મહત્ત્વની માહિતી સાંભળતી વખતે તેના સ્ટેચ્યુના પગથિયા પાસે ધ્યાન ગયું. સ્ટેચ્યુ જે ચબુતરા પર ઊભું હતું ત્યાં ઘણા બધા નાના નાના પથ્થરો મૂકેલા હતા અને તે પથ્થરો પર કાંઈક લખાણ હતું. આવું દ્રશ્ય તો હું પહેલી વાર જોતી હતી. આ નાના પથ્થરો અહીં હોવાનું કારણ શું હોઈ શકે? અમારી ગાઈડ માર્સેલ્લાને પૂછ્યું, `આ શું છે?’ તેની પર તેના ઉત્તરથી હું છક થઈ ગઈ, નિઃશબ્દ બની ગઈ. `કોવિડ 19 પેન્ડેમિકમાં અમારા જે જે લોકોએ- સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યા, તેમનું સ્મૃતિચિહન તરીકે આ પથ્થર ત્યાં છે. અર્થાત કોવિડ મૃત્યુને બરોબર હાથ નહીં ધરાયું હોવાથી લોકોએ પ્રોટેસ્ટ માર્ચ પણ કર્યું હતું.

તેમના આપ્તજનોને ગૂડબાય કરવા માટે તેમણે આ પથ્થરોના સ્મૃતિચિહનની માગણી કરી હતી. તે દરેક પથ્થર પર કોરોના મહામારીમાં ભોગ બનેલી વ્યક્તિનું નામ, જન્મતારીખ અને મૃત્યુ દિવસ લખેલા હતા. અમુક પથ્થરો પર ફક્ત ચિહન હતું. તેમના કુટુંબને જે રીતે તેમના આપ્તજનોની યાદ ત્યાં જીવંત રાખવાની હતી તે જ રીતે તેમણે પથ્થર પર સ્મૃતિ કોતરી હતી. કોઈ પણ શિલાલેખ નહીં, કોઈ પણ મોટી સમાધી નહીં. ફક્ત એક નાનો પથ્થર, જેના દ્વારા તે દરેકનું જીવન, એક કુટુંબ, એક કથા તે ઠેકાણે જીવંત રાખી હતી. કોવિડનો મહામુશ્કેલ સમય આપણે કોઈ પણ ભૂલી નહીં શકીએ. દરેકે કોઈકને ગુમાવ્યા. ડર એટલે શું તે અનુભવ્યું, અનિશ્ચિતતાનો સામનો કર્યો, જે ક્યારેય ભુલાશે નહીં. જો કે દરેકના સ્મરણની શૈલી અલગ અલગ. જનરલી સર્વત્ર યુદ્ધ સ્મારકો, શહીદ સ્મારકો ઊભાં કરાય છે તે મોટા લોકોના અને શહીદ જવાનોના અને તે સ્મારક હોવું જરૂરી હોય છે. આ સ્મારકોના રૂપમાં તે ઈતિહાસ ભાવિ પેઢીઓ માટે જીવંત રહે છે. જો કે સામાન્ય માણસોના જીવનનું સ્મરણ અનેક વાર ભુલાઈ જવાય છે. `પ્લાઝા દે માયો’ના આ સ્મૃતિપૂર્ણ પથ્થર મને કહેતા હતા, `અમે હતા, અમારું અસ્તિત્વ હતું, હવે શોક નહીં કરો, શું બની શકે તેનો ઈશારો કોવિડે આપ્યો છે. તેમાંથી શીખો, પ્રેરણા લો અને હવે સર્વશક્તિ સાથે તમે આગળ વધતા રહો.’ શરીર પર કાંટો ઊભો રહ્યો અને આંખોમાં પાણી આવ્યા. સમયના પ્રવાહમાં પણ આ નાના નાના પથ્થરો ટકી રહેશે સ્મૃતિચિહન તરીકે, કારણ કે તે પથ્થર ફક્ત ખુલ્લા ચબુતરા પર નહોતા પરંતુ તેને વ્યવસ્થિત લોખંડની વાડ હતી. એકાદ મોટા ભાષણમાં પણ નહીં હોય તેટલી પ્રચંડ તાકાત તે નાના પથ્થરોમાં હતી, જે ઘણું બધું આપી ગઈ, ભાન જાગૃત કરી ગઈ. આપણે જીવંત છીએ એ જ મોટું વરદાન છે. આપણે સપનાં જોઈએ છીએ, કામ કરીએ છીએ, કુટુંબ ઘડીએ છીએ, પ્રવાસ કરીએ છીએ, એકબીજાને મળીએ છીએ તે આપણું ભાગ્ય જ છે. કોવિડમાં મૃત્યુ પામેલાઓએ આપણને આ જ શીખવ્યું છે, `જીવન ક્યારેય અટકી નહીં શકે, પરંતુ તેનું સ્મરણ અટકાવો નહીં અને જીવનની દરેક પળનું જતન કરો, તેને નિખારો, તેનું સોનું કરો.’ મને આર્જેન્ટિનિયન ગવર્નમેન્ટ વિશે સારું લાગ્યું કે કોવિડમાં ભોગ બનેલા લોકો કોઈ પણ પદ પર નહોતા, એકદમ સામાન્ય હતા, પરંતુ આ ચબુતરા પર તેમના જીવનને તેમણે સન્માનિત કર્યા અને રાષ્ટ્રની સ્મૃતિમાં તેની નોંધ કરાઈ.

એક સાદો પથ્થર ક્યારેક રસ્તા પર પગથી લાત મારીને આપણે બાજુમાં ફેંકીએ છીએ અને તે જ પથ્થર આવી સ્મૃતિ બનાવી આપણે હાથ જોડવા માટે ફરજ પાડે છે. નાનપણમાં ઝાડ પરથી ફળો પાડવા આપણે પથ્થરો ફેંકતાં અને તેવા જ પથ્થરમાંથી ઘડેલી મૂર્તિને મંદિરમાં મનઃપૂર્વક પૂજવા જતાં અથવા આજે પણ જઈએ છીએ. એકાદ માણસનો આપણે જાણ્યેઅજાણ્યે `પથ્થર’ તરીકે ઉલ્લેખ કરીએ છીએ તેને કશું સમજાતું નથી તેથી. આથી પરથી પથ્થરની આપણે કેટલી અવગણના કરીએ છીએ તે ધ્યાનમાં આવે છે. જોકે કદાચ તે માણસ અથવા તે પથ્થર આપણને કહેતો હોય છે, `મારાં અલગ અલગ રૂપ છે. એક જ માપમાં મને તોલશો નહીં.’ અને તે સાચું જ છે. મારા બુએનોસ એઈરિસથી મુંબઈ પ્રવાસમાં પથ્થરોએ રચેલો ઈતિહાસ આંખો સામે લાવી દીધો અને મને પથ્થરનું મહત્ત્વ ખાસ્સું સમજાઈ ગયું. હવે પથ્થરને લાત મારતી વખતે અથવા કોઈને પણ `પથ્થર’ પદવી બહાલ કરતી વખતે હું હજાર વાર વિચાર કરીશ.ચાર વર્ષ પૂર્વે હમ્પીમાં ગઈ હતી. સેંકડો વર્ષ પૂર્વેની આ વિજયનગરની રાજધાની, મહાકાય પથ્થરોની મોટી મોટી ટેકરીઓમાં વસેલી. ત્યાંની બજારો, મંડપ, રજવાડાં, મ્યુઝિકલ પિલર્સ આ સર્વનો ઈતિહાસ જોઈને, સાંભળીને નતમસ્તક થવાનું મન થાય છે. ધ્વંસ થયું હોવા છતાં તે જગ્યા આજે પણ એકાદ મહેફિલના પ્રતિધ્વનિની જેમ વસેલી લાગે છે. અજિંઠાની બૌદ્ધ ગુફાઓ, દીવાલ પર કોરેલાં ચિત્રોમાં અને શિલ્પોમાં પેઢી દર પેઢી સંભળાવતી કથા, એલોરાનું એક જ પથ્થરમાંથી કોરી કાઢેલું જગપ્રસિદ્ધ કૈલાસ મંદિર જોઈને આપણે આશ્ચર્યચકિત થઈએ છીએ. આ બધું તેમણે કઈ રીતે સાકાર કર્યું હશે. તે પણ એવા સમયમાં જ્યારે આપણને આજે ઉપલબ્ધ છે તેવાં કોઈ પણ સુવિધાસાધન ઉપલબ્ધ નહોતાં? આ પ્રશ્ન આપણને અચૂક થાય છે. સમ્રાટ અશોકના સમયમાં ઉદય પામેલા સાંચીના સ્તુપની પ્રદક્ષિણાનું મહત્ત્વ સમજાવીને કહે છે અને ચલણનો અર્થ આપણને જ્ઞાત કરી આપે છે. આ જ રીતે કોણાર્કનો અશોકસ્તંભ અથવા ધર્મચક્ર કોરેલા પથ્થર સંદેશસ્તંભ સત્તા અને સદાચારનું એક નિશાન તરીકે સતત આપણી સામે દીપસ્તંભની જેમ ઊભો છે. ગુજરાતમાં `રાની કી વાવ’ ખાતે તમે ક્યારેય ગયા છો? અગિયારમી સદીમાં આ બાવડી બંધાઈ હતી. દક્ષિણ ભારતના ગોપુરાનું અથવા મિનારાનું એકાદ ઊંચું ભવ્ય મંદિર જો આપણે ઊલટું, એટલે કે, અપસાઈડ ડાઉન કર્યું તો કેવું દેખાશે, તેવો જ અદભુત કૂવો જેને `રાની કી વાવ’ કહેવાય છે તે બાંધ્યો. સાત પ્રકારની ગેલેરી, પાંચસોથી વધુ શિલ્પ આપણને ઘેરો ઘાલે છે. તેમણે તે સમયે શું શું નિર્માણ કર્યું અને આજે આપણે શું કરી રહ્યા છીએ તેમાંનો ફરક આપણી આંખોમાં અંજન આંજે છે. પથ્થરોને દિવ્યસ્ત પ્રાપ્ત કરીને આપનારા તે શિલ્પકારો, તેમની પાછળના તે સમયના રાજા- રાણી બધાં જ અદભુત, અફલાતૂન અને આપણા આકલનની પારનાં છે.આજના સમયમાં આ કામ પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામના સ્વરૂપમાં અને અમુક પ્રમાણમાં બિર્લા મંદિરોએ કર્યું છે. ભાવિ પેઢીઓ કહી શકશે કે આવો નાનો ઈતિહાસ તેમના દ્વારા નિર્માણ થઈ રહ્યો છે તેનું શ્રેય તેમને આપવું ઘટે. દુનિયાની પીઠ પર પણ પથ્થરોએ પ્રચંડ મોટું કામ કરી રાખ્યું છે ભવિષ્યની અનેક પેઢીઓ માટે. ઈજિપ્તના પિરામિડ્સની કથા પણ આર્જેન્ટિનાની કોરોના સ્મૃતિની જેમ અલગ અલગ પ્રદેશમાંથી મજૂરોને ખેંચીને વહાવી લાવેલા અજસ્ત્ર પથ્થરો શિલાઓએ બાંધેલા આ અતિભવ્ય આર્કિટેક્ચરલ વંડર્સ `આ રાજા અહીં રાજ્ય કરીને ગયા’ તેનું શાશ્વત પ્રતીક છે. ફ્રજાઈલ, સતત બદલાતી દુનિયામાં આપણા અસ્તિત્વનું નિશાન કાયમી સ્વરૂપે રહેવા માટે કરેલા આ તેના પ્રયાસ આપણને ત્યાં જઈને તે જોવા પ્રેરિત કરે છે. કોણે નિર્માણ કર્યું? શા માટે કર્યું? ક્યારે કર્યું? તેની ઝાઝી માહિતી ઉપલબ્ધ નહીં ધરાવતા બ્રિટનમાંના `સ્ટોન હેંજ’ નામે અનેક અજસ્ત્ર પથ્થરોએ મળીને બનાવેલું શિલ્પ, આ કદાચ આદિમાનવોના અવકાશમાંની અકલ્પનીય વાતોથી બચાવ કરવા માટે ભગવાન સાથે કરેલો સંવાદ હોવો જોઈએ, તેમની પ્રાર્થના ત્યાં સુધી પહોંચાડવાનો તે પ્રયાસ હોવો જોઈએ એવું માનવામાં આવે છે. અનેક રાજવંશોએ મળીને, દેશના રક્ષણ માટે પથ્થર પર પથ્થર રચીને બાંધેલી ચીનની દીવાલ, તેની પરના વોચટાવર્સ બીક્નસ અને ઘાટના માથાને લીધે દુનિયાને ચીનની શક્તિનું અને સતર્કતાનું આહવાન દર્શાવતી એક મહાકાય ભૂશિલ્પ બની બારમી સદીમાં પથ્થર શિલાઓમાં બાંધેલું, વિષ્ણુને સમર્પિત કરેલું કમ્બોડિયાનું અંગકોરવાટ મંદિર આજે પણ ભારતીયોને એકાદ તીર્થસ્થળ જેવું લાગે છે.

પથ્થરોએ રચેલો આવો અનોખો ઈતિહાસ આપણને દરેક દેશમાં અચંબિત કરે છે. ટર્કીનું ગ્લોબેક્લી ટેપે, ચિલેનું મોઆઈ- રાપા નુઈ, જોર્ડનનું પેટ્રા, ઈન્ડોનેશિયામાંનું બોરબોદૂર અથવા બાલીમાં આપણે અયુગ નદીમાં રાફ્ટિંગ કરતી વખતે બાજુના પથ્થરોની પગાડીઓ પર કોતરવામાં આવેલું રામાયણ, મેક્સિકોનું માયન સામ્રાજ્યનું પ્રતીક ચિચેન ઈટ્ઝા, પેરુમાં માચૂ પિચૂ અને ત્યાંના મોર્ટાર સિવાય જોડાતી ડ્રાય સ્ટોન રચના, ઊંચું સિટાડેલ, ફ્રાન્સના મહાકાય કાર્માક સ્ટોન, જેરુસલેમની વેસ્ટર્ન/ વેલિંગ વોલ એમ અનેક અફલાતૂન અવિશ્વસનીય બાબતોથી દુનિયા ભરચક અને ઊભરે છે. આપણે તેમાંથી કેટલું લેવાનું તે આપણી પર છે.મને લાગે છે કે પથ્થર એટલે ફક્ત `પથ્થર’ નહીં પણ તે છે રેઝિલિયન્સનું પ્રતીક, મુશ્કેલ પરિસ્થિતિમાં ટકી રહેવાની તાકાત, જેમ કે, પાસાં પાડીએ તે અનુસાર જોનારાના દ્રષ્ટિકોણ ફેરફાર ઘડનારી એક એડોપ્ટેબલ વસ્તુ. પથ્થર આપણને કહેતો હોય છે, બધું બદલાતું રહેશે, આજનો દિવસ, હાલની ક્ષણ ફરી આવશે નહીં, પરંતુ હું એક પ્રતીક તરીકે સતત તમારી સામે- ભાવિ અનેક પેઢીઓની સામે દીપસ્તંભની જેમ ઊભો હોઈશ તમને ઈતિહાસની શીખ આપતા અને ભવિષ્યકાળનો માર્ગ બતાવતા. આગળ વધતા રહો.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)