પુત્રોએ પિતાની બનાવી પ્રતિમા!

આજની ફાસ્ટ લાઇફ સ્ટાઇલમાં જ્યાં સંતાનોને માતા-પિતા સાથે બેસીને બે મિનિટ વાત કરવાનો સમય નથી ત્યાં એવા પણ સંતાનો છે જે માનતરને સાચા અર્થમાં ભગવાનનો દરજ્જો આપે છે. વાત છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ચડોતર ગામની. જ્યાં દિકરાઓએ પિતાની મૂર્તિ બનાવીને પિતૃપ્રેમનું અનોખું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

પાલનપુર તાલુકાના ચડોતર ગામે 76 વર્ષીય રાયસંગભાઈ ચૌધરી અને એમના પત્ની ગંગાબહેન ચૌધરી પોતાના પરિવાર સાથે રહે છે. પાંચ સંતાનોમાં ત્રણ દીકરી અને બે દીકરા. ખેતીવાડી અને પશુપાલનનો વ્યવસાય કરતા રાયસંગભાઈ હંમેશા પરિવારને એક મુઠ્ઠીએ બાંધીને રાખવામાં માને. આજ ગુણ એમના સંતાનોમાં પણ ઉતર્યા. દીકરીઓ પરણીને સાસરે ગઈ. બંને દીકરા હસમુખભાઈ અને કિરણભાઈ પત્ની, સંતાનો સાથે સંયુક્ત રહે છે. પરિવારના મોભી પિતા જે કહે એ બધાય માટે પથ્થરની લકીર. રાયસંગભાઈનો લાગણીશીલ અને દયાભાવ સ્વભાવ સંતાનો બાળપણથી જોતા. માટે જ એમની માટે પિતા વિશ્વવંદનીય છે.

હસમુખભાઈ ચૌધરી ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે,” બે વર્ષ પહેલા હું અમદાવાદ ગયો હતો ત્યાં એક ભગતની પ્રતિમા જોઈ. એ જોતા જ મને મનમાં વિચાર આવ્યો કે મારા પિતાજીની પણ આવી જ પ્રતિમા બનાવવી છે. ઘરે આવીને આ વિચાર પરિવાર સામે રજૂ કર્યો. બધા ખૂબ ખુશ થઈ ગયા. પણ પિતા જેવી જ આબેહૂબ પ્રતિમા બનાવવા માટે અમે બંને ભાઈ ઘણી બધી જગ્યાએ ગયા. અંતે અમે પિતાને લઈને રાજસ્થાન ગયા. ત્યાં અમે એક કારીગર સાથે વાત કરી તો એણે અમને પિતા જેવી જ પ્રતિમા બનાવી આપવાનું આશ્વાસન આપ્યું. વાત નક્કી થયા ને છ મહિના પછી અમારા આંગણે જાણે પિતાની પ્રતિમા રૂપે સાક્ષાત પિતા જ હોય એવો ભાસ થયો.”

રાયસંગભાઈની પ્રતિમા બનાવવામાં છ મહિનાનો સમય લાગ્યો છે. સાડા ત્રણ લાખમાં તૈયાર થયેલી આ પ્રતિમા આજે ચડોતર ગામની શાન ગણાય છે. શરૂઆતમાં જ્યારે હસમુખભાઈ અને એમના પરિવારે પ્રતિમા બનાવવાનું નક્કી કર્યું ત્યારે ઘણાએ ટકોર પણ કરી કે આવી મૂર્તિ તો માણસ દેવ થયા પછી બનાવાય. પણ આ બંને ભાઈએ નક્કી કર્યું હતું કે મર્યા પછી તો બધા કરે અમારે તો જે કરવું એ માવતરની હયાતીમાં જ કરવું. જેથી માતા-પિતાને પણ આનંદ થાય. હસમુખભાઈ અને કિરણભાઈએ માતાપિતાનું જીવતા જગતીયું( મરણોત્તર દાન-પુણ્ય કાર્ય,વિધી)કરીને આખા ગામને ભોજન કરાવ્યું હતું. એટલું જ નહીં આ પ્રતિમાનું જ્યારે સ્થાપન કરવામાં આવ્યું ત્યારે પણ આસપાસના દસ ગામના સાડા અગિયાર હજાર લોકોને ભોજન કરાવ્યું.  શ્રવણ બનીને માતા-પિતાને દરેક યાત્રાધામના દર્શન કરાવ્યા છે.

એકબાજુ એવા સંતાનો છે જે માતા-પિતાની હયાતીમાં તો ઠીક પરંતુ એમના ગયા પછી પણ કાગવાસ નાખવાનો સમય નથી નીકાળી શકતા ત્યાં બીજી બાજુ આ બંને ભાઈઓ જેવા સંતાનો પણ છે જે માતા-પિતાની મરણ પછી નહીં પરંતુ એમની હયાતીમાં જ એમના માટે બધું કરવાની ઇચ્છા રાખે છે. ભવિષ્યમાં જો સમયનો સાથ હશે તો બંને ભાઈ સાથે મળીને માતા ગંગાબહેનની પણ પ્રતિમા બનાવવાની અભિલાષા રાખે છે.