નોટ આઉટ @ 89 ડો. રમેશભાઈ નગીનદાસ શાહ

તળીયાની પોળમાં, લાઈટ વગરના, ભાડાના ઘરમાં રહી, મેડિકલનું ભણ્યા અને અમદાવાદના જાણીતા ગાયનેકોલોજીસ્ટ બન્યા એવા ડોક્ટર રમેશભાઈ નગીનદાસ શાહની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ અમદાવાદ, તળિયાની પોળમાં. એક દીકરો, બે બહેનોનું મધ્યમ વર્ગનું દેશ-ભક્તિવાળું કુટુંબ. 1942ની ચળવળમાં દીકરો પથ્થર નાખવા જાય અને માતા ગભરાય! તેમણે થોડો સમય રમેશભાઈને કલોલ મોસાળ મોકલી દીધા! કોલેજમાં ડૉ.મિસ પંડ્યાના હાથ નીચે ડૉ.રમેશભાઈ અને ભાવી પત્ની ડૉ.અંજનાબહેન કામ કરતાં હતાં પણ ઓળખાણ નહીં. મિત્રની બહેન તરીકે પૈસાવાળા ઘરની દીકરીનું માગુ આવ્યું ત્યારે રમેશભાઈને નવાઈ લાગી! કંકોત્રી છપાવી તરત લગ્ન કરી લીધા! પતિ-પત્ની વચ્ચે સુંદર મન-મેળ! એકબીજા વગર ફાવે નહીં! ગુરૂ તરીકે મિસ પંડ્યા માટે એટલું માન કે દર બેસતા-વર્ષને દિવસે બાળકોને લઈ ઉપાશ્રય અને તેમને ત્યાં જાય!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે 4:00 વાગે ઊઠે. સામાયિક-પ્રતિક્રમણ કરે. નિયમિત માળા ફેરવે. બે-ત્રણ કલાક ધાર્મિક-ક્રિયાઓ ચાલે. 6:30વાગે નાસ્તો કરી છાપા વાંચે. સવા-સાત પછી છાપા છોડી ઘરમાં ચાલવાનું! ૧૦.૩૦વાગે જમીને આરામ કરે. ઊઠીને માળા ફેરવે. સાડા-ત્રણ વાગ્યે વહેલું ડિનર લે. પછી ટીવી પર “જીનવાણી” ચેનલ પર પ્રવચન સાંભળે અને સમાચાર જુએ. 6:00વાગે રૂમમાં જાય. સામાયિક-પ્રતિક્રમણ કરે, વાંચે. આઠ વાગે દવા લઈ સૂઈ જાય. એકદમ સાદું અને નિયમિત જીવન! પતિ-પત્ની બંનેએ ચાલુ પ્રેક્ટિસે, માત્ર રોટલી અને મગ ખાઈને, આંબેલનું વર્ષીતપ કર્યું હતું! ખોટા ખર્ચા ગમે નહીં. કપડું ફાટી જાય તો સાંધીને ચલાવે!

શોખના વિષયો : 

વાંચનનો ઘણો શોખ, જાણે વ્યસન! સ્કેચીંગ-ડ્રોઈંગ બહુ ગમે. ઇજનેરી-વિદ્યાશાખાના એડમીશનમાં ડ્રોઈંગ-પરીક્ષા પાસ કરી હોય તો 1% વધારે મળતો એટલે ડ્રોઈંગ શીખેલા. તીર્થયાત્રા કરવી ગમે. સંયુક્ત-કુટુંબની જવાબદારી ઉપાડી, નાની બહેનના લગ્ન કરાવ્યા, કન્યાદાન પણ કર્યું. ભાણીના નામનું ટ્રસ્ટ બનાવી પૈસા સાચવ્યા.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

વર્ષોથી તળેલું ખાવાની બાધા છે. કોઈ લગ્નમાં જતા નથી. સંબંધને લીધે ક્યારેક જવું પડે તો પણ લગ્નમાં જમતા નથી, એટલે તબિયત પ્રમાણમાં ઘણી સારી. 2021માં હાર્ટ એટેક આવ્યો હતો પણ કોઈ ફરિયાદ નહીં. કોરોના સુધી તો પાલીતાણા જાતે ચઢતા-ઊતરતા!

યાદગાર પ્રસંગ:  

દીકરીના લગ્ન નક્કી કર્યા ત્યારે દીકરીને આપવા માટે દાગીના અને પૈસા તૈયાર હતા. તેમણે વેવાઈને પૂછ્યું: “દાગીના અને પૈસા તૈયાર છે, જો લગ્નમાં ખોટો દેખાડો કરીશું તો દીકરીનું જ ઓછું થશે! શું કરવું છે?” વેવાઈ પણ ખેલદિલ! સાદગીથી ધાબા ઉપર લગ્ન કર્યા! તેઓ કોઈ જાતના ઇન્ટરફિયરન્સમાં માનતા નથી. દીકરીને કાયમ કહે કે તું તારી જિંદગી જીવ!

શાંતિનગરમાં તેમની પ્રેક્ટિસ સરસ ચાલે. શાકવાળા પણ તેમને ઓળખે! પ્રેક્ટિસ બંધ કર્યાના ત્રણ વર્ષ પછી તેઓ એકવાર સોહરાબજી કમ્પાઉન્ડમાં કામ માટે ગયા. તેમને એક યુવાન મળ્યો, કહે: ‘તમે ડોક્ટર મનીષભાઈની(તેમની જ હોસ્પિટલ, જે હવે દીકરો સંભાળતો હતો) હોસ્પિટલમાં કામ કરો છો?’ ઘેર આવીને રમેશભાઈ એટલું બધું હસ્યા! આનંદ પણ થયો! જે હોસ્પિટલ તેમણે બનાવી અને 31 વર્ષ ચલાવી તે હવે દીકરાની હોસ્પિટલ હતી! બદલાવનો સહર્ષ સ્વીકાર!

2015માં ધોળકા રોડ પર મોટો બંગલો બનાવી રહેવા ગયા. બંગલામાં સાપ નીકળે, નીલગાય આવે…નીલગાય ભગાડવા ફટાકડા ફોડે,પોલીસ જેવી વ્હિસલ મારે! લોહી રેડીને બંગલો બનાવ્યો પણ બંગલાનું બિલકુલ એટેચમેન્ટ નહીં! નિવૃત્ત થયા છતાં નવી જિંદગી જીવવાનો શોખ હતો.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

નવી ટેકનોલોજી બહુ ઓછી વાપરે છે, પણ જેટલું કરવું હોય તેટલું તો શીખી જ લે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

બહુ બદલાવ આવી ગયો છે. શાળાથી જ શરૂ કરો. પહેલાં શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓમાં રસ લઈને ભણાવતા, જ્યારે આજે શિક્ષણ માત્ર પૈસાને માટે છે. ગુરૂ તરીકે ડૉ.મિસ પંડ્યા માટે ઘણું માન હતું! રમેશભાઈએ અભ્યાસ માટે જે જે સંસ્થાઓમાંથી મદદ લીધી હતી તે બધી સંસ્થાઓમાં સામેથી દાન કર્યું છે જેથી તે સદકાર્ય ચાલુ રહે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

હવે યુવાનો સાથેનો સંપર્ક ઓછો છે. રમેશભાઈનું ભણતર-આવડત- અનુભવ “પુરુષ વ્યંધત્વ” વિષયમાં એટલે યુવાનોને “જલ્દી લગ્ન અને તરત બાળકો”ની સલાહ આપે!

સંદેશો :  

દીકરો હોય કે દીકરી, એકલા રહેતાં શીખવું જોઈએ. પરવલંબી થવું નહીં. વસ્તુનો બગાડ ના કરો. ભાષામાં ભદ્રતા રાખો. વડીલો અને શિક્ષકોને માન આપો. આર્થિક સ્વતંત્રતા અને વિચારોની સ્વતંત્રતા ઘણી અગત્યની છે.