સિંગિંગ ઈન ધ રેન!

આજે આ આર્ટિકલ વાંચતી વખતે વરસાદ તે રીતે જ મૂશળધાર હશે કે નહીં તે જાણતી નથી, પરંતુ છેલ્લા થોડાં દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે. મુંબઈ એકદમ તરબતર થઈ ગયું છે. આ વરસાદને લીધે નોર્થ ઈસ્ટમાં મેઘાલય રાજ્યના ખાસી હિલ્સ વિસ્તારના મૈસિનરામ ગામની યાદ આવી. દુનિયાનો સૌથી વધુ વરસાદ આપણા દેશમાં આ ગામમાં પડે છે. એકવાર વરસાદ શરૂ થાય એટલે ત્રણેક અઠવાડિયા મૂશળધાર હોય છે. વરસાદનો અવાજ આપણને ગમે તેટલો ગમતો હોય છતાં તેમને તે નોઈઝ પોલ્યુશન લાગે છે. આથી ઘરના છાપરા પર તેઓ ઘાસના ગાદલા ગોઠવે છે, જેથી વરસાદનો અવાજ ઓછો સંભળાય.

 

મુંબઈમાં પણ હાલમાં `વરસાદ વરસી રહ્યો છે’, `સાચવજે, વરસાદ પડી રહ્યો છે,’ `નરીમાન પોઈન્ટ ખાતે ભીંજાવા જઈએ?’ આવા સંવાદો ઘર-ઘરમાં સાંભળવા મળી રહ્યા છે. ઘર ઘરમાં કાંદાના ભજિયા ઝાપટવામાં આવી રહ્યા હોવાથી કાંદાની અછત ઊભી થઈ રહી છે. આમ છતાં આ વખતનો વરસાદ થોડો ઓર્ગેનાઈઝ્ડ હોય તેવું લાગે છે. એટલે કે, કમ સે કમ તાજેતરમાં. હવે તો વરસાદ ઓર્ગેનાઈઝ્ડ થયો છે કે આપણી મહાપાલિકા સશક્ત થઈને કામ કરી રહી છે કે લોકો ઘરમાંથી બહાર જ નીકળતા નથી તે જ સમજાતું નથી, પરંતુ આટલા વરસાદમાં પણ ટ્રેન્સ ચાલુ છે, ક્યારેક-ક્યારેક સ્લો થઈ જાય છે, લેટ થાય છે, પરંતુ બંધ પડી નથી. રસ્તા પર કંટાળાજનક ટ્રાફિકજામ નથી. રોજનાં અખબાર, દૂધ, શાકભાજીઓ, ફળો આ બધું જ સમયસર મળી રહ્યું છે. અમારી ઓફિસમાં એચ.આર.નો મેઈલ હજુ કાંઈ આવ્યો નથી કે, `વરસાદને લીધે ઓફિસમાંથી વહેલી રજા અપાઈ રહી છે.’ વરસાદમાં શાળા જલદી છૂટી જતી તેવી ખુશી કોર્પોરેટ દુનિયામાં આ વર્ષે હજુ સુધી મળી નથી. એકંદરે આ વરસાદનો વ્યાપક દ્રષ્ટિકોણ અને `સબકા ભલા’વાળી માનસિકતા યુટ્યુબ પરના કોઈક સ્પિરિચ્યુઅલ ગુરુએ શીખવી હોય તેવું લાગે છે.

વરસાદ પડવો અથવા પાડવો એ દર વર્ષનું નક્કી થયેલું કામ હોવા છતાં તેમાં સુસૂત્રતા લાવો, લોકોને ઓછામાં ઓછો ત્રાસ થાય તેનું ધ્યાન રાખો, રોજના પેપર વાંચવા નહીં મળે તો અનેકોનો દિવસ વેડફાઈ જાય છે તેનો વિચાર કરો’ આવી કાંઈક ટ્રેનિંગ તેને નક્કી મળેલી હોવી જોઈએ. આથી જ મુંબઈની ગતિને હજુ બે્રક લાગી નથી. આપણાં કામો અટક્યાં નથી. વરસાદ મહાશયનો આભાર માનવામાં વાંધો નથી. આપણું એક સારું હોય છે, પહેલાં`આવ રે વરસાદ’ કહીને વરુણરાજાને આમંત્રિત કરવાનો અને જળાશયો ભરાયાં, બીજારોપણ, રોપણીનાં કામો થયાં એટલે `અતિથિ તુમ કબ જાઓગે’ કહીને `રેઈન રેઈન ગો અવે’નો નારો લગાવવાનો. બિચ્ચારો વરસાદ! કાળઝાળ ઉનાળા પર ઉતારો તરીકે તે જ્યારે આવે ત્યારે આપણે તેની શું આગતા-સ્વાગતા કરીએ છીએ, પણ જતી વખતે તેને આપણે બરોબર વિદાય આપીએ છીએ ખરા?

રોપણી પરથી યાદ આવ્યું. બાળપણ ગામમાં વીત્યું હોવાથી આ વરસાદની મજા વધુ મળી છે એવું લાગે છે. માતા-પિતા ખેડૂત કમ શિક્ષક એવું ઘર હોવાથી ચોમાસુ, ડાંગરના ખેતર, બીજારોપણ, રોપણી, કાપણી, લણણી એ ક્રમે જૂનથી ઓક્ટોબરનો સમયગાળો વીતી જતો. રેઈનકોટ પ્રકાર ગામમાં અમારા સુધી પહોંચવા પૂર્વે ઝાડપાનથી તૈયાર કરેલી છત્રી માથાથી પગ સુધી પાછળની બાજુમાં ઢાંકેલી સ્થિતિમાં ઉપયોગ કરાતી. વરસાદમાં ખેતરોમાં કામ કરતા શ્રમિકોનું તે રક્ષણ કરતી. ક્યારેક-ક્યારેક ખેતરમાં જઈને ડાંગરનાં નાનાં-નાનાં રોપાં તે ખેતરમાં બધાની સાથે રોપવાની મજા આવતી. તે સમયે પગના આંગળાની ચામડી સતત પાણીમાં રહેવાથી ખરાબ થતી. તેનાથી રક્ષણ કરવા માટે પછી પગમાં કોપરેલ લગાવવામાં આવતું.ધીમે ધીમે ગમબૂટ અને રેઈનકોટ આવ્યા અને વરસાદમાં ભીંજાવું, ખેતરમાં કામ કરવું, ફક્ત મોજમસ્તી કરવી વધુ સુસહ્ય બનતું ગયું. તે સમયે બધા શ્રમિકોને અમારા ઘરમાંથી જમવાનું મોકલવામાં આવતું. એક ટોપલીમાં બધું ખાવાનું સમાવવામાં આવતું. તે અમને પણ મળતું. તે વરસાદમાં થોડું કામ કર્યા પછી ખેતરમાં મળતું તે ભોજન ખાવાની મજા અન્યત્ર ક્યાંય મળવાનું અશક્ય છે.હવે ખેતરમાં જઈને તે રીતે કામ કરી શકાશે કે કેમ એવો પ્રશ્ન મને જ પૂછ્યો ત્યારે, `અરે ત્યાં સાપ તો નહીં હોય ને? પગમાં ક્યાંક કાંટો તો લાગશે નહીં ને? કીચડમાં ક્યાંક પડી ગઈ તો?’ આવા અનેક પ્રશ્નોએ `રુક જાઓ’નું બોર્ડ લગાવ્યું. નાનપણમાં આવો ડર ક્યારેય મનને સ્પર્શ પણ કરતો નહોતો. શહેરમાં રહ્યા પછી આ ખોટ છે. જોકે ગામના વરસાદની વાત જ ન્યારી છે.

છેલ્લાં થોડાં દિવસથી બહુ મસ્ત વરસાદ પડી રહ્યો છે. તેમાંય એક દિવસ લિવિંગ રૂમમાં સુધીર વરસાદનું ગીત લગાવીને બેઠેલો હતો. મિલિંદ ઈંગળેનું `ગારવા’ આલબમ તેનું મન ગમતું હતું. મારું ઈ-મેઈલ ક્લિયરિંગ પૂરું થયા પછી હું પણ તેની સાથે જોઈન થઈ. બહાર વરસાદ પડતો હતો ત્યારે અંદર અમે એક પછી એક વરસાદ પરનાં ગીતો વગાડવાનું શરૂ કર્યું. પહેલું ગીત લગાવ્યું `મંઝિલ’ ફિલ્મનું રિમઝિમ ગિરે સાવન.. અમિતાભ બચ્ચન અને મૌસમી ચેટરજીનું આ ગીત ચાળીસ-બેતાળીસ વર્ષ પૂર્વેનું છે. મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા, ઓવલ મેદાન, નરીમાન પોઈન્ટ, મરીન ડ્રાઈવ વિસ્તારમાં શૂટિંગ કરાયું હતું. શૂટિંગ સાદું પણ ક્યારે પણ જોઈએ તોય ગીત એકદમ રિફ્રેશિંગ ફીલ આપી જાય છે. એક-એક ગીત યાદ કરીને અમે યુટ્યુબને હુકમ કરતાં હતાં. આ પછી `એક લડકી ભીગી ભાગી સી, સોતી રાતોં મેં જાગીસી’ ગીત વગાડ્યું. કિશોર કુમાર અને મધુબાલાના `ચલતી કા નામ ગાડી’ ફિલ્મે તો આપણને રીતસર ગાંડપણ લગાવ્યું હતું. આટલાં વર્ષે પણ તે ગીત જોતી વખતે જરા પણ કંટાળો આવતો નથી. આવું જ કાંઈક`શ્રી 420’માંના રાજ કપૂર-નરગિસ પર શૂટ કરાયેલું `પ્યાર હુઆ ઈકરાર હુઆ હૈ…’વરસાદના ગીતનું છે. એબ્સોલ્યુટ ઈમ્મોર્ટલ.પાંસઠ-સિત્તેર વર્ષ થયાં પણ આ બંને ફિલ્મ અને તેમાંનાં ગીતો આજે પણ તેટલાં જ ફ્રેશ છે.ફરી ફરી સાંભળવાનું મન થાય છે. આ પછી અમે મંગેશકરનાં અને આપણા અનેક ગાયકોનાં ગીતો સાંભળતાં રહ્યાં. એકંદરે અમારી સંગીતસભર વરસાદની સાંજ અલગ ખુશી આપી ગઈ.

હજુ પણ વરસાદ પડતો હોય તો હમણાં જ તમે પણ એક ગીત જરૂર વગાડો તમારી સામે ટીવી પર અથવા મોબાઈલ પર. બાવન સાલની હોલીવૂડ ક્લાસિક `સિંગિંગ ઈન ધ રેઈન’માંનું ટાઈટલ સોંગ. હમણાં જેઓ સિનિયર સિટીઝન બન્યાં છે તેમણે આ ફિલ્મ નક્કી જોઈ હશે. `જીન કેલી’ નામે અમેરિકન એક્ટર, ડિરેક્ટર, કોરિયોગ્રાફર, ડાન્સર, સિંગરે બનાવેલી આ ફિલ્મમાં તેણે જ મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મ સારી ચાલી અને આજે પણ તે ફિલ્મ જગતમાં તેને એક મીલનો પથ્થર માનવામાં આવે છે. તેમાંનું ગીત તમને ચોક્કસ પ્રફૂલ્લિત કરશે. `સિંગિંગ ઈન ધ રેઈન, આય એમ હેપ્પી અગેઈન, આય એમ ડાન્સિંગ એન્ડ સિંગિંગ ઈન ધ રેઈન, આય એમ હેપ્પી અગેઈન’ આ ગીત સાંભળતી વખતે મજા તો આવે જ છે, પરંતુ આ ગીત એટલે `દેખને કી ચીજ હૈ.’ જીવનમાં આપણો દ્રષ્ટિકોણ કેવો હોવો જોઈએ તે આ ગીત હસતાં-રમતાં આપણને કહી જાય છે.

“અરેરે, વરસાદ’ કે `અરે વાહ, વરસાદ’આ બે વાક્ય મને મારી પર્સનાલિટી બતાવી દે છે. વરસાદ પડશે જ, તેને જોઈએ તે રીતે પડવાનો છે. તેની પર આપણું કોઈ કંટ્રોલ નથી, તો પછી જે બાબત મારા હાથોમાં નથી તે મારે સ્વીકારવી જ જોઈએ. વારુ, `હું નહીં સ્વીકારું’ એમ પણ કહી નહીં શકાય. `યુ લવ ઈટ ઓર હેટ ઈટ, બટ યુ કાન્ટ ઈગ્નોર ઈટ, યુ કાન્ટ એવોઈડ ઈટ’એવો છે આ વરસાદ. આથી તે સ્વીકારવાનું અનિવાર્ય છે. નહીં સ્વીકારીને ક્યાં જઈશું?અને જો સ્વીકારવું હોય તો `અરેરે વરસાદ’કહીને રડતા ચહેરે સ્વીકારવાનું કે `અરે વાહ વરસાદ’ કહીને હસતાં-હસતાં તે વરસતા વરસાદની ખુશીમાં સામેલ થવું તે આપણે નક્કી કરવાનું છે. આ જીવવા પર સો વાર પ્રેમ કરવાનું શીખવનારા વરિષ્ઠ કવિ મંગેશ પાડગાવ કરે શીખવ્યું છે ને,`કહો કઈ રીતે જીવવું, કણસતા કણસતા કે ગીતો ગાતા.’ સો લેટ્સ ગો ઈન ધ રેઈન, એન્જોય ધ રેઈન એન્ડ બી હેપ્પી અગેઈન.

આમ આ દર વર્ષે પડતો વરસાદ આપણા માટે નિસર્ગનો એક સંદેશ લઈને આવેલો હોય છે. ટેક અ બ્રેક, રિલેક્સ એન્ડ રિજુવિનેટ! તે આપણને સૂર્યપ્રકાશનું મહત્ત્વ સમજાવે છે. અનેક દેશોનું જીવન વર્ષભર સતત પડતા વરસાદથી અને વાદળિયા વાતાવરણથી કેટલું મુશ્કેલ બનતું હોય છે તેનું ભાન તે આપણને કરાવે છે. તે કહે છે, જુઓ, તમારી સૂર્યપ્રકાશ સિવાય પંદર દિવસમાં આવી દશા થતી હોય તો નોર્થ પોલ નજીકના દેશોના માણસો કઈ રીતે રહેતા હશે તે વાતાવરણમાં?તમે તમારા ભારતમાં કેટલા સુખી છો,જસ્ટ બી ગ્રેટફૂલ વિથ વોટ યુ હેવ.

અમારો મોટો પુત્ર રાજ નાનો હતો ત્યારે ડિઝનીના `વિની ધ પૂ’નો ફેન હતો. આથી તે સમયે પૂ, પિગ્લેટ, ખ્રિસ્તોફર રોબિનની વિડિયો કેસેટ્સ કલાકોના કલાકો જોવાનો અમારો શોખ હતો.`વિની ધ પૂ’માંથી જ એકાદ જીવનમંત્ર મળી જતો, તેમાંથી એક વિચાર અહીં બરોબર બંધ બેસે છે,`વ્હેન લાઈફ થ્રોઝ યુ અ રેઈની ડે, પ્લે ઈન ધ પડલ!’ સો, લેટ્સ સિંગ ઈન ધ રેઈન, ડાન્સ ઈન ધ રેઈન એન્ડ બી હેપ્પી અગેઈન!

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)