જીવન માટે યોજનાઓ ના બનાવો

યોજના એ ફક્ત એક વિચાર છે, અને આપણી બધી યોજનાઓ, જે આપણે પહેલાથી જાણીએ છીએ એના પરથી જ આવે છે. આપણી યોજના, ભૂતકાળનું સુધારેલું સંસ્કરણ છે. એક યોજના એ છે કે આપણે ભૂતકાળનો ટુકડો લઈએ અને તેના ઉપર મેક-અપ લગાવી દઈએ. આ જીવવાની ખૂબ જ નબળી રીત છે. આપણી પાસે યોજના હોવી જરૂરી છે, પરંતુ જો તમારું જીવન તમારી યોજના પ્રમાણે ચાલે છે, તો તેનો અર્થ છે કે તમે ખૂબ જ નબળું જીવન જીવો છો. તમારું જીવન એવી રીતે થવું જોઈએ, જેની તમે કલ્પના પણ ન કરી શકો. જીવનની સંભાવનાઓ એટલી વિશાળ છે કે કોઈ પણ એ હદ સુધી ક્યારેય પ્લાનિંગ કરી શકતું નથી. યોજનાને બેક-અપ તરીકે રાખો, પરંતુ જીવનને થવા દો. જીવનની સંભાવનાઓનું અન્વેષણ કરો. તમે નથી જાણતા કે ક્યારે શું ખુલશે. કોઈ પણ મનુષ્ય સાથે આજ સુધી ક્યારેય ન થયું હોય તેવું કંઈક તમારી સાથે થઈ શકે છે.

કઈ હદ સુધી યોજના બનાવવી, એની તમને ખબર હોવી જોઈએ. જો તમારી પાસે કોઈ યોજના નથી, તો તમે કાલે શું કરવું તે જાણતા નથી. જીવન વિશે એ સચોટ સંતુલન અને શાણપણ છે કે તમે જાણો, તમારે શું છોડવું જોઈએ અને શું ના છોડવું જોઈએ. મોટાભાગના લોકો માટે તેમની યોજના કોઈ મહાન દૂરદર્શિતાથી નથી આવી રહી. તેમની યોજના, તમારા અનપેક્ષિતનો સામનો કરવાની અસક્ષમતાના ડરને કારણે બહાર આવે છે. મનુષ્યને એક માત્ર દુઃખ એ છે કે તેમનું જીવન એ રીતે નથી થતું જે રીતે તેઓ ઈચ્છે છે કે એ થાય. સવારે, તમે તમારી કોફી ઇચ્છતા હતા, પરંતુ કોફી મળી નહીં, તેથી તમે દુઃખી છો. પરંતુ એક ભવ્ય સૂર્યોદય થઈ રહ્યો છે, અને તમે તેને ચૂકી કરી રહ્યાં છો. બસ, તમારી એક મૂર્ખ યોજના પ્રમાણે થતું નથી, પરંતુ કંઈક ઘણું મોટું થઈ રહ્યું છે.

આ બ્રહ્માંડમાં અને જીવનના નૃત્યમાં જે તમારી આજુબાજુ બની રહ્યું છે, એમાં તમારી યોજના ઘણી નાની વસ્તુ છે. તેને એટલું મહત્વ ન આપો. કાલે સવારે શું કરવું તેની યોજના તમે બનાવો પરંતુ એ યોજના મુજબના જીવનની અપેક્ષા ક્યારેય રાખશો નહીં. સૌથી વધુ, હંમેશાં આશા રાખો કે તમારું જીવન તમારી યોજના, તમારી કલ્પના અને તમારી બધી અપેક્ષાઓ કરતા વિશાળ થાય.

(સદગુરુ જગ્ગી વાસુદેવ)

(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)