રહસ્યવાદની ખોજ – કમ્ફર્ટ ઝોનની બહાર જવું

સદ્‍ગુરુ: તર્કની પ્રકૃતિ જ એવી છે કે તે હંમેશા જોડાવા અને સંબંધ બનાવવા માટે સમાનતા શોધે છે. રહસ્યવાદના પરિમાણોની શોધમાં આ એક અવરોધ છે. સર્જનની પ્રકૃતિ સમાનતા, સગપણ કે પરિચયમાં નથી શોધી શકાતી. સર્જનની ફક્ત સૌથી બાહ્યતમ સપાટી પર જ સરખાપણું  છે. ધારો કે, ઉદાહરણ તરીકે, ગોરી ત્વચાવાળા બે લોકો (અથવા કાળી ત્વચાવાળા બે લોકો) છે અને તમે તેઓ બંનેને માત્ર ઉપરછલ્લી રીતે સપાટી પર જ જુઓ છો, તો તમને એવું જ લાગશે કે તેઓ એક સરખા જેવા છે. પણ જો તમે વધુ ઊંડાણપૂર્વક જુઓ તો, શું કોઈપણ બે વ્યક્તિઓ ક્યારેય એકસમાન હોય છે?

સરખાપણાની શોધમાં, તર્ક સ્વાભાવિક રીતે અસ્તિત્વની સપાટી પર રહી જાય છે. જો તમે વધુ ઊંડાણમાં જશો, તો સરખાપણાની શોધ મૂંઝવી દેનાર બની જશે.  જો તમે કોઈપણ વસ્તુને પૂરતા ઊંડાણથી જોશો – તમારી ફિંગરપ્રિન્ટથી લઈને તમારી આંખની કીકી અને તમારા વાળ સુધી – બધું અનન્ય છે. જો તમે બ્રહ્માંડની મુસાફરી કરો, તો તમને એક પણ વસ્તુ નહિ મળે જે અદ્દલ બીજી વસ્તુ જેવી જ હોય. કોઈ બે પરમાણુ એક સરખા નથી. તેમાંના દરેકનું એક આગવું લક્ષણ હોય છે.

પરિચિત વસ્તુ તમારા મનના તાર્કિક પરિમાણને પોષે  છે. તમારો તર્ક જેટલો મજબૂત હશે, તમે એટલા જ સપાટી પર રહેશો. સર્જનની રહસ્યવાદી પ્રકૃતિના ઊંડાણમાં પ્રવેશવા માટે, તમારે તમારા મનને એવી રીતે પ્રશિક્ષિત કરવાની જરૂર છે કે તે પરિચિતને શોધે નહીં અને જાગરૂકપણે પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર નીકળી જાય.

લોકો પરિચિત વસ્તુઓમાં અટવાઇ જાય છે. તેઓ દરરોજ એક જ માર્ગ પર ચાલવા માંગે છે. જ્યારે તમે પરિચિતની ઝંખના કરો છો, ત્યારે તમે એક લંબગોળ આકારમાં ગતિ કરી રહ્યા છો. દરેક વસ્તુ જે ભૌતિક છે તે ચક્રોમાં છે – પરમાણુથી લઈને સૌરમંડળથી બ્રહ્માંડ સુધી. જો તમે ચક્રોમાં રહેશો, તો ભૌતિકતા તમને મુક્ત કરશે નહીં. તેની પોતાની એક શક્તિ છે.

આગળ વધવા અને ખોજ કરવા માટે જે એક મહત્વપૂર્ણ પગલું ભરવાની જરૂર છે તે એક એવું મન વિકસાવવાનું છે જે પરિચિતની ઝંખના કરતુ નથી. આ સંસારથી સન્યાસ સુધીની યાત્રા છે. સન્યાસનો અર્થ સાધુ બનવાનો નથી – તેનો અર્થ છે ચક્ર તોડવું. સંસારનો અર્થ કુટુંબ નથી – તેનો અર્થ છે પુનરાવર્તિત ચક્રો. જ્યારે તમે પરિચિતને ઝંખો છો, ત્યારે તમે હંમેશા સંયોગો શોધી રહ્યા છો.

કમનસીબે, ભૌતિક વિજ્ઞાનમાં પણ, તેઓ જોડાણો બનાવવા માટે સંયોગો શોધી રહ્યા છે. વસ્તુઓને જોવાની તે એક રીત છે, પરંતુ તે સપાટી પર જ રહેશે. તે અસ્તિત્વના ઊંડા પરિમાણોને શોધશે નહીં. તમે આસપાસ બધું જોશો, પરંતુ તમે સર્જનનો સ્ત્રોત ચૂકી જશો.

અપરિચિત ક્ષેત્રને જાગરૂકપણે ઝંખવા અને તેમાં આગળ વધવા માટે, તમારે ઊર્જાનું માળખું મજબૂત કરવું પડશે, અને તમારે શરીર અને ભાવનાઓને સંતુલિત કરવી પડશે. તમારે એવા મનની જરૂર છે જે વિવિધ પ્રકારની ભાવનાઓને સંભાળવા માટે સક્ષમ હોય.

આ સંતુલન વિના, કોઈ વ્યક્તિ ક્યારેય જીવનના અપરિચિત ક્ષેત્રને શોધવાની હિંમત કરશે નહીં. જો તમે અપરિચિતને શોધશો નહીં, તો સગવડો અને સુવિધા હશે, પરંતુ તમે કંટાળાથી મરી જશો. જો તમે ઉત્સાહથી મરી જાઓ, તો તે ઠીક છે. આટલું ભવ્ય સર્જન અને તમે કંટાળાથી મરો – તે સૌથી ખરાબ ગુનો છે.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ) 

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.