આત્મજ્ઞાન એટલે શું?

સદ્‍ગુરુ અહીં જણાવી રહ્યા છે કે આત્મજ્ઞાન શું છે અને કેવી રીતે તે એક પસંદગી નથી, પરંતુ સૌના જીવનમાં તે અનિવાર્ય છે.

જ્યારે લોકો ‘આત્મજ્ઞાન’ શબ્દ સાંભળે ત્યારે કદાચ તેમના મનમાં હિમાલયની અમુક ગુફાઓની છબી ઉપસતી હશે. તમારા અનુભવમાં જે અત્યારે નથી તેના વિશે હું કંઇ વાત કરવા માંગતો નથી કારણ કે જે ક્ષણે તેના વિશે વાત થશે , તમે વાસ્તવિકતાથી સંબંધ ગુમાવી દેશો. જે હકીકત તમારા અનુભવમાં નથી તેને તમે માનવા લાગશો તો તમે અત્યારે જે વાસ્તવિકતામાં છો, તેનો સંપર્ક છોડી દેશો.

દૂર્ભાગ્યપૂર્ણ રીતે અત્યારે ધર્મ અને આધ્યાત્મિકતાના નામે વિશ્વમાં આવું જ થયુ છે. ઇશ્વર એ સક્ષમ કરતું પરિબળ નથી રહ્યું પણ દૂર્ભાગ્યપૂર્ણ રીતે મોટાભાગના લોકોના જીવનમાં તે તેઓને કૃપણ કરતું પાસું બની ગયું છે કારણ કે તેઓ એવું માને છે કે ઇશ્વર તેમના ભોજન, જીવનનિર્વાહ, સ્વાસ્થ્ય અને વેપારનું ધ્યાન રાખશે. તેથી સ્વયંને કોઈ રહસ્યવાદી પ્રક્રિયાથી કે અન્ય આયામ દ્વારા જાણવા વિશે આપણે કોઈ વાત નથી કરતા. આપણે સૌથી વ્યવહારિક રીતે તમને જાણી શકાય તેના વિશે વાત કરીએ.

તમારું યુઝર મેન્યુઅલ વાંચો

જો તમે કોઈ ચીજ સાથે કામ લેવા માંગતા હો, ઉદાહરણ તરીકે જો તમે મોટરસાઇકલ કે કાર ચલાવવા માંગતા હો તો તે મશીન પર તમારી પકડ જેટલી ઉમદા હશે, એટલી જ તમને તેની સાથે કંઇ પણ કરવાની સ્વતંત્રતા મળશે. તમે જ્યારે પણ કાર, કોમ્પ્યુટર કે પછી તમારો ફોન ઉપયોગ કરતા હો ત્યારે તેના વિશે જેટલું તમે વધુ જાણશો, તેટલો જ સારો તેનો ઉપયોગ કરી શકશો. તમારી આસપાસના લોકો, તમારો પરિવાર, મિત્રો અને જે લોકો સાથે તમે કામ કરતા હો, જેટલું તેમના વિશે વધુ જાણતા હશો તેટલી સારી રીતે તેમની સાથે તમે વ્યવહાર કરી શકશો. તમારે જેની સાથે પણ કામ કરવાનું હોય, જેટલું વધુ તમે જાણતા હશો ,તેટલી જ સારી રીતે તમે તેને સંભાળી કરી શકશો.

આ બાબતને તમે સ્વયં પર કેમ લાગૂ નથી કરતાં ? આ જીવન વિશે તમે જેટલું વધુ જાણો, જેને તમે ‘હું’ કહો છો, તેના વિશે વધુ સમજ હશે અને તેને વધુ સારી રીતે સંભાળવાની ક્ષમતા હશે તો ચોક્કસપણે જીવન ખીલી ઉઠે છે. બીજા શબ્દોમાં, આત્મજ્ઞાન એ આ જીવનને અત્યારે તમે જે રીતે જાણો છો તેના કરતા વધુ સારી રીતે જાણવું તે છે. તમે તમારા વિચારો, વ્યક્તિત્વ અને લાગણીઓ વિશે કંઇક જાણતા હોઇ શકો. અથવા તો  પહેલાથી જ તમારું મનો વિશ્લેષણ થઇ ગયું હશે પરંતુ હજુ પણ તમે જીવનની પ્રકૃતિ વિશે કંઇ પણ નથી જાણતા કે તે કેવી રીતે ઘટે છે, ક્યાંથી આવે છે, ક્યાં જાય છે અને તેની પ્રકૃતિ શું છે. જો આ મશીનને તમે ચલાવો છો અને તેના વિશે કંઇ પણ નથી જાણતા તો તમે આકસ્મિક રીતે જ તેનું સંચાલન કરશો.

મહેરબાની કરીને તેના તરફ ધ્યાન આપો. આ જીવન વિશે તમે શું જાણો છો ? તમે આકસ્મિક રીતે જીવો અને તમારું અસ્તિત્વ એક અકસ્માત જ હોય તો તમે એક સંભવિત આફત છો. તમે વાસ્તવિક રીતે આફત બનશો કે નહિં તે અલગ બાબત છે પરંતુ તમે એક સંભવિત આફત છો. જો તમે એક સંભવિત આફત તરીકે અહીં જીવશો તો દુખી અને બેચેન રહેવું સ્વાભાવિક છે અને જીવન એ રીતે જ ચાલે છે.

એવું ન વિચારો કે આત્મજ્ઞાન એ કોઈ વિચિત્ર બાબત છે જે અમુક યોગીઓ હિમાલયની ગુફામાં કરતા હોય છે. તે એના વિશે નથી. તે માત્ર એટલું જ છે કે જો તમે તમારું જીવન અમુક સ્વસ્થતા સાથે જીવવા માંગતા હો, તો તમારે આ જીવન વિશે જાણવું પડશે. જો તમે તેના વિશે જાણતા નથી અને તેમા કોઈ અન્વેષણ કરતા નથી , તો તમે સ્વસ્થતાથી કેવી રીતે જીવશો ? જ્યાં સ્વસ્થતા નથી ત્યાં પ્રસન્નતા હોવાનો સવાલ જ નથી. જ્યારે સ્વસ્થતા અને પ્રસન્નતા તમારા જીવનમાં નથી, તો સવાલ ઉઠશે, “હોવું કે ન હોવું ?” લોકોને લાગે છે કે આ બહુ બુદ્ધિમતા વાળો પ્રશ્ન છે. પરંતુ આ સૌથી મૂર્ખ બાબત છે જે તમે પોતાને પૂછી શકો છો. આ જીવન પ્રક્રિયા અત્યંત અદ્ભુત ઘટના છે પરંતુ તમે પૂછો છો, “હોવું જોઇએ કે નહીં?” આવા મૂર્ખતાપૂર્ણ સવાલો લોકોના મનમાં પેદા થયા છે કારણ કે તેમણે મનુષ્ય હોવાની અસીમતા વિશે જાણ્યું નથી. આત્મજ્ઞાન એ પસંદગી નહીં, અનિવાર્ય છે.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.