કર્મ – તમારી રચના

કર્મ એટલે કાર્ય. કાર્ય એટલે, આપણે તમારા કાર્ય વિશે વાત કરી રહ્યા છીએ. જ્યારે કાર્યની વાત આવે છે તો, તમે કાર્ય ચાર અલગ અલગ રીતે કરો છો. તમે તમારા શરીર સાથે કાર્ય કરી શકો છો, તમે માનસિક કાર્ય, ભાવનાત્મક કાર્ય અને ઊર્જાકીય કાર્ય કરી શકો છો. આ ચારેય સ્તરોમાં, કાર્ય સતત થઈ રહ્યું છે – તેમાંથી થોડુંક તમે જાગરૂકપણે કરો છો, મોટા ભાગનું અજાગરૂકપણે થતું હોય છે.

આ ચારેય પરિમાણોમાં તમે જે પણ કાર્ય કરો છો, તેની છાપ હંમેશા તમારી અંદર અવશેષ તરીકે રહી જાય છે. આ છાપો સમયાંતરે એકઠી થઈને તેમની પોતાની વૃત્તિઓ વિકસાવે છે. આ સોફ્ટવેર જેવું છે. તમારા મનમાં, તમારી ભાવનામાં, તમારા શરીરમાં અને તમારી ઊર્જામાં તમે જે પ્રકારના કાર્યો કરો છો તેના આધારે અજાગરૂકપણે તમે તમારું પોતાનું સોફ્ટવેર લખો છો. તમે જે પણ પ્રકારનું સોફ્ટવેર લખ્યું છે, થોડા સમય પછી આ આખી સિસ્ટમ એવી રીતે કાર્ય કરશે. તે કોઈ અન્ય પરિમાણ અથવા શક્તિ દ્વારા લખાયેલું નથી, તે તમારા દ્વારા લખાયેલું છે. પરંતુ કેમ કે તમે તેમાંથી મોટાભાગનું અજાગરૂકપણે કર્યું છે, તેથી તમે માની નથી શકતા કે તે તમે કર્યું છે.

તમે ભેગા કરેલા કર્મના જથ્થા અને પ્રકારને આધારે અથવા તમારી કર્મની છાપના આધારે, તમે ચોક્કસ વૃત્તિઓ વિકસાવો છો. આ વૃત્તિના આધારે, તમે ચોક્કસ દિશાઓમાં આગળ વધશો અને ચોક્કસ પ્રકારના જીવનને પણ તમારી તરફ આકર્ષિત કરશો. જો તમને લાગે કે તમે તમારા જીવનમાં સતત મુશ્કેલીજનક વસ્તુઓને આકર્ષી રહ્યાં છો, કોઈ કારણ વિના જો તમે ખોટા લોકો અને ખોટી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યાં છો, તો તમારે પ્રથમ અને મુખ્ય વસ્તુ જે કરવાની જરૂર છે તે છે, એક પગલું પાછા હટો, બેસો, ધ્યાનની ચોક્કસ અવસ્થા સુધી પહોંચો અને જુઓ કે આ સોફ્ટવેર જે અજાગરૂકપણે તમારી અંદર લખાયેલું છે તેને કેવી રીતે ફરીથી લખવું. તે સૌથી મહત્ત્વપૂર્ણ છે.

આ એવું છે કે, ધારો કે તમે ડ્રાઇવ કરી રહ્યા છો અને તમારી કાર નિયંત્રણ બહાર થઈ જાય છે. તમારે સૌ પ્રથમ શું કરવું જોઈએ? તમે બ્રેક લગાવો અથવા તેને ગમે તે રીતે રોકવા માટે કંઈ પણ કરો. જ્યારે કોઈ વસ્તુ નિયંત્રણની બહાર જાય છે, ત્યારે પ્રથમ વસ્તુ એ છે કે તમે તેને રોકવા માંગો છો. તો તે જ છે જે તમારે કરવાની જરૂર છે. જો તમે જુઓ કે વસ્તુઓ, કોઈ સમજાવી શકાય તેવા કારણ વિના, એમ જ નિયંત્રણની બહાર જઈ રહી છે, તો પ્રથમ વસ્તુ જે તમારે કરવાની જરૂર છે તે છે કે ખાલી તેને થોડા સમય માટે રોકો, અને જુઓ કે તેની સાથે શું થઈ રહ્યું છે. ફક્ત થોડા સમય માટે, મનની પ્રક્રિયા, ભાવનાની પ્રક્રિયા, દરેક વસ્તુની પ્રક્રિયા બંધ કરો, અને તમે જોશો કે તે પોતે જ પોતાને સુધારી નાખશે.

આપણે જેને ધ્યાન કહીએ છીએ તે ફક્ત આ જ છે, કે તમે દિવસમાં થોડી ક્ષણો માટે બધું જ બંધ કરી દીધું. તમારે કોઈ ભગવાનને બોલાવવાની અથવા આ કે તે કરવાની જરૂર નથી. તમે બસ તેને રોકો – કંઈ કરવાની જરૂર નથી. અચાનક તમે જોશો કે તમારું જીવન એક ચમત્કારની જેમ કામ કરે છે, ફક્ત એટલા માટે કે તમે તે બધું બંધ કરીને આ આખી સિસ્ટમને તે પોતે ઈચ્છે તે રીતે પોતાને ઠીક કરવા અને સુધારવા માટે જરૂરી સમય આપ્યો છે.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.