જીવનનું સત્ય શું છે?

આપણી અંદર દ્રઢતા, જ્ઞાન, કરુણા અને ધૈર્યનો ક્યારે ઉદય થાય છે? જયારે આપણે કઠિન સમયનો સામનો કરી રહયાં હોઈએ, સંજોગો વિપરીત હોય ત્યારે જીવનને વહેતું રાખનાર આ અત્યંત આવશ્યક ગુણો આપણી અંદર પ્રકટે છે, વિકસે છે. મહામારીની બીજી લહેર મનુષ્ય માટે એક પડકાર છે. આ સમય આપણી અંદર શૌર્ય જગાવવાનો, પરસ્પર સહકાર કેળવવાનો અને પુન: સંકટ માંથી ઉભરીને બહાર આવવાનો છે. અગાઉ પણ મહામારીઓ, યુધ્ધો અને પ્રાકૃતિક સંકટનો સામનો મનુષ્ય એ કર્યો છે અને અસ્તિત્વને ટકાવી રાખ્યું છે. કલિંગનું યુદ્ધ થયું ત્યારે અનેક લોકો મૃત્યુ પામ્યા, ભયંકર વિનાશ થયો, પરંતુ આ ઘટના એ અશોકનું હૃદય પરિવર્તન થયું અને તેણે અહિંસાનો માર્ગ અપનાવ્યો. લોક કલ્યાણના અનેકવિધ કાર્યો કર્યાં. રાજકુમાર સિદ્ધાર્થ એ જયારે રોગ અને મૃત્યુની વાસ્તવિકતા વિશે જાણ્યું ત્યાર પછી તેમની અંદર સત્યની શોધ માટે તૃષા જન્મી અને પછી તેઓ આત્મસાક્ષાત્કાર દ્વારા બુઘ્ધત્વને પ્રાપ્ત થયા.

આધ્યાત્મિક ચિંતન આત્મબળમાં વૃદ્ધિ કરે છે, જયારે આપણે આસપાસ મૃત્યુ જોઈએ છીએ, ત્યારે આપણું મન આપમેળે નાની નાની ચિંતાઓ કરવાનું છોડી દે છે. સામાન્ય જીવનમાં આપણે જે ચિંતાઓથી ગ્રસિત રહીએ છીએ, તે ચિંતાઓ કઠિન સમયમાં આપણને સતાવતી નથી. કપરા સમયમાં જીવનનાં સત્ય પરત્વે આપણી દ્રષ્ટિ પડે છે.
જીવનનું સત્ય શું છે? સત્ય એ છે કે આપણી અંદર એક તત્ત્વ છે જે અપરિવર્તનશીલ છે, નિરંતર છે અને નિત્ય છે. આપણે આ તત્ત્વ પ્રતિ ધ્યાન આપવાનું છે. જયારે આ સ્થિર, સ્થાયી, નિત્ય નિરંતર તત્ત્વ પ્રતિ આપણી દ્રષ્ટિ પડે છે, આપણી અંદર અદભુત ક્ષમતાનો ઉદ્ભવ થાય છે, અને જેના દ્વારા આપણે સમસ્યામાંથી બહાર આવીએ છીએ.
સામાન્યતઃ જયારે મન નબળું પડે છે ત્યારે હૃદય પણ અંદરથી ભાંગી જાય છે. ત્યારે વ્યક્તિ કઈં પણ કરવા સમર્થ હોતી નથી. આંતરિક સામર્થ્ય મેળવવા માટે ધ્યાન, જ્ઞાન અને સનાતન સત્યની સમજ – આ ત્રણ ખૂબ જરૂરી છે. વ્યક્તિનું મન જો દ્રઢ છે, તો તેનું શરીર નબળું હશે તો પણ દ્રઢ મન દ્વારા નબળાં શરીરનું સંચાલન સારી રીતે થઇ જશે પરંતુ વ્યક્તિનું મન નબળું છે તો શરીર મજબૂત હોવા છતાં, નબળાં મનને કારણે શરીર સ્વસ્થ રહી શકશે નહિ. વૈશ્વિક મહામારી એ ફરીથી એકવાર આપણાં આંતરિક સામર્થ્યને, આપણી પ્રતિકારક શક્તિને સજ્જ કરવા માટે આપણને જાગૃત કર્યા છે. યોગ્ય ભોજન, પૂરતી ઊંઘ, વ્યાયામ, અને ધ્યાન – આપણી દિનચર્યામાં સમાવિષ્ટ હોય એ ખૂબ આવશ્યક છે. તણાવ, ભય અને વ્યગ્રતા આપણી રોગ પ્રતિકારક શક્તિને નબળી કરે છે. યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના નિયમિત અભ્યાસ દ્વારા શારીરિક રાસાયણિક બંધારણમાં લાભદાયી પરિવર્તન આવે છે, તેની સાથે સાથે મન પણ શાંત અને કેન્દ્રિત બને છે.
વર્તમાન સમયમાં પ્રત્યેક વ્યક્તિને આટલાં આશ્વાસનની જરૂર છે કે તેઓ એકલાં નથી. પ્રતિકૂળ સંજોગોમાં તેમને સહાયતા મળશે જ. ઘણાં લોકો પોતાની જાતને અભિવ્યક્ત કરી શકતાં નથી, તેઓ પોતાની ઉદાસી વિશે વાત કરતાં નથી અને અંતે હતાશા કે વ્યગ્રતાનો ભોગ બને છે. અહીં તેમની પ્રાણ ઉર્જાનું સ્તર ઉપર લાવવાની જરૂર છે. પ્રાણ શક્તિનો સીધો સંબંધ આપણાં મનની સ્થિતિ સાથે છે. જયારે પ્રાણ શક્તિની માત્રા વધુ હોય છે ત્યારે આપણને વિસ્તરણનો, વિશાળતાનો અનુભવ થાય છે. જયારે પ્રાણ શક્તિની માત્ર ઓછી હોય છે ત્યારે આપણે હતાશા અને ચિંતાથી પીડાઇએ છીએ અને આપણી અંદર કોઈ સંકોચનનો અનુભવ કરીએ છીએ. ધ્યાન, પ્રાણાયામ અને લયબદ્ધ આપણી ઉર્જામાં પુષ્ક્ળ પ્રમાણમાં વૃદ્ધિ કરે છે. સંગીત અને નૃત્ય દ્વારા પણ ઉર્જામાં વૃદ્ધિ થાય છે.
શિસ્ત અને ડહાપણનો સતત ઉપયોગ કરવો પડશે. સ્વચ્છતા અને સતર્કતા વડે જ આ મહામારીને નિયંત્રિત કરી શકીશું. રસીકરણ અત્યંત આવશ્યક અને અનિવાર્ય છે. પતંજલિ યોગ સૂત્રમાં પણ શૌચ- સ્વચ્છતાના નિયમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સ્પર્શ કાર્ય વગર, હાથ જોડીને નમસ્તેથી અભિવાદન કરવું એ આપણી પરંપરા છે ભોજન અને અન્ય દિનચર્યામાં અનુશાસનનું પાલન કરવાથી આપણું શરીર અને મન શુદ્ધ બને છે.
મહામારીના આ સમય દરમ્યાન ઘરમાં રહીએ, પ્રવાસ ટાળીએ, જાહેર સ્થાનોની મુલાકાત ન લઈએ. આ સમયનો ઉપયોગ મૌન રહીને પોતાની જાતને ઓળખવા માટે કરીએ. ધ્યાન વડે તમે શાંત મન અને આત્મવિશ્વાસ પ્રાપ્ત કરો છો. આત્મબળ દ્વારા જ પ્રતિકૂળ સંજોગોમાંથી બહાર આવવું સંભવ બને છે.

 

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)