નીતિશકુમારઃ ચડતી, પડતી અને પલટી…

બિહારમાં સત્તાપલટાના રાજકીય તોફાન વચ્ચે મુખ્યમંત્રી નીતિશકુમારનું એક હોર્ડિંગ ન્યૂઝ ચેનલોની નજરમાં આવી ગયેલું. એમાં લખેલું: નીતિશ સબકે હૈ!

હવે બે વરસ જૂના એ હોર્ડિંગને સમાચાર ચેનલોએ નવું લગાવેલું હોર્ડિંગ ગણી વર્તમાન ઘટનાક્રમ સાથે જોડી દઇને થાપ ખાધી એ જૂદી વાત છે, પણ આમ જૂઓ તો પટણામાં થયેલા સત્તાપલટા સાથે એ સુસંગત છે. એ ભાજપ હોય કે લાલુપ્રસાદ યાદવ હોય, સત્તા માટે નીતિશ સબકે હૈ એ વાક્ય નીતિશકુમારને બરાબર બંધ બેસે છે. એક જમાનામાં આ પ્રદેશમાં બૌધ સાધુઓ વિહાર કરતા એટલે પ્રદેશનું નામ બિહાર પડ્યું હોવાનું કહેવાય છે. નીતિશ બૌધ સાધુ નથી, પણ સત્તા માટે એમણે એક ગઠબંધનથી બીજા ગઠબંધનમાં એમ ‘રાજકીય વિહાર’ સતત ચાલુ રાખ્યો છે.

આ રાજકારણના ખેલ અજીબ હોય છે. એમાંય આ તો બિહારનું રાજકારણ, જે એક જમાનામાં રાજકારણમાં અપરાધીકરણની ભેળસેળ માટે મોખરાનું સ્થાન ધરાવતું હતું, (આજે તો લગભગ બધા રાજ્યોમાં વત્તાઓછા અંશે એ ભેળસેળ થઇ જ ચૂકી છે.) અને એક જમાનામાં જ્યાં સમોસે મેં આલુ, બિહારમેં લાલુ જેવા સૂત્રોથી લાલુપ્રસાદ યાદવ જેવા નેતાઓ ચૂંટણી જીતતા હતા!

બિહારના રાજકારણની તવારીખ પર નજર નાખો તો ખ્યાલ આવશે કે, એક સમયે અહીં સત્તાની બાગડોર બ્રાહ્મણ, ભૂમિહાર અને રાજપૂતોના હાથમાં રહેતી, પણ 1980 પછી એ સમીકરણો ફર્યા અને સત્તાની ચોપાટ ઓબીસી, યાદવો અને કુર્મીઓના હાથમાં રમતી થઇ ગઇ. એમાંય, 1990 પછી આજદિન સુધી બિહારના રાજકારણ પર બે ચહેરા સતત હાવી રહ્યા છેઃ લાલુપ્રસાદ યાદવ અને નીતિશકુમાર. ભાજપ સત્તામાં લાંબા સમય સુધી ભાગીદાર રહ્યો, પણ એનો ચહેરો ગણાતા સુશીલકુમાર મોદી નીતિશની સામે ક્યારેય પોતાનું કદ-કાઠી વધારી ન શક્યા. કોંગ્રેસનો એકડો તો અહીં ક્યારનોય ભૂંસાઇ ગયો છે.

સવાલ એ છે કે એક સમયે બિહારમાંથી અપરાધીકરણનો સફાયો કરવાની હિંમત કરનાર, બિહારના રાજકારણને વિકાસના રાજકારણની દિશા આપનાર અને સુશાસનબાબુ તરીકેની નવી ઓળખ પ્રસ્થાપિત કરનાર આ નીતિશબાબુ રાજકારણમાં અચાનક પલટીબાબુ કેમ બની ગયા? એક સમયે રામ મનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણના વિચારોની આંગળી પકડીને જાહેરજીવનની શરૂઆત કરનાર અને જાહેરજીવનમાં મહદઅંશે સ્વચ્છ છબી જાળવી રાખનાર આ નીતિશકુમારની ઓળખ બદલાઇ કેમ ગઇ?

1951માં બિહારના બખ્તીઆપુરમાં આયુર્વેદિક પ્રેક્ટીશનર પિતા રામલખન સિંહ અને માતા પરમેશ્વરી દેવીના સંતાન એવા નીતિશ કુમાર આમ તો ઇલેક્ટ્રીકલ એન્જિનિયર છે, પણ વીજળી બોર્ડમાં નોકરી કરતાં કરતાં રાજકારણનો કરંટ લાગ્યો અને જેપી મુવમેન્ટના દિવસોમાં જનતા પાર્ટીમાં જોડાયા. એ પછી તો લાલુનો ડાબો-જમણો હાથ ય રહ્યા અને જ્યોર્જ ફર્નાન્ડીઝ સાથે સમતા પાર્ટી બનાવીને બાજપેયીના જમાનાના એનડીએ સાથે જોડાયેલા રહ્યા. 1998માં સમતા પાર્ટીનું જનતા દળમાં વિલીનીકરણ કરીને જેડીયુથી રાજકારણની નવી ઇનિંગની શરૂઆત કરી.

બિહારના રાજકારણમાં લાલુપ્રસાદ-રાબડીદેવીના શાસનનો યુગ (1990 થી 2005) એ જંગલ રાજનો યુગ ગણાય છે. લાલુના રાજમાં અપરાધીઓ બેફામ બનેલા. જ્ઞાતિ-જાતિવાદ એની ચરમસીમાએ ફાલ્યોફૂલ્યો. ભ્રષ્ટાચારથી ખદબદતા બિહારમાં લાલુનું આખું રાજકારણ જ્ઞાતિ-જાતિવાદી ધરીની ફરતે ફરતું રહ્યું અને વિકાસની દોટમાં દેશના અન્ય રાજ્યોથી બિહાર જોજનો દૂર પાછળ ધકેલાઇ ગયું. એટલે સુધી કે, વિખ્યાત અંગ્રેજી સામયિક ધ ઇકોનોમિસ્ટએ એક વખત લખવું પડેલું કે, બિહાર એ ભારતના સૌથી ખરાબ રાજ્યોના પ્રતીક સમાન છે! મહેનતકશ બિહારી પ્રજા ધંધા-રોજગાર માટે દેશના અન્ય ભાગોમાં ગઇ ત્યાં પણ એમણે બિહારની આ ઓળખ માટે મોં સંતાડવું પડે એવી સ્થિતિ ઉભી થઇ.

આ માહોલમાં, 2005માં, નીતિશનો ઉદય થયો સુશાસનબાબુ તરીકે. ઓક્ટોબર, 2005ની ચૂંટણીમાં નીતિશના જેડીયુને 88 અને ભાજપને 54 બેઠક મળી અને નીતિશની સરકારના શ્રીગણેશ થયા. નીતિશે અપરાધીઓ-માફિયાઓ સામે કડકાઇથી કામ લીધું. એટલે સુધી કે, પોતાની પાર્ટીના દબંગોનેય ન છોડ્યા. ક્રાઇમ દર ઘટયો અને સામે રસ્તાઓ-વીજળીના કામો મોટાપાયે હાથ ધરાયા. છોકરીઓને ભણવા માટે સાઇકલ આપવાથી માંડીને શરાબબંધી જેવા અનેક પગલાં નીતિશકુમારે હિંમતભેર લીધા. અમર્ત્ય સેન જેવા ઇકોનોમિસ્ટને નિમંત્રીને બિહારમાં નાલંદા યુનિવર્સિટીને ફરીથી જીવંત કરવાનું અને એ રીતે બિહારને શિક્ષણના ધામ તરીકે ફરીથી સ્થાપિત કરવાનું કામ પણ એમણે શરૂ કર્યું. દિલ્હીની પોસ્કો રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના 2011ના સંતોષકુમારે લખેલા એક અહેવાલ પ્રમાણે, નીતિશના આ શાસનકાળમાં બિહારે 11.35 જેટલો ઊંચો વિકાસદર હાંસલ કર્યો. 2009માં બિહારમાં આવનાર પ્રવાસીઓની સંખ્યા ગોવા કરતાંય વધારે હતી. જાહેર રાકાણોમાં થતા ભ્રષ્ટાચારનું પ્રમાણ 75 ટકાથી ઘટાડીને 25 ટકાએ આવી ગયું. લાલુથી વિપરીત, નીતિશે પોતાની જાતિવાદી ઓળખ ભૂંસીને સુશાસનબાબુ તરીકે નવી ઓળખ મેળવી લીધી. પોતાની જ જ્ઞાતિના સમારોહમાં, કુર્મી ચેતના રેલીમાં ભાગ લેવા ગયા, પણ ભાષણમાં જ્ઞાતિનો ઉલ્લેખ ટાળતા રહ્યા એ નીતિશ ધીમે ધીમે રાષ્ટ્રીય ફલક પર નરેન્દ્ર મોદીની સામે એનડીએના હરીફ ચહેરા તરીકે ઉભરવા માંડ્યા.

પણ, ફરીથી, રાજકારણમાં ક્યારેય ગણિતના દાખલા જેવા સમીકરણો નથી હોતા. 2013-14માં આ જ બાહોશ નીતિશકુમાર દેશના રાજકીય આકાશમાં ગોરંભાઇ રહેલા નરેન્દ્ર મોદી નામના ઘનઘોર-ઘટાટોપ વાદળને પારખી ન શક્યા. સેક્યુલર-બીન સેક્યુલરના વિવાદમાં ઝંપલાવીને એમણે મોદીનો વિરોધ કર્યો અને ભાજપ-એનડીએથી છેડો ફાડ્યો. એમના નજીકના રાજકીય ભૂતકાળની સંભવતઃ આ સૌથી મોટી ભૂલ હતી. 2015માં એ મહાગઠબંધનથી બિહાર જીત્યા, પણ અગાઉ 2014માં અને પછી 2019માં લોકસભામાં જનાધાર ખોઇ બેઠા. 2017માં ફરીથી ભાજપ સાથે આવ્યા, પણ ત્યાં સુધીમાં ભાજપ રાજકીય રીતે વધારે તાકાતવર બની ચૂક્યો હતો. 2020માં ભાજપ સાથેના ગઠબંધનથી એ મુખ્યમંત્રી બન્યા, પણ ભાજપ ત્યાં સુધીમાં એમને ઓશિયાળા બનાવીને પોતાની આંગળીએ નચાવી શકે એવી હાલતમાં મૂકી ચૂક્યું હતું.

અલબત્ત, ભાજપ બિહારમાં પણ મહારાષ્ટ્રની માફક ઓપરેશન કમળ હાથ ધરે એ પહેલાં ચેતી જઇને નીતિશે ભાજપની કડવી દવા ભાજપને જ પીવડાવી દીધી છે એટલે હાલ પૂરતો એમનો હાથ ઉપર છે, પણ સત્તા માટે નીતિશ કોઇપણ સમયે પલટી મારી શકે છે એ પ્રકારનું લેબલ એમણે પોતે જ પોતાના પર મારી દીધું છે. (બાય ધ વે, ભવિષ્યમાં નીતિશ ભાજપ સાથે ફરીથી જોડાઇ શકે છે કે ઇવન, લાલુપુત્ર તેજસ્વી યાદવ પણ ભાજપ સાથે જોડાઇ શકે છે એટલે આ રાજકીય દોસ્તી-દુશ્મની કાયમી નથી એમ માનીને જ ચાલવું.)

મુદ્દો એ નથી કે, હવે નીતિશ શું કરશે કે ભાજપ શું કરશે. રાજકીય સોગઠીઓ તો મરાતી રહેવાની અને પ્યાદાંઓ પડતા-આખડતા રહેવાના. મુદ્દો એ છે કે, એક સમયે વિપક્ષના ચહેરા તરીકે સર્વસંમતિ ધરાવતા નીતિશબાબુ બિહારમાં એમણે લાગુ કરેલા વિકાસના મોડેલના જોરે જે રાષ્ટ્રીય કદ હાંસલ કરી ચૂકેલા એ કદ હવે એ ગૂમાવી બેઠા છે. 2015 પછી બિહારમાં મુખ્યમંત્રી તરીકે નીતિશ છે, પણ સુશાસનબાબુ નથી. એ તકતી બદલાઇને હવે પલટીબાબુ બની ચૂકી છે.

એક સમયે બિહારના જ રામવિલાસ પાસવાન ‘પોલિટીકલ વેધર સ્ટેશન’ તરીકે જાણીતા બનેલા. આજે હવે નીતિશકુમાર એમની ‘પોલિટીકલ પોર્ટેબિલીટી’ માટે નામ કમાઇ ચૂક્યા છે.

 

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે. મંતવ્યો એમના અંગત છે.)