મસ્ક ટ્વિટર ખરીદવા માટે ટેસ્લાના $સાત અબજના શેર વેચ્યા?

બ્લુમબર્ગઃ એલન મસ્કે ટ્વિટરને હસ્તગત કરવા માટે ટેસ્લાના 6.9 અબજ ડોલરના શેર વેચી માર્યા હતા. મસ્કે ટેસ્લાના શેર વેચવા માટે એવું કારણ ધર્યું હતું કે ટ્વિટરને ખરીદવા માટે શેર વેચવા જરૂરી હતા. મસ્કે પાંચ ઓગસ્ટે ટેસ્લાના 79.2 કરોડ શેરો વેચ્યા હતા, એમ કંપનીના CEOએ જણાવ્યું હતું. મસ્કે ટ્વીટ કર્યું હતું કે જો ટ્વિટર સોદો રદ થશે તો કંપની શેર હું ફરીથી ખરીદી લઈશ.  

ટ્વિટર ખરીદવા માટે કેટલાક ઇક્વિટી ભાગીદારો રાજી નથી, જેથી ઇમર્જન્સીને ખાળવા માટે મેં ટેસ્લાના શેરોને વેચ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. એક્સચેન્જ પર ટેસ્લાના શેરો 3.4 ટકા વધીને 879 ડોલરે બુધવારે બોલાતા હતા, જ્યારે ટ્વિટરનો ભાવ 4.3 ટકા વધીને 44.69 ડોલર થયો હતો.

મસ્કે નવેમ્બરથી અત્યાર સુધી કંપનીના 32 અબજ ડોલરના શેરોને વેચી કાઢ્યા હતા. જોકે તેમણે એ વખતે જણાવ્યું હતું કે ચાર મહિના પહેલાં તેમની કોઈ શેરોના વેચાણની યોજના નહોતી. તેમણે ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદવાના પ્રયાસ કર્યા હતા. સામે પક્ષે સોશિયલ મિડિયા કંપનીએ સોદો પૂરો કરવા માટે મસ્ક સામે દાવો દાખલ કર્યો હતો.  

મસ્ક ટ્વિટર માટે રોકડ જમા કરી રહ્યા છે, એમ સિંગાપોર સ્થિત સેક્સો કેપિટલ માર્કેટ પીટીઈના સ્ટ્રેટેજિસ્ટ ચારુ ચનાનાએ કહ્યું હતું. વળી, મે પછી કંપનીના ભાવમાં આવેલા 35 ટકા ઉછાળાનો લાભ લેવા માટે શેર વેચી રહ્યા છે. આગામી સમયમાં ફેડની અપેક્ષા મુજબ બજારમાં મંદી ખાસ કરીને ટેક્નોલોજી શેરોમાં પ્રવેશે એ પહેલાં મસ્ક શેરો વેચીને મૂડીનફો કરવા ધારે છે.