ભારતીય શેરબજારમાં સોમવારનો દિવસ ટ્રાવેલ અને એવિએશન સ્ટોક્સ માટે કાળો સાબિત થયો છે. જ્વેલરી સ્ટોક્સની સાથે સાથે એરલાઇન્સ અને ટ્રાવેલ કંપનીઓના શેરમાં પણ જોરદાર વેચવાલી જોવા મળી હતી. દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગો (InterGlobe Aviation) ના શેરમાં 5.50 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડાને કારણે કંપનીની માર્કેટ વેલ્યુએશનમાં માત્ર 195 મિનિટમાં આશરે 9500 કરોડ રૂપિયાનો જંગી ઘટાડો જોવા મળ્યો છે.
શેરબજારમાં કંપનીઓની હાલ
માત્ર ઈન્ડિગો જ નહીં, પણ સ્પાઈસજેટ, ઈક્સિગો, યાત્રા ઓનલાઈન અને થોમસ કૂક જેવી કંપનીઓના શેર પણ 7 ટકા સુધી તૂટ્યા હતા. ઈન્ડિગોનો શેર ઘટીને 4,276.80 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે સ્પાઈસજેટમાં 4.36 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. થોમસ કૂકને સૌથી વધુ ફટકો પડ્યો હતો, જેના શેર દિવસના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા હતા. શુક્રવારે ઈન્ડિગોની વેલ્યુએશન 1,74,689.73 કરોડ હતી, જે સોમવારે બપોરે ઘટીને 1,65,210.08 કરોડ પર આવી ગઈ હતી.
સોમનાથ મંદિરના નૂતન શિખરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પ્રચંડ જનસભાને સંબોધિત કરી હતી. ભક્તિ અને રાષ્ટ્રવાદના સંગમ સમાન આ કાર્યક્રમમાં પીએમ મોદીએ ભારતની અતૂટ રાજકીય ઈચ્છાશક્તિ અને સાંસ્કૃતિક વિરાસતનો મહિમા ગાયો હતો.
સૃષ્ટિનો જયઘોષ: જય સોમનાથ
વડાપ્રધાને સંબોધનની શરૂઆતમાં જ પ્રભાસ પાટણની દિવ્યતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આજે આ પવિત્ર ક્ષેત્ર એક અદભૂત પ્રભાથી ઝળહળી રહ્યું છે. મહાદેવનું સાક્ષાત્કાર સ્વરૂપ, આ સુંદરતા, આકાશમાંથી થતી પુષ્પવર્ષા અને વેદમંત્રોના ઉચ્ચારણ સાથે સાગરની લહેરોનો જયઘોષ સાંભળીને એવું લાગે છે કે આખી સૃષ્ટિ એકસાથે ‘જય સોમનાથ’ બોલી રહી છે. તેમણે ઉમેર્યું કે જે કાળના પણ કાળ છે તેવા દેવાધિદેવ મહાદેવની વિગ્રહ પ્રતિષ્ઠાના 75 વર્ષની ઉજવણી એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પણ ભારતની ચેતનાનો મહોત્સવ છે.
પોખરણ અને ભારતનું સામર્થ્ય
આજના દિવસનું ઐતિહાસિક મહત્વ સમજાવતા પીએમ મોદીએ 11 May, 1998 ના દિવસને યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, “આજના જ દિવસે દેશે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને વિશ્વને ભારતની ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો. તે સમયે આખી દુનિયાના દબાણ છતાં અટલજીના નેતૃત્વમાં ભારતે બતાવ્યું હતું કે અમારે માટે ‘રાષ્ટ્ર પ્રથમ’ છે. દુનિયાની કોઈ શક્તિ ભારતને દબોચી શકતી નથી કે કોઈ પણ પ્રકારના દબાણમાં લાવી શકતી નથી.” તેમણે યાદ અપાવ્યું કે 11 May ના પરીક્ષણો બાદ વિશ્વએ અનેક આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા, પરંતુ 13 May ના રોજ ફરી 2 પરીક્ષણો કરીને ભારતે સાબિત કર્યું કે તેની ઈચ્છાશક્તિ લોખંડી છે.
સોમનાથ: આક્રમણો સામે અતૂટ આસ્થા
ઇતિહાસના પાનાઓ પલટાવતા વડાપ્રધાને જણાવ્યું કે, મેહમૂદ ગઝનવી અને અલાઉદ્દીન ખીલજી જેવા અનેક આક્રમણખોરોએ સોમનાથના વૈભવને મિટાવવા અનેક પ્રયાસો કર્યા. લૂંટારાઓ સોમનાથને માત્ર એક ભૌતિક માળખું માનતા હતા, પણ તેઓ ભૂલી ગયા હતા કે આ મંદિર માત્ર પથ્થરોનું નથી, પણ ભારતના વૈચારિક સામર્થ્યનું પ્રતીક છે. મંદિર વારંવાર તોડવામાં આવ્યું, પણ તે દરેક વખતે વધુ ભવ્યતા સાથે બેઠું થયું, કારણ કે આપણે ભૌતિક શરીરને નશ્વર અને આત્માને અવિનાશી માનનારા લોકો છીએ.
1947 ની આઝાદી અને 1951 ની પ્રાણ પ્રતિષ્ઠા
પીએમ મોદીએ ભાવુક થતા કહ્યું કે, જો 1947 માં ભારત રાજકીય રીતે આઝાદ થયું હતું, તો 1951 માં સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ કર્યો હતો. તેમણે કહ્યું કે સોમનાથના અવિનાશી હોવાનો ગર્વ આજે આ આધુનિક સ્વરૂપમાં દેખાઈ રહ્યો છે. શિવજીએ આપણને 1,000 વર્ષોની આ અમૃત યાત્રાનો અનુભવ કરવાની જે તક આપી છે, તે અત્યંત સૌભાગ્યની વાત છે.
નવી દિલ્હીઃ દેશનાં ચાર રાજ્યોના 3000 ગામોમાં થયેલા વિકાસકાર્યોના વિશાળ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મજબૂત સ્થાનિક સંસ્થાઓ આત્મનિર્ભર ગામોની દિશામાં ગ્રામ્ય સુખાકારી અને વિકાસને આગળ ધપાવી શકે છે. ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન અને રિલાયન્સ ફાઉન્ડેશન ના સંયુક્ત અભ્યાસ ‘A Decade of Doing More: Evaluating Development Interventions in India’s Rural Frontiers’ નાં મુખ્ય તારણો આજે નવી દિલ્હીમાં યોજાયેલી “Towards an Atmanirbhar Gaon: What Lies Ahead for Rural India in the Next Decade” શીર્ષકવાળી રાઉન્ડટેબલ બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા
આ અભ્યાસે ચાર ક્લસ્ટર્સ— બેલનગીર (ઓડિશા), મંડલા (મધ્ય પ્રદેશ), અડોની (આંધ્ર પ્રદેશ) અને રાધનપુર (ગુજરાત) — માં છેલ્લાં 10 વર્ષ દરમિયાન થયેલા હસ્તક્ષેપોના લાંબા ગાળાના પ્રભાવનું મૂલ્યાંકન કર્યું છે. 2100થી વધુ પરિવારોના જીવનસ્તર અને રોજગાર પરિવર્તનોને આધારે આ હસ્તક્ષેપોની અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અહેવાલના પુરાવા આધારિત તારણો અને અનુભવો ડૉ. સૌમ્યા ભૌમિક (ORF) અને ડૉ. સજી એમ. કડાવિલ (રિલાયન્સ ફાઉન્ડેશન) દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.. અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે એકીકૃત અને સમુદાય કેન્દ્રિત વિકાસ મોડેલો સ્થાયી ગ્રામ્ય પરિવર્તનને પ્રોત્સાહન આપી રહ્યા છે અને આત્મનિર્ભર ભારતના વિઝનને મજબૂત બનાવી રહ્યા છે. અભ્યાસનું એક મુખ્ય તારણ એ છે કે લાંબા ગાળાના ગ્રામ્ય પરિવર્તન માટે એકીકૃત અભિગમ જરૂરી છે અને સમુદાય આધારિત સંસ્થાઓ, નાગરિક સમાજ, સંશોધન સંસ્થાઓ, ખાનગી ક્ષેત્ર અને સરકાર વચ્ચે મજબૂત સહકાર અનિવાર્ય છે.
નવી દિલ્હીમાં યોજાયેલી આ રાઉન્ડટેબલ બેઠકમાં નીતિનિર્માતાઓ, ડેવલપમેનટ પ્રેક્ટિશનર્સ અને ક્ષેત્રના નિષ્ણાતોએ ભારતના ગ્રામ્ય પરિવર્તન માટેના માર્ગો પર ચર્ચા કરી હતી. ORFના ઉપ પ્રમુખ ડો. નિરંજન ઘોષે કહ્યું હતું કે ખરેખર વિકાસ પરિસ્થિતિ આધારિત હોય છે, જે સ્થિરતા, સમાનતા અને ટકાઉપણામાં મૂળ ધરાવે છે, જ્યારે સંસ્થાઓ વિકસે છે, સમુદાયોને સશક્તિ મળે છે અને તમામ હિતધારકો સંકલિત રીતે સાથે કામ કરે છે, ત્યારે આપણે માત્ર ગરીબી નિવારણથી આગળ વધી લાંબા ગાળાના, પુનરાવર્તિત અને મજબૂત આત્મનિર્ભર માળખાં ઊભાં કરી શકીએ છીએ.
રિલાયન્સ ફાઉન્ડેશનના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર સુદર્શન સૂચિ સમુદાયના માલિકીભાવ અને સહકારના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે આત્મનિર્ભર ગામ ત્યારે બને છે જ્યારે સમુદાયો પોતાનો અવાજ શોધે, સ્થાનિક સંસ્થાઓને મજબૂત બનાવે અને સાથે મળીને ઉકેલો તૈયાર કરે. સહયોગ, સ્થિરતા અને સામૂહિક પ્રયાસો દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન આત્મનિર્ભરતાનો સ્તર સતત ઊંચો લાવવા પ્રતિબદ્ધ છે.
અમદાવાદ: ગુજસેલ એરપોર્ટ અને શહેરની વિવિધ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી ભાવેશ પટેલે બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલો છે. કન્સ્ટ્રક્શન તેમજ ઈવેન્ટ મેનેજમેન્ટ જેવા વ્યવસાય સાથે સંકળાયેલો છે.
અમદાવાદ એરપોર્ટ પર આવેલા ગુજસેલને 25 માર્ચ, 2026ના રોજ ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો.જેમાં ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે સાઇબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સાઈબર ક્રાઇમે ટેક્નિકલ એનાલિસિસના આધારે ધમકી ભર્યો ઇમેલ કરનાર ભાવેશ પટેલની ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમ DCP ડો. લાવિના સિન્હાના માર્ગદર્શન હેઠળ તપાસ કરતા જાણવા મળ્યું કે, આ મેઈલ ‘bhavesh4518′ જીમેઈલ આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો. પોલીસે ભાવેશ પટેલની અટકાયત કરી તેના મોબાઈલની તપાસ કરતા, રિસાયકલ બિનમાંથી ડિલીટ કરી દેવાયેલા મેઈલના પુરાવાઓ મળી આવ્યા હતા. આરોપીએ કબૂલાત કરી છે કે આ મેઈલ તેના જ ડિવાઈસ પરથી મોકલવામાં આવ્યો હતો.’
આરોપી ભાવેશ પટેલનું બેકગ્રાઉન્ડ તપાસતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, તે કન્સ્ટ્રક્શનના મોટા વ્યવસાય સાથે જોડાયેલો છે અને આર્થિક રીતે સદ્ધર છે. ભાવેશ તેના મિત્રની કંપની સાથે મળીને એ જ ગુજસેલ એરપોર્ટ પર યોજાતા વિવિધ કાર્યક્રમોના ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ પણ કરતો હતો. પ્રાથમિક તપાસમાં એરપોર્ટના કામકાજને લગતી કોઈ અંગત અદાવતમાં તેણે આ પગલું ભર્યું હોવાની આશંકા છે.
અમદાવાદ: ગુજરાતમાં આગામી ચાર દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યું અનુસાર, રાજ્યમાં હજુ ગરમીનો કહેર વધવાનો છે. આગામી સાત દિવસ માટે વિવિધ જિલ્લામાં હીટવેવની સાથે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં હજુ 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી છે. એકથી બે દિવસની અંદર ચાલુ સિઝન અને ગત વર્ષની ગરમીનો રેકોર્ટ તૂટે તેવી સંભાવના છે. આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. નોર્થ ઈસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3°Cનો વધારો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41°Cથી 44°Cની વચ્ચે રહેવાની સંભાવના છે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, '11મીથી 17મી મે સુધીના સમયગાળા દરમિયાન હવામાન મોટાભાગે સૂકું રહેશે અને આવતા ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. 11થી 14 મે એમ ચાર દિવસ માટે હીટવેવની ચેતવણી છે.'આગામી 3 દિવસ માટે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ છે. આ ઉપરાંત, બાકીના વિસ્તારો જેવા કે દ્વારકા, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી તેમજ બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, બરડા, સુરત અને અમદાવાદ માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશા તરફ પવન ફૂંકાવાની સ્થિતિ રહેશે. પવનની ઝડપ 15થી 20 નોટ રહેશે અને તે વધીને 25 નોટ સુધી પણ પહોંચી શકે છે.
તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં સિનેમામાંથી રાજકારણમાં આવવું એ નવી વાત નથી. તાજેતરમાં જ તમિલનાડુમાં લોકપ્રિય અભિનેતા થલાપતિ વિજયે રાજ્યા મુખ્યમંત્રી તરીકે કમાન સંભાળી. પરંતુ આ પહેલા પણ, એમજી રામચંદ્રન, જેમને એમજીઆર તરીકે પણ ઓળખવામાં આવે છે, જયલલિતા, કમલ હાસન, ચિરંજીવી અને પવન કલ્યાણે પણ રાજકીય પક્ષો બનાવ્યા છે. જ્યારે કેટલાક સુપરસ્ટાર્સ તો લાંબા ગાળા સુધી મુખ્યપ્રધાનની ખુરશી સંભાળી ચૂક્યા છે.
પીઢ તમિલ અભિનેતા વિજયે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેમણે ‘તમિઝહાગા વેત્રી કઝગમ (ટીવીકે)’ નામના પોતાના પક્ષ સાથે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું ને જનતાનો પુરતો સપોર્ટ મળ્યો. 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મોટો બદલાવ જોવા મળ્યો અને તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે થલાપતિ વિજયે શપશ લીધા.
તેમની પાર્ટી, TVKએ 234 માંથી 108 બેઠકો જીતી. ફિલ્મોથી રાજકારણ સુધીની તેમની સફર ચર્ચાનો વિષય રહી છે. જોકે, તેઓ મુખ્યમંત્રી પદ સંભાળનારા પહેલા અભિનેતા નથી. આ પહેલા પણ ઘણા સ્ટાર્સ મુખ્યપ્રધાન તરીકે રાજ્યની કમાન સંભાળી ચૂક્યા છે. વિજય પહેલા રાજકારણમાં ઘણાં ફિલ્મસ્ટાર્સનો દબદબો રહી ચૂક્યો છે. જાણીએ એ સુપરસ્ટાર્સ વિશે જેમની પરદા થી પાવર સુધીના યાત્રા રસપ્રદ રહી છે.
એમ.જી રામચંદ્રન
દક્ષિણ ભારતીય ફિલ્મ દિગ્ગજ એમજી રામચંદ્રન, જેને એમ.જી.આર તરીકે પણ ઓળખવામાં આવે છે, 1977માં તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા. 1980માં ચાર મહિનાના વચગાળાના કાર્યકાળ સિવાય, તેમણે 1987 માં તેમના અંતિમ કાર્યકાળ સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી. તેઓ માત્ર એક અભિનેતા જ નહીં પરંતુ એક ફિલ્મ નિર્માતા અને સફળ રાજકારણી પણ હતા. જનતામાં તેમની લોકપ્રિયતા એટલી બધી હતી કે તેમને “મક્કલ થિલાગમ”, જેનો અર્થ “લોકોનો રાજા” એવો થાય છે, તે બિરુદ આપવામાં આવ્યું હતું.
એન.ટી રામા રાવ
એનટી રામા રાવ દક્ષિણના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક હતા. તેઓ રાજકારણમાં પણ ખૂબ સક્રિય હતા. તેમણે 1982માં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ની સ્થાપના કરી. દિવંગત અભિનેતાએ 1983 થી 1995 સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ત્રણ કાર્યકાળ દરમિયાન સેવા આપી.
જયલલિતા
જયલલિતાની લોકપ્રિયતા આશ્ચર્યજનક રહી છે. તેમણે એક અભિનેત્રી અને રાજકારણી તરીકે લોકોમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી. લોકો તેમને ‘અમ્મા’ કહેતા. તેઓ લોકો માટે કોઈ તારણહારથી ઓછા નહોતા. તમિલનાડુના સ્વર્ગસ્થ મુખ્યમંત્રી જયલલિતાએ 1961 થી 1980 સુધી ફિલ્મોમાં પોતાની છાપ છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1991 માં, તેઓ તમિલનાડુના સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા. જયલલિતાએ 1991 થી 2016 સુધી 14 વર્ષથી વધુ સમય સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ એઆઈએડીએમકે (IMDMK)ના નેતા હતા.
જાનકી રામચંદ્રન
એમ.જી. રામચંદ્રનના પત્ની, જાનકી રામચંદ્રન પણ રાજકારણમાં પ્રવેશ્યા. તેમણે 1988માં થોડા અઠવાડિયા માટે મુખ્યમંત્રી તરીકે સેવા આપી. તેઓ એક જાણીતા દક્ષિણ ભારતીય અભિનેત્રી પણ હતા. તેમણે તેમના કરિયરમાં લગભગ 25 ફિલ્મોમાં અભિનય કર્યો.
એમ. કરુણાનિધિ
એમ. કરુણાનિધિ ઉદ્યોગમાં એક જાણીતા પટકથા લેખક હતા. તેમણે પટકથા લેખક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે લગભગ 20 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે 1969 થી 2011 દરમિયાન પાંચ વખત તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.
પવન કલ્યાણ
આ યાદીમાં પવન કલ્યાણ પણ એક અગ્રણી વ્યક્તિ છે. તેઓ જન સેના પાર્ટીના નેતા અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી છે. તેમણે 2014 માં આ પાર્ટીની સ્થાપના કરી હતી. 2019ની ચૂંટણીમાં હાર બાદ, તેમણે 2024 માં TDP-BJP સાથે જોડાણ કરીને જોરદાર વાપસી કરી.
સોમનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. 10મી મેના રોજ જામનગરની મુલાકાત બાદ વડાપ્રધાન 11મી મેના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ દાદાના ચરણોમાં પહોંચ્યા છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં વડાપ્રધાન મોદીએ વિશેષ હાજરી આપી છે.વડાપ્રધાન મોદીએ જનમેદનીને સંબોધિત કરતાં કહ્યું: ‘આજે, હું ફક્ત 75 વર્ષનો ઝાંખી નથી જોઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જોઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જોઈ રહ્યો છું. હું અહીં હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જોઉં છું – એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જોયું છે. હું ભારતનો અવિનાશી સાર જોઉં છું – એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી.’વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના 90 મીટર ઊંચા શિખર પર 11 પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું.પીએમ મોદીએ સરદાર પટેલને યાદ કરતાં જણાવ્યું કે, આઝાદી બાદ સોમનાથનો જીર્ણોદ્ધાર કરવો એ ભારતનું સ્વાભિમાન હતું. તેમણે તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. “હર હર મહાદેવ”ના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું.સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ PM મોદી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યા બપોરનું ભોજન લઈ તેઓ વડોદરા જવા રવાના થશે. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ તેઓ પ્રથમવાર ગુજરાત આવી રહ્યા હોવાથી વડોદરામાં ‘બંગાળ થીમ’ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, જ્યાં તેઓ ‘સરદારધામ-3’ નું લોકાર્પણ કરશે.
અમદાવાદઃ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ)ના MD ડો. જયેન મહેતાને 5 મેએ અમૂલ ફેડ ડેરી, ગાંધીનગર ખાતે યોજાયેલી સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડ (SPCDF)ના પદાધિકારીઓની ચૂંટણીમાં સર્વાનુમતે ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેમના નામનો પ્રસ્તાવ GCMMFના ચેરમેન અશોક ચૌધરી દ્વારા તથા સમર્થન અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડના પ્રતિનિધિ સંગ્રામ ચૌધરીને SPCDFના વાઇસ-ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ નવી બહુ-રાજ્ય સહકારી સંસ્થાના ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત ભારત સરકારના સહકાર મંત્રાલય, નવી દિલ્હી દ્વારા નિયુક્ત સહકારી ચૂંટણી સત્તામંડળના રિટર્નિંગ ઓફિસર તેમ જ ગાંધીનગરના કલેક્ટર, રવિન્દ્ર ડી. ખટાલે, IAS દ્વારા કરવામાં આવી હતી. SPCDFના બાયલોઝની કલમ ૩૯ મુજબ બંને હોદ્દેદારો 5 મેથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કાર્યકાળ સુધી પોતાના હોદ્દા પર કાર્યરત રહેશે.SPCDFના બોર્ડમાં GCMMF તથા તેના 10 સભ્ય દૂધ સંઘોના એક-એક પ્રતિનિધિ ઉપરાંત આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની સહકારી દૂધમંડળીઓના ત્રણ પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
SPCDFનું ઉદઘાટન ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા 6 જુલાઈ,2025એ દેશભરમાં સહકારી ડેરી આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવ્યું હતું. SPCDFનો હેતુ 20રાજ્યોના 20,000થી વધુ ગામોના 20લાખથી વધુ દૂધ ઉત્પાદક ખેડૂતોને ગુજરાતની બહાર સંગઠિત સહકારી માળખા સાથે જોડવાનો છે, જેથી ખેડૂતોને દૂધના વાજબી ભાવ, સમાન મતાધિકાર, આધુનિક સેવાઓની ઉપલબ્ધતા તથા લોકશાહી આધારિત સહકારી વ્યવસ્થાના લાભો પ્રાપ્ત થઈ શકે. GCMMFનું મજબૂત મેનેજમેન્ટ અને માર્કેટિંગ કુશળતા તથા દૂધ સંઘોની કામગીરીના સહયોગથી SPCDF ગામડાંની સહકારી દૂધ મંડળીઓથી લઈને દેશભરના ગ્રાહકો સુધી રાષ્ટ્રીય સહકારી ડેરી નેટવર્કને વધુ મજબૂત બનાવશે.
આ પહેલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તથા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના “સહકારથી સમૃદ્ધિ” તથા “વ્હાઇટ રિવોલ્યુશન2.0” ના વિઝનને સુસંગત છે. જેનો હેતુ દુધ ઉત્પાદક ખેડૂતોને સશક્ત બનાવવા, સહકારી આંદોલનનો વિસ્તાર કરવો, મૂલ્યવર્ધન વધારવું તથા ખેડૂતકેન્દ્રિત વિકાસ દ્વારા ગ્રામ્ય સમૃદ્ધિને ગતિ આપવાનો છે.ડો. જયેન મહેતા તથા શ્રી સંગ્રામ ચૌધરીના નેતૃત્વ હેઠળ SPCDF દ્વારા સહકારી ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાની તથા “સહકારથી સમૃદ્ધિ” ના વિઝનને વેગ આપવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ નવી દિલ્હીમાં યોજાયેલી કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ની વાર્ષિક બિઝનેસ સમિટ 2026ને સંબોધિત કરી હતી હતી. વૈશ્વિક અર્થતંત્ર હવે એવા નવા યુગમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં વ્યૂહાત્મક શક્તિ ઊર્જા અને ઇન્ટેલિજન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માલિકી હક પર આધારિત રહેશે, એમ તેમણે કહ્યું હતું. આ વર્ષના શિખર સંમેલનનો વિષય ધ ફ્યુચર- ગ્લોબલ ઇકોનોમી, ઇન્ડસ્ટ્રી, સોસાયટી છે. આ બે દિવસના કાર્યક્રમમાં વર્ષ 2047 સુધી ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેના રોડમેપ પર ચર્ચા થશે.
તેમણે કહ્યું હતું કે ભારતની કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) ક્રાંતિનો સાચો અર્થ ત્યારે સાબિત થશે જ્યારે તે માત્ર મોટા કોર્પોરેટ બોર્ડરૂમ્સ સુધી સીમિત ન રહી, પરંતુ સામાન્ય નાગરિકો, કામદારો, ખેડૂતો, નર્સો અને નાના વેપારીઓને સશક્ત બનાવશે. તેમણે જણાવ્યું હતું કે ભારતે એ માન્યતા નકારી દેવી જોઈએ કે AIનો મુખ્ય હેતુ નોકરીઓ ખતમ કરવાનો અને માનવીય શ્રમને બદલી નાખવાનો છે.
સેમિકન્ડક્ટર્સ હવે રાષ્ટ્રની વ્યૂહરચનાના સાધન બની ગયા છે. ડેટાને રાષ્ટ્રીય સંપત્તિ તરીકે જોવામાં આવી રહ્યા છે. ક્લાઉડ સિસ્ટમ્સને હથિયાર તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર્સની સુરક્ષિત દીવાલોની પાછળ તૈયાર થઈ રહી છે. જે દેશ પોતાની ઊર્જા પર નિયંત્રણ રાખે છે તે પોતાના ઔદ્યોગિક ભવિષ્યને શક્તિ આપશે. જે દેશ પોતાના કોમ્પ્યુટ પર નિયંત્રણ રાખે છે તે પોતાના બુદ્ધિશાળી ભવિષ્યને શક્તિ આપશે. અને જે દેશ બંને પર નિયંત્રણ રાખશે, તે આગામી સદીનું નેતૃત્વ કરશે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારત માટે તક અનોખી છે કારણ કે દેશ જે ઉત્પાદન કરી રહ્યો છે, તેની માગ પહેલેથી જ ઉપલબ્ધ છે — મેન્યુફેક્ચરિંગ, મોબિલિટી, લોજિસ્ટિક્સ, ડિજિટલ સેવાઓ અને ગ્રાહક બજારોમાં.
ભારત પહેલેથી જ 500 ગીગાવોટ (GW)થી વધુ સ્થાપિત વીજ ક્ષમતા પાર કરી ચૂક્યું છે અને વિવિધ ક્ષેત્રોમાં AI નો ઉપયોગ વધતા ઊર્જા તથા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિશાળ વિસ્તરણની જરૂર પડશે. તેમણે જણાવ્યું કે AIને માત્ર સોફ્ટવેર તરીકે નહીં, પરંતુ ઊર્જા, કોમ્પ્યુટ, નેટવર્ક્સ, ચિપ્સ, ડેટા સેન્ટર્સ, એપ્લિકેશન્સ અને ટેલેન્ટના સંપૂર્ણ આર્થિક માળખા તરીકે જોવું જોઈએ.
Delhi: Adani Group Chairman Gautam Adani says, “Let us talk about an example. India’s IT services giant built something genuinely great – employment, capability, confidence, and global respect. They placed India at the center of the global technology economy. But that model was… pic.twitter.com/R4LlfjjSm9
ભારતની લાંબા ગાળાની સ્પર્ધાત્મકતા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કેન્દ્રસ્થાનમાં રાખતા તેમણે અદાણી ગ્રુપના 100 અબજ ડોલરના એનર્જી ટ્રાંઝિશન અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણનો ઉલ્લેખ કર્યો હતો, તેમાં ગુજરાતના ખાવડામાં 30-GW રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ અને ભારતના સોવરિન કોમ્પ્યુટ ઇકોસિસ્ટમ માટે ગૂગલ તથા માઇક્રોસોફ્ટ સાથેની ભાગીદારીઓનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું હતું કે ભારતે એ માન્યતાને નકારવી જોઈએ કે AI અનિવાર્ય રીતે રોજગારી ખતમ કરે છે. તેને બદલે એવા AI સિસ્ટમ્સ વિકસાવવી જોઈએ જે ઉત્પાદનક્ષમતા વધારે, નવા ઉદ્યોગો ઊભા કરે અને ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવે. તેમણે કહ્યું હતું કે ભવિષ્ય આપમેળે આવતું નથી, તેને બનાવવું પડે છે.
તેમણે AI અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 100 અબજ ડોલર (આશરે રૂ. 8.4 લાખ કરોડ) ખર્ચવાની વાત પણ કરી હતી. તેમનું લક્ષ્ય ભારતને આવનારા સમયમાં વૈશ્વિક AI હબ બનાવવાનું છે.
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીના ખાનગી સહાયક- PA ચંદ્રનાથ રથ હત્યાકાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસની તપાસ કરી રહેલી SIT એ ઉત્તર પ્રદેશમાં દરોડા પાડી ત્રણ શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા છે. તેમની કડક પૂછપરછ ચાલી રહી છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પૂછપરછથી હત્યાના કાવતરાનો ખુલાસો થવાની શક્યતા છે. પોલીસના જણાવ્યા મુજબ રવિવારે મયંક રાજ મિશ્રા અને વિક્કી મૌર્યને બિહારના બક્સરથી તેમ જ રાજ સિંહને ઉત્તર પ્રદેશના બલિયાથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ થયેલી પૂછપરછ પછી આજે સવારે બંગાળની મધ્યમ ગ્રામ પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ સિંહ મૂળ બલિયાનો રહેવાસી હોવાનું કહેવાય છે. તે હાલમાં બક્સરમાં રહેતો હતો. આ ઘટનાના બાદ તે અયોધ્યામાં છુપાયો હતો. કોલકાતા પોલીસ અને અયોધ્યા પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને વધુ પૂછપરછ માટે કોલકાતા લઈ જવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હત્યાનું કાવતરું રચવામાં અને તેને અંજામ આપવામાં ઓછામાં ઓછા આઠ લોકો સામેલ હતા. પોલીસનું માનવું છે કે હુમલાખોરોએ ચંદ્રનાથ રથને નિશાન બનાવતાં પહેલા વિગતવાર રેકી કરી હતી.
UPI ટ્રાન્ઝેક્શનથી ખૂલ્યો હત્યાનો ભેદ
ચંદ્રનાથ રથ હત્યાકાંડની તપાસમાં પોલીસને સૌથી મોટો ટેક્નિકલ સૂત્ર એક UPI પેમેન્ટમાંથી મળ્યો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ હત્યામાં વપરાયેલી કાર જ્યારે હાવડાના બાલી ટોલ પ્લાઝા પરથી પસાર થઈ હતી, ત્યારે આરોપીઓએ ફાસ્ટેગ કે રોકડની જગ્યાએ UPI મારફતે ટોલ ચૂકવ્યો હતો. આ ડિજિટલ લેવડદેવડને આધારે પોલીસ સંદિગ્ધોના મોબાઇલ નંબર અને બેંક ડિટેલ્સ સુધી પહોંચી ગઈ. ટેક્નિકલ ટ્રેકિંગને આધારે તપાસની કડીઓ ઉત્તર પ્રદેશ અને ઝારખંડ સુધી પહોંચી ગઈ છે.
CCTVમાં દેખાઈ સંદિગ્ધ સિલ્વર કારટોલ પ્લાઝાના CCTV ફુટેજ તપાસતાં પોલીસે હત્યાથી થોડા કલાકો પહેલા સિલ્વર રંગની નિસાન માઇક્રા કાર જોઈ હતી, જેમાં ત્રણ શંકાસ્પદ સવાર હતા. તપાસકર્તાઓનું માનવું છે કે મધ્યમગ્રામમાં ચંદ્રનાથ રથની સ્કોર્પિયો કાર રોકવા માટે આ જ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે આ કાર દોહરિયા વિસ્તારમાંથી જપ્ત કરી લીધી હતી. આશંકા છે કે ઘટનાના બાદ આરોપીઓ કાર છોડીને બીજી બાઈક અથવા અન્ય વાહનથી ફરાર થઈ ગયા હતા.