ચંદ્રનાથ રથ હત્યાકાંડઃ ત્રણ સંદિગ્ધની ધરપકડ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીના ખાનગી સહાયક- PA ચંદ્રનાથ રથ હત્યાકાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસની તપાસ કરી રહેલી SIT એ ઉત્તર પ્રદેશમાં દરોડા પાડી ત્રણ શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા છે. તેમની કડક પૂછપરછ ચાલી રહી છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પૂછપરછથી હત્યાના કાવતરાનો ખુલાસો થવાની શક્યતા છે. પોલીસના જણાવ્યા મુજબ રવિવારે મયંક રાજ મિશ્રા અને વિક્કી મૌર્યને બિહારના બક્સરથી તેમ જ રાજ સિંહને ઉત્તર પ્રદેશના બલિયાથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ થયેલી પૂછપરછ પછી આજે સવારે બંગાળની મધ્યમ ગ્રામ પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ સિંહ મૂળ બલિયાનો રહેવાસી હોવાનું કહેવાય છે. તે હાલમાં બક્સરમાં રહેતો હતો. આ ઘટનાના બાદ તે અયોધ્યામાં છુપાયો હતો. કોલકાતા પોલીસ અને અયોધ્યા પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને વધુ પૂછપરછ માટે કોલકાતા લઈ જવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હત્યાનું કાવતરું રચવામાં અને તેને અંજામ આપવામાં ઓછામાં ઓછા આઠ લોકો સામેલ હતા. પોલીસનું માનવું છે કે હુમલાખોરોએ ચંદ્રનાથ રથને નિશાન બનાવતાં પહેલા વિગતવાર રેકી કરી હતી.

UPI ટ્રાન્ઝેક્શનથી ખૂલ્યો હત્યાનો ભેદ

ચંદ્રનાથ રથ હત્યાકાંડની તપાસમાં પોલીસને સૌથી મોટો ટેક્નિકલ સૂત્ર એક UPI પેમેન્ટમાંથી મળ્યો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ હત્યામાં વપરાયેલી કાર જ્યારે હાવડાના બાલી ટોલ પ્લાઝા પરથી પસાર થઈ હતી, ત્યારે આરોપીઓએ ફાસ્ટેગ કે રોકડની જગ્યાએ UPI મારફતે ટોલ ચૂકવ્યો હતો. આ ડિજિટલ લેવડદેવડને આધારે પોલીસ સંદિગ્ધોના મોબાઇલ નંબર અને બેંક ડિટેલ્સ સુધી પહોંચી ગઈ. ટેક્નિકલ ટ્રેકિંગને આધારે તપાસની કડીઓ ઉત્તર પ્રદેશ અને ઝારખંડ સુધી પહોંચી ગઈ છે.

CCTVમાં દેખાઈ સંદિગ્ધ સિલ્વર કારટોલ પ્લાઝાના CCTV ફુટેજ તપાસતાં પોલીસે હત્યાથી થોડા કલાકો પહેલા સિલ્વર રંગની નિસાન માઇક્રા કાર જોઈ હતી, જેમાં ત્રણ શંકાસ્પદ સવાર હતા. તપાસકર્તાઓનું માનવું છે કે મધ્યમગ્રામમાં ચંદ્રનાથ રથની સ્કોર્પિયો કાર રોકવા માટે આ જ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે આ કાર દોહરિયા વિસ્તારમાંથી જપ્ત કરી લીધી હતી. આશંકા છે કે ઘટનાના બાદ આરોપીઓ કાર છોડીને બીજી બાઈક અથવા અન્ય વાહનથી ફરાર થઈ ગયા હતા.