Home Blog Page 5648

ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે પ્રિયંકા ચોપરાનો ફ્લોરલ ડ્રેસ

પ્રિયંકા ચોપરા હવે બોલીવૂડની સામાન્ય હિરોઈન રહી નથી, પણ હોલીવૂડમાં પ્રવેશ કરી ચૂકેલી ટેલેન્ટેડ એક્ટ્રેસ છે. અમેરિકન ટીવી સિરીઝ, ક્વેન્ટિકો તથા અન્ય હોલીવૂડ સાહસ મેળવીને આ દેશી ગર્લ ન્યૂઝમાં સતત ચમકી રહી છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકોનું માનવું છે કે પ્રિયંકાએ અમેરિકન ટીવી સિરીઝ, ક્વેન્ટિકો અને હોલીવૂડમાં ચમકીને ભારતનું ગૌરવ વધાર્યું છે.

પ્રિયંકા સોશિયલ મિડિયા પર અવારનવાર પોતાની તસવીરો પોસ્ટ કરીને ન્યૂઝમાં ચમકતી રહે છે. હાલમાં જ એણે પાકિસ્તાનની નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈ સાથેની પોતાની તસવીર પોસ્ટ કરી હતી અને હવે એણે ફ્લોરલ ડ્રેસ સાથેની પોતાની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

આ ડ્રેસ એણે એક સાંધ્ય કાર્યક્રમમાં આપેલી હાજરી વખતે પહેર્યો હતો જેમાં એ ફૂલોની ડિઝાઈનવાળા ડ્રેસ અને સાથળ સુધી ઊંચા મેચિંગ બૂટ્સ સાથે સુંદર દેખાય છે.

‘દરેકને માટે વીજળી’: વડાપ્રધાન મોદીએ લોન્ચ કરી સૌભાગ્ય યોજના

નવી દિલ્હી – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકના આજે બીજા અને છેલ્લા દિવસે દેશની જનતાને અમુક મહત્વની ભેટ આપી છે.

વડાપ્રધાન મોદીએ ગરીબોના કલ્યાણાર્થે 8 મોટી યોજનાઓની જાહેરાત કરી છે.

મોદીએ અહીં ઓએનજીસી કંપનીની કોર્પોરેટ ઓફિસમાં દીનદયાળ ઊર્જા ભવનનું ઉદઘાટન કર્યું હતું અને પ્રધાનમંત્રી સહજ બિજલી યોજના – સૌભાગ્ય યોજના લોન્ચ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં જે ઘરમાં વીજળી ન હોય ત્યાં વીજળી પહોંચાડવાનો છે.

સૌભાગ્ય યોજના અંતર્ગત દેશમાં જે ગામનાં ઘરોમાં વીજળી પહોંચાડી શકાય એમ નહીં હોય ત્યાં સોલાર પાવર પેક પૂરા પાડવામાં આવશે. ત્યાં 500 રૂપિયા લઈને વીજળી પૂરી પાડવામાં આવશે. 200-300 વીપી સોલર પાવર પેક આપવાની સરકારની યોજના છે.

કેન્દ્ર સરકાર સૌભાગ્ય યોજનાના અમલ માટે ૧૭ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરે એવી ધારણા છે.

વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૧૫માં ૧૦૦૦ દિવસોમાં દેશના ૧૮ હજાર ગામડાઓમાં વીજળી પૂરવઠો પહોંચાડવાનું લક્ષ્ય આપ્યું હતું. ગત્ સ્વાતંત્ર્ય દિવસ સુધીમાં દેશમાં ૧૦ હજાર ગામડાઓમાં વીજળીના જોડાણો પૂરા પાડવામાં આવી ચૂક્યા હતા.

PM મોદીના ગઢમાં જ તેમના પર આકરા પ્રહાર કરતાં રાહુલ ગાંધી

દ્વારકા– ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. દ્વારકાધીશના દર્શન કરીને તેમણે નવસર્જન યાત્રા શરૂ કરી હતી. નવસર્જન યાત્રા દરમિયાન ગામેગામના લોકો રાહુલ ગાંધીને મળવા અને સ્વાગત કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. જાહેરસભામાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યાં હતાં. જીએસટી અને નોટબંધી આ બે મુદ્દે મોદીની ઝાટકણી કાઢી હતી.

નોટબંધી પર સરકાર અને મોદીને ઘેરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદીજીએ કોઈપણ સલાહ લીધા વગર ભારતની ઈકોનોમી પર ભારે આક્રમણ કર્યું છે. ત્યાર પછી પણ તેઓ અટક્યાં નથી. નોટબંધીથી નાના દુકાનદારો અને વેપારીઓને ખૂબ નુકશાન ભોગવવું પડ્યું છે. તે પછી સરકાર જીએસટી લાવી છે.

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે હિન્દુસ્તાનમાં જે લોકો નબળાં છે અને ગરીબ છે, તેમના માટે તેમના દિલમાં કોઈ જગ્યા નથી, પણ ધનવાન લોકો છે, તેમના માટે તમામ દરવાજા ખુલ્લાં છે.

તેમણે આમ જનતા પાસે સમર્થન માગ્યું હતું કે કે તેમની સરકાર આવશે તો યુવાઓ અને ગરીબોની સરકાર હશે. કોંગ્રેસ પાર્ટી વાયદા કરે છે, તે પુરા કરે છે.

રોહિંગ્યા મુસ્લિમોને આશરો આપવો કે નહીં ?

રોહિંગ્યા મુસ્લિમોને આશરો આપવો જોઈએ કે નહીં તેવો સવાલ ઊભો થયો અને તેનો જવાબ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપવો પડ્યો છે. જોકે આ એક એવો મામલો હતો કે દેશના હિતમાં જ વિચારવું પડે, વિશ્વ શું કહેશે તે વિચારવાનું નથી, કેમ કે નિરાશ્રિતોને કારણે કેવી સમસ્યા થઈ શકે છે તેનાથી ભારત અજાણ નથી. માનવતાના નામે વિચારવાનો ઇનકાર કોઈ કરે નહીં, પણ માનવતાનો એક અર્થ એ પણ થાય છે કે હાલમાં તમારા દેશમાં જે માનવો રહે છે તેના હિતનો પણ વિચાર કરવો. વસતીથી ઊભરાતા દેશમાં થોડા હજાર લોકોને પણ સામેલ કરવા એ દેશમાં રહેતાં માનવોને અન્યાય કરવા જેવું થશે. ખાસ કરીને રોહિંગ્યા જેવા જૂથોને કે જેમાં આતંકવાદને પોષતા જૂથો ઊભા થવા લાગ્યા છે.

મ્યાનમારમાં વર્ષોથી વિપક્ષના નેતા તરીકે ત્રાસ સહન કરનાર સૂ કીએ પણ કહેવું પડ્યું છે કે નિર્દોષ રોહિંગ્યાને ભોગવવાનું આવ્યું છે, કેમ કે તેમાં જ કેટલાક જૂથો એવા ઊભા થયાં છે જે મ્યાનમારની પોલીસ પર, મ્યાનમારની સેના પર અને મ્યાનમારના સરકારી તંત્ર પર હિંસક હુમલા કરે છે. સોશિયલ મીડિયામાં વાત મજાકમાં અને કટાક્ષમાં કહેવાતી હોય છે, પણ તેમાં ખૂંચે તેવું સત્ય હોય છે. રોહિંગ્યા મુસ્લિમોના મામલે ટીપ્પણીઓ થઈ રહી છે કે મ્યાનમારની સરહદેથી જેમ ભારત અને બાંગ્લાદેશ આવી શકાય છે, તે રીતે ચીન પણ જઈ શકાય છે. પણ રોહિંગ્યા મુસ્લિમો ચીનમાં જવા માગતાં નથી. શા માટે જવા ચીનમાં જવા માગતાં નથી તેનો જવાબ સામાન્ય માણસ પણ જાણે છે.

દુનિયા ચીનને સલાહ આપવાની હિંમત કરે નહીં, પણ ભારતને સલાહ આપવાનું સૌને હાથવગું થઈ પડ્યું છે. ભારતને કોઈને સલાહ આપવાની જરૂર નથી, કેમ કે ભારતે પીડિત લોકોને સદાય આશરો આપ્યો છે. ઈસુ ખ્રિસ્તને દેહાંત દંડ દઈ દેવાયો અને તેમના 12 શિષ્યોએ નાસી જવું પડ્યું, ત્યારે તેમાંથી એક શિષ્ય થોમસ કેરળમાં આવીને આશરો પામ્યાં હતાં. ઈસ્લામ આવ્યો તે પહેલાંથી આરબો ભારત સાથે દરિયા માર્ગે વેપાર કરવા આવતાં હતાં. ઈસ્લામ આવ્યો ત્યારે તેઓ ઈસ્લામ પણ લઈ આવ્યાં અને બહુ પ્રારંભે ઊભી થયેલી મસ્જિદોમાં ભારતમાં ચણાયેલી મસ્જિદોનો સમાવેશ થાય છે. યહુદીઓને જગતનો કોઈ દેશ સંઘરવા તૈયાર નહોતો ત્યારે યહુદીઓ ભારતમાં શાંતિથી સદીઓ સુધી રહ્યાં છે. પારસીઓનો દાખલો ગુજરાતીને યાદ પણ ના કરાવવો પડે એટલો જાણીતો છે.

એ જ ઉદારતા રોહિંગ્યા મુસ્લિમો માટે દાખવવાનો આ સમય નથી. કેમ કે આ સમય આતંકવાદને પોષણ મળે તેવી કોઈ પણ પ્રવૃત્તિને અટકાવવી પડે તેમ છે.

રોહિંગ્યા મુસ્લિમો બાંગ્લાદેશમાં જ આશરો લે અને ભારત તેને મોટી આર્થિક સહાય આપે તેનો વિરોધ દેશમાંથી કોઈ કરશે નહીં. જગત મ્યાનમાર પર દબાણ કરે અને રોહિંગ્યાને ન્યાય મળે તે માટે કોઈ સમજૂતી કરાવવા માગે તો ભારત તેમાં પણ સાથ આપી શકે છે. પણ રોહિંગ્યાને ભારતમાં વસવા દેવા માટેની મંજૂરી આપી દેવી તે ઉપાય નથી. તેનાથી રોહિંગ્યાની સમસ્યાનો ઉકેલ પણ નથી આવવાનો, માત્ર ભારતની સમસ્યા વધવાની છે. આસામ એક જ દાખલો છે કે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીને કારણે ડેમોગ્રાફી કઈ રીતે બદલાઈ જાય છે.

નિરાશ્રિતો માટે એક જરૂરિયાત એ હોય છે કે જ્યાં આશરો મળે તે ભૂમિ સાથે એકાકાર થવું. રોહિંગ્યા મુસ્લિમો એ પણ કરી શક્યાં નથી. બૌદ્ધ પરંપરાના દેશ બર્મામાં તેઓ સદીઓથી વસ્યાં છે, પણ ભારતમાં ઊભી થઈ હતી તેવી અને ગંગા-જમની તરીકે ઓળખાતી પરસ્પર આદરની પરંપરા ઊભી કરી શક્યાં નથી.

છેક ૧૪૩૦માં તે વખતના અખંડ બાંગલા પ્રદેશમાંથી મુસ્લિમો તે વખતના બર્માના અરાકાન પ્રાંતમાં વસવા લાગ્યાં હતાં. બર્મામાં ત્યારે નાના નાના રાજ્યો હતાં અને તેમાંનું એક રાજ્ય એટલે રોહાંગ.  ૧૫મી સદીમાં રોહાંગમાં વસનારા રોહિંગ્યા તરીકે ઓળખાતાં હતાં. તેમાં બૌદ્ધ, હિન્દુ અને મુસ્લિમ બધાં આવી ગયાં. હિન્દુ વસતિ જોકે ત્યારે પણ વધારે નહોતી અને અત્યારે પણ ખાસ નથી. અડધા લાખથી પણ ઓછી હશે એમ કહેવાય છે, જ્યારે રોહિંગ્યા મુસ્લિમોની વસતિ દસ લાખની આસપાસ ગણાય છે. 14મી સદીમાં મુસ્લિમો જઈને વસ્યાં તેનાથી સમસ્યા વકરી ના હોત, પણ મુસ્લિમોનો બીજો પ્રવાહ ૧૮૨૪થી ૧૯૩૦ દરમિયાન બર્મામાં આવ્યો હતો. તે વખતે અંગ્રેજો તેમને મજૂર તરીકે ત્યાં લઈ ગયાં હતાં. અંગ્રેજોનું સામ્રાજ્ય જ્યાં પણ હતું ત્યાં તેમણે આવી વસતિની ભેળસેળ અને ગરબડો કરી છે. સ્થાનિક વસતિ સામે બહારથી લોકોને અંગ્રેજો લઈ આવે અને તેમને વસાવે. તેમનો ઉપયોગ સ્થાનિક વસતી સામે કરે.

અંગ્રેજો જતાં રહ્યાં પણ આ વેરના બી વાવતાં ગયાં હતાં. મ્યાનમારના પશ્ચિમ છેડે આ પ્રાન્તમાં મુસ્લિમોની વસ્તી વધતી રહી અને ૧૯૨૦માં સ્થાનિક બૌદ્ધોને ખ્યાલ આવ્યો કે તેઓ લઘુમતીમાં આવી ગયા છે અથવા આવી જશે. રોષ વધતો ગયો અને ૧૯૩૦ના દાયકામાં રમખાણો થવાં લાગ્યાં હતાં. એક રોહિંગ્યા મુસ્લિમ લેખકે બૌદ્ધ ધર્મને ઉતારી પાડવા માટે પુસ્તક લખ્યું ૧૯૩૮માં મોટું રમખાણ થયું હતું. દાયકાઓ વીતી ગયાં પણ આ વેરભાવના નાબૂદ થઈ શકી નહીં અને તેના કારણે જ ૧૯૮૧માં મ્યાન્મારે બંધારણ બદલ્યું ત્યારે રોહિંગ્યા મુસ્લિમોને નાગરિકત્વ અપાયું નહોતું. ૨૦૧૪માં વસતી ગણતરી થઈ ત્યારે ફરી માગણી થઈ કે રોહિંગ્યાના નામ નાગરિકો તરીકે ગણતરીમાં લો. રોહિંગ્યા બેંગોલી તરીકે ઓળખ આપે તો વસતી ગણતરીમાં નામ સામેલ થાય તેવો નિયમ આવ્યો, પણ રોહિંગ્યા પોતાને બંગાળી તરીકે ઓળખાવા તૈયાર થયાં નહીં. દરમિયાન દરેક દેશમાં થયું છે તે પ્રમાણે આતંકવાદને પ્રોત્સાહન આપનારા તત્વો જે અરબસ્તાનથી પાકિસ્તાન સુધી ફેલાયેલાં છે તે રોહિંગ્યા વચ્ચે પણ પહોંચી ગયાં હતાં. આતંકવાદના બી વવાયા છે તેનો અણસાર આવી જતાં મ્યાનમારની સરકાર વધુ કડક બની છે. ભારતને પણ અણસાર આવી ગયો કે રોહિંગ્યા નિર્દોષ શરણાર્થીઓ સાથે આતંકવાદીઓ ઘૂસી શકે છે અને તેથી જ સ્પષ્ટપણે સુપ્રીમ કોર્ટમાં જણાવવું પડ્યું છે કે દેશની સુરક્ષા હોવાથી રોહિંગ્યાને આશરો આપી શકાય નહીં.

જૈન દીક્ષાની નાટ્યાત્મકતાનો અંત, પતિ સુમિત પછી આજે પત્ની અનામિકાએ પણ દીક્ષા ગ્રહણ કરી

મધ્યપ્રદેશના નીમચના રાઠોર પરિવારના સુમિત અને એમના પત્ની અનામિકા એમની બે વર્ષ, દસ મહિનાની દીકરી ઈભ્યા તથા કરોડો રૂપિયાની સંપત્તિ છોડીને સુરતમાં દીક્ષા ગ્રહણ કરવાના હતા. આ સમાચાર એ ખાસ્સી ચર્ચા, ઉત્સુકતા અને વિવાદ જગાડ્યા છે. સમગ્ર દેશના મિડિયાની નજર જેની ઉપર હતી એ આ દંપતીની દીક્ષા સરકારી પોલીસની મધ્યસ્થતા, કડક વલણને કારણે અટકી પડી હતી.

ગયા શનિવાર ૨૩ સપ્ટેમ્બરે પતિ અને પત્ની બંને સાથે દીક્ષા લેવાના હતા પરંતુ માત્ર પતિ સુમિત જ દીક્ષા લઈ શક્યા હતા કારણ કે એમની દીકરી ઈભ્યાનાં વાલીપણાની કાનૂની પ્રક્રિયા અધૂરી હતી. આખરે એ પ્રક્રિયા પણ પૂરી કરીને આજે સવારે અનામિકાએ પણ દીક્ષા લઈ લીધી હોવાની જાહેરાત સુરતમાં આયોજકોએ કરી હતી.

અનામિકા ચાર વર્ષ પહેલાં સુમિત સાથે લગ્ન કરીને રાઠોર બન્યાં હતાં આજે દીક્ષા ગ્રહણ કરીને સાધુમાર્ગી જૈન સંપ્રદાયના રામલાલજી મહારાજ સાહેબે એમને નવું નામ ‘અનકારશ્રીજી’ આપ્યું છે. સુમિત અને અનામિકાની દીકરી ઈભ્યા છેલ્લા એક મહિનાથી અનામિકાનું મોસાળ એટલે કે રાજસ્થાનના ચિતોડગઢના કપાસણમાં જ રહે છે. અનામિકાનાં પિતા અશોક ચંડાલિયા જાણીતા રાજકારણી છે અને જિલ્લા ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ઈભ્યાની કાયદેસર વાલીપણાની જવાબદારી પણ અશોક ચંડાલિયાના પરિવારે સ્વીકારી છે. સુરતના બાળ સુરક્ષા અધિકારી સમક્ષ સમગ્ર કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સવારે અનામિકાની દીક્ષા થઈ હતી.

સુમિત અને અનામિત રાઠોર – દીક્ષા લીધાં પહેલાંની તસવીર

ઉલ્લેખનીય છે કે નીમચના રાઠોર પરિવાર અને સુરતના સાધુમાર્ગી જૈન સંપ્રદાયના દીક્ષા આયોજકોએ મીડિયાથી અંતર રાખીને અનેક ગેરસમજો ફેલાવી હતી. શુક્રવારે જયારે સુમિત અને અનામિકા સુરત આવ્યાં હતાં ત્યારે આયોજકોએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું પણ પત્રકારો સમક્ષ દંપતીએ તો વાત કરવાની જ ના પાડી દીધી હતી. એમાં જ સતત શું ચાલે છે એની નક્કર માહિતી વિના દીક્ષા સંબંધે અનેક વાતો ખુદ આયોજકો જ કરતા રહ્યા હતા.

આખરે ગયા શુક્રવાર ૨૨મી સપ્ટેમ્બરની રાત્રે સુરત પોલીસ કમિશ્નર, સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા અધિકારીની જૈન આગેવાનો સાથે ૧૦ કલાકથી લાંબી મીટીંગ પછી અનામિકાની દીક્ષા મુલતવી રાખવામાં આવી હતી જે આજે સમ્પન્ન થઇ છે.

અહેવાલઃ ફયસલ બકિલી (સુરત)

BHU લાઠીચાર્જ મામલો: 1000થી વધુ વિદ્યાર્થીઓ સામે FIR, અનેક અધિકારીઓ સામે કાર્યવાહી

વારાણસી- બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં થયેલી બબાલ અને પોલીસ લાઠીચાર્જ માટે જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહીની શરુઆત કરી દેવામાં આવી છે. સ્ટેશન ઓફિસર, ભેલપુરના સર્કલ ઓફિસર અને એક એડિશનલ સિટી મેજિસ્ટ્રેટને તેમના હોદ્દા ઉપરથી દુર કરવામાં આવ્યાં છે.

બીજી તરફ પોલીસે 1000થી વધુ અજાણ્યા વિદ્યાર્થીઓ ઉપર FIR દાખલ કરી છે. BHU કેમ્પસમાં માહોલ હજી પણ તણાવગ્રસ્ત છે.

ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે વિદ્યાર્થીઓ ઉપર કરાયેલા લાઠીચાર્જ મામલે તપાસના આદેશ આપ્યા છે અને આ અંગે વહેલીતકે રિપોર્ટ આપવા જણાવ્યું છે. બીજી તરફ વિદ્યાર્થીઓ પર કરાયેલા લાઠીચાર્જના મામલાએ જોર પકડ્યું છે. સ્ટુડન્ટ્સ આંદોલનથી આગળ વધીને હવે આ મામલાએ રાજકીય રંગ પકડ્યો છે.

જિલ્લા પ્રશાસને આજે તમામ મહાવિદ્યાલયો બંધ રાખવાના આદેશ આપ્યા છે. તણાવપૂર્ણ માહોલ જોતા BHU અને કાશી વિદ્યાપીઠને દશેરાની અગાઉ નિર્ધારિત રજાઓથી એક દિવસ પહેલા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બંને યુનિવર્સિટીઓ 2 ઓક્ટોબર સુધી બંધ રાખવાના આદેશ અપાયા છે.

ઑલરાઉન્ડ વેચવાલીથી શેરબજારનો સેન્સેક્સ વધુ 295 પોઈન્ટ તૂટ્યો

અમદાવાદ– શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે અને સતત પાંચમી ટ્રેડિંગ સેશનમાં ગાબડુ પડ્યું હતું. નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે ટેન્શન વધ્યું છે. જેને પગલે વિશ્વના સ્ટોક માર્કેટમાં ભારે ગભરાટ વચ્ચે ગાબડા પડ્યા હતા. જેની પાછળ ભારતીય શેરોની જાતે-જાતમાં ઑલ રાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 295.81(0.93 ટકા) ગગડી 31,626.63 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 91.80(0.92 ટકા) તૂટી 9872.60 બંધ થયો હતો.

જિઓયોપોલિટકલ ટેન્શનને પગલે સતત પાંચ દિવસથી માર્કેટ સતત ઘટી રહ્યું છે. તેમજ ભારતની ઈકોનોમીને લઈને પણ ચિંતાના વાદળો ઘેરાયા છે. જેથી તેજીવાળા અને મંદીવાળા ખેલાડીઓએ શેરોની જાતેજાતમાં ભારે વેચવાલી કાઢી હતી. સાથે એફઆઈઆઈ પણ નેટ સેલર હતી. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 448 પોઈન્ટ ગબડી પડ્યો હતો, જો કે સ્થાનિક નાણા સંસ્થાઓએ અને મ્યુચ્યુઅલ ફંડોએ બ્લુચિપ શેરોમાં ટેકારૂપી લેવાલી કાઢી હતી, પરિણામે શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઘટ્યા મથાળેથી સુધર્યા હતા.

  • આગામી ગુરુવારે સપ્ટેમ્બર એફ એન્ડ ઓની એક્સપાયરી આવે છે, જેથી ઉભા ઓળિયા સુલટાયા હતા.
  • વડાપ્રધાન મોદી ભારતની ઈકોનોમીને મંદીમાંથી બહાર કાઢવા માટે રાહતપેકેજની જાહેરાત કરે તેવો આશાવાદ હતો.
  • છેલ્લી બે ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં 750 પોઈન્ટનું ગાબડુ પડ્યું છે.
  • છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની મૂડીમાં 4 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે.
  • કૈપેસાઈટ ઈન્ફ્રાપ્રોજેક્ટ્સના આઈપીઓના નવા શેરનું ઘટતા બજારમાં પણ શાનદાર લિસ્ટિંગ થયું છે. કૈપેસાઈટ ઈન્ફ્રાપ્રોજેક્ટ્સનો શેર 60 ટકા પ્રિમિયમથી રૂપિયા 399ના ભાવે લિસ્ટ થયો હતો. જે નવા શેરની ઈસ્યુપ્રાઈઝ રૂ.245-250 હતી.
  • આજ તમામ સેકટરના શેરો માઈનસમાં બંધ રહ્યા હતા.
  • રોકડાના શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 177.36 માઈનસ બંધ રહ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 329.90 તૂટ્યો હતો.

ગુજરાતમાં મોદી સરકારની સશસ્ત્ર તખતાપલટનું કાવતરું ઘડનાર પકડાયો

અમદાવાદ– આંધ્રપ્રદેશમાં નાલગોંડા જિલ્લાના વતની શ્રીરામુલા વ્યંકટમ નામનો નકસલી મુખીયો પકડાયો હોવાના સમાચાર સામે આવ્યાં છે. આ આરોપી ગુજરાતમાં તત્કાલીન નરેન્દ્ર મોદી સરકારના સશસ્ત્ર સત્તાપલટા માટેના ષડયંત્રનો આરોપી છે. વ્યંક્ટમ સાત વર્ષથી ગેરકાનૂની ગતિવિધિ નિરોધક અધિનિયમ હેઠળ સૂરતના કામરેજમાં નોંધાયેલા કેસમાં ભાગેડુ હતો. તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

એટીએસના જણાવ્યા પ્રમાણે વ્યંકટમ સીપીઆઈ-માઓવાદીનો સક્રિય કાર્યકર્તા અને આંધ્રપ્રદેશ તથા ઓડિશાના વિશેષ ઝોનનો વડો પણ હતો. તે નક્સલ આંદોલનના સમર્થનમાં એક પત્રિકા ચલાવે છે.

2010માં સૂરત આવીને ત્યાં રહેતાં કામદારો અને આદિવાસીઓને સરકાર વિરુદ્ધ ભડકાવવાનું કામ કરતો હતો. સૂરતમાં રહીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં પોતાની પ્રવૃત્તિઓ માટે સો જેટલા સંગઠન બનાવી પોતાના કેડરોને આ સંગઠનોમાં મોકલી જંગલોમાં હથિયારની તાલીમ આપતો હતો.

તેણે 2003માં માઇન બ્લાસ્ટ કરી આંધપ્રદેશનના તત્કાલીન સીએમ ચંદ્રાબાબુ નાયડુની હત્યાનું ષડયંત્ર રચ્ચું હતું. હત્યા સહિતના કુલ36 કેસ વ્યંકટમ પર દેશભરમાં નોંધાયેલા છે.

તેના પર છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશમાં નકસલી ગતિવિધિઓ માટે ખંડણીના કેસો પણ છે. તેને રાજકીય પક્ષ રચી સત્તા હાંસલ કરવાની મંશા હતી. 2007માં ઓડિશામાં ધરપકડ કરાયેલા આ ખૂંખાર નકસલીને તેના સમર્થકોએ ડીએમને બંધક બનાવીને તેને છોડવાની શરતમાં સામો છોડાવી લીધો હતો ત્યારથી તે ફરાર હતો.

એટીએસ સૂત્રોના જણાવ્યાં પ્રમાણે કામરેજ પોલિસે નકસલી ગતિવિધિના આરોપમાં કુલ 24 આપીને ઝડપી લીધાં છે. જોકે વ્યંકટમ જેવા અન્ય બે ખૂંખાર આરોપી હજુ પણ પકડાયાં નથી.

 

ઈમાનની ચિરવિદાયઃ મુંબઈની સૈફી હોસ્પિટલે એમનું વજન ખૂબ ઘટાડી આપ્યું હતું

ઈજિપ્તનાં ઈમાન એહમદ, જે વિશ્વના સૌથી મેદસ્વી મહિલા હતાં અને જેમનું વજન એક સમયે 500 કિલોગ્રામ હતું, એમનું આજે સવારે અહીંની બુરજીલ હોસ્પિટલમાં નિધન થયું છે. હજી ગયા જ અઠવાડિયે ઈમાને એમનો 37મો જન્મદિવસ ઉજવ્યો હતો.
હોસ્પિટલના ડોક્ટરોએ કહ્યું હતું કે ઈમાનની તબિયતમાં હૃદય તથા કિડનીની કામગીરીમાં બગાડો થવા સહિત ઘણાં કોમ્પલિકેશન્સ ઊભાં થયા હતા અને અંતે આજે સ્થાનિક સમય મુજબ સવારે 4.35 વાગ્યે એમણે અંતિમ શ્વાસ લીધો હતો.

ઈમાને આ જ વર્ષના પ્રારંભમાં મુંબઈમાં ચર્ની રોડ સ્થિત સૈફી હોસ્પિટલમાં વેઈટ-લોસ માટેની સર્જરી કરાવી હતી.

તબિયત છેલ્લા અમુક દિવસોથી વધારે બગડી હતી

ડોક્ટરોએ કહ્યું કે હોસ્પિટલમાં ઈમાન જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાત એવા 20 ડોક્ટરોની દેખરેખ હેઠળ હતાં. લાગણી વ્યક્ત કરવાની એમની ક્ષમતામાં થોડોક સુધારો થયો હતો.

અબુ ધાબી પહોંચ્યા હતા ત્યારે ઈમાનનું વજન 300 કિલો હતું

ઈમાન એહમદ ઈજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા શહેરનાં વતની હતાં. એમણે ગયા ફેબ્રુઆરીમાં સૈફી હોસ્પિટલમાં વેઈટ-લોસની સર્જરી કરાવી હતી.

સૈફી હોસ્પિટલના ડોક્ટરોએ બેરિઆટ્રિક સર્જરી કરી હતી અને એમના આહાર પર કડક નિયંત્રણો મૂક્યા હતા. એ સારવારને પગલે એમનું વજન 504 કિલોથી ઘટીને 300 કિલો થઈ ગયું હતું. ડોક્ટરોએ દાવો કર્યો હતો કે ઈમાનની તબિયતમાં ધારણા કરતાં ત્રણ ગણો ઝડપી સુધારો થયો હતો.

ત્યારબાદ ચોથી મેએ એમને અબુ ધાબી લઈ જવામાં આવ્યાં હતાં.

ઈમાન જાતે એમનાં મુખેથી ખાઈ શકશે એવી ડોક્ટરોને આશા હતી

બુરજીલ હોસ્પિટલનાં ચીફ મેડિકલ ઓફિસર ડો. યાસીન અલ શહાતે અગાઉ કહ્યું હતું કે ઈમાન એહમદની સેકન્ડ સ્ટેજની સારવાર પૂરી થશે ત્યારબાદ જાતે એમનાં મુખેથી ખોરાક લઈ શકશે અને ઈલેક્ટ્રિક વ્હીલચેર મારફત આસપાસ ઘૂમી પણ શકશે.

ટ્રમ્પે જાહેર કરી ‘ટ્રાવેલ પ્રતિબંધ’ની નવી યાદી, ઉત્તર કોરિયા સહિત 8 દેશનો સમાવેશ

વોશિંગ્ટન- અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટ્રાવેલ પ્રતિબંધની નવી યાદી જાહેર કરી છે. આ વખતની યાદીમાં ઉત્તર કોરિયા અને વેનેઝુએલા સહિત 8 દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દેશોના નાગરિકો પર આરોપ લગાવતા અમેરિક સુરક્ષા એજન્સીઓએ કહ્યું છે કે, તેઓ સુરક્ષા તપાસમાં સહકાર આપતા નથી.

ટ્રાવેલ પ્રતિબંધની યાદીમાં 8 દેશ

આ યાદીમાં સૌ પ્રથમ ઉત્તર કોરિયા, વેનેઝુએલા, ઈરાન, લિબિયા, સીરિયા, યમન અને સોમાલિયા સહિતના દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો સૂદાનના નાગરિકા ઉપરથી અમેરિકાએ ટ્રાવેલ પ્રતિબંધ હટાવી લીધો છે.

મુસ્લિમોના પ્રવેશ પર રોક લગાવવા પ્રયાસ

આપને જણાવી દઈએ કે, ટ્રાવેલ પ્રતિબંધની નીતિને કારણે ટ્રમ્પ પહેલેથી જ કાનૂની દાવપેચમાં ફસાયા છે. આલોચકોએ ટ્રમ્પ ઉપર આરોપ લગાવતા કહ્યું કે, ગત જાન્યુઆરીમાં પદભાર સંભાળ્યા બાદથી જ મુસ્લિમોને અમેરિકામાં પ્રવેશ નહીં કરવા દેવાનો ટ્રમ્પ પ્રયાસ કરતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પેહલા પણ ડોનાલ્ડ ટ્રમ્પે સાત મુસ્લિમ દેશો ઉપર ટ્રાવેલ પ્રતિબંધ લગાવ્યો હતો, જેનો કેસ અમેરિકાન કોર્ટમાં પડતર છે.

અમેરિકાની સુરક્ષા એ પહેલી પ્રાથમિકતા

ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, અમેરિકાની સુરક્ષા એ તેમની પહેલી પ્રાથમિકતા છે. અમે એવા લોકોને અમેરિકામાં પ્રવેશ નહીં આપીએ જેમની અમે યોગ્યા રીતે સુરક્ષા તપાસ નથી કરી શકતા. અથવા જે લોકો અમને સુરક્ષા તપાસમાં સહકાર નથી આપતા.ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ બહુમતિ ધરાવતા સુદાન ઉપર પણ અમેરિકાએ ટ્રાવેલ પ્રતિબંધ મુક્યો હતો, જોકે જાહેર કરાયેલી નવી યાદીમાંથી સુદાનનું નામ બાકાત કરવામાં આવ્યું છે.

ઉત્તર કોરિયા પર સંપૂર્ણ પ્રતિબંધ

ઉત્તર કોરિયા અને ચાડના નાગરિકો ઉપર ટ્રાવેલ પ્રતિબંધ અંતર્ગત સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે વેનેઝુએલા માટે તેના સરકારી અધિકારીઓ અને તેમના પરિજનનોને અમેરિકા યાત્રા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.