Home Blog Page 5647

અમદાવાદઃ નગરદેવી ભદ્રકાળીના દર્શન

શક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રિના દિવસોમાં અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરમાં હજારો લોકો ઉમટી પડે છે.
(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)

નોર્થ કોરિયાએ આપી અમેરિકન વિમાન તોડી પાડવાની ધમકી

વોશિંગ્ટન- ઉત્તર કોરિયાએ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર યુદ્ધ થોપવાનો આરોપ લગાવ્યો છે. અને અમેરિકન વિમાનને તોડી પાડવાની ધમકી ઉચ્ચારી છે. ઉત્તર કોરિયાની આ નવી ધમકી બાદ અમેરિકા અને તેનું સહયોગી દક્ષિણ કોરિયા બંનેની ચિંતામાં વધારો થયો છે.

જોકે વ્હાઈટ હાઉસે ઉત્તર કોરિયાની ધમકીઓને પાયાવિહોણી ગણાવતા તેને માત્ર શાબ્દિક અફવાઓ ગણાવી છે અને તેને નજરઅંદાજ કરી છે. બીજી તરફ દક્ષિણ કોરિયાએ અમેરિકાને અપીલ કરી છે કે, તે ઉત્તર કોરિયા સાથે તણાવ ઘટાડવામાં મદદ કરે.

સોમવારે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયા સાથે યુદ્ધની જોહેરાત કરવાનો દાવો કર્યા બાદ ઉત્તર કોરિયાના વિદેશપ્રધાને અમેરિકાને જડબાતોડ જવાબ આપ્યાની વાત કરી હતી.

ઉત્તર કોરિયાના વિદેશપ્રધાનના આ દાવા બાદ કોરિયાઈ દ્વીપમાં યુદ્ધનો માહોલ ગરમાઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે, ઉત્તર કોરિયાના વિદેશપ્રધાને સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, અમેરિકા જો ઉત્તર કોરિયા ઉપર હુમલો કરવાની પહેલ કરશે તો દરેક પ્રકારની જવાબી કાર્યવાહી માટે પણ અમેરિકાએ તૈયાર રહેવું પડશે.

વધુમાં ઉત્તર કોરિયાના વિદેશપ્રધાને અમેરિકા પર આરોપ લગાવતા જણાવ્યું કે, સમગ્ર વિશ્વએ એ વાત યાદ રાખવી જોઈએ કે, અમારા દેશને યુદ્ધ તરફ ધકેલવામાં અમેરિકાનું યોગદાન છે. અમારી પાસે અમારા સ્વબચાવનો પુરો અધિકાર છે. જેનો ઉપયોગ કરીને અમે અમેરિકાના ફાઈટર જેટને તોડી પાડવા સ્વતંત્ર છીએ.

RBI દ્વારા ભારતમાં ક્રિપ્ટોકરન્સી લાવવાનો વિચાર…

બિટકોઈનની લોકપ્રિયતા પછી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પોતાની ક્રિપ્ટોકરન્સી લાવવા પર વિચાર કરી રહી છે. એક તરફ મોદી સરકારે રાતોરાત 500 અને 1000 રૂપિયાની નોટોને ચલણમાંથી રદ કરી, અને હવે ક્રિપ્ટોકરન્સી લાવવા પર વિચાર ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકારે ડિજિટલ પેમેન્ટ વધારવા માટે લોકોને અપીલ કરી છે, પણ ભારતનું કલ્ચર તેને સ્વીકારવા તૈયાર નથી. ભારતમાં શહેરો કરતાં ગામડા વધારે છે, જેથી ગામડાઓમાં ડિજિટલ પેમેન્ટ કે ઓનલાઈન પેમેન્ટ કરવું હજી સરળ થયું નથી. ઈન્ટરનેટના પ્રોબલેમ, બેંક ખાતા નહી, બેંક ખાતા હોય તો ડિબટ કે ક્રેડિટ કાર્ડ નહી. અથવા તો ગામડાના ખેડૂતો ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવા તૈયાર નથી, તે સ્વીકારે તો સામે વેપારી પાસે પુરતાં પીઓએસ મશીન નથી. આ સંજોગોમાં હવે કેશલેશ ઈકોનોમી કેવી રીતે થાય તે સૌથી મોટો સવાલ છે. તો બીજી તરફ બિટકોઈનની સફળતા જોઈને આરબીઆઈ ક્રિપ્ટોકરન્સી લાવી રહી છે. તે શું ભારતમાં સફળ થશે…?

આરબીઆઈ પહેલા બિટકોઈન કરન્સી સામે ચેતવણી આપતી હતી. પણ ઘરેલુ બિટકોઈન એક્સચેન્જનું કહેવું છે કે દરરોજ તેના 2500 યુઝર્સ વધે છે, અને ડાઉનલોડ 5 લાખ થઈ ગયા છે.

2015માં લોન્ચ થયા પછી કંપનીનું કહેવું હતુ કે સતત વધતા જતાં ડાઉનલોડ પરથી જાણી શકાય કે લોકોનો બિટકોઈન પર વિશ્વાસ વધ્યો છે અને આ કરન્સી સૌથી લોકપ્રિય ઈમર્જિંગ એસેટ્સ ક્લાસ તરીકે ઉભરી રહી છે. હવે ભારતમાં બિટકોઈન લોન્ચ કરવા આરબીઆઈ વિચારે છે, અને તેનું ધનની દેવી ‘લક્ષ્મી’ નામ રાખવા માંગે છે.

તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે આરબીઆઈની ક્રિપ્ટોકરન્સી તેની યોજનાનો હિસ્સો હોઈ શકે છે. જે અનુસાર કે બ્લોકચેન તૈયાર કરવા પર વિચાર કરી રહી છે. ક્રિપ્ટોકરન્સીની લેવડદેવડને લઈને રેકોર્ડ રાખનારી વ્યવસ્થાને બ્લોકચેન કહે છે. ફ્રોડ અને બેડ લોનનો સામનો કરવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અન્ય બેંક અને ટેકનિકલી કંપનીઓ સાથે મળીને તેના પર કામ કરી રહી છે. આ મામલામાં એસબીઆઈ આઈબીએમ, માઈક્રોસોફટ, સ્કાઈલાર્ક, કેપીએમજી અને 10 કોમર્શિયલ બેંકોની સાથે કામ કરી રહી છે.

આમ જોવા જઈ તો બિટકોઈન ભારતમાં ગેરકાયદે છે, જે માટે આરબીઆઈ સતત ચેતવણી આપી રહ્યું છે, અને આવકવેરા વિભાગની પણ બાજ નજર છે. બિટકોઈનમાં ચાર વર્ષ પહેલા રોકાણ કરનારાઓને ભારે વળતર મળ્યું છે એટલે કે 10 ગણાથી પણ વધારે વળતર છુટયું છે. ચાર વર્ષ પહેલા કેટલાય લોકોએ રોકાણના હેતુથી બિટકોઈનની ખરીદી કરી હતી.

ભારત પણ બિટકોઈન ટ્રેડિંગને રેગ્યુલેટ કરવા પર વિચાર કરે છે. જાપાને આ ડિજિટલ કરન્સીને કાયદાનું સ્વરૂપ આપ્યું છે, જે પછી તેમાં ખાસ્સી તેજી આવી છે. જાપાનના આ પગલાથી કેટલાય વેન્ડર્સ આ વર્ચ્યુઅલ કરન્સીને સ્વીકારવાનું ચાલુ કર્યું છે.

ક્રિપ્ટોકરન્સી  શું છે ?

ક્રિપ્ટોકરન્સીને ઈ-ચલણ કહી શકાય. તે નોટોની જેમ હોતી નથી, માત્ર કોપ્મ્યુટર પર જોવા મળે છે. તે આપના ખિસ્સામાં આવતી નથી. તેથી તેને ડિજિટલ અથવા તો વર્ચ્યુલ કરન્સી કહેવાય છે. તેની શરૂઆત 2009માં થઈ હતી. તેનો ઉપયોગ અને ચુકવણી માટે ક્રિપ્ટોગ્રફીનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે થઈને તેને ક્રિપ્ટોકરન્સી કહેવાય છે. બિટકોઈનને વિશ્વની સૌથી પહેલી ક્રિપ્ટોકરન્સી કહેવાય છે. જેને જમા કરવા પર તેને માઈનિંગ કહેવાય છે. ક્રિપ્ટોકરન્સીને દુનિયાના કોઈપણ ખુણામાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે. તેને કોઈપણ પ્રકારની કરન્સીમાં કન્વર્ટ કરી શકાય છે., જેમકે ડૉલર… યૂરો અને રૂપિયા… વિગેરે

બિટકોઈન શું છે…?

બિટકોઈન એક ડીસેન્ટ્રલાઈઝ્ડ પેપરલેસ ક્રિપ્ટોકરન્સી છે. તેની શરૂઆત 2009માં થઈ હતી. દુનિયાના દેશોની કરન્સીની સામે ક્રિપ્ટોકરન્સીને બેંક અથવા એક કન્સોર્શમ જેવી કોઈ સેન્ટ્રલ ઓથોરિટી પ્રોડ્યુસ નથી કરતી. બિટકોઈન માઈનિંગ રિગ્સ કહેવાતી કમ્પ્યુટર પ્રોડ્યુસ કરે છે અને એ કમ્પ્યુટર આ વર્ચ્યુઅલ કરન્સીને હાંસલ કરવા માટે ગણિત જેવી જટિલ સમસ્યાઓને હલ કરે છે. એક લેજર તમામ ટ્રાન્ઝક્શનનો રેકોર્ડ રાખે છે. એક ક્રિપ્ટોકરન્સી માઈનિંગ રિગ દરેક સમયે કામ કરે છે. તેનું પર્ફોમન્સ હાઈ એન્ડ ગ્રાફિક કાર્ડ અને તેનો ઉપયોગ કૂલિંગ સિસ્ટમ પર નિર્ભર રહે છે. માઈનિંગ રિંગની સરેરાશ 3 લાખ રૂપિયા હોય છે. ક્રિપ્ટોકરન્સી મેળવવા માટે મોટી કમ્પ્યુટિંગ તાકાત રાખનારી મશીનો ખુબ મોટા ઑલનાઈન વેન્ડર્સની સાથે લોકો રોકાણ કરે છે.

23 સપ્ટેમ્બરના રોજ બિટકોઈનની કીમત 3751 ડૉલર હતી, જે ભારતીય રૂપિયામાં રૂ.2,43,000 ઉપર થવા જાય છે.

વિશ્વની બીજા નંબરની ક્રિપ્ટોકરન્સી ઈથર

બિટકોઈન પછી ઈથર વિશ્વની બીજા નંબરની લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી અને સૌથી વધુ જાણીતી ડિજિટલ કરન્સી છે. તેનો ઉપયોગ ઈથેરિયમ બ્લોકચેન પર સંચાલિત એપ્લિકેશનોના પેમેન્ટમાં થાય છે. ઈથરની કીમત પાછલા બે વર્ષમાં 30,258 ટકા વધીને 12 જૂન 2017ના રોજ 394.66 ડૉલર( અંદાજે રૂપિયા 25,432)સુધી પહોંચી ગઈ હતી. જે 12 ઓગસ્ટ, 2015ના રોજ 1.3 ડૉલર(83 રૂપિયા) હતો. આ લેખ જ્યારે લખાઈ રહ્યો હતો, ત્યારે 19 સપ્ટેમ્બર, 2017ના રોજ 289 ડૉલર પર ટ્રેડ કરતો હતો.

2015માં લોન્ચ થયેલ ઈથેરિયમ એક ડીસેન્ટ્રલાઈઝ્ડ સોફટવેર પ્લેટફોર્મ છે. જે કોઈપણ થર્ડ પાર્ટી ઈન્ટરફેસ વગર સ્માર્ટકોન્ટ્રેક્ટ્સ અને ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશનને સક્ષમ બનાવે છે. આ એક પ્રોગ્રામિંગ લેગ્વેંજ છે, જે એક બ્લોકચેન પર રન કરે છે. આ ડેવલપરે ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન બનાવવામાં મદદ કરે છે.

બિટકોઈન બ્લોકચેન ટેકનોલોજીની એક ખાસ એપ્લિકેશન ઓફર કરે છે. અને આ એક પીઅર ટુ પીઅર ઈલેક્ટ્રોનિક કેશ સીસ્ટમ છે, જે ઑનલાઈન બિટકોઈન પેમેન્ટ્સ કરાય છે. બિટકોઈન બ્લોકચેનનો ઉપયોગ ડિજિટલ કરન્સી બિટકોઈનની ઓનરશીપની તપાસ કરવામાં થાય છે. જ્યારે ઈથેરિયમ બ્લોકચેનનું ફોક્સ કોઈપણ ડીસેન્ટ્રલાઈઝ્ડ એપ્લિકેશન પર પ્રોગ્રામિમ કોડ રન કરવા પર થાય છે.

ઈથેરિયમ બ્લોકચેનમાં બિટકોઈનની જેમ માઈનિંગ નથી હોતી. પણ માઈનર્સ ઈથર કમાવા માટે કામ કરે છે. ઈથરની ટ્રેડિંગ થાય છે, એપ્લિકેશન ડેવલપર્સ તેનો ઉપયોગ ઈથેરિયમ નેટવર્ક પર ટ્રાન્ઝેક્શન ફી અને સર્વિસીઝના પેમેન્ટ માટે કરે છે. ઈથેરિયમ બ્લોકચેનની બનાવટ બિટકોઈથી ખુબ હળતીમળતી છે, જો કે બિટકોઈનથી ઈથેરિયમમાં એકાઉન્ટનો ઉપયોગ થાય છે. બેંક એકાઉન્ટ્સ ફંડની જેમ ઈથર ટોકન એક વૉલેટમાં જોવા મળે છે, અને તે બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકાય છે. 23 સપ્ટેમ્બરના રોજ ઈથેરિમની કીમત 277.52 ડૉલર હતી.

હાલ તો ભારતમાં ક્રિપ્ટોકરન્સી ગેરકાયદે છે, પણ આવી કરન્સી ભારતમાં આવે તો કેટલી સફળ થાય તે પણ એક સવાલ છે.

‘આન્ટી બોલી લગાઓ બોલી’ના સેટ પર હરભજન સિંહ…

ક્રિકેટર હરભજન સિંહ, એની પત્ની ગીતા બસરા તેમજ બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી એનાં પતિ રાજ કુન્દ્રાની સાથે મુંબઈમાં લાઈવ ગેમ શો ‘આન્ટી બોલી લગાઓ બોલી’ના સેટ પર ઉપસ્થિત થયાં હતાં. એમની સાથે શોની સંચાલિકા અને બોલીવૂડ અભિનેત્રી અર્ચના પૂરણસિંહ પણ હતાં.

શિલ્પા શેટ્ટી એનાં પતિ રાજ અને પુત્ર વિઆન સાથે.

અર્ચના પૂરણસિંહ સાથે હરભજન સિંહ અને ગીતા

હરભજન સિંહ, એની પત્ની ગીતા અને પુત્રી હિનાયા સાથે

ગીતા બસરા એની પુત્રી હિનાયા સાથે

અર્ચના પૂરણસિંહ સાથે હરભજન સિંહ અને ગીતા

હરભજન સિંહ અને ગીતા

મમતાની મમત મુસ્લિમોની જ મુશ્કેલી વધારશે

શ્ચિમ બંગાળનું નામ હવે માત્ર બંગાળ છે. મમતા બેનરજીએ નામ બદલ્યું હતું, પણ બીજી કેટલીક બાબતમાં મમતાદીદી બદલાયાં નથી. જીદની બાબતમાં બહેન બદલાયાં નથી. તેમણે જીદ લીધી છે કે પોતે ડાબેરીઓ અને કોંગ્રેસીઓ કરતાં પણ સવાયા સેક્યુલર થઈને દેખાડશે. તેમની ભાવના કદાચ સારી પણ હશે અને તેમને લાગતું હશે કે રાજ્યમાં વિશાળ વસતિ મુસ્લિમોની છે, તેમના માટે વિચારવું રહ્યું. સાચી વાત છે કે બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીનાં પગલાંને કારણે મુસ્લિમોની મુશ્કેલી વધી શકે છે. આ વખતના મુર્હરમ પહેલાં જ વિનાકારણે વિવાદ ઊભો થયો છે અને વાતાવરણ તંગ થઈ ગયું છે.

વિજયા દશમી આ વખતે છે ૩૦મી સપ્ટેમ્બરે. કોલકાતા સહિત સમગ્ર રાજ્યમાં દુર્ગા પૂજાનું ભારે મહત્ત્વ છે. દશેરાના દિવસે મોટી મૂર્તિઓનું વિસર્જન થતું હોય છે. મુંબઈમાં ગણપતિ વિસર્જન જેવી ભીડ, બલકે તેનાથી વધારે ભીડ કોલકાતામાં દુર્ગા વિસર્જન વખતે થાય છે. આ વખતે મોહર્રમ પહેલી ઓક્ટોબર પડે છે. દશેરાના બીજા દિવસે. દશેરાએ રાતના ૧૦ વાગ્યા સુધી દુર્ગા માતાની મૂર્તિનું વિસર્જન કરી શકાશે એમ સરકારે જાહેર કર્યું હતું. બીજા દિવસે મોહર્રમ હોવાથી વિસર્જન 24 કલાક માટે બંધ અને પછી બીજીથી ચોથી સુધી વિસર્જન ચાલે.

આમ તો દશેરાએ જ મોટા ભાગે વિસર્જન થઈ જાય છે, એથી પ્રતિબંધની વાત સરકારે ના કરી હોત તહેવારો શાંતિથી પૂર્ણ થયાં હોત. પણ મમતાને લાગ્યું કે બે તહેવારો ભેગા થશે તો અશાંતિ થશે. તેમણે અશાંતિની આશંકાથી પ્રતિબંધ જાહેર કરી દીધો અને મહાઅશાંતિ ઊભી કરી દીધી છે. કેમ કે હવે કેટલાક લોકો મમતા જેવી જ જીદ લઈને બેઠાં છે કે મોહર્રમના દિવસે હવે તો વિસર્જન કરવું છે.

મામલો અદાલત સુધી પહોંચ્યો અને હાઇકોર્ટે સરકારની ટીકા કરી કે શાંતિ અને વ્યવસ્થા જાળવવાનું કામ તમારું છે, પ્રતિબંધ મૂકવાનું કામ તમારું નથી. હાઈકોર્ટમાં મમતાની સરકારે એવી દલીલો કરી હતી કે કોમી સદભાવના જાળવી રાખવા આવું કરાયું છે. એક જ દિવસે વિસર્જન અને મોહર્રમના સરઘસો નીકળે ઊભી થનારી કોમી તંગદિલીને ટાળવાની સરકારની ઈચ્છા છે. પણ થયું છે તેનાથી ઉલટું. મમતાએ સદભાવનાની જગ્યાએ દુર્ભાવના ઊભી કરી છે અને તંગદિલી વધારી મૂકી છે.

દુર્ગા પૂજા એ બંગાળનો સૌથી મોટો તહેવાર છે. દેશની બહુમતીનો તહેવાર છે. લઘુમતીના તહેવાર ખાતર બહુમતીના તહેવારની ઉજવણી અટકાવી દેવાઈ હોય તેવું કદાચ દુનિયાના કોઈ દેશમાં નહીં બન્યું હોય. લઘુમતી પોતાનો તહેવાર ઉજવી શકે તે માટે સરકારે અડચણો હોય તે દૂર કરવી રહી, પણ તેનો અર્થ એવો ના કરી શકાય કે બહુમતીના તહેવારને તમે અટકાવો. આ એ જ ભાવનાનું ઉલ્લંઘન થયું, જે ભાવના હેઠળ લઘુમતીને તેમના અધિકારો મળ્યાં છે. એ ભાવના કે દરેકને પોતાના ધર્મપાલનનો અધિકાર હોવો જોઈએ. દરેકમાં બહુમતી પણ આવી જાય એટલી સાદી વાત મમતા બેનરજી સમજ્યાં નથી કે ઈરાદાપૂર્વક સમજવા માગતાં નથી. તેઓ લઘુમતીના અધિકારો માટે વિશેષ કાળજી લેવા માગે છે, પણ તેનાથી લઘુમતીનું જ સૌથી મોટું અહિત તેમણે કર્યું છે તે વાત કમ સે કમ લઘુમતીએ જાતે સમજવાની જરૂર છે. તાજિયાના જુલુસમાં હિન્દુઓ પણ જોડાતા હોય તે દેશમાં મમતાએ આવું પગલું લેવાની જરૂર નહોતી. વાંક મુસ્લિમોનો નથી. વાંક મમતાનો છે, પણ બહુમતી લોકોના મનમાં રંજ પેદા થયો છે તેના કારણે વિના વાંકે મુસ્લિમો સામે મનમાં ડંખ ઊભો થશે.

જોકે બંગાળમાં આ પહેલીવાર આવું થયું નથી. દુર્ગા પૂજા અને મોહર્રમ નજીક નજીક આવી જાય તેવું ઘણીવાર બન્યું છે. 1981 અને 1982માં પણ વિસર્જન અને મોહર્રમ એક સાથે થઈ ગયાં ત્યારે તે વખતની સરકારોએ પ્રતિબંધ મૂક્યો હતો. પણ ભૂતકાળમાં ખોટું થયું હતું એટલે ફરી ખોટું કરવું એ કોઇ લોજિક નથી. અમદાવાદમાં રથયાત્રા અને ઈદ એકસાથે આવી જાય છે ત્યારે પોલીસ વિશેષ બંદોબસ્ત ગોઠવે છે અને બંને કોમના અગ્રણીઓ વિશેષ કાળજી લે છે અને તહેવારો શાંતિથી પૂર્ણ થાય છે. મમતા બેનરજીને શાંતિની જ પરવા હોત તો તેઓ પણ પૂરતો બંદોબસ્ત અને બંને કોમના અગ્રણીઓની શાંતિ સમિતિ બનાવીને તહેવારોને પાર પાડી શક્યાં હોત. પણ લઘુમતી વોટબેન્કની જ રાજનીતિ મમતા બેનરજીએ આગળ વધારી છે તે સમજી શકાય તેમ છે. કોંગ્રેસની આવી નીતિથી પોતાનું અહિત થયું છે તે સમજી ગયેલા મુસ્લિમોએ યુપી – બિહારમાં કોંગ્રેસને તડકે મૂકી દીધી છે. બંગાળના મુસ્લિમો મમતાનું હવે શું કરે છે તે જોવાનું રહ્યું.

છઠ્ઠા નોરતે કરો માતા કાત્યાયનીની પૂજા, પુરુષાર્થ પ્રાપ્તિની કૂંચી

અમદાવાદઃ નવરાત્રિના શક્તિ ઉપાસનાના દિવસો છે. આસોની નવરાત્રિ એટલે આમ તો મૂલતઃ સાધનાનું પર્વ. નવરાત્રિ દરમિયાન માતાજીએ નવ દિવસ સુધી અલગઅલગ સ્વરૂપો ધારણ કર્યા હતા. ત્યારે નવરાત્રિના પાવન દિવસો દરમિયાન જો પૂર્ણ આસ્થા અને શ્રદ્ધા સાથે માતાજીની પૂજાઅર્ચના અને આરાધના કરવામાં આવે તો ખૂબ જ લાભ થાય છે. માતાજીના અલગઅલગ સ્વરૂપોની પૂજા અને આરાધના કરવાથી સિદ્ધિઓ અને ફળ પ્રાપ્ત થાય છે. આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે. છઠ્ઠા નોરતે મહાશક્તિએ કાત્યાયની સ્વરૂપ ધારણ કર્યું હતું.

માતા દુર્ગાના કાત્યાયની સ્વરૂપનો ઘણો મહિમા છે. માતાજીનું નામ કાત્યાયની પડ્યું તે અંગે એક કથા છે. કત નામના એક મહર્ષિ હતા અને તેમના પુત્ર ઋષિ કાત્ય થયા. કાત્ય ઋષિએ માતા જગદંબાની ઉપાસના કરતાં ઘણા વર્ષો સુધી ઘોર તપસ્યા કરી હતી. ઋષિ કાત્યની ઈચ્છા હતી કે માતાજી તેમના ઘરે દીકરી સ્વરૂપે પધારે. ઋષિ કાત્યની તપસ્યાથી પ્રસન્ન થઈને માતા ભગવતીએ તેમની પ્રાર્થના સ્વીકારી લીધી.

મહર્ષિ કાત્યાયનના ઘરે માતાજી પુત્રીના રૂપે જન્મ્યા હતાં. અશ્વિન કૃષ્ણ ચતુર્દશીના જન્મ લઈને શુક્ત સપ્તમી, અષ્ટમી તથા નવમી સુધી ત્રણ દિવસ કાત્યાયન ઋષિની પૂજા ગ્રહણ કરીને દશમીના દિવસે મહિષાસુરનો વધ કર્યો હતો.

ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ મા કાત્યાયનીની પૂજા કાલિન્દી યમુનાના કિનારે કરી હતી. માતાજી બ્રહ્મમંડલની અધિષ્ઠાત્રિ દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે.

અન્ય એક કથા અનુસાર જ્યારે મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે ભગવાન મહાદેવ, ત્રણેય દેવોએ પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે દેવીને ઉત્પન્ન કર્યાં. મહર્ષિ કાત્યાયને સૌથી પહેલાં આ સ્વરુપની પૂજા કરી હતી અને એટલા માટે માતાજી કાત્યાયની નામથી ઓળખાયા.

મા કાત્યાયનીનું સ્વરૂપ ખૂબ જ જાજરમાન અને માતાજીનું તેજ પણ અનન્ય છે. માતાજીને ચાર ભૂજાઓ છે. માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તેમજ નીચેવાળો હાથ વરમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ અને પુષ્પ સુશોભિત છે. માતાજીનું વાહન સિંહ છે.

માતા કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખૂબ જ સરળતાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય ફળોની પ્રાપ્તિ થાય છે. મા કાત્યાયનીની પૂજા, અર્ચના, અને આરાધના કરતા ભક્તને આ લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ પ્રાપ્ત થાય છે. તો સાથે જ જે કોઈ ભક્ત સાચા મનથી યાદ કરે છે તેમના રોગ, ભય, સંતાપ, અને શોક વગેરે દૂર થઈ જાય છે. જન્મજન્માંતરના પાપોમાંથી મુક્તિ મેળવવા માટે અને તે પાપોને વિનષ્ટ કરવા માટે માતા કાત્યાયનીના શરણે જઈ તેમની પૂજા અને ઉપાસના કરવી જોઈએ.

નવરાત્રિના છઠ્ઠા દિવસે માતાજીના કાત્યાયની સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞાચક્રનું ખૂબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધકમાં કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માના દર્શન થાય છે. (અહેવાલ- હાર્દિક વ્યાસ)

માતા કાત્યાયનીનો મંત્ર

चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनी॥

 

રિલાયન્સ હોલિસ્ટિક હીલિંગ આર્ટ પ્રોજેક્ટનો શુભારંભ…

રિલાયન્સ ફાઉન્ડેશનનાં અધ્યક્ષા નીતા અંબાણીનાં પુત્રી ઈશા અંબાણીએ ૨૫ સપ્ટેંબર, સોમવારે દક્ષિણ મુંબઈ સ્થિત સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન ‘હોલિસ્ટિક હીલિંગ’ નામના નવા જાહેર આર્ટ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે નીતા અંબાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. હોલિસ્ટિક હીલિંગ પ્રોજેક્ટ મારફત રિલાયન્સ સંસ્થા કલાકારો-ચિત્રકારોને એમની સાઈટ-સ્પેસિફિક આર્ટવર્ક (કલાકૃતિઓ) પ્રસ્તુત કરવાનો અવસર પૂરો પાડે છે. આ આર્ટ સંકલ્પના અંતર્ગત આમ જનતા સુધી સમકાલીન કળાને પહોંચાડવાનો તેમજ હરકીસનદાસ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ તથા એમનાં પરિવારજનો-સ્વજનોને પણ કળાનો અનુભવ કરાવવાનો સંસ્થાનો ઉદ્દેશ્ય છે. આ પ્રોજેક્ટમાં ૧૨ કલાકારોએ ભાગ લીધો છે. હોસ્પિટલનાં પેસેજમાં વિવિધ ચિત્રો જોવા મળે છે. આને લીધે હોસ્પિટલનું સામાન્ય રીતે ગંભીર વાતાવરણ બદલાઈ ગયેલું જણાયું હતું. રિલાયન્સ ફાઉન્ડેશન એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીની સખાવતી સંસ્થા છે.

મુંબઈની મહિલા ટ્રાફિક પોલીસકર્મીઓને મળી નવી કેપ…

મુંબઈમાં પોલીસ વિભાગનાં જવાનો માટે નવી કેપ તૈયાર કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ વિભાગમાં સેવા બજાવતી મહિલા જવાનો ૨૫ સપ્ટેંબર, સોમવારે એ નવી કેપ પહેરીને માર્ગો પર સેવા બજાવતી જોવા મળી હતી.