Home Blog Page 5646

ગુજરાતની 110 શિક્ષણસંસ્થામાં નમો વાઇ ફાઇ લોન્ચ

અમદાવાદ- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ મહાત્મા મંદિરમાં ‘સ્માર્ટ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડિયા’ હેકાથોનનું લોન્ચિંગ તેમ જ શિક્ષણ સંસ્થાઓ-યુનિવર્સિટીઓમાં ન્યૂ એવન્યૂઝ ઓફ મોર્ડન એજ્યુકેશન-ન.મો. થ્રુ વાઇ-ફાઇનું પણ ૧૧૦ સંસ્થાઓ-યુનિવર્સિટીઓ પૈકી ર૩માં પ્રતીકરૂપ લોન્ચિંગ કરાવ્યું હતું.

આ કાર્યક્રમમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી અન્વયે ૧૧ યુનિવર્સિટીઓ સહિત ર૩ સંસ્થાઓને ૪૪૦ લાખની ગ્રાન્ટ-સહાયના ચેક તેમજ સમર ઇનોવેશન ચેલેન્જના વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. ટેકનોલોજીનો ઉપયોગ અને યુવાશક્તિના નવિન વિચારો-નવા ઉમંગોથી તેનું સોલ્યુશન્સ આવી સ્પર્ધાઓથી લાવવાનો આ પ્રયત્ન છે.ગુજરાતમાં આ હેકાથોનમાં ર૦૬ જેટલા પ્રોબ્લેમ્સની યાદી મળી છે તેનું સમાધાન યુવાનો પોતાના આગવા બુદ્ધિ કૌશલ્યથી કરશે.

ઉપસ્થિતોને સંબોધતાં મુખ્યપ્રધાન રુપાણીએ યુવા વિપક્ષી નેતા રાહૂલ ગાંધીને આડે હાથ લેતાં કહ્યું કે, જેમણે ઇટાલિયન ચશ્મા જ પહેર્યા છે તેમને ડિજિટલ ઇન્ડિયાથી ગ્રામીણ-ખેડૂતને શું ફાયદો થયો, કેવો વિકાસ થયો એ નહીં જ દેખાય.

કાર્યક્રમમાં સમર ઇન્નોવેશન ચેલેન્જ-ર૦૧૭ અંતર્ગત સફળ વિદ્યાર્થીઓને પુરસ્કારોનું વિતરણ અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇન્નોવેશન પોલીસી અંતર્ગત સંસ્થાઓ-યુનિવર્સિટીઓને વિવિધ સહાય-ગ્રાન્ટનું વિતરણ પણ  કરાયુ હતું.

આણંદઃ એનડીડીબી ડેરી એક્સેલન્સ એવોર્ડ એનાયત

આણંદ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ-એનડીડીબીના સ્થાપનાદિનની પૂર્વ સંધ્યાએ ઉત્તમ કામગીરી કરનાર સંસ્થાઓનું એનડીડીબી ડેરી એક્સેલન્સ એવોર્ડ દ્વારા બહુમાન કરાયું  હતું. સીએમ રુપાણી તથા કેન્દ્રીયપ્રધાન રાધામોહનસિંઘે એવોર્ડ વિતરણ કર્યું હતું.આ એવોર્ડ ડેરી સહકારી સંસ્થાઓને સંચાલનની ઉત્તમ કામગીરી તથા ખેડૂતોનું મૂલ્ય તથા જાતિય સમાવેશીતા-Gender inclusionની કામગીરી બદલ એનાયત કરાયા હતા.

આ એવોર્ડઝમાં રાષ્ટ્રીય સ્તરે 6 અને પ્રાદેશિક સ્તરે 12 એવોર્ડ ઉપરાંત મહિલાઓને બે વિશેષ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. 19 મહિલા દૂધ ઉત્પાદકોનું પણ ડેરી ક્ષેત્રે પ્રશંસાપાત્ર પ્રદાન બદલ બહુમાન કરવામાં આવ્યું હતું.

ડેરી સહકારી સંઘોને બે સ્પેશિયલ કેટેગરીના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. એક એવોર્ડ સૌથી વધુ સંખ્યામાં મહિલા ડેરી સહકારી સંસ્થાઓની સર્વોચ્ચ સંખ્યા બદલ તથા ડેરી સહકારી સંઘને બીજો એવોર્ડ કાર્યરત મહિલાઓની સર્વોચ્ચ સંખ્યા બદલ આપવામાં આવ્યો છે. દરેક કેટેગરીમાં રૂ.3 લાખનો રોકડ એવોર્ડ તથા પ્રશંસાપત્ર એનાયત કરાયો છે.

રાધામોહન સિંઘે એનડીડીબીનું ઓટોમેટિક મિલ્ક કલેક્શન સિસ્ટમ (AMCS) નામનું સુસંકલિત સોફ્ટવેર લોન્ચ કર્યું હતું. આ સોફ્ટવેર ડેરી સહકારી સંસ્થાઓની સમગ્ર સંચાલનની જરૂરિયાતોને પહોંચી વળવાનો છે.  આ સોફ્ટવેર સંઘ/ફેડરેશન અને/રાષ્ટ્રીય સ્તરે વિવિધ સહયોગીઓને જોડે છે. પુરુષોત્તમ રૂપાલાએ INDUSCHIP લોન્ચ કરી હતી. આ ચીપ એ મુખ્ય ભારતીય ઓલાદો તથા જીનોમીક સિલેક્શન માટેની મધ્યમ ઘનતા ધરાવતી જીનોટાઈપીંગ ચીપ છે.એનડીડીબી આ પ્રકારની જરૂરિયાત આધારીત ચીપ તૈયાર કરવામાં દેશમાં પ્રથમ રહી છે. આ ચીપ સિમેન સ્ટેશન્સમાં, તેમના ડોટર્સ પ્રોડક્શન રેકોર્ડ માટે પ્રતીક્ષા કર્યા વગર યુવાન વયના આખલાઓ પસંદ કરવામાં સહાયરૂપ થશે અને ખેડૂતો પશુના જન્મ સમયે જ તેમના વાછરડા (heifer) ની પસંદગી કરી શકશે.  આ ચીપનો ઉપયોગ કરીને ભારતની મુખ્ય પશુ ઓલાદોમાં વિવિધસંકર ઓલાદોનું પ્રમાણ જાળવી શકાશે અને નિયંત્રિત પણ કરી શકાશે.

સચીન સામેલ થયાં ‘સ્વચ્છતા હી સેવા’માં…

‘ભારત રત્ન’ સચીન તેંડુલકર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે અપનાવેલી ‘સ્વચ્છતા હી સેવા’ ઝૂંબેશમાં સામેલ થયા છે. ૨૬ સપ્ટેંબર, મંગળવારે તેઓ મુંબઈમાં બાન્દ્રા (વેસ્ટ)ના બેન્ડસ્ટેન્ડ વિસ્તારના દરિયાકિનારે સફાઈકામ કરીને શ્રમદાનમાં સહભાગી થયા હતા. એમની સાથે એમનો પુત્ર અર્જૂન તેમજ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પણ સામેલ થયા હતા. સચીન તથા અન્યો દોઢ કલાક સુધી બીચ પર રહ્યા હતા અને સફાઈ કરીને ગંદકી દૂર કરી હતી. સચીને કહ્યું કે દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજવી જોઈએ. બીચ પર ગંદકી જોઈને દુઃખ થાય છે. સ્વચ્છતા રાખીને આપણે સ્વસ્થ ભારત બનાવી શકીશું. ભારત માતાને આપણે આટલા ગંદા કરવા ન જોઈએ. સચીને સફાઈ ઝૂંબેશમાં સામેલ થવાની નાગરિકોને અપીલ કરી છે.

નારાયણ રાણેની દિલ્હીની મુલાકાત નિષ્ફળ ગઈ? તેઓ નવો પક્ષ રચે એવી ચર્ચા

મુંબઈ – કોંગ્રેસ પાર્ટી છોડીને મહારાષ્ટ્રના સિંધુદુર્ગ વિસ્તારના દિગ્ગજ ગણાતા નેતા નારાયણ રાણે મેદાનમાં આવી ગયા છે. એમણે શાસક ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના પ્રયાસો કરી જોયા છે, પણ એ નિષ્ફળ ગયા હોવાનું સૂત્રોનું કહેવું છે.

રાણે સોમવારે નવી દિલ્હીમાં ભાજપના પ્રમુખ અમિત શાહને જઈને મળ્યા હતા. શાહ સાથે એમની મુલાકાત પૂર્વેથી જ એવી અટકળો હતી કે રાણેને ભાજપ સામેલ કરી લેશે.

પરંતુ, દિલ્હી મુલાકાતથી ભાજપમાં પ્રવેશવાનું રાણેનું સપનું સાકાર થયું નથી.

હવે એવી ચર્ચા શરૂ થઈ છે કે રાણે પોતાનો અલગ પક્ષ બનાવશે.

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાને અઠવાડિયું થવા આવ્યું છે તે છતાં રાણે એમની આગળની રાજકીય સફર વિશે અવઢવમાં છે.

સૂત્રોએ એવું જણાવ્યું છે કે રાણે દિલ્હીમાં અમિત શાહને મળ્યા હતા ત્યારે એમની સાથે પોતાના ભાજપમાં સામલે થવા મુદ્દે કોઈ પ્રકારની ચર્ચા થઈ નહોતી.

રાણે મળીને રવાના થયા બાદ પત્રકારોએ જ્યારે અમિત શાહને રાણે સાથે ભાજપપ્રવેશ અંગે કોઈ ચર્ચા થઈ હતી ખરી? એવો સવાલ પૂછ્યો હતો ત્યારે શાહે જવાબ ઉડાવી દીધો હતો.

દંતેવાડાના યુવાનની દીર્ઘદ્રષ્ટિનું ખેડાણ, સમૃદ્ધિના સરનામે હજારો ખેડૂત

કૃષિપેદાશને જ્યારે યુવાદ્રષ્ટિથી જોવામાં આવે તો પરિણામ ઘણાં હકારાત્મક મળ્યાં છે તેના અનેક ઉદાહરણ આપણાં દેશમાં મળે છે. સામાન્ય સમજણ એવી છે કે પરંપરાગત ખેતી કરતાં ખેડૂતોનું ભરણપોષણ થાય પણ માલામાલ ન થાય. પણ જ્યારે જ્યારે સામુદાયિક ઉદ્દેશ સાથે ખેતી જોડાઇ ત્યાંત્યાં આ ચમત્કાર જોવા મળ્યો છે. મધ્યપ્રદેશમાં જ્યાં નકસલગ્રસ્ત વિસ્તાર દંતેવાડાનું નામ પડે ત્યાં માનસપટ પર જે ચિત્ર સર્જાય છે તેથી ક્યાંયગણું વધું સારું ચિત્ર સામૂહિક ખેતીને લઇને જોવાયું છે. અને એનો કરનાર છે એક બેન્કર યુવાન રાજારામ…

બેન્કમાં નોકરી કરતાં રાજારામ દંતેવાડા જેવા તણાવગ્રસ્ત, નાણાકીય અને રાજકીય રીતે અસ્થિર વિસ્તારમાં જાત બચાવીને જીવી શક્યાં હોત, પણ તેમણે નોકરી છોડી અને પારિવારિક ખેતી અપનાવી. આજે વરસો પછી તેમની કંપની કરોડો કમાય છે અને 22,000થી વધારે ખેડૂતોને પણ સમૃદ્ધ જીવન જીવવાનો રાહ દર્શાવી ચૂક્યાં છે.

વાત જરા વિગતે જોઇએઃ રાજારામના માતાપિતા ખેતીકામ કરતાં. તેમના સાત બાળકોમાં એક રાજારામ ત્રિપાઠી. સહોદરોની જેમ જ એ પણ કૃષિકાર્યને નજરોનજર જોઇને મોટા થયાં, ભણ્યાંને બસ્તરમાં બેન્કની સરસ સરકારી નોકરીએ લાગ્યાં. આ નોકરીએ રાજારામને બેન્ક અને ખેડૂતોની કૃષિલોનના સતત ચાલતા ચક્રને સમજવાની તક ખડી કરી હતી. તેમણે ઘરમાં જ જોયું હતું કે તેમના પિતા કૃષિલોન લેતાં અને એનું ચૂકવણું કરવા બીજી લોન લેતાં..ફાર્મિંગ ઇકોનોમીના દૂષણની સમજણ કેળવાઇ. બેન્કરની આંખે જોયું કે ખેડૂત તેની કમાઇના સામેના ત્રાજવે તેનું કામ અને તમામ સામગ્રી મૂકે તો હંમેશા ખોટના ખોળે જ બેસે. રાજારામે ખેડૂત લોનની મુશ્કેલીને લઇ નાબાર્ડને પત્ર લખ્યો, હેડઓફિસે તેડું મોકલ્યું અને તેમની મિસપ્લેસ્ડ ઇકોનોમિક્સ થીમની ચર્ચા કરાઇ. પેનલે માન્યું તો ખરું કે રાજારામની વાતમાં દમ છે પણ તેનો ઉકેલ આપ્યો નથી તે લઇને આવો તેમ કહ્યું. બસ, આ ચેલેન્જે યુવાન રાજારામ ત્રિપાઠીની સકસેસ સ્ટોરી બનાવી દીધી. 1998માં યુવાન રાજારામે બેન્કની સેફજોબ છોડી દીધી. ઘરમાં સ્વાભાવિક આ વાતે નાપસંદગી વ્યક્ત કરાઇ. ઘરમાં સાત ભાઇઓમાં પોતે સૌથી મોટા હતાં એટલે માતાપિતા નારાજ થયાં પણ યુવાન રાજારામને આત્મવિશ્વાસ હતો કે ખેતી પણ સમૃદ્ધિનું સરનામું બની શકશે.

કઇ રીતે ખેતીને નફાકારક કરું તેનું ચિંતન ચાલ્યું તેમાં જણાયું કે માર્કેટિંગ એ સૌથી મોટી નબળાઇ છે. તેના પર ધ્યાન આપવું જરુરી છે. ખેતી શરુ કર્યાંના પહેલાં વર્ષે શાકભાજીનો ધંધો કર્યો. માગ અને પુરવઠા સાથે નાશવંત પાકનો વેપાર રાજારામને પ્રોફિટેબલ નીવડ્યો નહીં. રાજારામને  જ્ઞાન લાધ્યું કે ભારે માગ હોય તેવી ખેતી કરવી. એવી ખેતી કે જે મોટાભાગના ખેડૂતો કરતાં ન હોય. તેમને આની દિશા પણ મળી ગઇ. ભોપાલના સેન્ટર ફોર એન્તોરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઓફિસર ડૉ. જી એસ જરિયાલને મળવાથી. આ મુલાકાતે ઔષિધીય ખેતીનું જગત ખોલી આપ્યું હતું.

1999ના અંત સુધીમાં રાજારામે નક્કી કરી લીધું કે તે શેની ખેતી કરશે. રાજારામે પસંદ કરી મૂસળીની ખેતી, જેનો આયુર્વેદિક દવાઓ બનાવવામાં ઉપયોગ થાય છે. આંતરરાષ્ટ્રરીય બજારોમાં તેની મોટી માગ હોય છે. એકસમયની વાવણીમાં રોકાણ પછી લાંબો સમય તેનો લાભ મળે છે. કિલોએ પચાસ રુપિયા ઉપરનો ભાવ હંમેશા રહે છે જે શાકભાજી માટે તેમને ક્યારેય ન મળી શકે. મૂસળીના મૂળીયાં ઉપરાંત તેના ડાળપાંખડી પણ વેચાય. શરુઆતે રાજારામે પોતાના 25 એકરના ખેતરમાંથી 2 એકર જમીનમાં મૂસળી વાવી. આ વાવણી કરી એ પહેલાં ભણેલાંગણેલાં આ યુવાને પૂરતો અભ્યાસ કરી લીધો હતો કે તેનું વેચાણ માર્કેટ આ પાક ખરીદવા ટાંપીને બેઠું છે. ખાતરીપૂર્વકનું આગળ વધતાં ‘મા દંતેશ્વરી હર્બલ ગ્રુપ’ નામની કંપની રજિસ્ટર કરાવી અને વેચાણ માટે વેબસાઇટ પણ લોન્ચ કરી દીધી. મૂસળીની ખેતીમાં પોતાના પરિવારની પદ્ધતિએ ઓર્ગેનિક ફાર્મિંગ અપનાવ્યું, તેમને ખબર હતી કે વિશ્વભજારમાં ઓર્ગેનિક પ્રોડક્ટની ઘણી માગ છે. તેમનો આ નિર્ણય એકદમ પરફેક્ટ રહ્યો અને અને પહેલા જ પાકમાં તેમને એકરે પાંચ લાખ રુપિયાની કમાણી કરાવી.

તેમનું સાહસ સફળ થયું એટલે હવે તેમણે બ્રાહ્મી, સર્પગંધા, મૂળેઠી અને લેમનગ્રાસની ખેતી શરુ કરી. એટલું જ નહીં, ધીરેધીરે તેમના વિસ્તારમાં નાનીનાની ખેતી કરતાં ખેડૂતોને જોડવા માંડ્યાં અને જોતજોતાંમાં જાણે ક્રાંતિની જેમ ઔષધિય ખેતીની ચળવળ ચાલી ગઇ. જેના પરિપાકરુપે 2002માં સેન્ટ્રલ હર્બલ એગ્રો માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા-CHAMF નામની કોઓપરેટિવ કંપની ખડી થઈ ગઇ.  હવેના સમયમાં સંપીલી ખેતી અજાણ્યો વિષય રહ્યો નથી પણ એ વખતે હતો. તેમની કોઓપરેટિવ કંપનીમાં ખેડૂતોએ બીયારણ કે રોપવાના છોડ વગેરે માટે બજાર ભણી મીટ માંડવી પડતી નથી કારણ કે તે અન્ય ખેડૂતો જ આપે છે. નહીં છેતરાવાની ગેરંટી..અને એ પણ એકેય રુપિયો ચૂકવ્યાં વિના. વળી માલ તૈયાર થયે તેના ખરીદનાર તૈયાર, નક્કી કરેલી કીમતોએ વેચાણ પણ થઇ જાય. સરવાળે નાનો ખેડૂત રાજીરાજીના રેડ. કેટલું વાવવું અને કયો પાક ક્યાં વાવવો તેનો અભ્યાસ કરીને રાજારામ ખેડૂતોને સમજણ આપે.

પાક તૈયાર થયે નાના ખેડૂત પાસેથી માલ ઉઘરાવી એકસ્થળે ભેગો કરી, ગુણવત્તા ચકાસી એકસાથે યુરોપીય દેશો અને અમેરિકામાં નિકાસ કરવામાં આવે. કંપની એક પણ રુપિયો નફો પોતાની પાસે ન રાખે અને ખેડૂતને તેના માલ પ્રમાણેનો તમામ ભાગ ચૂકવાઇ જાય છે. આજે આ ગોઠવણનો લાભ દેશભરના 22,000થી વધુ ખેડૂતોનું જીવતર જીવવા જેવું બનાવી રહ્યો છે. જે નવો ખેડૂત તેમાં જોડાય તેને ફ્રી ટ્રેઇનિંગ અને ઔષધીય પાકના છોડ પણ મફતમાં અપાય છે. સીએચએએમએફને ભારત સરકારે રાષ્ટ્રીય સંસ્થા તરીકે માન્યતા આપી છે

સમય વીત્યો તેમ રાજારામ ખેતીના વિસ્તાર માટે વધુ જમીન લેતાં ગયાં. વધુ નવા પાક લેતાં થયાં. તેમનો પરિવાર પણ તેમના સાથે જોડાઇ ગયો. રાજારામ હાલ 70 પ્રકારની આયુર્વેદિક જડીબૂટીઓનો પાક તેમની 700 એકર જમીનમાં લે છે અને 300 આદિવાસી ખેડૂતોને રોજગારી પણ આપે છે. તેમના ફાર્મમાં કામ કરતાં ખેડૂતો ત્યાંથી મૂળ-છોડ નિશુલ્ક લઇ જઇને પોતાના ખેતરમાં પણ વાવી શકે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં આ ખેતીની વાત કરીએ તો કહેવાય છે કે વિશ્વબજારમાં 35,000 ટન ઔષધપાકની જરુરિયાત છે તેની સામે ફક્ત 5 ટકા જ મળે છે. સમજી શકાય છે કે આ માર્કેટમાં કેટલું સામર્થ્ય છુપાયેલું છે.! ભારતીય ખેડૂતો માટે ખૂબ મોટી તક છે.

રાજારામનો આત્મો આટલી સફળતાથી ધરાઇ નહોતો ગયો, તેમણે ગ્રામીણજનોને અપીલ કરી કે તમારા વસૂકી ગયેલ પશુધનને પોતાના ફાર્મમાં મૂકી જાય. ત્રણ વર્ષ પહેલાં શરુ કરેલી આ પ્રવૃત્તિએ હવે તેમના ફાર્મમાં 300 જેટલા ગાયબળદ એકઠાં કર્યાં છે અને તેના થકી કુદરકી ખાતર પેદા કરે છે. તેની દેખભાળ માટે બહેનોનું એક ગ્રુપ બનાવ્યું- સમગ્ર આદિવાસી મેડિસિનલ પ્લાન્ટ ડેવલપમેન્ટ એસોસિએશન- સંપદા. આ સંગઠન રાજારામની પત્ની શિપ્રાએ સંભાળી લીધું જેમાં 68 નોંધાયેલાં અને 640 અન્ય સભ્યો જોડાયાં છે.

કંઇ ઉપયોગી અને નવું કરવા સાથે સમૃદ્ધિ પણ લાવે તેવા જોશ સાથે શરુ કરેલા કામે આજે રાજારામ ત્રિપાઠીને ક્યાં પહોંચાડ્યાં છે? આજે તેઓ ભારતના સૌથી મોટા વ્યક્તિગત ધોરણે મૂસળીની ખેતી કરતાં ખેડૂત છે અને આયુર્વેદિક જડીબૂટીઓ અને મસાલા પકવતાં, અને યુએસ,યુકે અને યુરોપમાં 60 કરોડનો વાર્ષિક નિકાસવેપાર ધરાવતાં વેપારીની નામના અર્ચિત કરી લીધી છે.

રાજારામ કહે છેઃ નાના ખેડૂતો માટે આ ખેતી ઘણી લાભકારક છે. સ્ટેવિયા, મરી અને ઓસ્ટ્રેલિયન ટીકની ખેતી પણ કરી શકાય છે. બજારના વચેટિયાઓને બાજુએ ખસેડી પોતાની મહેનતની સારી કમાણી શક્ય છે. ભારતના ખેડૂતો માટે દુનિયાનું બજાર ખુલ્લું છે. ખેડૂતોએ ખેતીમાં નવા પ્રયોગોના ભય ન રાખવો જોઇએ. વૈશ્વિક માગ પ્રમાણે પાક લેવાનો હવે યોગ્ય સમય છે. 3-4 એકર જેવી નાની જમીન હોય તો પણ તેની કમાણી ઉચ્ચકક્ષાના અધિકારીના પગાર બરોબર છે. જો બધાં ભેગાં મળીને આ પ્રકારના પાકની ખેતી શીખીએ, એકબીજાને મદદ કરીએ તો કશુંય અશક્ય નથી. મેં જોયું છે કે હર્બલ પ્રોડક્ટની દિનોદિન વધી રહેલી માગના કારણે જંગલોમાંથી જડીબૂટીઓનો સોથ વળી ગયો છે. આશરે 30 પ્રકારની હર્બ્ઝ સદાકાળ માટે નાશ પામી ગઇ છે. જંગલોમાંથી લઇ લઇએ છીએ ખરાં પણ વાવતાં નથી તેથી આ સ્થિતિ આવી છે. ત્યારે આ પ્રકારની ખેતી જ તેને ધરતી પર બચાવી રાખવાનો સૌથી સારો ઉપાય છે.

શેરબજારઃ નીચા મથાળે ટેકારૂપી લેવાલીથી ઈન્ડેક્સ બાઉન્સબેક થયો

અમદાવાદ– શેરબજાર સતત છઠ્ઠા દિવસે નરમાઈ સાથે બંધ રહ્યું હતું. ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ પાછળ આજે સવારે શેરોની જાતે-જાતમાં પેનિક સેલીંગ ચાલુ રહ્યું હતું. નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે તંગદિલી વધી છે. જેથી વિશ્વના સ્ટોક માર્કેટમાં ભારે ગભરાટ છવાયેલો રહ્યો હતો. જો કે ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી બ્લુચિપ શેરોમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. જેથી માર્કેટ ઘટયા મથાળેથી બાઉન્સબેક થયું હતું. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 26.87(0.08 ટકા) ઘટી 31,599.76 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 1.10(0.01 ટકા) ઘટી 9871.50 બંધ થયો હતો.

આગામી ગુરુવારે સપ્ટેમ્બર એફ એન્ડ ઓ કોન્ટ્રેક્ટનો છેલ્લો દિવસ છે, જેથી આજે લેવાલી-વેચવાલીના બે તરફી કામકાજ રહ્યા હતા. બપોર પછી બેંક, ઓટો, મેટલ, ફાર્મા, રિયલ્ટી, ઓઈલ, ગેસ, કેપિટલ ગુડઝ સેકટરના શેરોમાં નીચા મથાળે ટેકારૂપી લેવાલી આવી હતી. એક સપ્તાહમાં સેન્સેક્સમાં 797 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે, પરિણામે આજે નીચા મથાળે મંદીવાળા ખેલાડીઓની કાપણી આવી હતી. જેથી પણ માર્કેટમાં ઘટયા મથાળેથી સુધારો આવ્યો હતો.

  • બપોર બાદ યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ પર ટ્રેડ કરતાં હતા.
  • એફએમસીજી અને ટેકનોલોજી સેકટરના ઈન્ડેક્સ માઈનસમાં બંધ હતા.
  • રોકડાના શેરોમાં નવી લેવાલી આવી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 67.52 પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં 173.15નો ઉછાળો આવ્યો હતો.

યુદ્ધજહાજ ‘INS તારાસા’ ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું…

ભારતીય નૌકાદળના વાઈસ-એડમિરલ અને વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ ગિરીશ લુથરાએ 26 સપ્ટેંબર, મંગળવારે મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે ‘INS તારાસા’ યુદ્ધજહાજને ભારતીય નૌકાદળમાં સામેલ કરવાની પરંપરાગત વિધિ સંપન્ન કરી હતી. 400 ટન વજનના આ નિરીક્ષક યુદ્ધજહાજને કોલકાતાસ્થિત ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ લિમિટેડ કંપની દ્વારા સ્વદેશી ટેક્નોલોજીથી બનાવ્યું છે. ‘INS તારાસા’ આધુનિક ડિઝલ એન્જિન્સ, અત્યાધુનિક મશીનરી કન્ટ્રોલ સિસ્ટમ, વોટર જેટ્સથી સુસજ્જ છે. આ યુદ્ધજહાજ ભારતીય નૌકાદળની તટીય દેખરેખ અને સુરક્ષાની ક્ષમતાને વધારશે. આ યુદ્ધજહાજ 35 નોટ પ્રતિ કલાક એટલે કે 64.82 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાશે. આ યુદ્ધજહાજ પર 19 CRN તોપ છે અને 30 MM તોપ છે, જે પાંચ કિલોમીટરના અંતરે રહેલા ટાર્ગેટને ફૂંકી મારવા માટે સક્ષમ છે. આ યુદ્ધજહાજ પર આધુનિક કમ્યુનિકેશન્સ યંત્રણા તેમજ રડાર સિસ્ટમ છે જેથી નૌસૈનિકો ભારતીય સમુદ્રમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર કે આતંકવાદી હિલચાલ પર નજર રાખી શકશે. ‘INS તારાસા’નું નામકરણ આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહના એક ટાપુના નામથી પ્રેરિત છે. (તસવીરોઃ દિપક ધુરી)

ભારતીય નૌકાદળના વાઈસ-એડમિરલ અને વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ ગિરીશ લુથરા

ગાંડા થયેલા વિકાસને પાટા પર લાવવાનો છેઃ રાહુલ ગાંધી

રાજકોટ– રાહુલ ગાંધી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. રાહુલ ગાંધીના પ્રવાસના આજે બીજા દિવસે જામનગરમાં વેપારીઓ સાથે બેઠક કરીને જીએસટીના અમલથી પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી હતી. તે પછી જામનગરથી રાજકોટ આવ્યાં હતાં. રસ્તામાં ગ્રામજનોને મળ્યાં હતાં અને તેમની વાત સાંભળી સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પીએમ મોદી દિલ્હીથી રીમોટ કન્ટ્રોલથી ગુજરાત સરકાર ચલાવે છે. રાહુલે કોંગ્રેસના સોશિયલ કેમ્પેઈન ‘વિકાસ ગાંડો થયો છે’નો ઉલ્લેખ પણ કર્યો હતો. અને લોકોને પૂછ્યું હતું કે વિકાસને શું થયું, જવાબમાં લોકોએ કહ્યું કે ગાંડો થઈ ગયો છે. જે વિકાસ ગાંડો થયો છે, તેને ફરીથી પાટા પર લાવવાનો છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગુજરાતને આપ રીમોટ કન્ટ્રોલથી નહી ચલાવી શકો, ગુજરાતને ખેડૂતો, મજૂરો અને નાના વેપારીઓ ચલાવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હું પાટીદાર સમાજને કહેવા માંગુ છું કે ભાજપના લોકોએ આપના પર ગોળી ચલાવી છે, આ કોંગ્રેસની રીત નથી, અમે પ્યાર અને ભાઈચારાથી કામ કરીએ છીએ.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલજીની જે મૂર્તિ બની રહી છે, તેની પાછળ લખ્યું છે ‘મેઈડ ઈન ચાઈના’. આ શરમજનક વાત છે. ગુજરાતમાં ખેડૂતો, મજૂરો અને નાના દુકાનદાર કામ કરે છે. અને 5-10 ઉદ્યોગપતિઓ ફાયદો લઈ જાય છે આ ગુજરાતની કહાની છે.

પીએમ મોદીના ગઢ એવા ગુજરાત અને તેમાંય સૌરાષ્ટ્ર… ભાજપનો ગઢ છે. તેવા સૌરાષ્ટ્રમાં પાટીદારોને મળીને રાહુલ ગાંધીએ રાજકીય રંગમાં નવા રંગનો ઉમેરો કર્યો છે.

મિતાલી રાજનાં જીવન પરથી બોલીવૂડ બાયોપિક ફિલ્મ બનાવાશે

મુંબઈ – મહેન્દ્ર સિંહ ધોની, સાઈના નેહવાલ બાદ હવે ભારતની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજનાં જીવન પર આધારિત હિન્દી ફિલ્મ બનાવવામાં આવનાર છે.

વાયકોમ18 મોશન પિક્ચર્સ કંપનીએ આ જાહેરાત કરી છે.

જીવન ટૂંક સમયમાં રૂપેરી પડદા પર રજૂ થશે; ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન ઉપર બનાવાશે બાયોપિક ફિલ્મ

મિતાલી રાજનું માનવું છે કે પોતાનાં જીવન વિશેની ફિલ્મ દેશમાં યુવા છોકરીઓને સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા બની રહેશે.

34 વર્ષીય મિતાલી રાજે 1999માં 16 વર્ષની વયે ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. એણે તે જ વર્ષમાં આયર્લેન્ડ સામેની મેચમાં પોતાની પહેલી સદી ફટકારી હતી અને મહિલાઓની ક્રિકેટમાં એ સૌથી યુવા વયની સેન્ચુરીયન બની છે.

મિતાલી અત્યાર સુધીમાં વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 6000થી વધારે રન બનાવી ચૂકી છે અને તે વિશ્વની વિક્રમધારક છે. માટે જ એને મહિલાઓની ક્રિકેટની સચીન તેંડુલકર કહેવામાં આવે છે.

અર્જૂન એવોર્ડ અને પદ્મશ્રીથી સમ્માનિત મિતાલી અત્યાર સુધીમાં વન-ડે મેચોમાં સતત 7 હાફ સેન્ચુરી ફટકારવાનો પણ વિશ્વવિક્રમ ધરાવે છે અને આઈસીસી ODI વર્લ્ડ કપ સ્પર્ધાની ફાઈનલમાં બે વખત (2005 અને 2017માં) ટીમને દોરી જનાર તે પહેલી ભારતીય કેપ્ટન છે.

હનીપ્રીતની ઘટનામાં નવો વળાંક, દિલ્હીમાં છુપાઈ હોવાની આશંકાને પગલે દરોડા

નવી દિલ્હી- જેલની સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામરહીમની ખાસ ગણાતી હનીપ્રીતને શોધવા પોલીસ સતત મહેનત કરી રહી છે. જોકે હજી સુધી હનીપ્રીત અંગે ચોક્કસ માહિતી મળી નથી. હવે હરિયાણા પોલીસે હનીપ્રીતને શોધવા વધુ પ્રયાસ હાથ ધર્યા છે. હરિયાણા પોલીસને આશંકા છે કે, હનીપ્રીત દિલ્હીમાં છુપાયેલી છે. જેને પગલે હરિયાણા પોલીસે દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં દરોડા પાડ્યાં છે. જોકે ત્યાં પણ પોલીસને કોઈ સફળતા મશી નથી.

દરમિયાન હનીપ્રીતે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી છે. જે અંગે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ડેરા પ્રવક્તા આદિત્યા ઈંસા અને પવન ઈંસા વિરુદ્ધ પણ અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. આ વોરંટ ઓક્ટોબર અંત સુધી માન્ય ગણાશે. જો ત્યાં સુધીમાં આરોપી નહીં પકડાય તો તેને ભાગેડુ જાહેર કરવામાં આવશે. અને તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

રામરહીમને પકડવામાં પોલીસને સફળતા મળી અને હનીપ્રીત ફરાર છે, જેને લઈને પણ અનેક તર્કવિતર્ક સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ હનીપ્રીત ભાગી ન હતી પરંતુ તેને ભગાડવામાં આવી હતી. કારણકે તે ડેરા સચ્ચા સૌદાના અનેક રહસ્યો જાણે છે. જો હનીપ્રીત પોલીસના હાથમાં આવે તો અનેક રહસ્યો ઉપરથી પડદો ઉંચકાશે. તો કેટલાક લોકો એવું પણ માને છે કે, હનીપ્રીત ક્યાંય ભાગી નથી પરંતુ ડેરાના જ લોકોએ તેને બંધક બનાવી છે.

સૂત્રોનું માનીએ તો, હનીપ્રીત પાસે રામરહીમ ઉપરાંત અનેક રાજકીય નેતાઓ સાથે જોડાયેલાં રહસ્યો સંકળાયેલાં છે. પોતાની પોલ ખુલે નહીં તેના ડરથી જ હનીપ્રીતને ગાયબ કરવામાં આવી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે આ લોકોથી બચવા હનીપ્રીતે આગોતરા જામીન માટે અરજી કરી હોવાનું માનવામાં આવે છે. જો કોર્ટ હનીપ્રીતની અરજીને સ્વીકારે તો શક્ય છે કે, તેને વચગાળાના જામીન મળી શકે.