Home Blog Page 5645

ગુજરાત દીપોત્સવી અંકનું વિમોચન

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરમાં ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૭૩નું વિમોચન કર્યું હતું, આ પ્રંસગે તેમણે જણાવ્યું હતું કે, ઉત્સવો અને પર્વો વૈવિધ્યસભર જીવનના નવઉન્મેષ છે. પ્રકાશનું એક નાનકડું કિરણ ઘોર અંધકારને ભેદવા માટે પૂરતું છે. પ્રત્યેક તહેવારનું આગવું સૌન્દર્ય હોય છે. તહેવારો સંદેશો આપતાં હોય છે કે, જીવન ખૂબ સુંદર અને અણમોલ ઐશ્વરીય ભેટ છે. દિપાવલીનો પર્વ એ જ્ઞાન અને પ્રકાશ સાથે વિકાસનો સમન્વય સાધી આનંદની ત્રિવેણીનો અવસર છે. સૌ ગુજરાતીઓનો પ્રેમ અને આશીર્વાદ એ ગુજરાતની પ્રગતિનું ચાલક બળ છે એમ તેમણે તેમણે વધુમાં ઉમેર્યું હતું. ગુજરાત દીપોત્સવી અંક વિમોચન પ્રસંગે માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અશ્વિનીકુમાર, માહિતી નિયામક નલિન ઉપાધ્યાય, અધિક માહિતી નિયામક અરવિંદભાઈ પટેલ, સંયુક્ત માહિતી નિયામક પુલક ત્રિવેદી તેમજ માહિતી ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાહુલ ગાંધીએ મા દુર્ગાની આરતી કરી

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે. મંગળવાર રાત્રીએ રાજકોટમાં નવરાત્રિ નિમિત્તે તેમણે મા નવદુર્ગાની આરતી કરી હતી, અને તેમણે રાજકોટના ભાતીગળ ગરબા નિહાળ્યા હતા. તેમની સાથે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને મિડિયાપ્રભારી અશોક ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા.

સલમાને લોન્ચ કરી ‘બિગ બોસ સીઝન 11’…

બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને 26 સપ્ટેંબર, મંગળવારે મુંબઈમાં તેના દ્વારા સંચાલિત લોકપ્રિય રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ’ની 11મી આવૃત્તિને મિડિયાકર્મીઓ સમક્ષ મનોરંજક રીતે લોન્ચ કરી હતી. આ વખતના શો ‘બિગ બોસ સીઝન 11’નો થીમ છે ‘પડોશી’, જેમાં સ્પર્ધકો એકબીજાનાં પડોશીઓ તરીકે રહેશે. ‘બિગ બોસ સીઝન 11’ કલર્સ ટીવી ચેનલ આવતી 1 ઓક્ટોબરથી રાતે 9 વાગ્યાના સમયે પ્રસારિત થશે. સલમાન છેલ્લે ‘ટ્યૂબલાઈટ’ ફિલ્મમાં જોવા મળ્યો હતો. એણે હાલમાં જ એની ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’નું શૂટિંગ અબુ ધાબીમાં પૂરું કર્યું હતું. એમાં કેટરીના કૈફ તેની હીરોઈન છે. (તસવીરોઃ દિપક ધુરી)

અનમોલ અંબાણીઃ દેશના ખાનગી ઉદ્યોગ ક્ષેત્રમાં એક નવા સિતારાનો ઉદય

ઉદ્યોગપતિ અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG)ની મંગળવારે મુંબઈમાં વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજાઈ ગઈ. એમાં અનિલ અંબાણીના પુત્ર જય અનમોલે હાજરી આપી હતી અને પહેલી જ વાર જાહેરમાં સંબોધન કર્યું હતું. અનમોલ ગ્રુપની ફાઈનાન્સિયલ સર્વિસીસ કંપની રિલાયન્સ કેપિટલના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર છે.

એજીએમમાં અનમોલના પિતા અનિલ અંબાણી તેમજ માતા ટીના અંબાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

અંબાણી જૂનિયરે સંબોધન કર્યા બાદ ગઈ કાલે લગભગ ત્રણ કલાક સુધી એ સમાચાર ટ્વિટર પર ટોપ ટ્રેન્ડમાં રહ્યા હતા.

અનમોલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ગ્રુપના ભવિષ્ય વિશે હું ખૂબ જ આશાવાદી છું. આપણી સફરમાં અવસરોનો ભરપૂર અવકાશ રહેલો છે. સંગઠિત રીતે આપણે ડિજિટલ છીએ. આપણે ફિઝિકલ અને ડિજિટલના સમન્વય સાથેના ભવિષ્યમાં માનનારા છીએ.

અનમોલે ત્યારબાદ કંપનીએ હાથ ધરેલી અનેક નવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.

અનિલ અંબાણીએ કહ્યું હતું કે ટેલિકોમ સેક્ટરને વિસ્તરણ માટે તેમજ સેવાની ગુણવત્તાની જાળવણી માટે વર્ષેદહાડે રૂ. એક લાખ કરોડની આવશ્યક્તા છે.

અનમોલના પિતરાઈઓ – ઈશા અને આકાશ અંબાણી, જેઓ દેશના સૌથી શ્રીમંત મુકેશ અંબાણીનાં સંતાનો છે, તેઓ ગયા જુલાઈ મહિનામાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં જ્યારે મુકેશની આગેવાની હેઠળના રિલાયન્સ ગ્રુપની રિલાયન્સ જિઓ કંપનીએ સૌથી સસ્તા સ્માર્ટફોનને દેશમાં લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.

અનમોલ અંબાણીએ બ્રિટનની વોર્વિક બિઝનેસ સ્કૂલમાંથી ડિગ્રી હાંસલ કરી છે. રિલાયન્સ કેપિટલમાં અનેક ડિવિઝનમાં બે વર્ષ સુધી કંપનીની કામગીરી વિશેની તાલીમ લીધા બાદ ગયા ઓગસ્ટ મહિનામાં તેઓ કંપનીના બોર્ડમાં નિયુક્ત કરાયા હતા.

બરાબર એક વર્ષ પહેલાં, 2016ના ઓગસ્ટની એજીએમમાં અનિલ અંબાણીએ અનમોલને રિલાયન્સ કેપિટલના નવા એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર તરીકે પ્રસ્તુત કર્યા હતા.

(અનમોલ અંબાણીઃ રિલાયન્સ કેપિટલના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર તરીકે પહેલી જ વાર સંબોધન)

httpss://twitter.com/RelianceCapital/status/912675149572227075

httpss://twitter.com/RelianceCapital/status/912669508594053120

httpss://twitter.com/RelianceCapital/status/912664064316207105

httpss://twitter.com/RelianceCapital/status/912627689160269826

httpss://twitter.com/RelianceCapital/status/912626317291536385

સાતમાં નોરતે કરો મા કાલરાત્રિની પૂજા, ગ્રહબાધાઓ અને ભય થશે દૂર

અમદાવાદઃ આજે નવરાત્રિનો સાતમો દિવસ છે. સાતમા દિવસે માતાજીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતું. માતા કાલરાત્રિની પૂજાનું ખૂબ જ મહત્વ છે. આજે જાણીશું માં કાલરાત્રિના મહિમા વિશે.

નવરાત્રિના સાતમા નોરતે માતાજીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતુ. પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કરેલું હતું. શનિ ગ્રહનું સંચાલન દેવી કાલરાત્રિ દ્વારા કરાય છે. માતાજીના કાલરાત્રિ સ્વરૂપની ઉપાસના કરનારને અભય પ્રાપ્ત થાય છે અને તેનુ હંમેશા શુભ થાય છે એટલે માતા કાલરાત્રિને શુભંકરી તરીકે પણ ઓળખવામાં આવે છે. મા કાલરાત્રિની પૂજા અને આરાધનાથી સાધકના બધા જ પાપો અને વિધ્નોનો નાશ થઈ જાય છે.

માતાજીના શરીરનો રંગ ઘોર અંધારી રાત્રીની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકતી માળા છે, ત્રણ નેત્રો છે, માંની નાસિકાથી શ્વાસ અને ઉચ્છવાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ બહાર નીકળે છે, માતાજીનું વાહન ગદર્ભ અર્થાત ગધેડું છે. માતાજી પોતાના ઉપરની બાજુ રહેલા જમણા હાથની વરમુદ્રાથી બધાને આશિર્વાદ આપે છે. જમણા હાથનો નીચેવાળો હાથ અભયમુદ્રામાં છે. માંના ડાબી તરફના ઉપરવાળા હાથમાં ખડગ તેમજ નીચેવાળા હાથમાં વજ્ર છે.

માં કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ કાલરાત્રી હંમેશા શુભ ફળ આપનારા દેવી છે. માતા કાલરાત્રીનું સ્વરૂપ ચોક્કસ ડર લાગે તેવું છે પરંતુ ભક્તોએ માતાજીથી કોઇપણ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી કારણકે માં હંમેશા પોતાના બાળકની રક્ષા કરે છે.

માં કાલરાત્રી દુષ્ટોનો વિનાશ કરનારા દેવી છે. માતાજીની આરાધના કરવાથી દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત સહિતની કોઈપણ વસ્તુ આપણાથી દુર ભાગે છે. માં કાલરાત્રીની પૂજા-અર્ચના અને આરાધના કરવાથી ગ્રહ બાધાઓ પણ દૂર થાય છે. માં કાલરાત્રીના ઉપાસકોને અગ્નિ, જળ, જંતુ, રાત્રિ વગે સહિતી વસ્તુઓનો ક્યારેય ભય લાગતો નથી અને તે હંમેશા નિર્ભય રહે છે.

મા કાલરાત્રિની સંપૂર્ણ નિષ્ઠાથી જો પૂજા કરવામાં આવે તો સાધકને ખૂબ ફાયદો થાય છે. માતાજીની ઉપાસના કરતા યમ, નિયમ, અને સંયમનુ પૂર્ણ પાલન કરવું જોઈએ અને મન, વચન, અને કાયાની પવિત્રતા રાખવી જોઈએ. આ નિયમોનુ પાલન કરીને જો માં કાલરાત્રીની પૂજા, અર્ચના અને આરાધના કરવામાં આવે તો સાધકના જીવનમાં શુભત્વની શરૂઆત થાય છે.

(અહેવાલઃ હાર્દિક વ્યાસ)

ICC બની એકદમ કડકઃ બેકાબૂ ક્રિકેટરોને ફૂટબોલ સ્ટાઈલમાં મેદાનમાંથી કાઢી મૂકાશે

ક્રિકેટની રમતનું વિશ્વસ્તરે સંચાલન કરતી સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ મેચ દરમિયાન ખેલાડીઓ યોગ્ય રીતે વર્તન કરે એ માટે 16 નવા નિયમો ઘડ્યા છે અથવા જૂના નિયમોને કડક બનાવ્યા છે. આઈસીસી સંસ્થાએ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે હવે પછી જો કોઈ ખેલાડી મેચ દરમિયાન બેફામ કે બેકાબૂપૂર્ણ વર્તન કે વ્યવહાર કરશે તો એને તે હરકત બદલ મેદાનની બહાર મોકલી દેવામાં આવશે. ટૂંકમાં, ક્રિકેટમાં હવે ફૂટબોલની જેવો નિયમ લાગુ કરવામાં આવશે.

આઈસીસી દ્વારા નવા નિયમો બહુ મોડેથી નહીં, આવતી 28 સપ્ટેંબરથી જ લાગુ કરવામાં આવશે.

28 સપ્ટેંબરે કે ત્યારબાદ શરૂ થનાર તમામ ક્રિકેટ શ્રેણીઓ માટે નવા નિયમ લાગુ થશે.

નવી શરતોમાં બેટના કદ પર નિયંત્રણથી લઈને ખેલાડીને સેન્ડ-ઓફ્ફ (મેદાનમાંથી બહાર કાઢી મૂકવા) અને ડિસીઝન રીવ્યૂ સિસ્ટમમાં ફેરફારોનો સમાવેશ થાય છે.

28 સપ્ટેંબરે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ તેમજ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે અને એમાં આ નવા નિયમોના અમલનો આરંભ થશે.

બેટ ડાઈમેન્શન્સ પર નિયંત્રણ

આધુનિક ક્રિકેટ વિશે એમ કહેવાય છે કે એ બેટ્સમેનોની તરફેણ કરતી આવી છે, પરંતુ હવે નવા નિયમમાં બેટના કદ-ડાઈમેન્શન્સ પર નિયંત્રણ મૂકાશે, તેથી બેટ અને બોલ વચ્ચે ઉચિત સંતુલન આવશે.

બેટની લંબાઈ અને પહોળાઈ યથાવત્ રહેશે, પરંતુ બેટની જાડાઈ 40 એમએમની રાખવી પડશે અને ઊંડાઈ (ડેપ્થ) 67 એમએમ રાખવી પડશે. અમ્પાયરોને એ માટે ‘બેટ ગેજ’ આપવામાં આવશે જેનો ઉપયોગ કરીને તેઓ બેટ્સમેેનના બેટની કાયદેસરતાને ચકાસી શકશે.

ગેરવર્તન કરનાર ક્રિકેટરોને ફૂટબોલ સ્ટાઈલમાં સેન્ડ-ઓફ્ફ કરાશે

અમ્પાયર પર હુમલો કરવાની ધમકી આપવી, અમ્પાયર સાથે અયોગ્ય અને ઈરાદાપૂર્વક શારીરિક સ્પર્શ કરવા, કોઈ ખેલાડી કે અન્ય કોઈ પણ વ્યક્તિ પર શારીરિકપણે હુમલો કરવા અને મેદાનમાં હિંસા જેવી અન્ય કોઈ પણ હરકત કરવા જેવો લેવલ-4ના ગુનાઓ કરનાર ખેલાડીઓને મેદાનની બહાર કાઢી મૂકી મેચના બાકીના હિસ્સામાંથી બાકાત કરી દેવામાં આવશે.

ડિસીઝન રીવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ)

અમ્પાયરના નિર્ણયને લીધે ફેરફારવિહોણા રહેલા નિર્ણયના કેસમાં ટીમોને એમનો રીવ્યૂ ગુમાવવો નહીં પડે. બીજી બાજુ, ટેસ્ટ ક્રિકેટમાં 80 ઓવર બાદ વધુ ટોપ-અપ રીવ્યૂઝ નહીં અપાય. ટીમોને હવેથી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં ડીઆરએસનો ઉપયોગ કરવા દેવામાં આવશે. ધારો કે કોઈ કેસમાં બેટ્સમેનને એલબીડબલ્યુ આઉટ અપાયો હોય અને રીવ્યૂનું પરિણામ જે તે અમ્પાયરના નિર્ણય પર છોડવામાં આવે અને અમ્પાયર એમના મૂળ નિર્ણયને વળગી રહે તો પણ બેટિંગ ટીમ તેને ફાળવવામાં આવેલો રીવ્યૂ જાળવી શકશે, જે આ પહેલાં બનતું નહોતું.

રન-આઉટ અંગેનો નિયમ હળવો બનાવાયો

નવા નિયમ અનુસાર, જો કોઈ બેટ્સમેન કે બેટ્સવુમન રન લેવા દોડતી વખતે કે ક્રીઝમાં પહોંચવા છલાંગ મારે ત્યારે એનું બેટ પોપિંગ ક્રીઝની પાછળ રહે, પરંતુ બેઈલ્સ ઉખેડતી વખતે એનું બેટ મેદાન સાથેનો સ્પર્શ ગુમાવી બેસે તોય એને રનઆઉટ આપવામાં નહીં આવે.

આ જ નિયમ કોઈ પણ બેટ્સમેન કે બેટ્સવુમન સ્ટમ્પ આઉટ થતા બચવાનો પ્રયાસ કરે તો એ વખતે પણ લાગુ થશે.

હેલ્મેટને વાગીને બોલ ઉછળે તો…

ધારો કે બેટ્સમેને ફટકારેલો બોલ કોઈ ફિલ્ડર કે વિકેટકીપરે પહેરેલી હેલ્મેટ સાથે અથડાઈને ઉછળ્યા બાદ તે બેટ્સમેનને હવેથી કેચઆઉટ, સ્ટમ્પ આઉટ કે રનઆઉટ જાહેર કરી શકાશે.

લંડનની જાણીતી નાઈટ ક્લબ ‘સર્ક લ સૉર’ની મુંબઈમાં પાર્ટી માટે ગૌરી ખાને બનાવ્યો ભવ્ય સેટ

બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન વ્યવસાયે ઈન્ટીરિયર ડિઝાઈનર છે. આ ક્ષેત્રમાં તેઓ એક જાણીતું નામ છે. એમણે પોતાનું કૌશલ્ય હવે દરિયાપારનાં લોકો માટે પ્રસ્તુત કર્યું છે.

હેલોવીન્સ ડે પૂર્વે લંડનની ખૂબ જાણીતી નાઈટક્લબ ‘સર્ક લ સૉર’ (Cirque le Soir) દ્વારા મુંબઈમાં નિર્ધારિત ‘વન નાઈટ ઓન્લી’ પાર્ટી માટે ગૌરી એક ભવ્ય સેટ તૈયાર કરી રહ્યાં છે.

આ પાર્ટી બુધવારે યોજાવાની છે.

ગૌરીનાં જણાવ્યા મુજબ, અમે વાઈબ્રન્ટ રંગો તથા પ્લશ ઈન્ટીરિયર સાથે પાર્ટી માટે ઝમકદાર અને આકર્ષક માહોલ તૈયાર કરી આપીશું. પરફોર્મ કરનારાઓ માટે તે યાદગાર સેટિંગ બની રહેશે.

સર્કસ-થીમવાળી નાઈટ ક્લબ ‘સર્ક લ સૉર’ લંડનની સ્થાપના ૨૦૦૯માં કરવામાં આવી હતી. આ ક્લબ પસંદગીના લોકો માટે હોય છે જેમાં મોંઘેરા મહેમાનો સમક્ષ કાયમ કંઈક નવીન સરપ્રાઈઝ કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે.

મુંબઈમાં બુધવારની પાર્ટીમાં પરફોર્મ કરવા માટે આ ક્લબ આઠ નિષ્ણાત કલાકારોને ખાસ વિમાન દ્વારા ભારત લાવનાર છે.

‘સર્ક લ સૉર’ને મુંબઈ લાવનાર વીવીઆઈપી યૂનિવર્સલ એન્ટરટેઈનમેન્ટ એલએલપી કંપનીના સ્થાપક ઈમ્તિયાઝ ખત્રીનું કહેવું છે કે ‘સર્ક લ સૉર’ને ભારત લાવવાના અમારા નિર્ણયને ઘણા લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે. મહેમાનોને રોમાંચક અનુભવ કરાવવા માટે અમે સર્કસ થીમ પસંદ કર્યો છે. કુશળ પરફોર્મર્સ સ્ટેજ પર લાઈવ સર્કસ કરતબ જોઈને મહેમાનો ખુશ થઈ જશે. મહેમાનો કહેશે કે અસલી પાર્ટી એન્ટરટેઈનમેન્ટ તો આને જ કહેવાય. અને આ માટેનો એક્સક્લુઝિવ સેટ તૈયાર કરી રહ્યાં છે ગૌરી ખાન.

લંડનના ટાવર હિલ ટ્યૂબ સ્ટેશનમાં વિસ્ફોટ, પાંચ પ્રવાસી ઘાયલ

લંડન – અહીંના ટાવર હિલ સ્ટેશનમાં આજે એક બેગમાં ઓછી તીવ્રતાનો એક વિસ્ફોટ થયા બાદ સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું હતું.

ધડાકો થયા બાદ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને સ્ટેશનની બહાર ધક્કામુક્કીમાં થઈ હતી.

ઘટનામાં આશરે પાંચ જણ ઘાયલ થયા હોવાનો અહેવાલ છે.

અહેવાલો અનુસાર, ધડાકો ઈસ્ટ લંડનથી ઈલિંગ બ્રોડવે તરફ જતી એક મેટ્રો ટ્રેનમાં થયો હતો. ધડાકો થયા બાદ એસીડ જેવી દુર્ગંધ ફેલાઈ ગઈ હતી.

બાદમાં, લંડનના અગ્નિશામક દળે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ટાવર હિલ સ્ટેશન ખાતે એક ટ્રેનમાં થયેલા ધડાકાની જાણ થતાં જ અમારા જવાનો પહોંચી ગયા હતા. એવું જણાય છે કે કોઈક મોબાઈલ ફોન ચાર્જરને કારણે ધડાકો થયો હતો.

બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસે ટ્વીટ કર્યું હતું કે ફાયર એલર્ટને પગલે ટાવર હિલ સ્ટેશન કામચલાઉ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે.