Home Blog Page 5644

ગુજરાતઃ ‘બિનઅનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ આયોગ’ મંજૂર

  • ગુજરાત રાજ્યની કેબિનેટની બેઠકમાં લેવાયેલા અતિમહત્વના નિર્ણયો
  • પોલીસ દમનની તપાસ માટે હાઇકોર્ટના નિવૃત્ત જજના અધ્યક્ષનું તપાસ પંચ નિમાશે
  • આંદોલન દરમિયાનના જે કેસો પાછા ખેંચવાની સત્તા રાજ્ય સરકાર હસ્તક છે તે કેસો પાછા ખેંચાશે
  • બિન અનામત સમાજની અન્ય જ્ઞાતિઓ માટે કાયદાની જોગવાઇ મુજબ નવું નિગમ બનાવવા રાજ્ય સરકાર વિચારશે : બંને સ્વતંત્ર રીતે કામ કરશે
  • ખેડૂતોને ખેતરની ફરતે કાંટાળા તારની વાડની સહાય માટે લઘુત્તમ મર્યાદા જે ૨૦ હેકટર હતી તે ઘટાડીને ૧૦ હેકટર કરાઇ

ગાંધીનગર– ગુજરાત સરકારે પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ માટે તેમજ આર્થિક રીતે સહાયરૂપ થવા ‘બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ આયોગ’ ની રચના કરવાનો રાજ્યની કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય કર્યો છે. ડેપ્યુટી સીએમ નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે આ આયોગ હેઠળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય તેમજ યુવાનોને  સ્વરોજગાર માટે પણ સહાય અપાશે.

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટની બેઠકમાં પાટીદાર સમાજ માટે લીધેલા નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. ગઇકાલે પાટીદાર સમાજ સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા થયા બાદ પાટીદાર સમાજ દ્વારા જે મુખ્યત્વે માગણીઓ રજૂ થઇ હતી, તેનો અમલ કરવા રાજ્ય સરકાર વતી મેં બાંહેધરી આપી હતી, જેને સમગ્ર સમાજે આવકાર્યો છે. આ માગણીઓ આજે કેબિનેટની બેઠકમાં રજૂ કરાતાં કેબિનેટ દ્વારા પણ આ નિર્ણયોને બહાલી આપવામાં આવી છે.

નાયબ મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે, આ આયોગ દ્વારા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ અને યુવાનોને સહાયરૂપ થવા શૈક્ષણિક રીતે સહાય, વિદેશમાં અભ્યાસ લોન માટે સહાય તેમજ ખેતી માટે વિવિધ સહાય તથા ઓછા વ્યાજની લોન પણ આપવામાં આવશે. એટલું જ નહીં, વ્યવસાય, ખેતી, રોજગારી, વાહન ખરીદી જેવા કિસ્સાઓમાં પણ ઓછા વ્યાજની લોન જેવી સવલતો આયોગ દ્વારા અપાશે. તેમજ રાજ્ય સરકારની સબસીડી મળવાપાત્ર યોજનાઓના લાભ પણ બિન અનામત જ્ઞાતિને અપાશે. ઉપરાંત રાજ્યમાં એક રૂપતા જળવાઇ રહે તે માટે પાટીદાર સમાજની સાથે અન્ય સમાજ પણ સમૃદ્ધ થાય તે માટે જો સરકાર સમક્ષ દરખાસ્ત કરવાની થતી હોય તો તેના માટે કાયદાકીય જોગવાઇ મુજબ નવું નિગમ બનાવવા માટે પણ સરકાર વિચારશે અને આ બન્ને બોડી સ્વતંત્ર રીતે કામ કરશે તેને પણ કેબિનેટે મંજૂરી આપી છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો તમામ પરિવારો સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર અને આયોગ ચોક્કસ મદદરૂપ બનશે.

પાટીદાર આંદોલન સમયે પોલીસદમન અંગે તપાસ કરવા માટે હાઇકોર્ટના નિવૃત્ત જજના અધ્યક્ષે પંચ રચવા માટેના નિર્ણયને પણ કેબિનેટે મંજૂરી આપી છે. આ બનાવો અંગેની નાગરિકોની ફરિયાદો હશે તેની તપાસ પણ નિવૃત્ત હાઇકોર્ટના જજ દ્વારા કરાશે. સાથે સાથે આંદોલન દરમિયાન જે કેસો થયા છે તે કેસો પાછા ખેંચવાની સત્તા રાજ્ય સરકાર હસ્તક છે તે તમામ કેસો પણ રાજ્ય સરકાર દ્વારા પાછા ખેંચવામાં આવશે. તે માટે ગૃહ અને કાયદા વિભાગના પરામર્શમાં રહી યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યસચિવ અને ગૃહ સચિવને સૂચનાઓ આપી દેવામાં આવી છે. જે કેસો સત્વરે પાછા ખેંચાશે.

નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતો માટે વધુ એક મહત્વનો નિર્ણય આજે કર્યો છે. જેમાં ખેડૂતોના ઉભા પાકોને ભૂંડ અને રોઝ દ્વારા નૂકશાન કરાતું હતું તેને મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે કાંટાળા તારનીવાડ બનાવવા માટે રૂ.૭૦૦ કરોડની સહાયની યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોના કલસ્ટરની જમીનની મર્યાદા જે ૨૦ હેકટર હતી તે ઘટાડીને ૧૦ હેકટર કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેનાથી રાજ્યના ખેડૂતોને વધુ ફાયદો થશે.

ગુજરાતને બેસ્ટ ટુરિઝમ એવોર્ડથી સન્માન

નવી દિલ્હી- ભારત સરકાર દ્વારા દર વર્ષે પ્રવાસનને લગતા વિવિધ ઉદ્યોગો માટે નેશનલ ટુરિઝમ એવોર્ડ રજૂ કરે છે. આ એવાર્ડ 1990થી આપવામાં આવે છે. આ વર્ષે ગુજરાત ટુરિઝમ હોલ ઓફ ફેમ એવોર્ડ ગુજરાતને ફાળે ગયો છે. નવી દિલ્હીમાં આજે બુધવારે યોજાયેલ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ગુજરાત ટુરીઝમ હોલ ઓફ ફેમ એવોર્ડ ગુજરાત રાજ્યના પ્રવાસનપ્રધાન ગણપતસિંહ વસાવાએ સ્વીકાર્યો હતો. અને પ્રિન્સિપાલ સેક્રેટરી એસ જે હૈદર અને ટીસીજીએલના એમડી અને કમિશ્નર જેનુ દેવન તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.  

મ્યાનમારમાં સર્જિકલ સ્ટ્રાઈકના સમાચારથી સેન્સેક્સ 439 પોઈન્ટ ગબડ્યો

અમદાવાદ– શેરબજારમાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળતાં કડાકો બોલી ગયો હતો. મ્યાનમારમાં સર્જિકલ સ્ટ્રાઈકના સમાચાર પાછળ તમામ સેકટરના શેરોમાં જોરદાર વેચવાલી આવી હતી. પરિણામે સેન્સેક્સ અને નિફટી ઝડપી ગબડ્યા હતા. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 439.95(1.39 ટકા) ગબડી 31,159.81 બંધ રહ્યો હતો. અને નિફ્ટી 135.75(1.38 ટકા) તૂટી 9735.75 બંધ થયો હતો.ભારતીય લશ્કરે ભારત મ્યાનમાર સરહદ પર વહેલી સવારે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી, અને નાગા વિદ્રોહીઓ પર હૂમલો કર્યો હતો. જો કે ભારતીય આર્મીએ આ વાતને નકારી છે. શેરબજારમાં સવારથી જ સાવચેતીનો સુર હતો. તેજીવાળા અને મંદીવાળા ખેલાડીઓની વેચવાલીનો દોર ચાલુ રહ્યો હતો. ગ્લોબલ માર્કેટમાં સુધારા તરફી ટ્રેન્ડ હતો. પણ ભારતીય શેરોમાં એફ એન્ડ ઓ એક્સપાયરીની અસર વધુ જોવા મળી હતી. તમામ સેકટરના શેરોના ભાવ ગબડ્યા હતા.

  • આગામી ગુરુવારે સપ્ટેમ્બર ઓપ્શન ફ્યુચર કોન્ટ્રેક્ટનો છેલ્લો દિવસ છે, જે અગાઉ તેજીવાળા ખેલાડીઓએ ઉભા લેણ સરખા કરવા વેચવાલી કાઢી હતી.
  • નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતી પ્રવર્તી રહી છે.
  • નોર્થ કોરિયાએ કહ્યું છે અમેરિકાએ યુદ્ધ જાહેર કર્યું છે, અમેરિકાએ સત્તાવાર રીતે ના કહી છે.
  • ભારતનો જીડીપી ગ્રોથ સતત ઘટીને આવ્યો છે. અર્થશાસ્ત્રીઓ ચિંતિત છે. સરકાર પણ ટેન્શનમાં આવી ગઈ છે. સરકાર રાહત પેકેજની જાહેરાત કરે તેવી શકયતા છે. જેથી માર્કેટમાં સાવચેતીનું વલણ જોવાઈ રહ્યું છે.
  • અમેરિકાની ફેડરલ રીઝર્વ ડીસેમ્બરમાં વ્યાજદરમાં વધારો કરશે, તેવી ધારણાએ એફઆઈઆઈની વેચવાલી ચાલુ રહી છે.
  • આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સના નવા શેરનું આજે નિરુત્સાહી લિસ્ટીંગ થયું હતું. એનએસઈ સ્ટોક ઈસ્યુપ્રાઈઝની નીચે રૂપિયા 651માં લિસ્ટ થયો હતો. નવા શેરની ઈશ્યુપ્રાઈઝ રૂ.661 હતી.
  • ભૂતપૂર્વ નાણાપ્રધાન યશવંતસિંહાએ પણ કહ્યું હતું કે નોટબંધથી જીડીપી ગ્રોથ ધીમો પડ્યો છે.
  • રોકડાના શેરોમાં ભારે વેચવાલી આવી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સમાં 308.08નું ગાબડુ પડ્યું હતું.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 338.91 તૂટ્યો હતો.
  • ડીજીએફટીએ યુરિયા આયાત માટે 2 કંપનીઓને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર(આરસીએફ) અને નેશનલ ફર્ટિલાઈઝર(એનએફએલ)ને યુરિયા આયાત કરવાની મંજૂરી મળી છે.
  • ઝાયડ્સ કેડિલા અને ગ્લેનમાર્ક ફાર્માની એક એક દવાને યુએસ એફડીએની મંજૂરી મળી છે. કેડિલાની ઈંડામેથાસિન કેપ્યુલ અને ગ્લેનમાર્કની ડેસોનાઈડ લોશનને મંજૂરી મળી છે.
  • ડિવિઝ લેબને યુએસ એફડીએએ ઝાટકો આપ્યો છે. વિશાખાપટ્ટનમ યુનિટ-2ની તપાસમાં ગરબડી મળી આવી છે. એફડીએએ યુનિટમાં દવાઓનો રેકોર્ડ નહી રાખવા અને સફાઈને લઈને ખામીઓ જાહેર કરી છે.

ભારતીય સેનાનો એક વધુ સર્જિકલ સ્ટ્રાઈક; આ વખતે મ્યાનમાર સરહદે નાગ ઉગ્રવાદીઓનો ખાત્મો કર્યો

નવી દિલ્હી – ભારતીય લશ્કરે આજે ભારત-મ્યાનમાર સરહદ નજીક એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્જિકલ સ્ટ્રાઈક નાગ બળવાખોરોના ગ્રુપ NSCN-K વિરુદ્ધનો હતો.

આ ઓપરેશનમાં નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ-ખાપલાંગ (NSCN-K) જૂથના બળવાખોરોના પક્ષે મોટી ખુવારી થઈ હોવાનું મનાય છે.

ભારતીય લશ્કરના પક્ષે કોઈ જાનહાનિ થઈ નથી, એવું આર્મીએ જણાવ્યું છે.

ભારતીય લશ્કરે પહેલો સર્જિકલ સ્ટ્રાઈક પાકિસ્તાને પચાવી પાડેલા કશ્મીરમાં કર્યો હતો.

આ વખતના હુમલામાં ભારતીય લશ્કરે નાગ બળવાખોરોના અડ્ડાઓને ટાર્ગેટ બનાવ્યા હતા.

ભારતીય આર્મીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેના સૈનિકો આજે વહેલી સવારે મ્યાનમાર સરહદ પર નાગ બળવાખોરોના અડ્ડાઓ પર ત્રાટક્યા હતા. ભારત-મ્યાનમાર સરહદ પરના બળવાખોરોએ સૈનિકો પર ગોળીબાર કર્યો હતો જેનો ભારતીય જવાનોએ વળતો જવાબ આપ્યો હતો.

ભારતનો આ સર્જિકલ સ્ટ્રાઈક આજે વહેલી સવારે લગભગ 4.45 વાગ્યે કરવામાં આવ્યો હતો અને તે બે કલાક સુધી ચાલ્યો હતો. ભારતીય સેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગી નહોતી.

નાગ બળવાખોરોના NSCN-K જૂથે 2001માં ભારત સરકાર સાથે તેણે કરેલા યુદ્ધવિરામ કરારનો 2015ની 27 માર્ચે ભંગ કર્યો હતો. ત્યારથી બળવાખોરો નાગાલેન્ડ અને મણિપુરમાં સરહદ પર પહેરો ભરતા ભારતીય સૈનિકો પર હુમલા કરવાનું શરૂ કર્યું હતું.

2015ના જૂનમાં બળવાખોરોના એક હુમલામાં 18 ભારતીય સૈનિકોનાં મરણ નિપજ્યા હતા.

જીડીસીઆરઃ રીયલ એસ્ટેટ સેક્ટરની ચીસાચીસ

દાયકાઓ વીત્યે પણ ઘરનું ઘર અપાવવાના દરેક સરકારના વાયદા અને તેને અનુષંગે લીધેલાં નિર્ણયો સતત થતી રહેતી પ્રક્રિયા રહી છે. સરકાર જેટલા નિર્ણય લે તેની સામે કેટલીક પરિસ્થિતિઓ એવી ખડી રહે છે કે રીયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી મંદીની બૂમો પાડી ઊઠે છે. જીડીસીઆરનો અમલ એવો એક મુદ્દો બની ગયો છે.

વલસાડ રીઅલ એસ્ટેટ એસોસિએશનોનો ફરિયાદી સૂર ઊઠ્યો છે કે બિઝનેસ તદ્દન ઠપ છે તેમાં સરકારે કોમન જીડીસીઆર દાખલ કરી પડતા પર પાટુ માર્યા જેવો ઘાટ સર્જયો છે. સરકારના આ નિયમ અંતર્ગત દરેક ડેવલોપર્સે જમીનના બાંધકામના કુલ વિસ્તારમાંથી 40% એરિયા છોડી પ્લાનિંગ કરવું પડશે એટલે જમીનનો ભાવ માર્કટ વેલ્યુ મુજબ વધશે ત્યાર બાદ તેમાં થતા બાંધકામનો ખર્ચ પણ વધશે તો ઉંચાઇમાં પણ આ વિસ્તાર D-7 કેટેગરીમાં મુક્યો છે. એટલે અત્યાર સુધી વાપી, વલસાડ ઉંમરગામમાં 30મિટર સુધી એટલે કે અંદાજીત 10માળની ઇમારત બનાવી શકાતી હવે તે નિયમમાં પણ ફેરબદલ કરી 16.5 મિટર લેવલ નક્કી કરાયુ છે એટલે અંદાજીત ચાર માળથી વધુની ઇમારત બનાવી નહી શકાય માટે લોકોને ઘરનુ ઘર લેવું હવે મોંઘુ બનશે અને મકાનોના ભાવ આસમાનને આંબશે

કોમન જીડીસીઆરનો સૌથી મોટો માર ખેડૂતોને પડશે કેમ કે જમીન એન એ કરાવવા માટે કે રીવાઇઝ કરવા માટે કુલ જમીનમાંથી 40% જમીન કપાતમાં જશે માટે બિલ્ડરો ડેવલોપર્સની સરકારને વિનંતી છે કે કોમન જીડીસીઆરનો અમલ ભલે કરે પરંતુ તે માત્ર શહેરી વિસ્તારમાં જ હોવો જોઇએ નહી તો આ નિયમથી આ વિસ્તારમાં રીઅલ એસ્ટેટ માર્કેટ કડડભૂસ થશે તે ચોક્કસ વાત છે
વલસાડ જિલ્લામાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે પહેલાં નોટબંધીનો માર ત્યાર બાદ રેરાનો અને જીએસટીની અમલવારીએ પહેલેથી જ મંદીનો માહોલ હતો. જો કે રેરા કાનૂન અકંદરે બિલ્ડરો, ડેવલોપર્સ માટે સારી વાત છે. પરંતુ તેમાં હજુ  સુધી ગવર્નમેન્ટ ડિક્શનરી જ તૈયાર નથી. રેરામાં ઘણી જ ઉણપ વર્તાઇ રહી છે. લોકોને સર્ટિફિકેટ મળ્યાં નથી. ઇન્વર્ડ થતું નથી લોન મળતી નથી તો ગ્રાહકોની પાસ થયેલી લોન બાદ બેંકમાંથી તે તમામ રકમ એકી સાથે મળતી નથી તેનો માર પહેલેથી જ ભોગવી રહેલા રીઅલ એસ્ટેટ બિઝનેસમાં હવે કોમન GDCRનો માર મહામાર તરીકે આવ્યો છે
રીઅલ એસ્ટેટ ક્ષેત્રે ખરીદી ઠપ રહેવાની ભીતિ છે .એક તરફ તહેવારો બજારમાં તેજીનો ઉત્સાહ વધારવા માટે હોય છે પરંતુ આ વખતે તહેવારોનો ઉત્સાહ પણ રહેશે કે કેમ તે સવાલ છે. રીઅલ એસ્ટેટ ક્ષેત્રે વર્તાઇ રહેલી મંદીનો માર આગામી દિવસોમાં મહામાર સાબિત થશે. જેને લઇને હાલ રિઅલ એસ્ટેટ બિઝનેસમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. સરકાર દ્વારા નોટબંધી, રેરા, જીએસટી બાદ ઉગામેલું નવું શસ્ત્ર છે. કોમન GDCR (ગુજરાત કોમ્પરહેન્સિવ ડેવલોપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન 2017) જેવું લાંબુંલચક નામ જેનું ગુજરાતી પણ એટલું જ અઘરું છે (ગુજરાત સંકલિત સામાન્ય વિકાસ નિયંત્રણ વિનિયમો 2017) જેમાં ગુજરાતના 107 શહેરોનો સમાવેશ થાય છે.

USના સંરક્ષણપ્રધાનની મુલાકાત સમયે જ કાબૂલ એરપોર્ટ પર હુમલો

કાબુલ- અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર આશરે 30 જેટલા રોકેટથી હુમલો કરાયો છે. મળતી માહિતી મુજબ અમેરિકાના રક્ષાપ્રધાન જનરલ મેટિસ અને નાટોના વરિષ્ઠ અધિકારી જેન્સ સ્ટોલટનબર્ગની અફઘાનિસ્તાન મુલાકાત સમયે આ હુમલો કરવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાનના ગૃહમંત્રાલયના જણાવ્યા મુજબ આ હુમલો રોકેટથી કરવામાં આવ્યો છે. અને અંદાજે 20થી 30 જેટલા રોકેટથી હુમલો કરાયાની વાત અફઘાનિસ્તાન ગૃહમંત્રાલયે સ્વીકારી છે. હાલ આ મામલે કોઈ પણ પ્રકારના જાનમાલની નુકસાનના સમાચાર નથી.

સ્થાનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ રોકેટ લૉન્ચ કરાયા બાદ ફાયરિંગના પણ અવાજ સાંભળવા મળ્યાં છે. સુરક્ષાના કારણોસર એરપોર્ટ ખાલી કરાવી દેવાયું છે અને તમામ ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ હાલમાં જ અફઘાનિસ્તાનમાં પોતાના વધુ સૈનિકો મોકલવાની વાત જણાવી હતી. આ મામલે અમેરિકાના રક્ષાપ્રધાન સ્થિતિની સમીક્ષા કરવા અફઘાનિસ્તાન પહોંચ્યા છે. રોકેટ હુમલા અંગે હજી સુધી કોઈપણ આતંકી સંગઠને જવાબદારી સ્વીકારી નથી.

ભારત-US સાથે મળી પાક.ના ન્યૂક્લિયર કેન્દ્ર બરબાદ કરે: પૂર્વ US સેનેટર

વોશિંગ્ટન- અમેરિકાના પૂર્વ સેનેટરે જણાવ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસિડેન્ટ બનવાનો ફાયદો ભારતને સૌથી વધુ મળી શકે છે. કારણકે, ટ્રમ્પે પાકિસ્તાનને આતંકીઓનું સમર્થન કરવા પર ફટકાર લગાવી છે. અને આ વાત ભારતના પક્ષમાં છે.

એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર અમેરિકાના પૂર્વ સેનેટર લેરી પ્રેસલરે જણાવ્યું કે, ભારત અને અમેરિકાએ સાથે મળીને પાકિસ્તાનના ન્યૂક્લિયર કેન્દ્રોને તબાહ કરી દેવા જોઈએ. અને આ માટે ટ્રમ્પે પેન્ટાગનને સમજાવવું પડશે.

વધુમાં લેરી પ્રેસલરે જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને પોતાનું જુઠ્ઠાણું છુપાવવા માટે ભારતનને જ આતંકવાદનું જનક ગણાવ્યું. જે પેન્ટાગન દ્વારા પાકિસ્તાનને ખોટું પ્રોત્સાહન આપવાનું જ પરિણામ છે.

પોતાના સંબોધનમાં પ્રેસલરે કહ્યું કે, અમેરિકાએ પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવો જોઈએ અને તેને આપવામાં આવતી દરેક પ્રકારની સહાયતા તાત્કાલિક અસરથી બંધ કરવી જોઈએ. અમેરિકાએ ભારત અને પાકિસ્તાનન સાથે એક જ પ્રકારનો વ્યવહાર કરવો જોઈએ નહીં. કારણકે ભારત એક લોકતાંત્રિક દેશ છે. જ્યારે પાકિસ્તાનમાં ફક્ત નામમાત્રની લોકશાહી છે. આડકતરી રીતે પાકિસ્તાનની સત્તા કોણ ચલાવે છે તે વૈશ્વિક સમુદાય સારી રીતે જાણે છે.

પ્રેસલરે કહ્યું કે, પાકિસ્તાન અને તેની એજન્સી ISI વર્ષોથી અમેરિકા સાથે જુઠ્ઠાણાનો વ્યવહાર કરી રહ્યાં છે. પ્રેસલરે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, જો અમેરિકાએ પાકિસ્તાનને આર્થિક સહાય ન કરી હોત તો આજે પાકિસ્તાન પરમાણું હથિયાર બનાવી શક્યું ન હોત.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજે સંયુક્ત રાષ્ટ્રના પોતાના સંબોધનમાં પાકિસ્તાનના જુઠ્ઠાણાંનો પર્દાફાશ કર્યો હતો. આપને જણાવી દઈએ કે પાકિસ્તાને ભારત ઉપર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.

ચોટીલામાં રાહુલ ગાંધીનું સંબોધન, ગુજરાત મોડલને ગણાવ્યું નિષ્ફળ

રાહુલ ગાંધીએ પોતાના ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે ધ્રોળ અને ચોટીલામાં લોકોને સંબોધન કર્યું હતુ. ચોટીલામાં માતા ચામુંડાના દર્શન કરી માર્કેટિંગ યાર્ડ ખાતે લોકોને સંબોધન કર્યું હતુ. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ખેડૂતો અને યુવાનો મુદ્દે ખૂબ જ ભાર આપ્યો હતો અને બીજેપીની સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતાં.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે હિંદુસ્તાન અને ગુજરાત સામે બે-ત્રણ મોટા પડકારો છે. સૌથી મોટો સવાલ બેરોજગારીનો છે. રાહુલે જણાવ્યું કે દેશની જનતાએ મોદીજી પર વિશ્વાસ મુકીને તેમને એટલા માટે વડાપ્રધાન બનાવ્યા કારણ કે તેમણે પ્રતિવર્ષ 2 કરોડ યુવાનોને રોજગારી આપવાનું વચન આપ્યું હતું પરંતુ પરીસ્થિતિ કંઈક અલગ છે. રોજ 30 હજાર યુવાનો નોકરી માટે ઘરેથી નીકળે છે તેમાંથી માત્ર 400 લોકોને રોજગારી મળે છે. રાહુલે જણાવ્યું કે જ્યારે કેન્દ્રમાં અમારી સરકાર હતી ત્યારે પ્રતિવર્ષ 1 લાખ યુવાનોને રોજગારી મળતી હતી. તો આ સીવાય ચાઈના મુદ્દે બોલતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે આપણે ચાઈના સાથે કોમ્પીટીશન કરી રહ્યા છીએ પણ તમે કોઈપણ વસ્તુ બજારમાં ખરીદવા જશો તો તેની પાછળ મેડ ઈન ચાઈના લખેલું હશે. ખેડુતો મુદ્દે બોલતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશને ઉભો કરવામાં ખેડુતોએ મહત્વનો ભાગ ભજવ્યો છે, પરંતુ મોદી સરકાર ખેડુતોને ભૂલી ગઈ છે. રાહુલે જણાવ્યું કે મોદી સરકાર પોતાના ઉદ્યોગપતિ મીત્રોને આપેલા વચનો પૂરા કરે છે, પરંતુ તેઓ આ દેશના ખેડુતો, યુવાનો, અને નાના ઉદ્યોગપતિઓને આપેલા વચને પૂરા નથી કરતા. જનતાને કોંગ્રેસનો ભરોસો આપતા રાહુલે જણાવ્યું કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો અમે લોકો યુવાનોને રોજગારી આપીશું અને ખેડૂતોનું દેવું માફ કરીશું.

પાટીદારો મુદ્દે બોલતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે બીજેપીની સરકારે પાટીદારો પર અત્યાચાર કર્યો છે, કોંગ્રેસની સરકાર ક્યારેય આવું ન કરે. અમે લોકો ભાઈચારાથી લોકોને સાથે રાખીને ચાલીશું. મોદીજી ગુજરાત મોડલને રાહુલ ગાંધીએ નિષ્ફળ ગણાવ્યું અને કહ્યું કે અત્યારે જે ગુજરાત મોડલ છે તે તદ્દન નિષ્ફળ છે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો અમે લોકો બધાને સાથે રાખીને ચાલીશું અને ગુજરાત ફરીએકવાર આખા દેશનું નેતૃત્વ કરશે.

અમદાવાદઃ રાસગરબામાં મતદાનની અપીલ

અમદાવાદના મણિનગરમાં મણિયારા રાસગરબામાં મતદાનની અપીલ કરવામાં આવી હતી, અને ગરબામાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આગામી ચૂંટણી પર્વમાં અચૂક મતદાન કરવાની ખેલૈયાઓએ નાગરિકોને અપીલ કરીને રાસગરબામાં ઘુમયા હતા. હાથમાં દાંડિયાની જગ્યા એ પ્લેકાર્ડ હાથમાં રાખીને રાસગરબા રમ્યાં હતાં. દીવાળીના પર્વ પછી ચૂંટણીનું પર્વ આવી રહ્યું છે. મતદાન અચૂક કરીએ…