ગુજરાતઃ ‘બિનઅનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ આયોગ’ મંજૂર

  • ગુજરાત રાજ્યની કેબિનેટની બેઠકમાં લેવાયેલા અતિમહત્વના નિર્ણયો
  • પોલીસ દમનની તપાસ માટે હાઇકોર્ટના નિવૃત્ત જજના અધ્યક્ષનું તપાસ પંચ નિમાશે
  • આંદોલન દરમિયાનના જે કેસો પાછા ખેંચવાની સત્તા રાજ્ય સરકાર હસ્તક છે તે કેસો પાછા ખેંચાશે
  • બિન અનામત સમાજની અન્ય જ્ઞાતિઓ માટે કાયદાની જોગવાઇ મુજબ નવું નિગમ બનાવવા રાજ્ય સરકાર વિચારશે : બંને સ્વતંત્ર રીતે કામ કરશે
  • ખેડૂતોને ખેતરની ફરતે કાંટાળા તારની વાડની સહાય માટે લઘુત્તમ મર્યાદા જે ૨૦ હેકટર હતી તે ઘટાડીને ૧૦ હેકટર કરાઇ

ગાંધીનગર– ગુજરાત સરકારે પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ માટે તેમજ આર્થિક રીતે સહાયરૂપ થવા ‘બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ આયોગ’ ની રચના કરવાનો રાજ્યની કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય કર્યો છે. ડેપ્યુટી સીએમ નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે આ આયોગ હેઠળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય તેમજ યુવાનોને  સ્વરોજગાર માટે પણ સહાય અપાશે.

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટની બેઠકમાં પાટીદાર સમાજ માટે લીધેલા નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. ગઇકાલે પાટીદાર સમાજ સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા થયા બાદ પાટીદાર સમાજ દ્વારા જે મુખ્યત્વે માગણીઓ રજૂ થઇ હતી, તેનો અમલ કરવા રાજ્ય સરકાર વતી મેં બાંહેધરી આપી હતી, જેને સમગ્ર સમાજે આવકાર્યો છે. આ માગણીઓ આજે કેબિનેટની બેઠકમાં રજૂ કરાતાં કેબિનેટ દ્વારા પણ આ નિર્ણયોને બહાલી આપવામાં આવી છે.

નાયબ મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે, આ આયોગ દ્વારા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ અને યુવાનોને સહાયરૂપ થવા શૈક્ષણિક રીતે સહાય, વિદેશમાં અભ્યાસ લોન માટે સહાય તેમજ ખેતી માટે વિવિધ સહાય તથા ઓછા વ્યાજની લોન પણ આપવામાં આવશે. એટલું જ નહીં, વ્યવસાય, ખેતી, રોજગારી, વાહન ખરીદી જેવા કિસ્સાઓમાં પણ ઓછા વ્યાજની લોન જેવી સવલતો આયોગ દ્વારા અપાશે. તેમજ રાજ્ય સરકારની સબસીડી મળવાપાત્ર યોજનાઓના લાભ પણ બિન અનામત જ્ઞાતિને અપાશે. ઉપરાંત રાજ્યમાં એક રૂપતા જળવાઇ રહે તે માટે પાટીદાર સમાજની સાથે અન્ય સમાજ પણ સમૃદ્ધ થાય તે માટે જો સરકાર સમક્ષ દરખાસ્ત કરવાની થતી હોય તો તેના માટે કાયદાકીય જોગવાઇ મુજબ નવું નિગમ બનાવવા માટે પણ સરકાર વિચારશે અને આ બન્ને બોડી સ્વતંત્ર રીતે કામ કરશે તેને પણ કેબિનેટે મંજૂરી આપી છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો તમામ પરિવારો સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર અને આયોગ ચોક્કસ મદદરૂપ બનશે.

પાટીદાર આંદોલન સમયે પોલીસદમન અંગે તપાસ કરવા માટે હાઇકોર્ટના નિવૃત્ત જજના અધ્યક્ષે પંચ રચવા માટેના નિર્ણયને પણ કેબિનેટે મંજૂરી આપી છે. આ બનાવો અંગેની નાગરિકોની ફરિયાદો હશે તેની તપાસ પણ નિવૃત્ત હાઇકોર્ટના જજ દ્વારા કરાશે. સાથે સાથે આંદોલન દરમિયાન જે કેસો થયા છે તે કેસો પાછા ખેંચવાની સત્તા રાજ્ય સરકાર હસ્તક છે તે તમામ કેસો પણ રાજ્ય સરકાર દ્વારા પાછા ખેંચવામાં આવશે. તે માટે ગૃહ અને કાયદા વિભાગના પરામર્શમાં રહી યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યસચિવ અને ગૃહ સચિવને સૂચનાઓ આપી દેવામાં આવી છે. જે કેસો સત્વરે પાછા ખેંચાશે.

નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતો માટે વધુ એક મહત્વનો નિર્ણય આજે કર્યો છે. જેમાં ખેડૂતોના ઉભા પાકોને ભૂંડ અને રોઝ દ્વારા નૂકશાન કરાતું હતું તેને મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે કાંટાળા તારનીવાડ બનાવવા માટે રૂ.૭૦૦ કરોડની સહાયની યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોના કલસ્ટરની જમીનની મર્યાદા જે ૨૦ હેકટર હતી તે ઘટાડીને ૧૦ હેકટર કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેનાથી રાજ્યના ખેડૂતોને વધુ ફાયદો થશે.