Home Blog Page 5643

કશ્મીરમાં આતંકવાદીઓએ BSF જવાનના ઘરમાં ઘૂસી એમને ઠાર માર્યા, ગોળીબારમાં એમના 3 પરિવારજન ઘાયલ

શ્રીનગર – જમ્મુ અને કશ્મીરના બાંદીપોરા જિલ્લાના પારે મોહલ્લામાં ત્રાસવાદીઓએ સીમા સુરક્ષા દળ (બીએસેફ)ના એક જવાનના ઘરમાં ઘૂસી એમને ઠાર માર્યા છે. આ ઘટના બુધવારે રાતે બની હતી.

શહીદ જવાનનું નામ મોહમ્મદ રમઝાન પારે (23) છે. એમને રાજસ્થાનમાં પોસ્ટિંગ અપાયું હતું, પણ તેઓ 20 દિવસ માટે રજા પર હોવાથી બાંદીપોરા સ્થિત એમના ઘેર આવ્યા હતા.

આતંકવાદીઓએ ઘરમાં ઘૂસી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જવાનનું ઘટનાસ્થળે જ મરણ નિપજ્યું હતું. જ્યારે પારેના પિતા, બે ભાઈ અને એક કાકી ઘાયલ થયાં છે. કાકીની હાલત ગંભીર છે, પણ અન્ય ત્રણ જણની હાલત સ્થિર છે.

ત્રાસવાદીઓ હુમલો કર્યા બાદ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.

પારે અમુક વર્ષ પહેલાં જ બીએસએફમાં જોડાયા હતા.

રૂપાલની પલ્લી માટે તંત્ર દ્વારા ખાસ સ્વચ્છતા આયોજન

ગાંધીનગરઃ રૂપાલમાં પ્રતિવર્ષ યોજાતાં વરદાયિની માતાજીના પલ્લીના ઉત્સવમાં-મેળામાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે. ત્યારે આ વર્ષે માતાજીના આ પવિત્ર ઉત્સવમાં તંત્ર દ્વારા પણ ખાસ તકેદારીઓ રાખવામાં આવી છે. ખાસ કરીને સ્વચ્છતા પર ખૂબ ભાર મુકવામાં આવ્યો છે. સ્વચ્છતા જળવાય તે માટે રાઉન્ડ ધી કલોક મોનીટરિંગ કરવામાં આવશે. દુકાનદારોને પ્લાસ્ટિક અને પાણીના પાઉચ દ્વારા ગંદકી ન થાય તેની તકેદારી રાખવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે.

રૂપાલ ખાતે પ્રતિવર્ષ માતા વરદાયીનીની પલ્લીનો ઉત્સવ-મેળો યોજાય છે. આખા ગામમાં મા વરદાયીની પલ્લી ફરે છે અને આ પલ્લીના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે. ત્યારે રૂપાલ ખાતે વરદાયિની માતાજીના પલ્લીના મેળાના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓને કોઇપણ પ્રકારની તકલીફ પડે નહી તે માટે રૂપાલ ખાતે જિલ્લા કલેકટર સતીશ પટેલના અધ્યક્ષ સ્થાને મંદિરના ટ્રસ્ટીઓ, ગ્રામજનો અને જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

જિલ્લા કલેકટર સતીશ પટેલે જણાવ્યું હતું કે, નોમના પલ્લીના મેળામાં આવતા લાખો દર્શનાર્થીઓને પ્રાથમિક જરૂરિયાત જેવી કે, પીવાના પાણી, વીજળીઅને વાહન વ્યવહાર સહિત ટ્રાફિક અને સ્વચ્છતા જળવાય તે માટે રાઉન્ડ ધી કલોક મોનીટરીંગ થવું જોઇએ. સ્વચ્છતા અને આરોગ્ય તથા કાયદો અને વ્યવસ્થા તથા ટ્રાફિકના પ્રશ્નો અંગે તકેદારીના ભાગરૂપે બેનરો અને અગત્યના ટેલીફોન નંબરના સંપર્કો દર્શાવતા બેનરો પ્રદર્શિત કરવાના આયોજન અંગે પણ વાત કરવામાં આવી હતી. માતાજીની પલ્લી ઉપર શુઘ્ઘ ધી નો માત્ર પ્રતિક રૂપે અભિષેક થાય અને ડુપ્લીકેટ ધી નું વેચાણ ન થાય તે માટે ૪૦ વેપારીઓના ધી વેચાણના રજીસ્ટ્રેશન ઉપરાંત મધુર ડેરીના ચાર સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય માટે ચાર મેડીકલ ટીમ સહિત ૧૦૮ની વ્યવસ્થા કરવામાં આવી છે. દુકાનદારોને પ્લાસ્ટિક અને પાણીના પાઉચ દ્વારા ગંદકી ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. ગાંધીનગર, કલોલ અને માણસા ડેપોની વધુ એસ.ટી બસ રૂપાલ માટે ફાળવવા અને વધુ ટ્રીપોનું આયોજન કરવામાં આવશે.

રૂપાલની પલ્લીમાં કાયદો અને વ્યવસ્થાની પણ ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે બે ડીવાયએસપી, આંઠ પી.આઈ, 27 પીએસઆઈ,344 પોલીસ, 65 મહિલા પોલીસ, 10 કમાન્ડો અને 230 હોમગાર્ડના જવાનો ફરજ બજાવશે.

આઠમા નોરતે પૂજો મા મહાગૌરી, દુઃખથી મળશે મુક્તિ

અહેવાલ- હાર્દિક વ્યાસ

જે નવરાત્રિનો આઠમો દિવસ અર્થાત આઠમું નોરતું છે. આજના દિવસે મા જગદંબાએ મહાગૌરી સ્વરૂપ ધારણ કર્યુંં હતું. “માં” શબ્દ જ એવો છે કે તેને બોલતાં જ મોં ભરાઈ જાય અને અનન્ય આનંદની અનુભૂતિ થાય છે. અને “માં” નો મહિમા અને મમતા પણ એવી છે કે હૃદયના સાચા ભાવથી જો તેમની ઉપાસના કરવામાં આવે તો “માં” ચોક્કસ રીઝે અને અણધાર્યા કામ પાર પાડે. સ્વપ્નમાં પણ જે ન વિચાર્યા હોય તેવા કામો પાર પાડે અને મોટા ડુંગર જેવી અતુટ તકલીફોનો પળવારમાં ભાંગીને ભૂક્કો કરી નાંખે એનુ નામ “માં”. આજે આઠમા નોરતે જાણીએ “માં મહાગૌરીનો” મહિમા.

મા જગદંબાએ આઠમા નોરતે મહાગૌરી સ્વરૂપ ધારણ કર્યું હતું. માતાજીનો વર્ણ ગોરો હોવાથી માને મહગૌરીના નામથી ઓળખવામાં આવે છે. આ ગૌરતાની ઉપમા શંખ, ચંદ્ર અને મોગરાના પુષ્પથી અપાઇ છે. તેમની ઉંમર આઠ વર્ષની માનવામાં આવી છે. અષ્ટ વર્ષા ભવેદ્ ગૌરી. માતાજીના સમસ્ત આભૂષણ અને વસ્ત્રો શ્વેત રંગના છે. માતાજીને ચાર ભૂજાઓ છે, અને તેમનું વાહન વૃષભ છે. માતાજીનો ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના જમણા હાથમાં ત્રિશૂળ છે. ઉપરના ડાબા હાથમાં ડમરુ છે અને નીચેનો ડાબો હાથ વરમુદ્રામાં છે. માતાજીની મુદ્રા અત્યંત શાંત છે.

પોતાના પાર્વતી સ્વરૂપમાં માતાજીએ ભગવાન શિવને પતિરૂપે મેળવવા માટે ઘણું કઠોર તપ કર્યું હતું. તેમની પ્રતિજ્ઞા હતી કે વ્રિયેડહં વરદં શંભું નાન્યં દેવં મહેશ્વરાત્. ગોસ્વામી તુલસીદાસજી અનુસાર તેમણે ભગવાન શિવના વરણ માટે કઠોર સંકલ્પ કર્યો હતો.

પોતાના પાર્વતી રૂપમાં માતાજીએ ભગવાન શિવને પતિરૂપે પામવા માટે ઘણું કઠોર તપ કર્યું હતું.

જન્મ કોટિ લગિ રગર હમારી |

બરઉ સંભુ ન ત રહઉં કુઁઆરી ||

આ કઠોર તપને કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું. તેમના તપથી પ્રસન્ન થઇને જ્યારે ભગવાન શિવે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી ધોયું ત્યારે તેઓ વિદ્યુતપ્રભા જેવા અત્યંત  કાન્તિમાન-ગૌર થઇ ઉઠ્યાં, ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું.

નવરાત્રિના આઠમાં નોરતે મા મહાગૌરીની પૂજા કરવાનું અનન્ય મહત્વ રહેલું છે. માતાજીની શક્તિ અમોઘ અને તરત ફળ આપનારી છે. મા મહાગૌરીની ઉપાસના કરવાથી ભક્તોના પૂર્વસંચિત પાપોનો નાશ થાય છે અને સાથે જ ભવિષ્યમાં પાપ-સંતાપ કે દુઃખ સહિતની વસ્તુઓ ક્યારેય જીવનમાં આવતી નથી. મા મહાગૌરીની ઉપાસના કરનારો ભક્ત સર્વપ્રકારે પવિત્ર બની અક્ષણ પુણ્યનો અધિકારી બની જાય છે.

મા મહાગૌરીની પૂજા-આરાધના અને ઉપાસના ભક્તો માટે દરેક રીતે કલ્યાણકારી છે. માતાજીની કૃપા જે ભક્ત પર વરસે તેને અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. મનને અનન્ય ભાવે એકનિષ્ઠ કરી ભક્ત જો તેમના પાદારવિંદોનું ધ્યાન ધરે તો તે ભક્તના તમામ કષ્ટો અવશ્ય મા મહાગૌરી દૂર કરે છે. મા મહાગૌરીની ઉપાસનાથી આર્તજનોના મુશ્કેલમાં મુશ્કેલ અસંભવ કાર્યો પણ સંભવ બની જાય છે. પુરાણમાં માતાજીના મહિમાનો ખૂબ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મા મહાગૌરી મનુષ્યની વૃત્તિઓને સત્ય તરફ પ્રેરિત કરીને તેના જીવનમાંથી અસત્યનો વિનાશ કરે છે.

મહાગૌરી માતાની ઉપાસના માટેનો મંત્ર

श्वेते वृषे समारुढा श्वेताम्बरधरा शुचिः |

महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा ||

પાણીમાં ડૂબેલા પાટા પરથી એક્સપ્રેસ ટ્રેન ભગાવવાની ઘટનાઃ વિરાર સ્ટેશનના બે અધિકારી સામે લેવાશે શિસ્તભંગના પગલાં

મુંબઈ – ગઈ 20 સપ્ટેંબરે મુંબઈ તથા પડોશના પાલઘર જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અનેક સ્ટેશનો ખાતે પાટા પર પાણી ફરી વળ્યા હતા. પાલઘર જિલ્લાનું નાલાસોપારા સ્ટેશન પણ એમાંથી બાકાત નહોતું.

એ દિવસે સવારે લગભગ 6.45 વાગ્યે 4 નંબરના પ્લેટફોર્મ પર ઊભેલા પ્રવાસીઓના આશ્ચર્ય વચ્ચે એક એક્સપ્રેસ ટ્રેન વ્હીસલ મારતી ધસમસતી આવતી દેખાઈ હતી. લોકોને વધારે આશ્ચર્ય એ થયું હતું કે પાટા પર પાણી ફરી વળ્યા હતા તે છતાં એ મેલ ટ્રેન ખૂબ જ પૂરપાટ ગતિએ પસાર થઈ હતી. ટ્રેન એ રીતે ભાગતી આવી હતી એને લીધે પ્લેટફોર્મ પર ઊભેલા લોકો પર ખૂબ પાણી ઊડ્યું હતું અને લોકોને રક્ષણ મેળવવા અહીંતહીં ભાગવું પડ્યું હતું.

ઘણા પ્રવાસીઓએ પોતપોતાના મોબાઈલ ફોન દ્વારા એ દ્રશ્યની મૂવી ઉતારી લીધી હતી.

એ વિડિયો બાદમાં તરત જ સોશિયલ મિડિયા પર વાયરલ થયો અને જયપુર-પુણે સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના એન્જિન ડ્રાઈવર અને જવાબદાર રેલવે અધિકારીઓ સામે પગલાં લેવાની માગણી થઈ હતી.

આખરે પશ્ચિમ રેલવે તંત્રે તપાસ યોજી હતી. હવે બે અધિકારીને કસુરવાર ઠેરવવામાં આવ્યા છે. આ બે જણ છે – વિરારના સ્ટેશન માસ્તર બિપીનકુમાર સિંહ અને ઈન્સ્પેક્ટર શેખ અબ્દુલ રહીમ. આ બંને સામે આરોપ છે કે એમણે યોગ્ય સ્પીડ નિયંત્રણો ઈસ્યૂ કર્યા નહોતા.

બિપીન સિંહે એક્સપ્રેસ ટ્રેનના એન્જિન ડ્રાઈવર સાથે કોઈ સંદેશવ્યવહાર કર્યો નહોતો. તે વખતે નાલાસોપારા સ્ટેશનના પાટા પર 150 મી.મી.થી વધુનું જળસ્તર હતું.

નિયમો એવા છે કે જો પાટા પર પાણી ભરાયું હોય તો ટ્રેનની સ્પીડ ખૂબ ઓછી કરી દેવી, કારણ કે ડૂબી ગયેલા પાટા પરથી સ્પીડમાં ભગાવવાથી ટ્રેન ઉથલી પડવાની સંભાવના રહે છે.

 

httpss://www.youtube.com/watch?v=xzAeD6t71PE

દિવાળી તહેવાર ટાણે જ મહારાષ્ટ્રમાં એસ.ટી. કર્મચારીઓ હડતાળ પર જાય એવી શક્યતા

મુંબઈ – મહારાષ્ટ્રના લોકો માટે દિવાળી પૂર્વે જ નિરાશાજનક સમાચાર છે. રાજ્યના સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના બસ, કંડક્ટરો સહિતના કર્મચારીઓ તહેવાર પૂર્વે હડતાળ પર જવાના હોવાના અહેવાલ છે.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત છ કર્મચારી સંગઠનો આ હડતાળમાં જોડાવાના છે. તેઓ 16 ઓક્ટોબરની મધરાતથી હડતાળ પર જશે.

કર્મચારીઓની ત્રણ મુખ્ય માગણી આ છે: સાતમા વેતન પંચની ભલામણોનો અમલ કરવો જોઈએ, પદ-આધારિત વેતન શ્રેણી આપવી જોઈએ, કર્મચારીઓના વેતન અંગે સુધારિત કરાર અમલમાં ન મૂકાય ત્યાં સુધી કર્મચારીઓને 25 ટકા હંગામી વેતન વધારો આપવો જોઈએ.

હડતાળ પર જવું કે નહીં? તે વિશે નિર્ણય લેવા માટે કર્મચારીઓના પ્રતિનિધિઓની બોલાવવામાં આવેલી બેઠકમાં 90 ટકા જણે હા પાડી હતી.

ભૂતકાળમાં 1972, 1996 અને 2007માં એસ.ટી. કર્મચારીઓએ હડતાળ પાડી હતી.

મહારાષ્ટ્રમાં એસ.ટી. કર્મચારીઓની સંખ્યા આશરે એક લાખ, 7 હજાર જેટલી છે. રાજ્યમાં 17 હજાર એસ.ટી. બસો ફરે છે. રાજ્યમાં 258 એસ.ટી. ડેપો અને વિભાગીય કાર્યાલયો છે.

કંગના ફરી વિવાદમાં સપડાઈઃ આદિત્ય પંચોલીએ કાનૂની નોટિસ ફટકારી

મુંબઈ – કંગના રણૌત બોલીવૂડમાં એક પ્રતિભાશાળી અભિનેત્રી તરીકે જાણીતી થઈ છે, પરંતુ સાથોસાથ નાની-મોટી મુસીબતો કે વિવાદ પણ એનો પીછો છોડતાં નથી.

કંગનાએ હાલમાં એક મુલાકાત વખતે તેનાં ભૂતકાળનાં પ્રેમ પ્રકરણો વિશે આંચકાજનક કબૂલાત કરી હતી. એનાં ઘટસ્ફોટની ઋતિક રોશન, અધ્યયન સુમન પર કોઈ અસર થઈ નથી અને એમણે મૌન ધારણ કરી રાખ્યું છે, પણ અભિનેતા આદિત્ય પંચોલીની અભિનેત્રી પત્ની ઝરીના વહાબ ખૂબ રોષે ભરાઈ છે. તો આદિત્યએ તો ‘સિમરન’ની અભિનેત્રી કંગનાને કાનૂની નોટિસ ફટકારી દીધી છે.

ઝરીના વહાબે કંગના સામે ક્રિમિનલ અને માનહાનિનો કેસ કરવાનો નિર્ણય લીધો છે.

આદિત્ય પંચોલીએ કહ્યું છે કે કેસ હવે કોર્ટને આધીન છે તેથી એ વિશે વધારે કંઈ ન બોલવાની તેના વકીલોએ સલાહ આપી છે.

એક મુલાકાતમાં ઝરીનાએ કહ્યું કે, કંગના હવે તો ખરેખર હદ વટાવી ગઈ છે. ફિલ્મના પ્રમોશન માટે આવી વાતો કરવાની શું જરૂર હતી? જૂના સંબંધો વિશે કાદવ ઉછાળવાને બદલે એણે ભૂતકાળનું દફન કરી દેવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે કંગનાએ એવો દાવો કર્યો છે કે પોતે ઉંમરમાં આદિત્ય પંચોલીની પુત્રી સના કરતાંય નાની છે.

ઝરીના વહાબને ગુસ્સો એ વાતનો ચડ્યો છે કે કંગનાએ આ બધામાં એમની પુત્રી સનાને શા માટે ઢસડી છે. ‘પોતાના પ્રચારમાં મારી દીકરીનું નામ ઢસડવા બદલ કંગનાએ મારી માફી માગવી જોઈએ. કંગના એ ભૂલી ગઈ છે કે એ જ્યારે મુંબઈમાં નવી આવી હતી ત્યારે મેં અને નિર્મલ (આદિત્ય પંચોલીનું ખરું નામ)એ એને કેટલી મદદ કરી હતી. નિર્મલે જ કંગનાનાં નામની નિર્માતાઓને ભલામણ કરી હતી.

સુરક્ષાની દ્રષ્ટિએ મુંબઈ એરપોર્ટનો દુનિયામાં જોટો જડે એમ નથી

ભારતમાં સુરક્ષા બંદોબસ્તની દ્રષ્ટિએ સૌથી સલામત એરપોર્ટ કયું?

વર્લ્ડ ક્વોલિટી કોંગ્રેસ (WQC)ના મતે એવું એરપોર્ટ મુંબઈ છે. આ જાગતિક ક્વોલિટી રેટિંગ એજન્સીએ મુંબઈને માત્ર ભારતનું જ નહીં, સમગ્ર વિશ્વમાં સૌથી મજબૂત સુરક્ષા કવચ ધરાવતું એરપોર્ટ ગણાવ્યું છે.

મુંબઈના મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત ભારતભરના વિમાનીમથકો પર સુરક્ષા વ્યવસ્થા સંભાળવાનું કામ CISF (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યૂરિટી ફોર્સ) એજન્સી કરે છે.

મુંબઈના એરપોર્ટ માટેનો આ એવોર્ડ CISF એજન્સીને આવતા મહિને દુબઈમાં નિર્ધારિત વિશેષ કાર્યક્રમમાં એનાયત કરવામાં આવશે.

આ એવોર્ડની પસંદગી માટે વર્લ્ડ ક્વોલિટી કોંગ્રેસ સંસ્થા નિષ્પક્ષ રીતે મૂલ્યાંકન કરે છે.

વર્લ્ડ ક્વોરિટી કોંગ્રેસનું કહેવું છે કે CISF જે સુરક્ષા પૂરી પાડે છે તે વિશ્વના અન્ય કોઈ પણ શહેરના એરપોર્ટ કરતાં બેસ્ટ છે.

મુંબઈ એરપોર્ટનું રેટિંગ વધારનાર આ છે મુદ્દા

મુંબઈ એરપોર્ટ પર બેગેજ ટેગ સ્ટેમ્પિંગ પ્રથાને બંધ કરવા સહિત જે કેટલાંક મહત્વના પગલાં લેવામાં આવ્યા છે એનાથી તેનું રેટિંગ ખૂબ સુધરી ગયું અને એવોર્ડ જીતવામાં તેને સહાયતા મળી છે.

બેગેજ ટેગ સ્ટેમ્પિંગ પ્રથાને બંધ કરીને પ્રવાસીઓને આપેલી રાહત, CISFના જવાનો, કર્મચારીઓ દ્વારા શિષ્ટાચાર, મદદ કરવાના સ્વભાવ, પ્રવાસીઓ સામાન ભૂલી જાય તો એની સંભાળ રાખવા, CISFના જવાનોની હાજરીમાં પોતે સુરક્ષિત હોવાની પ્રવાસીઓએ વ્યક્ત કરેલી લાગણી જેવી બાબતોને ધ્યાનમાં લઈને વર્લ્ડ ક્વોલિટી કોંગ્રેસે રેટિંગ નક્કી કરીને મુંબઈ એરપોર્ટને બેસ્ટ ઘોષિત કર્યું છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ એરપોર્ટ પર CISF એજન્સીએ બેગેજ ટેગિંગ અને સ્ટેમ્પિંગની પદ્ધતિને તાજેતરમાં જ બંધ કરી દીધી છે. તદુપરાંત એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી હોવા છતાં CISF એજન્સીએ સુરક્ષા વ્યવસ્થાને પ્રશંસનીય રીતે સંભાળી છે, સ્ક્રીનિંગ પોઈન્ટ્સ ખાતે પ્રવાસીઓના વેઈટિંગ ટાઈમમાં ઘટાડો થયો છે, પ્રવાસીઓનું તેમજ હેન્ડ બેગ્સનું સિક્યૂરિટી સ્ક્રીનિંગ વ્યાપક રીતે કરવામાં આવે છે.

મુંબઈ એરપોર્ટ પર CISFની કામગીરી

CISF એજન્સી મુંબઈમાં 59 સિવિલ એરપોર્ટ્સ પર સુરક્ષા વ્યવસ્થા સંભાળે છે.

મુંબઈ એરપોર્ટ ભારતમાં દિલ્હી બાદ બીજા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. અહીં ગયા વર્ષે 4 કરોડ 52 લાખ પ્રવાસીઓની અવરજવર રહી હતી. મુંબઈ એરપોર્ટ ભારતનું હાઈપરસેન્સિટીવ એરપોર્ટ ગણવામાં આવે છે.

CISF એજન્સી 2002ની સાલથી મુંબઈ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સંભાળે છે. અહીં ડોમેસ્ટિક તથા ઈન્ટરનેશનલ એમ બંને ટર્મિનલ, ઉપરાંત કાર્ગો કોમ્પલેક્સ, સાંતાક્રુઝ એર કાર્ગો ટર્મિનલ, એરસાઈડ પેરીમીટર દીવાલ અને શહેર બાજુના એપ્રોચ રોડ પર 5000 જેટલા જવાનો સુરક્ષા વ્યવસ્થા સંભાળે છે.

CISFના જવાનો એરપોર્ટ પર પ્રવાસીઓની જાંચ કરવા ઉપરાંત એમનાં હેન્ડબેગેજનું સ્ક્રીનિંગ કરે છે, સીસીટીવી દ્વારા દેખરેખ રાખે છે, એની ક્વિક રીએક્શન ટીમ, એન્ટી-હાઈજેકિંગ રીસ્પોન્સ ટીમ છે અને વીઆઈપી વ્યક્તિઓના પ્રવેશ વખતે પરિસ્થિતિને સંભાળવા જેવી બાબતો માટે જવાબદારી નિભાવે છે.

ગયા વર્ષે શ્રેષ્ઠ સુરક્ષાના મામલે દિલ્હી એરપોર્ટ એવોર્ડવિજેતા બન્યું હતું. ગયા વર્ષે સર્વેક્ષણ એરપોર્ટ સર્વિસ ક્વોલિટી એજન્સીએ કરાવ્યું હતું.

(ક્રિકેટર ઈરફાન પઠાણ શું કહે છે, મુંબઈ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા વિશે)

httpss://twitter.com/IrfanPathan/status/832916678400933888

દેશમાં સૌપ્રથમ ગુજરાત માહિતી આયોગે RTI મોબાઇલ એપ લોન્ચ કરી

ગાંધીનગર– નાગરિકો માહિતી અધિકારના કાયદાનો વધુ અસરકારક ઉપયોગ કરી શકે અને જાહેર માહિતી અધિકારીઓને પોતાના કેસસંબંધી માહિતી હાથવગી રહે એ હેતુથી ગુજરાત માહિતી આયોગે મોબાઇલ એપ-આર.ટી.આઇ.-એફ.એ.ક્યુ.(ગુજરાત) બનાવી છે. રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહે ગાંધીનગર ખાતે એન્ડ્રોઇડ મોબાઇલ એપ લોન્ચ કરી હતી.

મુખ્ય માહિતી કમિશનર વી.એસ.ગઢવીની ઉપસ્થિતિમાં મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરતાં મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહે જણાવ્યું હતું કે, ગુજરાત માહિતી આયોગની આ પહેલ અન્ય રાજ્યો માટે રોલ મોડેલ બની રહેશે.

માહિતી આયોગમાં ફરિયાદ દાખલ કરનાર નાગરિકો, જાહેર માહિતી અધિકારીઓ પોતાના કેસ સંબંધીત તમામ વિગતો આ એપ દ્વારા જાણી શકશે. માહિતી અધિકાર અધિનિયમ, જુદા-જુદા ફોર્મ, આયોગના અગત્યના ચૂકાદાઓ તથા માહિતી અધિકારના કાયદાને લગતા તમામ પ્રકારના પ્રશ્નો અને જવાબો ખૂબ જ સરળતાથી સહુ કોઇને મળી રહેશે. ગૂગલ પ્લે સ્ટોર પરથી કોઇપણ વ્યક્તિ વિનામૂલ્યે પોતાના એન્ડ્રોઇડ ફોનમાં સરળતાથી ડાઉનલોડ કરી શકે એવી આ એપ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં છે.

ગુજરાત માહિતી આયોગ દ્વારા સમગ્ર દેશમાં સૌ પ્રથમ એવી આ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરાઇ છે. આ ઉપરાંત આયોગની વેબસાઇટ gic.gujarat.gov.in પણ કાર્યરત છે; જેને ઉપયોગકર્તા માટે વધુ સરળ અને નવતર સ્વરૂપ આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં સવા ચાર લાખથી પણ વધુ લોકોએ આ વેબસાઇટની વિઝિટ લીધી છે. આ વેબસાઇટના ઉપયોગ દ્વારા કેસોનું હિયરીંગ શિડ્યુઅલ પણ જાણી શકાય છે. ઓર્ડરની કોપી અને બીજી અપીલ માટેના અરજી ફોર્મ પણ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. એટલું જ નહીં ઇ-એપ્લિકેશનની વ્યવસ્થા પણ આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા ઇન-હાઉસ આર.ટી.આઇ. ઇન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ પણ કાર્યરત છે, જેના દ્વારા આયોગની કાર્યક્ષમતા અને ચોકસાઇમાં અભિવૃદ્ધિ થાય છે. માહિતી આયોગે ૩૦ જેટલી વીડિયો કોન્ફરન્સ કરીને કેસોના ઝડપી નિકાલ માટે પ્રયત્નો કર્યા છે. દૂરના જિલ્લાઓના અરજદારો-અધિકારીઓ માટે વિડિયો કોન્ફરન્સીંગ અત્યંત સુગમ વ્યવસ્થા બની રહે છે.