દેશમાં સૌપ્રથમ ગુજરાત માહિતી આયોગે RTI મોબાઇલ એપ લોન્ચ કરી

ગાંધીનગર– નાગરિકો માહિતી અધિકારના કાયદાનો વધુ અસરકારક ઉપયોગ કરી શકે અને જાહેર માહિતી અધિકારીઓને પોતાના કેસસંબંધી માહિતી હાથવગી રહે એ હેતુથી ગુજરાત માહિતી આયોગે મોબાઇલ એપ-આર.ટી.આઇ.-એફ.એ.ક્યુ.(ગુજરાત) બનાવી છે. રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહે ગાંધીનગર ખાતે એન્ડ્રોઇડ મોબાઇલ એપ લોન્ચ કરી હતી.

મુખ્ય માહિતી કમિશનર વી.એસ.ગઢવીની ઉપસ્થિતિમાં મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરતાં મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહે જણાવ્યું હતું કે, ગુજરાત માહિતી આયોગની આ પહેલ અન્ય રાજ્યો માટે રોલ મોડેલ બની રહેશે.

માહિતી આયોગમાં ફરિયાદ દાખલ કરનાર નાગરિકો, જાહેર માહિતી અધિકારીઓ પોતાના કેસ સંબંધીત તમામ વિગતો આ એપ દ્વારા જાણી શકશે. માહિતી અધિકાર અધિનિયમ, જુદા-જુદા ફોર્મ, આયોગના અગત્યના ચૂકાદાઓ તથા માહિતી અધિકારના કાયદાને લગતા તમામ પ્રકારના પ્રશ્નો અને જવાબો ખૂબ જ સરળતાથી સહુ કોઇને મળી રહેશે. ગૂગલ પ્લે સ્ટોર પરથી કોઇપણ વ્યક્તિ વિનામૂલ્યે પોતાના એન્ડ્રોઇડ ફોનમાં સરળતાથી ડાઉનલોડ કરી શકે એવી આ એપ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં છે.

ગુજરાત માહિતી આયોગ દ્વારા સમગ્ર દેશમાં સૌ પ્રથમ એવી આ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરાઇ છે. આ ઉપરાંત આયોગની વેબસાઇટ gic.gujarat.gov.in પણ કાર્યરત છે; જેને ઉપયોગકર્તા માટે વધુ સરળ અને નવતર સ્વરૂપ આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં સવા ચાર લાખથી પણ વધુ લોકોએ આ વેબસાઇટની વિઝિટ લીધી છે. આ વેબસાઇટના ઉપયોગ દ્વારા કેસોનું હિયરીંગ શિડ્યુઅલ પણ જાણી શકાય છે. ઓર્ડરની કોપી અને બીજી અપીલ માટેના અરજી ફોર્મ પણ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. એટલું જ નહીં ઇ-એપ્લિકેશનની વ્યવસ્થા પણ આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા ઇન-હાઉસ આર.ટી.આઇ. ઇન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ પણ કાર્યરત છે, જેના દ્વારા આયોગની કાર્યક્ષમતા અને ચોકસાઇમાં અભિવૃદ્ધિ થાય છે. માહિતી આયોગે ૩૦ જેટલી વીડિયો કોન્ફરન્સ કરીને કેસોના ઝડપી નિકાલ માટે પ્રયત્નો કર્યા છે. દૂરના જિલ્લાઓના અરજદારો-અધિકારીઓ માટે વિડિયો કોન્ફરન્સીંગ અત્યંત સુગમ વ્યવસ્થા બની રહે છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]