Home Blog Page 5642

ઈજિપ્તના સફેદ રણની સુંદરતા…

ઈજિપ્તના પશ્ચિમી ભાગમાં આવેલા સફેદ રણનું સૂર્યોદય વખતનું નયનરમ્ય દ્રશ્ય.

રણવીર સિંહ બનશે પડદા પર કપિલ દેવ; 1983ની ફેમસ વર્લ્ડ કપ જીત પર કબીર ખાન બનાવશે ફિલ્મ

મુંબઈ – 1983ના ક્રિકેટ વર્લ્ડ કપ ચેમ્પિયન ખેલાડીઓના સમ્માનમાં એક હિન્દી ફિલ્મ આવી રહી છે ’83. આ ફિલ્મના નિર્માતાઓએ મુંબઈમાં એક શાનદાર સમારંભનું આયોજન કર્યું હતું.

આ સમારંભમાં 1983ની વિશ્વ કપની ઐતિહાસિક જીતની ક્ષણોની યાદ ફરી તાજી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં વિશ્વ કપ ચેમ્પિયન ટીમના કેપ્ટન કપિલ દેવ તથા ખેલાડીઓ – કીર્તિ આઝાદ, રોજર બિન્ની, મદનલાલ, સંદીપ પાટીલ, બલવિન્દર સિંહ સંધુ, કે. શ્રીકાંત, મોહિન્દર અમરનાથ, યશપાલ શર્મા તેમજ ટીમના મેનેજર પી.આર. માનસિંહની સાથે ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકર અને બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ, ફિલ્મના નિર્માતા કબીર ખાન, વિકાસ બહલ અને ફેન્ટમ ફિલ્મ્સના મધુ મંતેના તથા અન્ય મહેમાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

રણવીર સિંહ ’83 ફિલ્મમાં કપિલ દેવનું પાત્ર ભજવવાનો છે.

વર્લ્ડ કપ વિજેતા ટીમના દરેક ખેલાડીએ પોતપોતાના અનુભવની જાણકારી આપી હતી. તે અનુભવોને પટકથામાં સામેલ કરી ફિલ્મમાં દર્શાવવામાં આવશે.

કબીર ખાને કહ્યું કે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડીઓ પર ફિલ્મ બનાવવા બદલ પોતે ગર્વની લાગણી અને ભાગ્યશાળી મહેસુસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 1983માં લંડનમાં રમાઈ ગયેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચોની પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારતે ફાઈનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ફેવરિટ ટીમને પરાજય આપ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝને કોઈ ટીમે પરાસ્ત કરી હોય એવો તે પહેલો જ પ્રસંગ હતો. વળી, ભારતે કોઈ મોટી સ્પર્ધામાં વિજેતાપદ હાંસલ કર્યું હોય એવો પણ એ પહેલો જ પ્રસંગ હતો. ભારતે તે ફાઈનલ મેચ જીત્યા બાદ દેશભરમાં આનંદ અને ઉજવણીનું વાતાવરણ સર્જાયું હતું. લોકો મધરાત સુધી રસ્તાઓ પર નાચ્યા હતા, ઢોલ વગાડ્યા હતા, ફટાકડા ફોડ્યા હતા.

’83 ફિલ્મ એ 14 જણની વાર્તા છે જેઓ એવું દ્રઢપણે માનતા હતા કે તેઓ અસંભવને સંભવ કરી શકે છે… અને આખરે એમણે તે કરી બતાવ્યું હતું.

આ ફિલ્મનું દિગ્દર્શન કબીર ખાન કરશે અને ફેન્ટમ ફિલ્મ્સ, બિબરી મિડિયાના વિષ્ણુ વર્ધન ઈન્દુરી, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ અને કબીર ખાન ફિલ્મ્સ તેનું નિર્માણ કરશે.

ગુજરાતઃધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા ફીમાં વધારો

ગાંધીનગર- ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી બોર્ડ પરીક્ષાઓની ફીમાં દસ ટકાનો વધારો કરાયો છે. બોર્ડ દ્વારા જુદીજુદી 18 પરીક્ષાઓ લેવામાં આવે છે. દસ ટકા પરીક્ષા ફી વધારો થતાં બોર્ડને અંદાજે વાર્ષિક 20 કરોડ રુપિયાથી વધુની કમાણી થશે.પરીક્ષા ફીમાં 10 રુપિયાથી લઇ 65 રુપિયા સુધીનો વધારો આ સાથે થઇ ગયો છે. બોર્ડે જણાવ્યું કે દર વર્ષે નિયમ મુજબ કરાતા ફી વધારાની જેમ  જ આ ફી વધારો કરવામાં આવ્યો છે. બોર્ડે ફી વધારાની બચાવ પણ કર્યો કે ગયા વરસે પરીક્ષા ફીમાં વધારો કરવામાં આવ્યો ન હતો.

માર્ચ 2018માં લેવાનારી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન શરુ કરાશે ત્યારે આ પરીક્ષાઓ માટે લેવાનારી ફીમાં વધારો થયાનો પરિપત્ર વોટ્સ અપ દ્વારા આચાર્યોને મોકલી અપાયો છે જેને લઇને બોર્ડ દ્વારા છાનેછપને ફી વધારો કરાયાની ચર્ચા જન્મી છે. ફી વધારા સાથે બારમા ધોરણ સા.પ્ર.ની પરીક્ષા ફી હવે 370ની જગ્યાએ 405 રુપિયા થશે. બોર્ડે જુદા જુદા પરીક્ષા વિષય પ્રમાણેની ફી પણ મોકલાવી છે.

આ વર્ષે એક અંદાજ મુજબ ધોરણ 10માં 11 લાખથી વધુ અને ધોરણ 12માં 5 લાખથી વધુ વિદ્યાથીઓ બોર્ડ પરીક્ષા આપશે.

ISISથી મુક્તિ બાદ પીએમને મળ્યાં

નવી દિલ્હીઃ આઈએસઆઈએસના કબજામાંથી બચાવાયેલાં ભારતીય પાદરી ટોમ ઉઝૂન્ન્લીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. ભારત પરત ફરેલાં પાદરી લાંબો સમય આતંકી સંગઠન આઈએસઆઈએસના કેદમાં 18 મહિના રહ્યાં બાદ જીવિત પરત ફરતાં કેરળના ક્રિશ્ચયન સમાજમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

 

 

 

પાક.વિદેશપ્રધાન આસીફનું કુલભૂષણ જાધવ મામલે ચોંકાવનારું નિવેદન

પાકિસ્તાને દાવો કર્યો છે કે તેને ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ કે જે પાકિસ્તાનની જેલમાં બંધ છે તેને 2014માં પેશાવરની આર્મી સ્કૂલ પર થયેલા હુમલાના દોષિત આતંકી સાથે બદલવાની ઓફર મળી હતી. આ દાવો પાકિસ્તાનના વિદેશપ્રધાન ખ્વાજા મોહંમદ આસીફે કર્યો છે. આસીફે જણાવ્યું છે કે નેશનલ સિક્યૂરિટી એડવાઈઝર દ્વારા તેમને આ પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. જો કે આસીફે ન તો તે આતંકીનું નામ જણાવ્યું કે ન તો તે સિક્યૂરિટી એડવાઈઝરનું નામ જણાવ્યું. ન્યૂયોર્કના એશિયા સિક્યૂરિટીમાં ભાષણ આપ્યા બાદ ઓડિયન્સને આસીફે આમ જણાવ્યું હતુ.

ખ્વાજા મહોમ્મદ આસીફે જણાવ્યું કે નેશનલ સિક્યૂરિટી એડવાઈઝરે મને કહ્યું કે અમે લોકો કુલભૂષણ જાધવને અફઘાનિસ્તાનની જેલમાં બંધ પેશાવર હુમલાના દોષીત આતંકી સાથે બદલી શકીએ છીએ. આપને જણાવી દઈએ કે પેશાવર હુમલામાં આશરે 150 લોકોના મૃત્યુ થયાં હતાં જેમાં મોટાભાગે બાળકોનો સમાવેશ થાય છે. આસીફે જણાવ્યું કે પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથે ચાલી રહેલા સંઘર્ષ અને અસ્થિરતાના કારણે ખૂબ દુઃખી છે.

આપને જણાવી દઈએ  કુલભૂષણ જાધવને એપ્રિલમાં પાકિસ્તાન ફિલ્ડ જનરલ કોર્ટે મૃત્યુની સજા સંભળાવી હતી. 46 વર્ષીય કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં જાસૂસી અને તોડફોડ ગતિવિધિઓમાં દોષિત ઠેરવી ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે.  18મેના રોજ ઈંટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની 10 જજોની બેંચે જાધવ કેસ મામલે સુનાવણી કરતા જાધવની મૃત્યુદંડની સજા અટકાવી હતી.

અમેરિકા અને ઉત્તર કોરિયાનો સંઘર્ષ ત્રીજું વિશ્વયુદ્ધ નોતરશે

અહેવાલ- મંગલ પંડયા

મેરિકાની અનેક ધમકીઓને ઘોળીને પી જનાર ઉત્તર કોરિયા વારંવાર પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે. અને દુનિયાને પોતાની તાકાતનો પરિચય આપી રહ્યું છે. નાનકડા એવો દેશ અમેરિકાને નચાવી રહ્યો છે. આવો નાનો દેશ  ઉત્તર કોરિયા અને અમેરિકાના વણસેલા સંબંધો વિશ્વને કેવી રીતે યુદ્ધ તરફ દોરી રહ્યાં છે તે જાણતાં પહેલાં કોરિયાના ઈતિહાસ વિશે થોડી માહિતી મેળવી લઈએ. કોરિયાઈ સભ્યતા અને ભૂતકાળનું સંયુક્ત કોરિયા વર્તમાન સમયમાં બે સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વ ધરાવે છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા. બીજા વિશ્વયુદ્ધ પછી તત્કાલીન મહાસત્તા સોવિયેત સંઘની સાથે અમેરિકા પણ નવી શક્તિ બનીને ઉભરી આવ્યું. જેમાં કોરિયાના ઉત્તર ભાગ પર રશિયાએ જ્યારે દક્ષિણ ભાગ પર અમેરિકાએ પોતાનો દાવો રજૂ કર્યો. ત્યારબાદ 1948માં ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યાં.

દક્ષિણ કોરિયા, રીપબ્લિક ઓફ કોરિયા(ROK) તરીકે ઓળખાય છે. આ દેશની રાજધાની સિઓલ વિશ્વનું બીજા નંબરનું મહાનગરીય શહેર અને એક પ્રમુખ વૈશ્વિક શહેર છે. જ્યારે ઉત્તર કોરિયા, કોરિયા જનવાદી લોકતાંત્રિક ગણરાજ્ય તરીકે ઓળખાય છે. દેશની રાજધાની અને સૌથી મોટું શહેર પ્યોંગયાંગ છે.

દક્ષિણ કોરિયા પર અમેરિકાનું પ્રભુત્વ હોવાથી અમેરિકાએ તેનો વિકાસ કર્યો અને તેને બિઝનેસ હબ તરીકે વિકસાવ્યું. તેથી સ્વાભાવિક રીતે જ દક્ષિણ કોરિયા રાજકીય અને વ્યાપારિક રીતે અમેરિકાનું સમર્થક બન્યું. જ્યારે ઉત્તર કોરિયાએ પોતાની ઓળખ આત્મનિર્ભર સમાજવાદી દેશ તરીકે બનાવી. ઉત્તર કોરિયા પર પરંપરાગત રીતે કિમ ઈલ સુંગ અને તેના પરિવારનું શાસન રહ્યું છે.

કિમ જોંગ ઉન ઉત્તર કોરિયાનો સર્વોચ્ચ નેતા છે. તે કિમ જોંગ ઈલનો (1941-2011) પુત્ર છે અને કિમ ઈલ સુંગનો (1912-1994) પ્રપૌત્ર છે. કિમ જોંગે 28 ડિસેમ્બર 2011ના રોજ પોતાને ઉત્તર કોરિયાનો સર્વોચ્ચ નેતા બનાવ્યો અને તેની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી. ઉત્તર કોરિયા એક ગરીબ દેશ છે છતાં તેઓ હથિયારોની હોડમાં સૌથી આગળ છે અને પરમાણું હથિયારોનું સતત પરીક્ષણ કરી રહ્યું છે. જેને લઈને અમેરિકા સાથેના તેના સંબંધો એટલી હદ સુધી વણસી ગયાં છે કે, શાબ્દિક યુદ્ધની ચરમસીમા વટાવી બંને દેશ યુદ્ધનું કાઉન્ટ ડાઉન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન લાંબા અંતરની મિસાઇલ પરીક્ષણ અને પરમાણુ કાર્યક્રમને લઈને આગળ વધી રહ્યાં છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે છે કે, ઉત્તર કોરિયા પરમાણુ કાર્યક્રમ બંધ કરે. જોકે આ મામલે કિમ જોંગે ડોનાલ્ડ ટ્રમ્પને પાગલ કહી તેમની મજાક પણ ઉડાવી છે.

બીજી તરફ ઉત્તર કોરિયાએ ચેતવણી આપી છે કે, જો અમેરિકા તેના વિરુદ્ઘ સૈન્ય કાર્યવાહી કરશે તો તે અમેરિકા ઉપર અત્યંત શક્તિશાળી હાઈડ્રોજન બોમ્બનો હુમલો કરતાં પણ અચકાશે નહીં. હવે સવાલ એ છે કે, દુનિયાથી અલગ અને એક ગરીબ દેશે પરમાણું હથિયાર કેવી રીતે મેળવ્યા? ઉત્તર કોરિયાએ આ વર્ષે બે મોટા સૈન્ય પ્રદર્શન, અનેક મિસાઇલ પરીક્ષણ અને છ પરમાણુ પરીક્ષણનો દાવો કરી દુનિયામાં પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. ઉત્તર કોરિયાએ આ જ વર્ષે કહ્યું હતું કે તે કોઇ પણ પડકારનો સામનો કરવા તૈયાર છે.

ઉત્તર કોરિયા પર ટ્રમ્પ ભડક્યાં

ઉત્તર કોરિયા દ્વારા અમેરિકાને આપવામાં આવેલી પરમાણુ હુમલાની ધમકી બાદ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયાં છે. તેમણે કહ્યું કે હવે અમેરિકાની ધીરજ ખૂટી રહી છે. તો દક્ષિણ કોરિયાએ પણ અમેરિકાનો સહયોગ કરતાં કહ્યું છે કે,  ઉત્તર કરિયા દ્વારા ઉશ્કેરણી કરવા પર તેને યોગ્ય જવાબ આપવામાં આવશે. વ્હાઈટ હાઉસમાં અમેરિકાન પ્રેસિડેન્ટ સાથેની મુલાકાતમાં દક્ષિણ કોરિયાના વડા મૂન જાએ ઈને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ઉત્તર કોરિયાની સમસ્યાનું કાયમી સમાધાન કરવું અનિવાર્ય છે. આ મુદ્દે જલદી અને યોગ્ય સમાધાન લાવવા તેમણે ઉત્તર કોરિયાને ચર્ચા કરવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રમાં ઉત્તર કોરિયાએ અમેરિકાને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, અમેરિકા ઉત્તર કોરિયાને સીરિયા સમજવાની ભૂલ ન કરે. ઉત્તર કોરિયા એ કહ્યું કે, જો અમેરિકા તેની ઉશ્કેરણી કરશે તો અમેરિકા ઉપર પરમાણુ હુમલો કરતાં પણ ઉત્તર કોરિયા અચકાશે નહીં. એટલું જ નહીં, ઉત્તર કોરિયાએ કહ્યું કે તે દરેક સપ્તાહે પરમાણુ હથિયારોનું પરીક્ષણ કરવાનું પણ શરુ રાખશે. આમ કરવાથી તેને કોઈ અટકાવી પણ નહીં શકે. વધુમાં ઉત્તર કોરિયાએ કહ્યું કે, તે અમેરિકાની દરેક આક્રમકતાનો જવાબ આપવા તૈયાર છે.

નોર્થ કોરિયા અને અમેરિકા યુદ્ધની કગાર ઉપર ઉભા છે. જો યુદ્ધ થશે તો તો વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. ચીન, રશિયા, જાપાન, ભારત, પાકિસ્તાન વિગેરે દેશો આ યુદ્ધ ન થાય તેમ ઈચ્છી રહ્યાં છે, પણ નોર્થ કોરિયા ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓને અવગણી રહ્યું છે, અને ભારે ભૂલ પણ કરી રહ્યું છે.

યુપીએ સરકારે બોફોર્સકાંડ આરોપી ક્વાત્રોચીના બેંક ખાતાં કેમ ફ્રીઝ ન કર્યાંઃ સીબીઆઈ

નવી દિલ્હીઃ બોફોર્સ મામલે ભાગેડુ ઓટાવિયો ક્વાત્રોચીના યૂનાઈટેડ કિંગડમના બેંક ખાતાંઓને ફ્રીઝ કરવાનો વિકલ્પ યુપીએ-1 સરકાર પાસે હતો પરંતુ આમ કરવામાં આવ્યું, પ્રાપ્ત માહિતી અનુસાર સંસદની લેખા સમિતિને આપવામાં આવેલી જાણકારીમાં સીબીઆઈએ વાત તરફ ઈશારો કર્યો છે કે કોંગ્રેસની યૂપીએ સરકાર વાત નક્કી કરવામાં પરોવાયેલી હતી કે ક્વાત્રોચીની 1 મિલિયન ડોલર અને 3 મિલિયન યૂરો સુધી પહોંચ બની રહી કે જેને બોફોર્સ ડીલથી મળેલા પૈસા માનવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર યૂકેની ક્રાઉન અભિયોજન સેવા સીપીએસના વકીલે સલાહ આપી હતી કે ક્વાત્રોચિની સંપત્તિઓ જપ્ત કરવાની પ્રક્રિયામાં તેના ખાતાં ફ્રીઝ કરી શકાતા હતાં.

મહત્વની વાત છે કે સીપીએસની સલાહને તત્કાલીન એડિશનલ સોલિસિટર જનરલ ભગવાન દત્તાએ ફગાવી દીધી હતી અને તેમણે જણાવ્યું હતું કે સીપીએસના વકીલ સ્ટીફલ હેલમેન દ્વારા સીઆરપીસીની ધારાઓનો ઉપયોગ કરવો યોગ્ય નથી. મામલે બેંકો માટે ડિસ્ચાર્જ ઓર્ડર પણ જાહેર કરવામાં આવ્યો હતો. 16 જાન્યુઆરીના રોજ ક્વાત્રોચીના ખાતાઓને જેમના તેમ રાખવાનો આદેશ આપ્યો પરંતુ તે દિવસે તે બેંક એકાઉન્ટમાંથી તમામ રકમ કાઢી લેવામાં આવી હતી.

ઈટાલિયન કારોબારીએ સંયમ આદેશ માટે યૂકે હોમ ઓફિસ પર દબાણ કર્યું હતુ, અને ત્યારબાદ સીપીએસે સીબીઆઈને જણાવ્યું કે લંડનના ખાતાઓને ફ્રીઝ કરવાનો કોઈ આધાર છે કે નહીં તેની પુષ્ટિ કરો. લંડન સાથે થયેલી વાતચીતમાં, દત્તાએ સીપીએસને જણાવ્યું કે યૂકેમાં રહેલી રકમ, સ્વીડિશ હથિયાર નિર્માતા દ્વારા મળેલી રકમ છે. અંગેના તમામ સબૂત સીબીઆઈને નથી મળી શક્યાં. સીબીઆઈએ ભારતીય અદાલતોમાં પોતાનું સ્ટેંડ બદલતા જણાવ્યું કે તે ક્વાત્રોચી વિરૂદ્ધ આગળ વધવા નથી માંગતી. દત્તાએ સીપીએસને જણાવ્યું હતુ કે ક્વાત્રોચી વિરૂદ્ધ 1997માં જાહેર કરવામાં આવેલી રેડ કોર્નર નોટીસ નિષ્ફળ રહી હતી જેને જોતાં ઈટાલિયન નાગરિકને ભારતમાં અપરાધિક કેસ મામલે લાવવાની સંભાવના અનિશ્ચિત હતી.

અમદાવાદઃ બેઠા ગરબા

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલ આઈ શ્રી ખોડિયાર મંદિર(વાવ)માં વર્ષોથી બેઠા ગરબા થાય છે. વૃદ્ધો ગરબા ન ગાઈ શકે જેથી તેઓ બેઠા ગરબા ગાઈને શક્તિની ભક્તિ કરે છે, તેમ આ વર્ષે પણ વૃધ્ધાઓ બેઠા ગરબા ગાયા હતા, અને માતાજીની ભક્તિ કરી હતી.

મારા હાળા છેતરી ગયાની સામે ચંદુકાકાના ચશ્મા

જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ સોશિયલ મિડિયા વધુ રાજકીય રંગ પકડી રહ્યું છે. ‘વિકાસ ગાંડો થયો’ની વાત હવે સુપેરે જાણીતી છે. ભાજપના વિકાસની સામે કૉંગ્રેસ પ્રેરિત ‘વિકાસ ગાંડો થયો’નો ટ્રેન્ડ બહુ ચાલ્યો. સામાન્ય રીતે ભાજપનું સોશિયલ મિડિયા કોઈ ટ્રેન્ડ ચલાવે અને કૉંગ્રેસ તેમાં ફસાઈ જાય તેવું બનતું પરંતુ પહેલીવાર કૉંગ્રેસનું સોશિયલ મિડિયા કેમ્પેઇન ભાજપના ક્રિએટિવ સોશિયલ મિડિયા પર ભારે પડતું દેખાયું. ભાજપના લોકો પર આની એટલી અસર પડી કે સ્વયં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ સૂત્રનો જવાબ આપી દીધો. આવા સૂત્રની અવગણના જ કરવાની હોય અને આપણું નવું સૂત્ર રમતું કરવાનું હોય તે રણનીતિ વિજયભાઈ મોદી પાસેથી શીખ્યા નહીં. 2012ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ટીવી કલાકાર તુલિકા પટેલને મેદાનમાં ઉતારેલી અને ‘દશા પણ બદલીએ અને દિશા પણ બદલીએ’ આવું સૂત્ર આપીને લગભગ 2૦થી વધુ જાહેરખબરો કરેલી. આના જવાબમાં ભાજપે કૉંગ્રેસને ‘તમારો કેપ્ટન કોણ તે જાહેર કરો’ની જાહેરખબર બનાવેલી.

‘વિકાસ ગાંડો થયો’ના પડઘા રૂપે ભાજપે ફલાણું થયું ત્યારે વિકાસ ઉંઘતો હતો તેવા સંદેશાઓનો મારો ચલાવ્યો, જેમાં કૉંગ્રેસ શાસનમાં જે ખોટું થયું હતું તેની વાત કરવામાં આવી હતી. દા.ત. સિમલા કરાર વખતે ભારતે પાકિસ્તાનના 90 હજાર યુદ્ધ કેદીઓને છોડી દીધા હતાં. સામે પાકિસ્તાને ભારતના આશરે 20 હજાર કેદીઓમાંથી માત્ર 617ને છોડ્યા ત્યારે વિકાસ ચંદ્રયાનની સફરે નીકળી ગયો હતો. 1987માં શ્રીલંકાના ગૃહયુદ્ધમાં મોટા ભાઈ થઈ રાજીવ ગાંધીએ 48 હજાર સૈનિકોને મરવા મોકલ્યાં ત્યારે વિકાસ ગાંડો નહોતો થયો. પરંતુ આ સંદેશાઓમાં કોઈ એકસૂત્રતા અર્થાત્ ‘વિકાસ ગાંડો થયો છે’ જેવું એક સૂત્ર ન હોવાથી આ ટ્રેન્ડ જામ્યો નહીં.

એટલે ભાજપ નવા ટ્રેન્ડ સાથે બહાર આવ્યો અને આ ટ્રેન્ડ હતો ‘મારા હાળા લૂંટી ગયા’. આ ટ્રેન્ડમાં ભાજપે તેનો મનગમતો ભ્રષ્ટાચારનો મુદ્દો કૉંગ્રેસ સામે ધર્યો. દા.ત.

  • કૉંગ્રેસે દેશની સુરક્ષાને પણ લૂંટી લીધી અને 1987માં રૂ. 960 કરોડનું બૉફૉર્સ તોપ કૌભાંડ કર્યું. #મારા_હાળા_લૂંટી_ગયા
  • 2008માં કૉંગ્રેસ પાર્ટીએ 8,000 કરોડનું સત્યમ્ કૌભાંડ કર્યું અને દેશને મોટું નુકસાન પહોંચાડ્યું #મારા_હાળા_લૂંટી_ગયા

આના જવાબમાં રસપ્રદ રીતે કૉંગ્રેસ #મારા_હાળા_છેતરી_ગયા નો ટ્રેન્ડ લઈ આવી છે. ટ્રેન્ડના નામ પરથી જ સ્વાભાવિક રીતે સ્પષ્ટ થાય છે કે કૉંગ્રેસ આ ટ્રેન્ડમાં નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારને લક્ષ્ય બનાવ્યાં છે અને તેમને તેમનાં વચનોની યાદ અપાવી છે, જે કૉંગ્રેસના દાવા પ્રમાણે, ભાજપે પૂરાં નથી કર્યાં. એક-બે ઉદાહરણો જોઈએ.

  • પેટ્રોલનો ભાવ 53 હતો તો વિરોધ કરવા રૉડ જામ કરી દેનાર અત્યારે 74નો ભાવ કરીને બેઠાં છે. #મારા_હાળા_છેતરી_ગયા
  • નોટબંધીના ફાયદા 50 દિવસમાં બતાવું આવું કહેવાવાળા નવ મહિને પણ નોટબંધીનો એક ફાયદો નથી બતાવી શકતા બોલો. #મારા_હાળા_છેતરી_ગયા
  • પાકિસ્તાનના છોતરાં કાઢી નાખશું એવું કહેવાવાળાએ નોટું બંદ કરીને દેશની જનતાનાં છોતરાં કાઢી નાખ્યાં. #મારા_હાળા_છેતરી_ગયા

કૉંગ્રેસનો છે કે અન્ય કોઈ પક્ષનો, તે ખબર નથી, પણ એક ટ્રેન્ડ ભાજપની સામે ‘આભાર નરેન્દ્રભાઈ’નો પણ ચાલ્યો છે. તેમાં ભાજપે જે કંઈ ખોટું કર્યું તેના માટે વ્યંગમાં નરેન્દ્ર મોદીનો આભાર માનવામાં આવ્યો છે. આ પણ મજાનો ટ્રેન્ડ છે. બે ઉદાહરણ જોઈએ.

  • તલના ભાવ 4000થી 1000 અને કપાસના ભાવ 1500થી 500 કરી ખેડૂતોને માલામાલ કરવા બદલ #આભાર_નરેન્દ્રભાઈ
  • આખી દુનિયાને ઈર્ષા થાય તેવું આધુનિક ધોલેરા ઍરપૉર્ટ બનાવવા બદલ #આભાર_નરેન્દ્રભાઈ

આ બધાની સામે હવે ભાજપ ચંદુકાકાના ચશ્માનો ટ્રેન્ડ લાવ્યો છે. ચંદુકાકાના ચશ્માની થીમથી કેટલાક વિડિયો બનાવવામાં આવ્યા છે અને ભાજપે કરેલાં વિકાસનાં કામો આંકડાઓ સાથે બતાવવામાં આવે છે. તેમાં કૉંગ્રેસનાં કામોની સાથે તુલના કરવામાં આવી છે. આ 15થી 20 સેકન્ડના વિડિયોના અંતે ચંદુકાકાનું પાત્ર કહેશે કે ‘જો ન દેખાય વિકાસ તો આંખોના નંબર તપાસ’.

આમ, હજુ તો રંગ જામવાની શરૂઆત થઈ છે જેમ જેમ ચૂંટણી વધુ ને વધુ નજીક આવશે તેમ તેમ વિકાસ ગાંડો થાય કે ન થાય, પણ નેટ વપરાશકારોને ગાંડું કરવાનું છે તે ચોક્કસ છે.