પાક.વિદેશપ્રધાન આસીફનું કુલભૂષણ જાધવ મામલે ચોંકાવનારું નિવેદન

પાકિસ્તાને દાવો કર્યો છે કે તેને ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ કે જે પાકિસ્તાનની જેલમાં બંધ છે તેને 2014માં પેશાવરની આર્મી સ્કૂલ પર થયેલા હુમલાના દોષિત આતંકી સાથે બદલવાની ઓફર મળી હતી. આ દાવો પાકિસ્તાનના વિદેશપ્રધાન ખ્વાજા મોહંમદ આસીફે કર્યો છે. આસીફે જણાવ્યું છે કે નેશનલ સિક્યૂરિટી એડવાઈઝર દ્વારા તેમને આ પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. જો કે આસીફે ન તો તે આતંકીનું નામ જણાવ્યું કે ન તો તે સિક્યૂરિટી એડવાઈઝરનું નામ જણાવ્યું. ન્યૂયોર્કના એશિયા સિક્યૂરિટીમાં ભાષણ આપ્યા બાદ ઓડિયન્સને આસીફે આમ જણાવ્યું હતુ.

ખ્વાજા મહોમ્મદ આસીફે જણાવ્યું કે નેશનલ સિક્યૂરિટી એડવાઈઝરે મને કહ્યું કે અમે લોકો કુલભૂષણ જાધવને અફઘાનિસ્તાનની જેલમાં બંધ પેશાવર હુમલાના દોષીત આતંકી સાથે બદલી શકીએ છીએ. આપને જણાવી દઈએ કે પેશાવર હુમલામાં આશરે 150 લોકોના મૃત્યુ થયાં હતાં જેમાં મોટાભાગે બાળકોનો સમાવેશ થાય છે. આસીફે જણાવ્યું કે પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથે ચાલી રહેલા સંઘર્ષ અને અસ્થિરતાના કારણે ખૂબ દુઃખી છે.

આપને જણાવી દઈએ  કુલભૂષણ જાધવને એપ્રિલમાં પાકિસ્તાન ફિલ્ડ જનરલ કોર્ટે મૃત્યુની સજા સંભળાવી હતી. 46 વર્ષીય કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં જાસૂસી અને તોડફોડ ગતિવિધિઓમાં દોષિત ઠેરવી ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે.  18મેના રોજ ઈંટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની 10 જજોની બેંચે જાધવ કેસ મામલે સુનાવણી કરતા જાધવની મૃત્યુદંડની સજા અટકાવી હતી.