Home Blog Page 5641

યુદ્ધના એંધાણ… ઉત્તર કોરિયાઈ સેનામાં જોડાશે 47 લાખ લોકો

નવી દિલ્હી– અમેરિકા અને નોર્થ કોરિયાનો તણાવ ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો. બન્ને વચ્ચે ચાલી રહેલાં આક્ષેપ પ્રતિઆક્ષેપોનું સ્તર દિવસેને દિવસે ગંભીર થતું જઈ રહ્યું છે. ત્યારે નોર્થ કોરિયામાં આશરે 47 લાખ લોકોએ સેનામાં જોડાવાની વાત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટુડન્ટ્સ અને વર્કરની આ સંખ્યામાં 12.2 લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને છેલ્લા છ દિવસ દરમિયાન કોરિયન પીપલ્સ આર્મીમાં શામિલ થવા બાબતે પૂછવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર કોરિયાઈ નેતા કિમ જોંગ ઉને 22 સપ્ટેમ્બરના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિના ભાષણની કડક નિંદા કરી હતી. આ ભાષણમાં ડોનાલ્ડ ટ્રંપે ઉત્તર કોરિયાને સંપૂર્ણ રિતે નષ્ટ કરવાની ધમકી આપી હતી.

ત્યારબાદ કિમ જોંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને માનસિક રીતે અસ્વસ્થ ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા બેઈજ્જતીનો જવાબ ઉચ્ચસ્તર પર આપશે.

સૈન્ય વિકલ્પ માટે તૈયાર

ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપતા જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા સામે લડવા માટે અમારી પાસે વિકલ્પ સંપૂર્ણ રીતે તૈયાર છે. સાથે જ તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે બંન્ને દેશો વચ્ચે આગળ તણાવ વધવાની સ્થિતીમાં આવું કરવું વિધ્વંસકારી હશે.

અમેરિકાએ નોર્થ કોરિયા પર ફરીએક પ્રતિબંધની ઘોષણા કરી છે. અમેરિકાએ ઉત્તર કોરિયાના 8 બેંકો અને 26 એક્ઝિક્યુટિવ્સને પ્રતિબંધિત કર્યા છે. આપને જણાવી દઈએ કે હમણા જ અમેરિકા દ્વારા ઉત્તર કોરિયા પર લગાવાયેલો આ બીજો પ્રતિબંધ છે. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રૈવલ બેન લગાવ્યો હતો.

કોરિયાઈ પ્રાયદ્વિપ પર વધ્યો તણાવ

3 સપ્ટેમ્બરના રોજ પરમાણુ પરીક્ષણ સહિત કિમ જોંગના નિરંતર હથિયાર પરીક્ષણ અને ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી નિવેદનબાજીઓએ કોરિયાઈ પ્રાયદ્વિપ પર તણાવ વધારી દીધો છે.

15 રુપિયા GST ન ચૂકવ્યો તો લાગ્યો 20,000નો દંડ

એક વેપારીએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ન ચૂકવ્યો તો ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા તેની પર મસમોટો દંડ લગાવી દેવામાં આવ્યો. આંધ્રપ્રદેશના ટેક્સ ઓફિસર તરફથી એક ટ્રેડરને મોકલવામાં આવેલી કારણ દર્શાવો નોટિસમાં 20 હજાર રૂપિયાનો દંડ માંગવામાં આવ્યો છે. ટ્રેડરે 15 રૂપિયાનો જીએસટી નહોતો ચૂકવ્યો તે માટે તેને આવડો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. જીએસટી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે એ વાત સ્પષ્ટ છે કે તમે જાણીજોઈને નિયમોનું ઉલ્લંઘન કર્યુંં છે અને દંડનીય અપરાધ કર્યો છે. આ પહેલાં આશરે બે મહિના પહેલાં સરકારે દેશભરમાં આશરે 200 અધિકારીઓને કહ્યું હતું કે તેઓ જે તે વ્યાપારીના ત્યાંથી ખરીદી કરે અને એવા વેપારીઓને શોધે જેઓ જીએસટીનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. ઈટીએ જુલાઈમાં આ માહિતી આપી હતી કે સરકારે 200 સીનિયર આઈએએસ, આઈપીએસ અને આઈઆરએસ અધિકારીઓને વિભિન્ન શહેરો અને ગામડાંઓની જવાબદારી આપી છે કે જ્યાં તેમને જીએસટીના નિયમોનુ ઉલ્લંઘન કરનારા વ્યાપારીઓ, જથ્થાબંધ વેપારીઓ અને નાના દુકાનદારો કે જેઓ જીએસટીના નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમની માહિતી આપો. આ અધિકારીઓએ એવા મામલાઓની જાણકારી સંબંધિત ટેક્સ ઓફિસરોને આપવાની શરૂ કરી છે કે તમામ લોકો પર એક્શન લેવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

જીએસટી લો માં દંડની રકમ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને ટેક્સ અધિકારીઓની મરજી અનુસાર છોડી દેવામાં આવ્યું છે. જો કે ઈન્ડસ્ટ્રી પર નજર રાખનારા લોકોનું માનીએ તો વેપારીઓ પાછળ આવી રીતે લાગી જવાથી નાના દુકાનદારો અને બિઝનેસમેન જીએસટીથી દૂર જઈ શકે છે. મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા રાજ્યોમાં કેટલાય ટેક્સ અધિકારીઓએ સર્ચ અને સર્વે કરવાનું શરૂ કરી દીધું છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય વધારેમાં વધારે કંપનીઓ અને અધિકારીઓને જીએસટીમાં લાવવાનો છે. નિષ્ણાતોનું માનીએ તો આવનારા થોડાસમયમાં દંડની રકમમાં વધારો થશે કારણ કે ટેક્સ અધિકારીઓ વિભિન્ન શહેરોમાં ઉપરછલ્લું નિરીક્ષણ કરી રહ્યાં છે.

આ અધિકારીઓ ગુજરાતના વડોદરાથી લઈને ઓડિશાના મયૂરગંજ અને જમ્મુ કાશ્મીરથી લઈને તમીલનાડુના કૃષ્ણાગિરિ સુધીના બજારોમાં જઈ રહ્યાં છે અને જીએસટીનું પાલન પર નજર રાખી રહ્યાં છે. આવી જ એક ઘટનામાં ગત મહિને દિલ્હી પાસેના એક વિસ્તારમાં એક દુકાન પર જીએસટી ચૂકવ્યાં વિના શર્ટ વેચી રહેલા એક વેપારીને 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

 

બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયાએ મેળવ્યો આશ્વાસનસમો વિજય…

બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે 28 સપ્ટેંબર, ગુરુવારે રમાઈ ગયેલી ચોથી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 21-રનથી પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર (124) અને આરોન ફિન્ચ (94)ની ઓપનિંગ જોડીએ કરેલા 231 રનની મદદથી પોતાના હિસ્સાની 50 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 334 રન કર્યા હતા. ભારતીય ટીમ તેના જવાબમાં 50 ઓવરમાં 8 વિકેટે 313 રન કરી શકી હતી. પાંચ મેચોની સિરીઝની પહેલી 3 મેચ જીતીને ભારતીય ટીમ સિરીઝને પોતાના કબજામાં લઈ ચૂકી છે, પણ બેંગલુરુ મેચમાં પરાજયને કારણે એની સરસાઈ ઘટીને 3-1 થઈ છે. પાંચમી અને છેલ્લી વન-ડે મેચ 1 ઓક્ટોબરે નાગપુરમાં રમાશે. 335ના ટાર્ગેટને ચેઝ કરવામાં ભારતના બેટ્સમેનોએ જોરદાર લડત આપી હતી. રોહિત શર્મા (65) અને અજિંક્ય રહાણે (53)ની ઓપનિંગ જોડીએ 106 રનની ભાગીદારી કરી હતી. તો મિડલ ઓર્ડર બેટ્સમેન કેદાર જાધવે 67, હાર્દિક પંડ્યાએ 41, મનીષ પાંડેએ 33, કેપ્ટન વિરાટ કોહલીએ 21 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર કેન રિચર્ડસન 58 રનમાં 3 વિકેટ સાથે ટીમનો બેસ્ટ બોલર રહ્યો હતો. 119 બોલમાં 12 ચોગ્ગા, ચાર છગ્ગા સાથે 124 રન કરનાર વોર્નરને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો.

જેટલી-સિન્હા વચ્ચે તૂતૂમૈમૈ… સરકાર-વિરોધી સિન્હાને જેટલીએ ’80મા વર્ષે નોકરી માગનાર’ કહી ઠેકડી ઉડાવી

નવી દિલ્હી – કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટીના બે વરિષ્ઠ નેતા વચ્ચેની શાબ્દિક ફટકાબાજીએ રસપ્રદ વાતાવરણ ઊભું કર્યું છે. આ બંને નેતા નાણાંપ્રધાન છે – એક છે, વર્તમાન નાણાંપ્રધાન અરૂણ જેટલી અને બીજા છે ભૂતપૂર્વ નાણાંપ્રધાન યશવંત સિન્હા.

સિન્હાએ નોટબંધી અને જીએસટી અમલ મુદ્દે મોદી સરકારની આકરી ટીકા કરી છે.

જેટલીએ ગઈ કાલે એક સમારંભમાં એમના સંબોધનમાં સિન્હાને જોરદાર રીતે વળતો જવાબ આપ્યો હતો અને તીખી ટકોર કરીને એમને સંભળાવ્યું હતું કે નોકરી માગવા નીકળેલાની ઉંમર 80ને પાર છે.

બાદમાં, સિન્હાએ એના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે જો હું નોકરીનો અરજદાર હોત તો જેટલીને નાણાં ખાતું મળ્યું ન હોત.

સિન્હાએ લખેલા એક લેખમાં જેટલી પર આરોપ મૂક્યો છે કે નોટબંધી અને જીએસટી અમલમાં મૂકીને એમણે દેશના અર્થતંત્રને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.

જેટલીએ નાણાંપ્રધાન તરીકે પોતાના દેખાવનો બચાવ કર્યો છે અને સિન્હાની ઝાટકણી કાઢી છે. એમણે કહ્યું કે, 1991માં ભારત પાસે 4 અબજ ડોલરથી ઓછું ફોરેન રીઝર્વ હોવાને કારણે ધિરાણ ચૂકતે કરવા માટે પોતાનું સોનું ગીરવે મૂકવું પડ્યું હતું. એ વખતે યશવંત સિન્હા દેશના નાણાંપ્રધાન હતા.

જેટલીએ નવી દિલ્હીમાં ‘ઈન્ડિયા@70 મોદી@3.5’ નામક એક પુસ્તકના વિમોચન પ્રસંગે કહ્યું હતું કે, ભાજપની સરકારને આગલી કોંગ્રેસ-યૂપીએની સરકાર પાસેથી 9-10 ટકાનો મોંઘવારી દર વારસામાં મળ્યો હતો, જે હાલ ભાજપના શાસનમાં ઘટીને 3.6 ટકા થઈ ગયો છે.

રાહુલ ગાંધી @ યાત્રાધામ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની આ ગુજરાત મુલાકાત તેમની અન્ય મુલાકાતોની સરખામણીએ ઘણી અલગ રહી તેના પર ઘણાં રાજકીય પંડિતોનું ધ્યાન ગયું છે અને બદલાયેલો પરિવેશ સમજણમાં લઇ સમજાવી પણ રહ્યાં છે. ખાસ તો સૌરાષ્ટ્રની ધરતી ખૂંદવા માટે યાત્રાધામોનું ભ્રમણ રાહુલ ગાંધીની આ ચૂંટણીપ્રવાસમાં બદલાયેલી વાત રહી. કોંગ્રેસની પરંપરાથી સેક્યૂલર છબિ રહી છે તેથી ખૂણેખૂણાના મંદિરોમાં ફરવું ગાંધી પરિવારને બહુ જચતું નથી. પણ રાજકારણની ચોપાટના નવાં ચોકઠાં બેસાડવાનો નવો દાવ રાહુલ પોતાની ગરજે પણ આ વખતે રમ્યાં ખરાં..વિધાનસભા ચૂંટણીની ઔપચારિક જાહેરાત થાય અને આચારસંહિતા લાગુ પડે ને તેના નિયમોમાં બંધાય તે પહેલાં પોતાની રીતે જેટલું જોર અજમાવીને બોલવું હોય તે કરી લેવાનું રાજકારણ હવે રાહુલ ગાંધીની કોંગ્રેસ સમજી ગઇ છે. તેમણે રાજનૈતિકરૂપે અત્યંત મહત્વપૂર્ણ એવા સૌરાષ્ટ્ર પંથકમાં ત્રણ દિવસની નવસર્જન યાત્રા કરી હતી. સૌરાષ્ટ્ર પહોંચેલા રાહુલ ગાંધીએ જીએસટી, પાટીદાર અને નોટબંધી જેવા મુદ્દાઓ પર બીજેપી અને નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. આ નવસર્જન યાત્રામાં રાહુલ ગાંધીએ ભાજપ દ્વારા કોંગ્રેસ પર લગાવાયેલા “હિંદુ વિરોધી” અને અલ્પસંખ્યકોના તુષ્ટિકરણ જેવા આરોપોનો પણ જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો.રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહારો કરવા સિવાય સોફ્ટ હિંદુત્વ કાર્ડ ખોલ્યું હતું. રાહુલ ગાંધીએ ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રના પાંચ મંદિરોની મુલાકાત કરી.એટલું જ નહીં રાજકોટ તેમ જ જામનગરમાં ગરબામાં પણ ભાગ લીધો હતો. રાહુલે 25 સપ્ટેમ્બરના રોજ દ્વારિકાધીશ મંદિરમાં ભગવાન કૃષ્ણની પૂજા કરી પોતાની યાત્રા શરૂ કરી હતી અને સાથે ચોટીલાનો ડુંગર ચડીને માતા ચામુંડાના દર્શન કર્યા હતાં.

તો આ સાથે જ પટેલ પ્રાઇડ યાત્રાધામ એવા કાગવડના ખોડલધામની પણ રાહુલ ગાંધીએ મુલાકાત લીધી હતી. અહીંયા લેઉવા પટેલ સમાજ દ્વારા મા ખોડીયારનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે.  રાજકોટ બાદ રાહુલ વીરપુર જલારામ બાપાના દર્શને પણ ગયાં હતાં જો કે જલારામ મંદિરમાં જવાનો તેમનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ નહોતો. રાહુલની યાત્રાને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું હતું કે બીજેપી અને આરએસએસના લોકો કોંગ્રેસને હિંદુ વિરોધી ગણાવે છે તે વાતનો જવાબ આપવા રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્રના વિવિધ મંદિરોની મુલાકાત કરી હતી.ભાજપે કોંગ્રેસ પર હિંદુ વિરોધી હોવાના કરેલા આક્ષેપ પર કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે કોંગ્રેસ તમામ ધર્મોને સમાનરૂપે સન્માન આપે છે. કટોકટીનો બાદ થયેલી ચૂંટણીમાં જીત્યા બાદ ઈન્દિરા ગાંધીએ અંબાજીમાં મા અંબાના દર્શન કર્યા હતા. શક્તિસિંહે જણાવ્યું કે અમે લોકો આશ્વસ્ત છીએ કે 22 વર્ષ બાદ ફરીથી ગુજરાતમાં કોંગ્રેસની વાપસી થશે અને એટલા માટે જ રાહુલ ગાંધી માટે તરોતાજા કહેવાય એવી તસવીરો સામે આવી જેમાં તેઓ મંદિરોમાં જઈને ભગવાન અને માતાજીના આશીર્વાદ લઈ રહ્યાં છે.

ચાલો એટલું તો કબૂલ્યું કે કોંગ્રેસના યુવરાજ 22 વર્ષે ગુજરાતમાં કોઇ મંદિરમાં આવ્યાં, ભલેને તેમાં શ્રદ્ધા કરતાં સબૂતનો મુદ્દો કેમ ન હોય. પૂજનઅર્ચન કેવી રીતે કરવું તે શીખવામાં ગુજરાત કોંગ્રેસનો કેટલો સુંદર સાથ મળ્યો તેની નોંધ પણ બધે લેવાઇ હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સરદાર સાહેબે સોમનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાથી ગાંધી પરિવાર સોમનાથ દર્શન કરવા જતાં નથી તેવો આક્ષેપ કર્યો હતો, જોઇએ હવે કદાચ આગામી ગુજરાત પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા કે સોનિયા ગાંધી આ મહેણું ભાંગવા સોમનાથદાદાના શરણે ક્યારે આવે છે. લગભગ તો શક્યતા એવી લાગે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારના કાર્યક્રમો ગોઠવાય ત્યારે આ મુદ્દાનું પણ ધ્યાન રાખવામાં આવે..!

નવમાં નોરતે સિદ્ધિદાત્રીનું પૂજનઅર્ચન અષ્ટ સિદ્ધિદાયી

(અહેવાલ- હાર્દિક વ્યાસ)

અમદાવાદઃ લ્યો જોતજોતામાં નવરાત્રિ પૂરી થવા આવી. આઠ આઠ દિવસ સુધી આપણે માના અલગઅલગ સ્વરૂપોની પૂજાઅર્ચના કરી અને આજે નવમા દિવસે આપણે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવાના છીએ. નવરાત્રિના નવમાં દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજાઅર્ચના કરવામાં આવે છે. સિદ્ધિદાત્રી અર્થાત સિદ્ધિઓ આપનારી.

નવરાત્રિના નવમા દિવસે માં આદ્યશક્તિ દુર્ગામાએ સિદ્ધિદાત્રી સ્વરૂપ ધારણ કર્યું હતું. માર્કંડેય પુરાણ અનુસાર અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ઈશિત્વ અને વશિત્વ એમ આઠ પ્રકારની સિદ્ધિઓ હોય છે. આમ ભક્તને આ આઠ પ્રકારની સિદ્ધિઓ આપે તે મા સિદ્ધિદાત્રી. મા સિદ્ધિદાત્રીને આઠ ભૂજાઓ છે. માનું વાહન સિંહ છે, તેઓ કમળના પુષ્પ પર બિરાજીત છે. માતાજીના જમણા હાથની નીચેની ભૂજામાં ચક્ર અને ઉપરની ભૂજામાં ગદા તથા ડાબા હાથની નીચેની ભૂજામાં શંખ અને ઉપરના હાથમાં કમળ પુષ્પ છે. નવરાત્રિના નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની ઉપાસના કરવી અતિઉત્તમ છે. મા સિદ્ધિદાત્રીનું ધ્યાન કરવાથી નિર્વાણચક્ર જાગૃત થઈ જાય છે. નવરાત્રિના નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા અને આરાધના કરવાથી યશ, બળ અને ધનની પ્રાપ્તિ થાય છે.

ઉમાપતિ ભગવાન મહાદેવે પણ મા સિદ્ધિદાત્રીની કૃપાથી તમામ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. મા સિદ્ધિદાત્રીની કૃપાથી ભગવાન શિવજીનું અડધું શરીર દેવીનું થયું હતું. અને એટલા માટે જ શિવ અર્ધનારેશ્વર તરીકે ઓળખાયા. મા સિદ્ધિદાત્રી એટલે સિદ્ધિઓ આપનારા માતાજી. મા સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાથી ભક્તના જીવનમાં સુખ આવે છે અને તેના અઘરામાં અઘરા કામો પાર પડે છે. સાચા મનથી જો મા સિદ્ધિદાત્રીની પૂજાઅર્ચના અને આરાધના કરવામાં આવે તો અષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે અને સાથે જ માની આરાધના કરતા ભક્તની લૌકિક અને પરલૌકિક, તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મા સિદ્ધિદાત્રીની પૂજાઆરાધના કરવાથી શરીરમાં શુભ તત્વોની વૃદ્ધિ થાય છે અને શરીરમાં રહેલા ખરાબ તત્વો બહાર નીકળી જાય છે. મા સિદ્ધિદાત્રીની આરાધના કરવાથી આપણા અંતરાત્મામાં દિવ્યતા અને પવિત્રતાનો સંચાર થાય છે જેના કારણે આપણે આપણી તૃષ્ણાઓ અને વાસનાઓને નિયંત્રિત કરવામાં સફળ રહીએ છીએ અને જીવનમાં સંતુષ્ટિની અનુભૂતિ થાય છે. માતાજીનું દૈદીપ્યમાન સ્વરૂપ આપણી સુષુપ્ત માનસિક શક્તિઓને જાગૃત કરીને આપણને પોતાના પર નિયંત્રણ કરવાની શક્તિ અને સામર્થ્ય પ્રદાન કરે છે. આજના દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા અને આરાધના તેમ જ ઉપાસના કરવાથી આપણી અનિયંત્રિત મહત્વકાંક્ષાઓ પૂરી થાય છે અને મા પોતાના ભક્તોના અસંતોષ, આળસ, ઈર્ષા, પ્રદોષ-દર્શન, પ્રતિશોધ સહિતની દુર્ભાવનાઓ અને દુર્બળતાઓનો નાશ કરી ભક્તના જીવનમાં સદગુણોનો વિકાસ કરે છે.

મા સિદ્ધિદાત્રીની આરાધના માટેનો મંત્ર

या देवी सर्वभू‍तेषु माँ सिद्धिदात्री रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।

મા સિદ્ધિદાત્રીનું ધ્યાન
वन्दे वांछित मनोरथार्थ चन्द्रार्घकृत शेखराम्।
कमलस्थितां चतुर्भुजा सिद्धीदात्री यशस्वनीम्॥

स्वर्णावर्णा निर्वाणचक्रस्थितां नवम् दुर्गा त्रिनेत्राम्।
शख, चक्र, गदा, पदम, धरां सिद्धीदात्री भजेम्॥

पटाम्बर, परिधानां मृदुहास्या नानालंकार भूषिताम्।
मंजीर, हार, केयूर, किंकिणि रत्नकुण्डल मण्डिताम्॥

प्रफुल्ल वदना पल्लवाधरां कातं कपोला पीनपयोधराम्।
कमनीयां लावण्यां श्रीणकटि निम्ननाभि नितम्बनीम्॥

મા સિદ્ધિદાત્રીનો સ્તોત્ર પાઠ

कंचनाभा शखचक्रगदापद्मधरा मुकुटोज्वलो।
स्मेरमुखी शिवपत्नी सिध्दिदात्री नमोअस्तुते॥

पटाम्बर परिधानां नानालंकारं भूषिता।
नलिस्थितां नलनार्क्षी सिद्धीदात्री नमोअस्तुते॥

परमानंदमयी देवी परब्रह्म परमात्मा।
परमशक्ति, परमभक्ति, सिध्दिदात्री नमोअस्तुते॥

विश्वकर्ती, विश्वभती, विश्वहर्ती, विश्वप्रीता।
विश्व वार्चिता विश्वातीता सिध्दिदात्री नमोअस्तुते॥

भुक्तिमुक्तिकारिणी भक्तकष्टनिवारिणी।
भव सागर तारिणी सिध्दिदात्री नमोअस्तुते॥

धर्मार्थकाम प्रदायिनी महामोह विनाशिनी।
मोक्षदायिनी सिद्धीदायिनी सिध्दिदात्री नमोअस्तुते॥

વધતી ઉંમર મારાં જીવન પ્રત્યેના ઉત્સાહને ઘટાડતી નથીઃ લતા મંગેશકર

સુર સામ્રાજ્ઞી લતા મંગેશકર આજે એમનો 88મો જન્મદિવસ ઊજવી રહ્યાં છે. એમનું કહેવું છે કે એમની વધતી જતી ઉંમર જીવન પ્રત્યે એમનાં ઉત્સાહને જરાય માઠી અસર પહોંચાડતી નથી. આવતીકાલ વધારે સારી હશે એવી જ તેઓ હંમેશાં આશાં રાખે છે.

લતાજીએ કહ્યું છે, ‘બહુ થયું… તમને કેવું લાગે છે… તમે હવે ગીત કેમ નથી ગાતાં… નવા ગાયકોમાં તમારા મનપસંદ કોણ… તમે તમારાં બહેન (આશા ભોસલે)ને શા માટે નથી મળતાં… અરે ભાઈ, આ બધાંનો જવાબ દેવાઈ ચૂક્યો છે.’

લતાજીએ વધુમાં કહ્યું છે, સારા સમયની મજેદાર વાત કરો.

પોતાની ઉંમર વિશે સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરે કહ્યું કે, મને ઉંમરનો જરાય ખ્યાલ આવતો નથી. હું આજે પણ યુવા હોવાની અનુભૂતિ કરું છું. મેં ક્યારેય મુશ્કેલીઓ સામે હાર માની નથી. સમસ્યાઓ તો દરેકનાં જીવનનો એક હિસ્સો હોય છે. હું જ્યારે યુવાન હતી ત્યારે સંઘર્ષ કરતી હતી, ત્યારે પણ હું આનંદપૂર્વક એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયોમાં જતી હતી, જ્યાં કિશોરદા અને મુકેશ જેવા ગાયકો સંઘર્ષ કરનારાઓ મળતા હતા.

કોકિલકંઠી લતાજીએ કહ્યું કે, એ બહુ સરસ સમય હતો. એવું ક્યારેક બનતું કે મારે આખો દિવસ ભૂખ્યાં રહેવું પડતું હતું, મારાં પર્સમાં પૈસા પણ ન હોય, તે છતાં દિલમાં એક આશા રહેતી હતી કે ભવિષ્ય ભલે આજે ગમે તેટલું કઠિન જણાય છે, પણ આવતીકાલ વધારે સારી હશે.

હીર રાંઝા ફિલ્મમાં મદન મોહન દ્વારા સંગીતબદ્ધ હીર… ગીત અને ઈશ્ક પર જોર નહીં ફિલ્મમાં સચિન દેવ બર્મનનાં ‘તુમ મુઝસે દૂર ચલે જાના ના’ જેવા ગીતોનાં રેકોર્ડિંગ વખતે ત્યાં હાજર ઘણાં લોકો રડી પડ્યાં હતાં. એ વાતને યાદ કરતાં લતાજીએ કહ્યું કે, એ સાચું છે. મારાં સિવાય ત્યાં બધાં રડતા હતા. હું ભાવુક ગીતો ગાતી વખતે ક્યારેય રડી નહોતી. મને કાયમ હાસ્ય પસંદ આવ્યું છે. ભગવાન હંમશાં દયાળુ રહ્યા છે. હા એટલું છે કે, મારાં પિતા અને માતાનાં નિધન બાદ એમને ગુમાવ્યાનાં દુઃખમાં હું ખૂબ રડી હતી.

httpss://www.youtube.com/watch?v=mx_Axcrzuso

પોતાનાં જન્મદિન નિમિત્તે શુભેચ્છા આપનાર તમામ લોકોનો લતા મંગેશકરે આભાર માન્યો છે.

બોલીવૂડનાં સિતારાઓએ આપ્યાં અભિનંદન… શુભેચ્છા

સંગીતકાર શંકર મહાદેવન અને અભિનેત્રી શ્રીદેવી સહિત બોલીવૂડની અનેક હસ્તીઓએ લતા મંગેશકરને એમનાં જન્મદિન નિમિત્તે અભિનંદન આપ્યાં છે અને એમને મહાન તથા સંગીતનાં દેવી તરીકે ઓળખાવ્યાં છે.

શ્રીદેવીઃ દીદીને શુભેચ્છા. આપ ભારતનું દુર્લભ ઘરેણું છો. હું તમારાં સારાં સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે શુભકામના કરું છું.

શંકર મહાદેવનઃ તમે સૌથી મહાન છો અને રહેશો. માતા સરસ્વતી લતા મંગેશકરને જન્મદિવસનાં અભિનંદન.

શબાના આઝમીઃ અમે નસીબદાર છીએ કે અમે એ દુનિયામાં છીએ જ્યાં લતા મંગેશકર રહે છે. લતાજીને જન્મદિવસનાં અભિનંદન.

મધુર ભંડારકરઃ સંગીતનાં દેવી અને અમારાં પ્યારાં દીદી લતા મંગેશકરને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. તમારાં દિર્ઘાયુષ્યની શુભકામના.

વિશાલ દદલાનીઃ હેપ્પી બર્થડે લતા મંગેશકરજી. ઈન્ડિયન આઈડલ જૂનિયરમાં પ્રસ્તુતિ કરનારા બાળકો કામ તમારાં પ્રોત્સાહનને યાદ રાખશે.

શાનઃ લતાજીને જન્મદિવસનાં ખૂબ ખૂબ અભિનંદન.

ફરહાન અખ્તરઃ પ્યાર, સમ્માન અને કૃતજ્ઞતા સાથે આપનાં સારાં સ્વાસ્થ્ય અને આનંદની શુભેચ્છા.

httpss://youtu.be/5i160jmz6JI