વધતી ઉંમર મારાં જીવન પ્રત્યેના ઉત્સાહને ઘટાડતી નથીઃ લતા મંગેશકર

સુર સામ્રાજ્ઞી લતા મંગેશકર આજે એમનો 88મો જન્મદિવસ ઊજવી રહ્યાં છે. એમનું કહેવું છે કે એમની વધતી જતી ઉંમર જીવન પ્રત્યે એમનાં ઉત્સાહને જરાય માઠી અસર પહોંચાડતી નથી. આવતીકાલ વધારે સારી હશે એવી જ તેઓ હંમેશાં આશાં રાખે છે.

લતાજીએ કહ્યું છે, ‘બહુ થયું… તમને કેવું લાગે છે… તમે હવે ગીત કેમ નથી ગાતાં… નવા ગાયકોમાં તમારા મનપસંદ કોણ… તમે તમારાં બહેન (આશા ભોસલે)ને શા માટે નથી મળતાં… અરે ભાઈ, આ બધાંનો જવાબ દેવાઈ ચૂક્યો છે.’

લતાજીએ વધુમાં કહ્યું છે, સારા સમયની મજેદાર વાત કરો.

પોતાની ઉંમર વિશે સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરે કહ્યું કે, મને ઉંમરનો જરાય ખ્યાલ આવતો નથી. હું આજે પણ યુવા હોવાની અનુભૂતિ કરું છું. મેં ક્યારેય મુશ્કેલીઓ સામે હાર માની નથી. સમસ્યાઓ તો દરેકનાં જીવનનો એક હિસ્સો હોય છે. હું જ્યારે યુવાન હતી ત્યારે સંઘર્ષ કરતી હતી, ત્યારે પણ હું આનંદપૂર્વક એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયોમાં જતી હતી, જ્યાં કિશોરદા અને મુકેશ જેવા ગાયકો સંઘર્ષ કરનારાઓ મળતા હતા.

કોકિલકંઠી લતાજીએ કહ્યું કે, એ બહુ સરસ સમય હતો. એવું ક્યારેક બનતું કે મારે આખો દિવસ ભૂખ્યાં રહેવું પડતું હતું, મારાં પર્સમાં પૈસા પણ ન હોય, તે છતાં દિલમાં એક આશા રહેતી હતી કે ભવિષ્ય ભલે આજે ગમે તેટલું કઠિન જણાય છે, પણ આવતીકાલ વધારે સારી હશે.

હીર રાંઝા ફિલ્મમાં મદન મોહન દ્વારા સંગીતબદ્ધ હીર… ગીત અને ઈશ્ક પર જોર નહીં ફિલ્મમાં સચિન દેવ બર્મનનાં ‘તુમ મુઝસે દૂર ચલે જાના ના’ જેવા ગીતોનાં રેકોર્ડિંગ વખતે ત્યાં હાજર ઘણાં લોકો રડી પડ્યાં હતાં. એ વાતને યાદ કરતાં લતાજીએ કહ્યું કે, એ સાચું છે. મારાં સિવાય ત્યાં બધાં રડતા હતા. હું ભાવુક ગીતો ગાતી વખતે ક્યારેય રડી નહોતી. મને કાયમ હાસ્ય પસંદ આવ્યું છે. ભગવાન હંમશાં દયાળુ રહ્યા છે. હા એટલું છે કે, મારાં પિતા અને માતાનાં નિધન બાદ એમને ગુમાવ્યાનાં દુઃખમાં હું ખૂબ રડી હતી.

httpss://www.youtube.com/watch?v=mx_Axcrzuso

પોતાનાં જન્મદિન નિમિત્તે શુભેચ્છા આપનાર તમામ લોકોનો લતા મંગેશકરે આભાર માન્યો છે.

બોલીવૂડનાં સિતારાઓએ આપ્યાં અભિનંદન… શુભેચ્છા

સંગીતકાર શંકર મહાદેવન અને અભિનેત્રી શ્રીદેવી સહિત બોલીવૂડની અનેક હસ્તીઓએ લતા મંગેશકરને એમનાં જન્મદિન નિમિત્તે અભિનંદન આપ્યાં છે અને એમને મહાન તથા સંગીતનાં દેવી તરીકે ઓળખાવ્યાં છે.

શ્રીદેવીઃ દીદીને શુભેચ્છા. આપ ભારતનું દુર્લભ ઘરેણું છો. હું તમારાં સારાં સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે શુભકામના કરું છું.

શંકર મહાદેવનઃ તમે સૌથી મહાન છો અને રહેશો. માતા સરસ્વતી લતા મંગેશકરને જન્મદિવસનાં અભિનંદન.

શબાના આઝમીઃ અમે નસીબદાર છીએ કે અમે એ દુનિયામાં છીએ જ્યાં લતા મંગેશકર રહે છે. લતાજીને જન્મદિવસનાં અભિનંદન.

મધુર ભંડારકરઃ સંગીતનાં દેવી અને અમારાં પ્યારાં દીદી લતા મંગેશકરને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. તમારાં દિર્ઘાયુષ્યની શુભકામના.

વિશાલ દદલાનીઃ હેપ્પી બર્થડે લતા મંગેશકરજી. ઈન્ડિયન આઈડલ જૂનિયરમાં પ્રસ્તુતિ કરનારા બાળકો કામ તમારાં પ્રોત્સાહનને યાદ રાખશે.

શાનઃ લતાજીને જન્મદિવસનાં ખૂબ ખૂબ અભિનંદન.

ફરહાન અખ્તરઃ પ્યાર, સમ્માન અને કૃતજ્ઞતા સાથે આપનાં સારાં સ્વાસ્થ્ય અને આનંદની શુભેચ્છા.

httpss://youtu.be/5i160jmz6JI