Home Blog Page 5640

પાટીદારો સામે થયેલા 450 જેટલા કેસ સરકાર પાછા ખેંચશે

અમદાવાદઃ થોડા સમય પહેલાં સરકાર અને પાટીદાર અગ્રણીઓ વચ્ચે ગાંધીનગર ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારે બિનઅનામત આયોગ લાવવા અંગે કહ્યું હતું જેને સરકાર દ્વારા મંજૂરી મળી ગઈ છે. મહત્વનું છે આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પાટીદાર વોટબેંકને સાચવી લેવા માટે બેઠકમાં નક્કી થયા મુજબ સરકારે પાટીદારો પર લાગેલા 450 જેટલા કેસ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. આ માટે જે તે શહેરના સરકારી વકીલ કોર્ટમાં તેમનો આધારભૂત રીપોર્ટ આપવામાં આવશે. જો કે કાયદા વિભાગે આ અંગેની કવાયત પણ શરૂ કરી દીધી છે.

મહત્વનું છે કે ઘણા લાંબા સમયથી પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે. સરકાર સાથે પાટીદારો દ્વારા કરવામાં આવેલી બાદ પણ કોઈ આ મુદ્દે કોઈ નિકાલ આવ્યો નહોતો. પરંતુ વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ સરકારે બિન અનામત આયોગની જાહેરાત કરી દિધી છે.

તો આ સિવાય સરકારે મૃત્યુ પામેલા પાટીદાર યુવકોના પરિજનોને સહકારી સંસ્થાઓમાં નોકરી આપવાની પણ તૈયારી દર્શાવી છે. સરકાર અને પાટીદાર આગેવાનો વચ્ચે જે બેઠક થઈ હતી સરકારે પાટીદારો પર થયેલા કેસો પાછા ખેંચી લેવા માટે બાંહેધરી આપી હતી. સરકારે આપેલી બાંહેંધરી અનુસાર તે દિશામાં કામગિરી કરવાનું શરૂ કરી દીધું છે.

ગરબામાં ઉભી કરી ગ્રામ્ય સંસ્કૃતિ..

ભારત દેશ ગામડાંઓનો બનેલો દેશ છે. ખેતી અને સંલગ્ન  અન્ય કામ કરાતા ગ્રામ્ય જીવનમાંથી હવે લોકો શહેર તરફ દોટ મુકી રહ્યા છે. ગામડાં ઓનું પણ શહેરીકરણ થઇ રહ્યું છે, એટલે નવી પેઢીને ગ્રામ્ય જીવન શું છે..એ સમજાય એ હેતુ થી ગરબા મહોત્સવમાં ગામડું ઉભુ કરાયું. સોલા વિસ્તારમાં આવેલી ઉમાસ્તુતી સોસાયટીમાં બાળકો અને બહેનોએ ભેગા મળી ગરબાના સ્થળે જ એક નાના ગામમાં જોવા મળતી ચીજ વસ્તુઓ સુંદર રીતે સજાવીને મુકી, સાથે 100 કિલો કરતાં પણ વધારે ફૂલો લાવી આખાય ચોકને રંગોળી થી સજાવ્યો હતો.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)

ત્રણ દિવસની રજા અગાઉ શેરબજારમાં નફારૂપી વેચવાલી

અમદાવાદ– શેરબજારમાં આજે શુક્રવારે બે તરફી વધઘટે સામાન્ય સુધારો રહ્યો હતો. દરેક ઊંચા મથાળે વેચવાલી આવતી હતી, જેથી માર્કેટ વધ્યા મથાળેથી પાછુ પડ્યું હતું. એફઆઈઆઈ નેટ સેલર હતી. તેમજ સામે સ્થાનિક નાણા સંસ્થાઓની ટેકારૂપી લેવાલીને કારણે માર્કેટ ટકી ગયું હતું. શેરબજારમાં ત્રણ દિવસની રજા એટલે કે શનિ, રવિ અને સોમવારે બીજી ઓકટોબરને ગાંધી જયંતિની રજા હોવાથી પણ સાવચેતીનું વાતાવરણ જોવા મળ્યું હતું. જેથી બે બાજુના કામકાજ વચ્ચે શેરોના ભાવ અને ઈન્ડેક્સ બે બાજુની વધઘટમાં અથડાયા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 1.24 વધી 31,283.72 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 19.65(0.20 ટકા) વધી 9788.60 બંધ થયો હતો.

એશિયાઈ સ્ટોક માર્કેટના પોઝિટિવ અહેવાલોને પગલે સવારે ભારતીય શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા ખુલ્યા હતા. શરૂમાં ટેકારૂપી લેવાલીથી ઈન્ડેક્સ વધુ વધ્યો હતો. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા, તેમ છતાં ભારતીય શેરોમાં વધ્યા મથાળે વેચવાલી ફરી વળી હતી. જેથી આવેલો સુધારો ધોવાઈ ગયો હતો.

  • ગુરુવારે એફઆઈઆઈએ રૂપિયા 5328 કરોડનું નેટ સેલીંગ કર્યું હતું, સામે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 5196 કરોડની ખરીદી કરી હતી.
  • ગેસની કીમતોમાં વધારો થવાની સંભાવના પાછળ ગેઈલમાં ભારે લેવાલીથી 5.75 ટકાનો ઉછાળો આવ્યો હતો.
  • આજે એફએમસીજી, આઈટી અને ટેકનોલોજી સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી ઈન્ડેક્સ માઈનસ બંધ હતા.
  • રોકડાના શેરોમાં પણ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, તેમ છતાં બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 126.72 પલ્સ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેકસ 174.16 ઊંચકાયો હતો.
  • દેશમાં ચોમાસું સમાપ્ત થવાને આરે છે. પણ ઉત્તર ભારત, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ફરીથી વરસાદ આવ્યાના સમાચાર છે. આ વર્ષે દેશમાં અંદાજે સરેરાશ 6 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ભારતના કર્ણાટક અને તેલંગાણામાં ઓછા વરસાદથી સ્થિતી ચિંતાજનક છે.
  • આઈએફસીઆઈએ નોન-કોર એસેટ્સ વેચવાની શરૂઆત કરી છે. આઈએફસીઆઈએ ટુરિઝમ ફાયનાન્સમાં 24 ટકા હિસ્સો રૂપિયા 155.50 પ્રતિશેરના ભાવે વેચ્યો છે.

ભારતને સ્વાઈન ફ્લૂથી મુક્ત કરીયેનો સંદેશો

અમદાવાદના હાટકેશ્વરમાં આવેલ અર્ચના અને ઉદ્દગમ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ગરબે ઘૂમીને લોકોને અપીલ કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાના હાથમાં સ્લોગનના પ્લે બોર્ડ રાખ્યા હતાં, જેમા સમાજને અપીલ કરાઈ હતી કે આપણે સ્વાઈન ફ્લૂથી મુક્ત બનાવીએ… મતદાન અવશ્ય કરજો… હું 18 વર્ષની થઈ છું, મતદાન જરૂર કરીશ… આ ગરબામાં ચૂંટણી અધિકારી નોડલ ઓફિસર રોનક મોદી અને ભરત કટારા હાજર રહ્યા હતા, અને વિદ્યાર્થીઓના આ કાર્યને બિરદાવ્યું હતું.

દિવાળીમાં હિટ રહેશે આ ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઈલ

હેવારની મોસમ ચાલી રહી છે. ત્યારે હર કોઈ ઈચ્છે કે પોતે બધાથી અલગ અને હટકે દેખાય. અને તેના માટે તૈયારીઓ પણ શરૂ થઇ ગઈ હશે. જોકે આ દિવાળીમાં તમે શું પહેરશો, હજી એની મૂંઝવણ હોય તો કોઈ ચિંતા નહીં… આ દિવાળીમાં કઈ સ્ટાઈલના ડ્રેસ તમને ખાસ લૂક આપશે તે જોઈશું આ આર્ટિકલમાં.

આજકાલ હવે સંપૂર્ણ ઇન્ડિયન લૂકની જગ્યાએ, ઇન્ડો-વેસ્ટર્ન અને કન્ટેમ્પરરી લૂકની વધુ બોલબાલા છે. કોઈ પણ ઉંમરની મહિલા કે યુવતી હોય પણ ઇન્ડિયન સ્ટાઈલ કપડાંમાં વેસ્ટર્ન ટચ આજે સૌ કોઈને પસંદ છે. ત્યારે અહીં દિવાળી’17માં કયા લૂક હોટ ફેવરિટ રહેશે તેના પર કરીએ નજર…

સિગરેટ પેન્ટ-કૂર્તા

ફેશનની દુનિયામાં ખૂબ ઝડપથી બદલાવ આવતો રહે છે. દર 5-6 મહીને તમારા વોર્ડરોબને અપડેટ કરવાની ઈચ્છા થાય. તમને એવું લાગે કે એમાંની ઘણી સ્ટાઈલ જાણે કે જૂની થઇ ગઈ છે. માત્ર ટોપ કે કૂર્તામાં જ નહીં, પરંતુ બોટમવેરમાં પણ હવે ઘણી વિવિધતા જોવા મળે છે. સલવાર, ચૂડીદાર, પલાઝો, સ્કર્ટ સિવાય સિગરેટ પેન્ટ આજકાલ ‘ઇન’ ગણાય છે.

 

આ દિવાળીમાં સિગરેટ પેન્ટ ‘હોટ’ ફેવરિટ રહેશે. સિગરેટ પેન્ટની સાથે કૂર્તીબેસ્ટ લૂક આપે છે. તેકૂર્તી અને પેન્ટની સાથે તમે દુપટ્ટો પણ રાખી શકો છો.

સિગરેટ પેન્ટની ખાસિયત એ છે કે તે તમને મોડર્ન અને સ્ટાઈલિશ લૂક આપે છે તો સાથે જ કૂર્તી હોવાથી ટ્રેડીશનલ ટચ પણ મળશે.

 

જોકે સિગરેટ પેન્ટની સાથે શોર્ટ કૂર્તા પહેરવામાં આવે છે અથવા તો વધુમાં વધુ ઢીંચણ સુધીની લંબાઈના. કૂર્તા સાથે કોન્ટ્રાસ્ટ પેન્ટ, કોઈ પણ ડીનર કે આઉટીંગ માટે ચાલી શકે. જ્યારે કે કોઈ પ્રસંગમાં સિગરેટ પેન્ટ પહેરવું હોય તો તેના પરનો કૂર્તો હેવી લૂકનોરાખવોઅને સાથે દુપટ્ટો. પણ જો લૂક સાદો અને સરળ જોઈતો હોય તો કૂર્તાના કલરનું જ સિગરેટ પેન્ટ રાખવું.

જો કોઈ લગ્ન પ્રસંગે સિગરેટ પેન્ટ પહેરવું હોય તો તેની સાથે લોંગ જેકેટ બેસ્ટ લૂક આપે છે.

જો તમારી હાઈટ વધારે છે તો લોંગ જેકેટ અને સિગરેટ પેન્ટ તમારા માટે છે શ્રેષ્ઠ વિકલ્પ.

 

ધોતી સ્ટાઈલ કૂર્તી

ધોતી એટલે પુરુષોનું પરિધાન જ મનાય એ સમય તો ક્યારનો જતો રહ્યો. ધોતી હવે ફીમેલ વોર્ડરોબનો પણ ભાગ બની ગયો છે. ઇન્ડો-વેસ્ટર્ન લૂક માટે ધોતી સ્ટાઈલ કૂર્તી સારો વિકલ્પ છે.

ધોતી પેન્ટની સાથે ક્રોપ ટોપકે વેસ્ટર્ન ટોપ્સ તો પહેરાય જ છે. પણ હવે કંઇક અલગ લૂક માટે ધોતી સ્ટાઈલ કૂર્તા પર પસંદગી ઉતારી શકો છો. આ કૂર્તી સાથે લેગીંગ, જેગીંગ પહેરી શકાય છે તો એક ડ્રેસ તરીકે પણ તેને પહેરી શકો છો.

 

સામાન્ય રીતે ધોતી સ્ટાઈલ કૂર્તી હેવી લૂકની હોય છે અને એટલે જ તેની સાથે કોઈ નેકપીસ પહેરવા કરતાઝૂમકાતમારા લૂકને પરફેક્ટ બનાવશે.

તો ઘણી ધોતી સ્ટાઈલ કૂર્તા સાથે તમે દુપટ્ટો પણ રાખી શકો છો અથવા તો હવે દુપટ્ટા સ્ટાઈલના શ્રગ ધરાવતી કૂર્તી જ પહેરી શકો છો.

 

 

જોકે આ સ્ટાઈલની કૂર્તી પહેરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખો અને એ છે તમારું ફૂટવેર. ધોતીકુર્તીની સાથે ઉંચી હિલ્સ પસંદ કરવી.

 

 

 

ક્રોપ ટોપ અને સ્કર્ટ

 

ઘણાં સમયથી ક્રોપ ટોપ અને સ્કર્ટ ખાસ્સા ટ્રેન્ડમાં છે.

ત્યારે આ દિવાળીમાં ક્રોપ ટોપ અને હેવી વર્કવાળા સ્કર્ટ પણ હટકે અને ફેશનેબલ લૂક આપશે. આ ફેશન ટ્રેન્ડ ખૂબ આરામદાયક છે.

 

 

 

 

નોટબંધીઃ બેંકોમાં જમા કરાયેલા બેહિસાબી નાણાં પર વસૂલાશે ટેક્સ

મુંબઈઃ સીબીડીટીના ચીફે અધિકારીઓએ જણાવ્યું છે કે નોટબંધી બાદ ત્રણ લાખ કરોડ રૂપિયાની જે ડિપોઝિટ મામલે સંતોષજનક જવાબ નથી મળ્યાં તેમના પર ટેક્સ વસૂલ કરવામાં આવે.સીબીડીટીના ચેરમેન સુશીલ ચંદ્રાએ હમણા જ એક વિડિયો કોન્ફન્સ દ્વારા ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના સીનિયર અધિકારીઓને આ મેસેજ આપ્યો છે. જો 3 લાખ કરોડ આવી ડિપોઝીટ વિશે માહિતી મળી જાય તો ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધી જશે, જેના કારણે સુસ્ત ઈકોનોમીવાળા આ દોરમાં સરકારને રાહત મળશે. કેંદ્ર આ દ્વારા નોટબંધી સફળ થવાનો દાવો પણ કરી શકે છે જેના કારણે વિપક્ષી દળ આર્થિક વિકાસ દરમાં થયેલા ઘટાડાને કારણ બતાવી રહ્યાં છે.

જે લોકો નોટબંધી બાદ બેંકોમાં જમા કરવામાં આવેલી રકમના સ્ત્રોત અંગે સંતોષજનક જવાબ નથી આપી શક્યાં તેવા લોકો માટે ટેક્સ અધિકારી કડકાઈ અપનાવી શકે છે. તેઓ તે રકમ પર 60 ટકા જેટલો ટેક્સ લગાવી શકે છે. જો કે આ કામ કેસ ટુ કેસ બેઝિસ પર કરવાનું રહેશે જેમાં લાંબો સમય લાગી શકે છે. સીબીડીટીના પ્રવક્તાએ જણાવ્યું કે ચેરમેને અધિકારીઓને 2017-18ના ટેક્સ કલેક્શનના બજેટ એસ્ટિમેટને પૂરું કરવા માટે કામ કરવાના નિર્દેશો આપ્યા છે. એક વર્ષ પહેલાંથી જ 15.3 ટકાથી વધારે ટેક્સ કલેક્શન છે.

વિદ્યા બાલનનો થયો એક્સિડન્ટ, માંડ બચી વિદ્યા

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ વિદ્યા બાલનનો મુંબઈમાં એક્સિડન્ટ થયો હતો. તે એક મીટિંગ માટે બાંદ્રા જઈ રહી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એક કાર વિદ્યાની કાર સાથે અથડાતાં એક્સિડન્ટ થયો હતો. આ અકસ્માતમાં વિદ્યાની કાર પૂરી રીતે લોસ થઈ ગઈ છે. જો કે સદનસીબની વાત એ છે કે વિદ્યા બાલનને કોઈ ઈજા પહોંચી નથી તે સંપૂર્ણ સુરક્ષિત છે.

આપને જણાવી દઈએ કે વિદ્યા બાલને થોડા સમય પહેલા જ તુમ્હારી સુલુ ફિલ્મનુ શુટીંગ પુરૂ કર્યું છે. સુરેશ ત્રિવેણીના નિદર્શનમાં બની રહેલી આ ફિલ્મ વિદ્યા એક નાઈટ જોકીનો રોલ કરી રહી છે. તો વિદ્યાના પતિના રોલમાં માનવ કોલ છે. તો નેહા ધુપીયા પણ આ ફીલ્મમાં રોલ પ્લે કરી રહી છે જે વિદ્યા બાલનની બોસ રૂપે ફિલ્મમાં જોવા મળશે.

પંજાબી શાક

પંજાબી શાક કરવું છે અને ટમેટાં મોંઘા થઈ ગયા છે? કંઈ વાંધો નહિ. તમે જ્યારે કાંદાની ગ્રેવી સાંતળો છો, ત્યાર પછી મસાલો સાંતળીને ટમેટાંની જગ્યાએ દહીં વલોવીને નાંખી દો. શાક સ્વાદિષ્ટ બનશે.

 

કાર્ડ સ્વાઇપથી 3800 કરોડ રુપિયાનું નુકસાનઃ SBI

નવી દિલ્હીઃ અગ્રણી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કાર્ડ સ્વાઇપ પેમેન્ટના લીધે 3800 કરોડનું નુકસાન થયું છે. નોટબંધી પછી પીઓએસ દ્વારા નાણાંની ચૂકવણીની પદ્ધતિ લવાઇ હતી. કેશલેસ યોજનાને ઉત્તેજન આપવા માટે ડેબિટ-ક્રેડિટ કાર્ડથી લોકો ઓનલાઇન મની ટ્રાન્ઝેક્શન તરફ વળે તે માટે આમ કરવામાં આવ્યું હતું.

પીઓએસના કારણે કાર્ડ ટ્રાન્ઝેક્શન વધ્યું પરંતુ એમડીઆર, કાર્ડનો ઓછો વપરાશ અને નબળાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે બેંકોને મોટું નુકસાન ઉઠાવવું પડ્યું છે. ગયા જાન્યુઆરીમાં બેંકોએ ખરીદેલાં પીઓએસની સંખ્યા 13.8 લાખ હતી તે આ વર્ષના જુલાઇ સુધીમાં 28 લાખ પહોંચી ગઇ છે.

સરકારે પીઓએસ વાપરવા માટે પ્રોત્સાહન આપ્યું છે અને બેંકોએ પણ મોટી સંખ્યામાં આ મશીન મૂક્યાં છે.પરંતુ તેનો લાભ બેંકોને તો જ મળે જો પીઓએસ ટ્રાન્સઝેક્શનમાં વધારો થાય.હજુ પણ મોટાભાગના લોકો એટીએમનો ઉપયોગ કરે છે.જેના કારણે બેંકોને નુકસાન થતું હોવાનું કહેવાયું છે. એસબીઆઈના અનુમાન પ્રમાણે ઇન્ટર બેન્ક ટ્રાન્ઝેક્શનથી પીઓએસ ટર્મિનલ પર 4,700 કરોડ રુપિયાનું નુકસાન થયું છે. તેમાંથી જો એક જ બેંકમાં થયેલાં પીઓએસ ટ્રાન્ઝેક્શનને ઘટાડી લઇએ તો પણ કુલ નુકસાન 3,800 કરોડ રુપિયાનું થયું છે.

નોંધપાત્ર છે કે કેટલાક દિવસ પહેલાં એસબીઆઇએ ચૂકવણી પદ્ધતિમાં ભારત QR ના સંકલનની જાહેરાત કરી હતી. એસબીઆઇ દ્વારા રજૂ કરાયેલ આ ટેકનિક દ્વારા, એસબીઆઇ કાર્ડધારક એસબીઆઇ કાર્ડ મોબાઇલ એપ્લિકેશનમાં ‘સ્કેન અને પે’ ફંક્શન દ્વારા QR કોડ આધારિત ચૂકવણી કરી શકે છે. ભારત QR કોડ ચૂકવણી વિકલ્પ સાથે, કાર્ડધારકો પીઓએસ અને ઓનલાઇન પર ભૌતિક કાર્ડનો ઉપયોગ કર્યા વિના વ્યવહારો કરી શકે છે

મુંબઈમાં એલફિન્સ્ટન રોડ રેલવે સ્ટેશનના ફૂટ ઓવરબ્રિજ પર નાસભાગમાં 22નાં મોત

મુંબઈ – અત્રે પશ્ચિમ રેલવે વિભાગના લોકલ નેટવર્ક પરના રેલવે સ્ટેશન એલફિન્સ્ટન રોડ, કે જેનું નામ હવે પ્રભાદેવી કરવામાં આવ્યું છે, તેને અને બાજુના મધ્ય રેલવેના પરેલ રેલવે સ્ટેશનને જોડતા ખૂબ સાંકડા એવા એક ફૂટઓવર બ્રિજ પર આજે સવારે ધસારાના સમયે પ્રચંડ ધક્કામુક્કી અને નાસભાગ થતાં ઓછામાં ઓછા 22 જણનાં કરૂણ મરણ નિપજ્યા છે. આ દુર્ઘટનામાં બીજાં 32 જણ ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની કેઈએમ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અનેક ઘાયલની હાલત ગંભીર છે.

આ ઘટના સવારે 10.30 વાગ્યે બની હતી. એ વખતે વરસાદનું જોરદાર મોટું ઝાપટું આવ્યું હતું, પરિણામે લોકો વરસાદથી બચવા માટે પૂલ પર ઊભાં રહી ગયા હતા. એ સમય દરમિયાન બંને સ્ટેશન પર ચાર લોકલ ટ્રેનો આવી પડતાં પ્રવાસીઓની ખૂબ ભીડ જમા થઈ હતી. એમાં કોઈક મોટો અવાજ આવતાં એવી બૂમાબૂમ થઈ હતી કે બ્રિજ પર શોર્ટસર્કિટ થયું છે. પરિણામે લોકોએ નાસભાગ કરી મૂકી હતી. ફક્ત 10-15 મિનિટમાં કરૂણાંતિકા સર્જાઈ હતી. નાસભાગમાં 18 પુરુષો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે.

ઈજા પામેલા અને સારવાર હેઠળનાં લોકોમાં 23 પુરુષો અને 9 મહિલાઓ છે.

ઈજાગ્રસ્તોને તરત જ પરેલની સરકારી કે.ઈ.એમ. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

નવી દિલ્હીમાં, રેલવે બોર્ડ દ્વારા આ ઘટનામાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

નાસભાગનું ખરું કારણ હજી જાણી શકાયું નથી, પણ નજરે જોનારાઓનો દાવો છે કે ઈલેક્ટ્રિકલ શોર્ટ-સર્કિટ થયાની અચાનક અફવા ફેલાતા પૂલ પર ઊભેલાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને એમણે નાસભાગ કરી મૂકી હતી. એમાં થયેલી ધક્કામુક્કીમાં લોકો એકબીજાં પર પડ્યાં હતાં અને ઘણાં કચડાઈ ગયા હતા.

બચાવ કામદારોની ટૂકડીઓ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં ટેક્સી ડ્રાઈવરો તથા અન્યોએ ઘાયલ થયેલા લોકોને ટેક્સીઓ તથા ટુ-વ્હીલર્સ પર બેસાડી હોસ્પિટલમાં લઈ જવામાં દદ કરી હતી.

દરેક મૃતકના પરિવારને પાંચ-પાંચ લાખનું વળતર

મહારાષ્ટ્ર સરકારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દરેક જણના નિકટના સ્વરજનને રૂ. પાંચ-પાંચ લાખ વળતરપેટે ચૂકવવાની તેમજ ઘાયલ થયેલાઓનો તબીબી ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી છે.

મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન વિનોદ તાવડેએ કહ્યું છે કે અમે આ વિનાશકારી દુર્ઘટના કયા સંજોગોમાં બની હતી તે વિશે તપાસનો આદેશ આપ્યો છે.

હજી આ મહિનાના આરંભમાં જ રેલવેપ્રધાન પદ સંભાળનાર પીયૂષ ગોયલ પશ્ચિમ રેલવે, મધ્ય રેલવે તથા હાર્બર લાઈન પર નવી અનેક ઉપનગરીય ટ્રેનોના શુભારંભ પ્રસંગે હાજરી આપવા આજે સવારે મુંબઈ પહોંચ્યા હતા, પરંતુ સવારે દુર્ઘટના બન્યા બાદ એમણે એ પ્લાન રદ કરી નાખ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીડિત પરિવારો પ્રતિ દિલસોજી વ્યક્ત કરી છે.

શિવસેનાએ આકરા પ્રત્યાઘાત આપ્યા છે અને ગોયલના રાજીનામાની માગણી કરી છે. પક્ષના રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું કે આ દુર્ઘટના એક હત્યાકાંડ છે. પીયૂષ ગોયલે એમના હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વરે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે રેલવે પ્રવાસીઓની સલામતીની જવાબદારી પશ્ચિમ રેલવેના સત્તાવાળાઓની છે.

  • ઘાયલોને કેઈએમ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
  • મરણાંક 22 થયો છે, પાંચ ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું
  • 32 જણ સારવાર હેઠળ છે.