મુંબઈમાં એલફિન્સ્ટન રોડ રેલવે સ્ટેશનના ફૂટ ઓવરબ્રિજ પર નાસભાગમાં 22નાં મોત

મુંબઈ – અત્રે પશ્ચિમ રેલવે વિભાગના લોકલ નેટવર્ક પરના રેલવે સ્ટેશન એલફિન્સ્ટન રોડ, કે જેનું નામ હવે પ્રભાદેવી કરવામાં આવ્યું છે, તેને અને બાજુના મધ્ય રેલવેના પરેલ રેલવે સ્ટેશનને જોડતા ખૂબ સાંકડા એવા એક ફૂટઓવર બ્રિજ પર આજે સવારે ધસારાના સમયે પ્રચંડ ધક્કામુક્કી અને નાસભાગ થતાં ઓછામાં ઓછા 22 જણનાં કરૂણ મરણ નિપજ્યા છે. આ દુર્ઘટનામાં બીજાં 32 જણ ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની કેઈએમ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અનેક ઘાયલની હાલત ગંભીર છે.

આ ઘટના સવારે 10.30 વાગ્યે બની હતી. એ વખતે વરસાદનું જોરદાર મોટું ઝાપટું આવ્યું હતું, પરિણામે લોકો વરસાદથી બચવા માટે પૂલ પર ઊભાં રહી ગયા હતા. એ સમય દરમિયાન બંને સ્ટેશન પર ચાર લોકલ ટ્રેનો આવી પડતાં પ્રવાસીઓની ખૂબ ભીડ જમા થઈ હતી. એમાં કોઈક મોટો અવાજ આવતાં એવી બૂમાબૂમ થઈ હતી કે બ્રિજ પર શોર્ટસર્કિટ થયું છે. પરિણામે લોકોએ નાસભાગ કરી મૂકી હતી. ફક્ત 10-15 મિનિટમાં કરૂણાંતિકા સર્જાઈ હતી. નાસભાગમાં 18 પુરુષો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે.

ઈજા પામેલા અને સારવાર હેઠળનાં લોકોમાં 23 પુરુષો અને 9 મહિલાઓ છે.

ઈજાગ્રસ્તોને તરત જ પરેલની સરકારી કે.ઈ.એમ. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

નવી દિલ્હીમાં, રેલવે બોર્ડ દ્વારા આ ઘટનામાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

નાસભાગનું ખરું કારણ હજી જાણી શકાયું નથી, પણ નજરે જોનારાઓનો દાવો છે કે ઈલેક્ટ્રિકલ શોર્ટ-સર્કિટ થયાની અચાનક અફવા ફેલાતા પૂલ પર ઊભેલાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને એમણે નાસભાગ કરી મૂકી હતી. એમાં થયેલી ધક્કામુક્કીમાં લોકો એકબીજાં પર પડ્યાં હતાં અને ઘણાં કચડાઈ ગયા હતા.

બચાવ કામદારોની ટૂકડીઓ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં ટેક્સી ડ્રાઈવરો તથા અન્યોએ ઘાયલ થયેલા લોકોને ટેક્સીઓ તથા ટુ-વ્હીલર્સ પર બેસાડી હોસ્પિટલમાં લઈ જવામાં દદ કરી હતી.

દરેક મૃતકના પરિવારને પાંચ-પાંચ લાખનું વળતર

મહારાષ્ટ્ર સરકારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દરેક જણના નિકટના સ્વરજનને રૂ. પાંચ-પાંચ લાખ વળતરપેટે ચૂકવવાની તેમજ ઘાયલ થયેલાઓનો તબીબી ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી છે.

મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન વિનોદ તાવડેએ કહ્યું છે કે અમે આ વિનાશકારી દુર્ઘટના કયા સંજોગોમાં બની હતી તે વિશે તપાસનો આદેશ આપ્યો છે.

હજી આ મહિનાના આરંભમાં જ રેલવેપ્રધાન પદ સંભાળનાર પીયૂષ ગોયલ પશ્ચિમ રેલવે, મધ્ય રેલવે તથા હાર્બર લાઈન પર નવી અનેક ઉપનગરીય ટ્રેનોના શુભારંભ પ્રસંગે હાજરી આપવા આજે સવારે મુંબઈ પહોંચ્યા હતા, પરંતુ સવારે દુર્ઘટના બન્યા બાદ એમણે એ પ્લાન રદ કરી નાખ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીડિત પરિવારો પ્રતિ દિલસોજી વ્યક્ત કરી છે.

શિવસેનાએ આકરા પ્રત્યાઘાત આપ્યા છે અને ગોયલના રાજીનામાની માગણી કરી છે. પક્ષના રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું કે આ દુર્ઘટના એક હત્યાકાંડ છે. પીયૂષ ગોયલે એમના હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વરે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે રેલવે પ્રવાસીઓની સલામતીની જવાબદારી પશ્ચિમ રેલવેના સત્તાવાળાઓની છે.

  • ઘાયલોને કેઈએમ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
  • મરણાંક 22 થયો છે, પાંચ ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું
  • 32 જણ સારવાર હેઠળ છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]